પાંચ મિનિટનો સવાલ
એક હાથે પર્સ અને એક હાથે સાડીની પાટલી ઊંચકીને દોડતી હિરલની સામે જ, ટ્રેન ચાલુ થઈ ઝડપથી એની ગતિ પકડવા માંડી. હિરલનો શ્વાસ અદ્ધર થઈ ગયો. એણે ડબ્બા તરફ દોડવાની ઝડપ વધારીને, ડબ્બાનો સળિયો પકડવાની એક છેલ્લી કોશિશ કરી જોઈ. તરત જ ત્યાં ઊભેલી સ્ત્રીઓએ એને બાવડેથી ઝાલી ખેંચી લીધી, ‘મરવું છે? ટ્રેન ચાલુ થઈ ગઈ જોયું તો પછી કેમ દોડી? થોડી રાહ જો, બીજી ટ્રેન હમણાં પાંચ મિનિટમાં આવી જશે. એટલી શું ઉતાવળ છે?’ હિરલ ટ્રેન ન મળવાનો અફસોસ કરતી બહાવરી બનીને ઊભી રહી ગઈ. પેલા શબ્દો એના કાન પર કોઈ અસર નહોતા કરતા. પાંચ મિનિટ પછીની ટ્રેન એને કામની નહોતી. એની ટ્રેન તો પંદર મિનિટ પછી આવશે અને એટલામાં તો? એનું ધ્યાન તો ઘરના દરવાજે ચોંટી ગયેલું. આજે પણ કોઈક એની રાહમાં પાગલ બન્યું હશે.
રોજ હિરલ ગમ્મે તેટલી ઉતાવળ કરતી તોય, અઠવાડિયામાં ચાર દિવસ એની આ ટ્રેન છૂટી જ જતી. ઓફિસમાં એ સતત ઘડિયાળને ધ્યાનમાં રાખીને જ કામ કરતી, તોય ખબર નહીં કેમ, ફક્ત પાંચ મિનિટ ખાતર જ એ આ ટ્રેન ગુમાવી દેતી અને સતત ઘેર પહોંચતાં સુધી એને ઘરના દરવાજે રાહ જોતું પેલું કોઈક દેખાયા કરતું. બહુ પસ્તાવો થતો ને રડવુંય આવી જતું હિરલને, પણ કોણ જાણે કેમ! એવું નહોતું, કે ઓફિસમાં હિરલને માથે જ સઘળી જવાબદારી હતી, કે એણે જ છેલ્લે સુધી કે મોડે સુધી કામ કરવું પડતું હતું. બધા જ સરખું જ કામ કરતાં હતાં અને બધા જ સમયસર નીકળી પણ જતાં, તોય હિરલ જ ટ્રેન માટે મોડી પડતી. હા, જોકે બીજા બધાંને ક્યાં જલદી ઘેર પહોંચવાનું હતું? આમ ઘડિયાળના કાંટે રાહ જોવાવાળું તો એમનું કોઈ નહીં હોય ને?
છ વાગ્યે ઘેર પહોંચતાં સુધીમાં તો એના મનમાં ઉથલપાથલ મચી જતી. નક્કી આજે ઘરમાં ધમાલ થઈ ગઈ હશે. રડારોળ ને ચીસાચીસથી ઘર ધ્રૂજી ઊઠ્યું હશે. જ્યાં ને ત્યાં બધી વસ્તુઓ વેરણછેરણ થઈને પડી હશે. જતાંની સાથે જ પહેલાં તો રાહ જોનારને જ સાચવી લેવું પડશે. ચીજવસ્તુઓ તો પછીય મૂકાશે. હજી તો એટલું સારું છે, કે રાધાબેન સારાં મળી ગયાં છે તો બધું સાચવી લે છે. ખરી ધમાલ તો એમના ગયા પછી જ થાય છે. રાધાબેન નીકળે તે પહેલાં જો હું ઘેર ન પહોંચી તો પછી મારું આવી બને. કાલથી કંઈક તો નક્કર ગોઠવવું જ પડશે, હિરલ ટ્રેનમાં બેઠાં બેઠાં ગોખતી રહી.
ઓફિસથી ઘર તરફ જતાં રસ્તામાં એક દુકાન આવતી. દુકાનમાં સામે જ ગોઠવેલી વ્હીલ ચેર જોતાં જ હિરલ એ તરફ વળી જઈ, ધ્યાનથી વહીલ ચેર જોવા માંડતી. એક વાર તો એ દુકાનમાં જઈને ભાવ પણ પૂછી આવેલી. ભાવ સાંભળીને જ એનો ચહેરો ઊતરી ગયો. ઓહ! આ તો ક્યારે લેવાશે? અહીં પગારમાં રોજના ખર્ચા, દવાના ખર્ચા ને રાધાબેનનો પગાર! કોઈ કાળેય આ વ્હીલચેર મારાથી લેવાશે જ નહીં. રાધાબેનને રજા અપાય એમ નથી ને એમના વગર મારાથી નોકરીનો વિચાર જ ન થાય. અને નોકરી વગર તો જીવાય જ કેમ? આમ જ રોજ, હિરલ પાંચ મિનિટ માટે પણ વ્હીલચેર તરફ ખેંચાઈ જતી. ભવિષ્યમાં ગમે ત્યારે પણ વ્હીલચેર લઈશ તો ખરી. પગાર પણ વધશે તો ખરો ને? પણ, ત્યાં સુધીમાં તો ખુરશીના ભાવ પણ વધી જશે! ઓહ! પૈસા ને પગાર ને મોંઘવારી ને વ્હીલચેરના ચક્કરમાં હિરલ ચકરાતી રહેતી.
બીજા દિવસે હિરલે ઓફિસ છૂટતાં જ, ઝડપ કરવા માંડી. આજથી ટ્રેન ચૂકવાની નથીનો સંકલ્પ પૂરો કરવાનો હતો. એણે ઝડપી ડગલાં ભરવા માંડ્યાં. જે રસ્તે વ્હીલચેરની દુકાન આવતી હતી, તે રસ્તો બદલી એ બીજે રસ્તે ચાલવા માંડી. એની નવાઈ વચ્ચે એ પાંચ મિનિટ વહેલી સ્ટેશને પહોંચી ગઈ. ટ્રેન તો સમયસર જ આવવાની હતી તે આવી ને હિરલ સમયસર ઘેર પણ પહોંચી ગઈ. રાધાબેને શાંતિનો શ્વાસ લઈ હિરલની વિદાય લીધી.
‘મમ્મી, હું આવી ગઈ. ચાલ આપણે ચા પી લઈએ. તું મારી સાથે નાસ્તો કરીશ? બોલ શું બનાવું?’
હિરલને જોઈ ખુશ થતી મમ્મી પલંગ પાસે પડેલી લાકડી લેવા ગઈ, પણ હિરલે જ ટેકો આપી મમ્મીને બેઠી કરી.
‘બારી પાસે બેસવું છે? ચાલ તને લઈ જાઉં. આપણે ત્યાં બેસીને ચા નાસ્તો કરીએ હં.’ મમ્મીને બારી પાસે બેસાડી હિરલ ચા નાસ્તો તૈયાર કરવા ગઈ. વ્હીલચેરનો વિચાર એણે મનમાંથી કાયમ માટે કાઢી નાંખ્યો હતો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર