સજા

21 Feb, 2018
07:01 AM

કલ્પના દેસાઈ

PC: gstatic.com

‘બેન, આ પોઈરાં આપણા બગીચામાં ચોરી કરવા આવેલા.’

સાધનાએ ચોપડીમાંથી માથું ઊંચું કર્યું. જોયું તો ધનિયો બે નાનકડા છોકરાઓને બાંય ઝાલીને પકડી લાવેલો અને હવે એમને ગભરાવતો સામે ઊભો હતો. સાત આઠ વર્ષના બે ટેણિયા એમના શર્ટના ને લાંબી ચડ્ડીના ખિસ્સામાં કેરીના મરવા(ઝીણી કેરી) ભરીને દયામણી આંખે સાધના સામું જોઈ રહેલાં. હવે? આ બેન મારહે? ખીજવાહે? કે આ કાકાની પાંહે માર ખવડાવહે? બન્નેની આંખમાં દયાની ભીખ હતી ને સાથે આંસુની ઝાંય પણ ચમકતી હતી.

સાધનાની નજર સામે વરસો પહેલાંનું દ્શ્ય આવીને ખડું થઈ ગયું. એ જ્યાં ભણતી તે સ્કૂલના કમ્પાઉન્ડમાં પાછલા ભાગે બે આંબા હતા. સ્વાભાવિક છે કે કેરીને મોટી થવા દેવાની રાહ બાળકો તો ન જ જુએ. હજી તો મોર બેસે ત્યારથી જ રિસેસમાં સૌ બાળકો આંબાની ફરતે ફરતાં થઈ જતાં. અને મરવા ખરતાં જ વાર, વણીને ખિસ્સાં ભરવાની તો હોડ જ જામતી. એક વાર એના ક્લાસની બે છોકરીઓ બાથરૂમ જવાનું બહાનું કાઢીને કેરી તોડવા ઝાડ પર ચડી ગયેલી. પ્રિન્સિપાલે પોતાની ઓફિસમાંથી આ જોયું અને તરત જ બન્નેને સ્કૂલના મેદાનમાં બોલાવી આખી સ્કૂલ વચ્ચે ખૂબ અપમાનિત કરીને બહુ આકરી શિક્ષા કરેલી. બન્નેના ગળામાં ચોરેલી કેરીના હાર પહેરાવીને સૌની સામે ચોર બનાવી ઊભી કરેલી, એ દ્શ્ય એ બે છોકરીઓ તો જિંદગીભર નહીં જ ભૂલી હોય પણ સાધનાના દિલમાંથીય એ અપમાન નહોતું ભૂંસાયું. એની નજર સામે આ બે છોકરા નહીં પણ પેલી છોકરીઓ નીચું જોઈને ઊભી હતી. એણે આંખો બંધ કરી એ દ્શ્યને ફરી અંધારામાં ધકેલી દીધું.

પેલા બે છોકરા સાધનાને જોઈ રહેલા. સાધનાને તો બન્નેને જોવાની ગમ્મત આવતી હતી. મનના ભાવ છુપાવી, મોં પર કરડાકી લાવી સાધનાએ પૂછ્યું, ‘કોના છોકરા તમે? ક્યાં રહો છો?’

‘અરે બેન, આપણી પાછળના ઝૂંપડા છે ને તાંથી જ રોજ કેરી ચોરવા આવતા છે. ત્રાસ કરી મૂકેલો આ પોઈરાઓએ તો. આજે ઉં હંતાઈ રયલો એટલે ઝાડ પરથી ઉતરતાની હાથે જ પકડી પાઈડા. અવે એ લોકને એવી સજા કરો કે અંઈ આવતા જ ભૂલે. તમે કે’તા ઓ’ય તો બરડામાં બે બે સપાટા લગાવું, નીં તો ટાંટિયા જ ભાંગી લાખુ કે આવે જ નીં કોઈ દા’ડો ને ચોરીનું નામ જ નીં લેય બીજી વાર.’ ધનિયો બહુ મોટા ચોર પકડ્યાની બડાઈ મારતો હતો.

‘ધના, તું આ લોકો માટે પાણી ને થોડી બિસ્કિટ લઈ આવ. ફ્રિજમાંથી થોડી ચૉકલેટ પણ લાવજે.’

ધનિયો પેલા બે ચોર સામે ડોળા કાઢતો રવાના થયો કે સાધનાએ એ લોકોનો ગભરાટ દૂર કરવા વાતો ચાલુ કરી.

‘જો આજ પછી તમે કોઈ દિવસ ચોરી નહીં કરવાના હો, તો જ તમને હું આ બધ્ધી કેરી લઈ જવા દઉં. બોલો શું કરવું છે?’

‘અવે પછી કોઈ દા’ડો ચોરી નીં કરીએ બેન.’ ડોકું ધુણાવીને ના પાડતી નિર્દોષ આંખોને જોઈ સાધનાને એમની ઉપર પ્રેમ ઉભરાઈ આવ્યો. સાધનાના વર્તને જાણે જાદુ કર્યું. ‘જાઓ પેલા નળ નીચે હાથ ને મોં ધોઈને આવો. પછી ધનાભાઈ લાવે તે બિસ્કિટ ખાઓ ને ચોકલેટ ખિસ્સામાં ભરીને ઘેર લઈ જાઓ. કેરી ખાવાના થાઓ ત્યારે આગલા દરવાજાથી આવજો ને મને કહેજો, હું આપીશ તમને કેરી બસ?’

પછી મૂળ સવાલ પર આવતાં સાધનાએ પૂછ્યું, ‘ભણવા નથી જતાં તમે? કેમ આ ટાઈમે અહીં તહીં રખડ્યા કરો છો?’

‘બાપો ભણવા જવાની ના પાડે.’ પછી નીચું જોતાં એક છોકરો અચકાઈને બોલ્યો, ‘બપોરની વખતે આજુબાજુના બંગલામાં ભરાઈને ચોરી કરવાનું કે’ય.’

સાધના ઝાટકો ખાઈ ગઈ. ઓહ! એમ વાત છે! આવડા નાના છોકરાઓને મફત ભણવાની સગવડ હોવા છતાં સગ્ગો બાપ થઈને અત્યારથી ચોરીને રસ્તે ધકેલી રહ્યો છે ને પોતે નક્કી દારૂને અડ્ડે કે ઘરના ખાટલે પડી રહ્યો હશે. મા બિચારી કશે કાળી મજૂરીએ ગઈ હશે. પાંચ પચીસ રૂપિયા ખાતર બે બાળકોના જીવતર પર કાળા લીટા દોરતા બાપ પર સાધનાને બહુ ગુસ્સો આવ્યો. બીજે દિવસે નજીકની સરકારી સ્કૂલમાં બન્નેને બેસાડી, એ ધના સાથે ઘરની પાછળના ઝૂંપડે કિશનને મળવા ગઈ. શરૂઆતમાં તો થોડો ઓઝપાઈ ગયેલો કિશન સાધનાની વાતોને ચૂપચાપ સાંભળતો રહ્યો. બન્ને છોકરાઓને સ્કૂલે મોકલવા બાબતે એણે સાધના પર થોડો ગુસ્સો ને થોડો બબડાટ પણ કર્યો. આખરે બગીચામાં માળી તરીકે કામ કરવાની ઓફર મળતાં જ કિશનનો નશો ઊતરી ગયો.

‘બેન, બો મહિનાથી નોકરી છૂટી ગયલી. કોઈ કામ નીં આપે, હું કરું? બૈરી કામે જાય ને પોઈરા રખડ્યા કરે. નિહાળે કોણ લઈ જાય ને કોણ ભણાવે? મને ઘરમાં બેઠા બેઠા દારૂની લત લાગી ગેઈ તે મેં બાપ થેઈને એ લોકને ચોર બનાવી કાઈળા. પણ અવે નીં. અવે તમારી વાત મારા મગજમાં બરાબરની ઊતરી ગઈ. મેં હો દારૂ નીં પીવા ને પોઈરાને હો ભણાવા. કાલ હવારથી જ તમાર તાં કામ પર આવી જવા. આ ધનાભાઈને તો મેં હારી રીતે ઓરખતો છે.’

સાધનાને ક્યાં બીજું કંઈ જોઈતું જ હતું?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.