રંગોળી

25 Oct, 2017
12:56 AM

કલ્પના દેસાઈ

PC:

‘હેત્વી, દીકરા હજી કેટલી વાર છે તારી રંગોળીને? ધીરે ધીરે કરતાં બે વાગ્યા હં. લાવ હું થોડી મદદ કરું. આમ તો તારી રંગોળી ક્યારે થશે ને તું ઊંઘશે ક્યારે? સહેલી રંગોળી કરી નાંખતી હો તો? સવારે પાછું વહેલા ઉઠવાનું છે અને દસ વાગે તો તારી બધી ફ્રેન્ડ્સ પણ આવી જશે.’

‘મમ્મી, મેં કેટલી વાર કહ્યું તને કે તું જઈને સૂઈ જા, તું માનતી જ નથી. તારે વહેલાં નથી ઉઠવાનું? હું બધું કરી લઈશ. હવે થોડી જ બાકી છે, બસ પત્યું જ સમજ.’

મા–દીકરીની વાતોમાં રાત્રે ત્રણ વાગે રંગોળીનું કામ પત્યું. દરવાજો બંધ કરતાં પહેલાં હેત્વીએ ફરી સંતોષની એક નજર રંગોળી પર નાંખી, બે ચાર એન્ગલથી રંગોળીના ફોટા લઈને મનોમન ખુશ થઈ લીધું. કાલે નિરાંતે બધે અપલોડ કરીશ. ભલે ને વાર લાગી પણ મનમાં વિચારેલી તેવી જ મસ્ત રંગોળી થઈ છે, હાશ! 

સવારના છનો એલાર્મ મૂકી હેત્વી ઊંઘમાં સરી પડી. માની આંખમાં પણ ક્યાં ઊંઘ હતી? અમસ્તી ઘરમાં કંઈક કામ કર્યા કરતી માએ ધીરેથી હેત્વીનો એલાર્મ ચેક કરી પોતાના મોબાઈલમાં પણ છનો એલાર્મ સેટ કર્યો. હાશ, વહેલી પડે નવલી સવાર!

‘હેતુ બેટા, બહુ સરસ રંગોળી કરી છે.’ પપ્પાએ ઊઠતા વેંત દરવાજો ખોલીને રંગોળી જોતાં શાબાશી આપી. હેત્વી થોડી થોડી વારે દરવાજો ખોલીને રંગોળી જોઈ ખુશ થયા કરતી. પછી તો, આખા બિલ્ડિંગના દરેક માળેથી હેતુની રંગોળી જોવા સૌ આંટો મારી ગયા. હેતુના કાન તો સૌની શાબાશી સાંભળવા દરવાજે જ ફરતા રહેતા. મનમાં પોરસાતી હેત્વી ફ્રેન્ડ્સના આવતાં જ બધું કામ છોડી દરવાજે પહોંચી ગઈ. આખા વરસમાં આ એક જ વસ્તુ એવી હતી જેના પર હેત્વીનો અબાધિત અધિકાર હતો. ‘મમ્મી, તેં બહુ વરસ રંગોળી કરી, હવે દર વરસે હું જ રંગોળી કરીશ.’ મમ્મીએ બહુ પ્રેમથી દીકરીના નિર્ણયને વધાવ્યો હતો.

‘વાઉ! લવલી યાર! સો પ્રિટી! હેત્વી, જેવી તું તેવી તારી રંગોળી. એકદમ મસ્ત. હેપ્પી ન્યુ યર.’

‘થેન્ક્સ. હેપ્પી ન્યુ યર ટુ યુ ઓલ. ચાલો હવે જલદી ભાગીએ. આજે તો આખો દિવસ ફન અનલિમિટેડ. ઘરમાં બધાંને બાય કહી આવું, પ્લીઝ એક મિનિટ.’ આખો દિવસ ધમાલ મસ્તી, ગમતી ફિલ્મ ને જ્યાં મન થાય ત્યાં ખાવા સિવાય આજે એમનો કોઈ ખાસ પ્રોગ્રામ નહોતો. આ જ તો એમનું નવા વરસનું સેલિબ્રેશન હતું. કૉલેજનું છેલ્લું વરસ હોય અને એકબીજાથી છૂટા પડવાનું ભવિષ્ય નજીકમાં જ હોય ત્યારે વધારે ને વધારે સાથે રહેવાની ને જીવવાની એમની ઈચ્છા, કદાચ વધારે જોર પકડતી હતી.

પર્સમાં બધાંને માટે ચોકલેટ ભરીને હેત્વી તો નીકળી પડી એની દુનિયામાં. હવે તો એ રાતે જ પાછી ફરવાની હતી. ‘અભિનવ સોસાયટી’ની  બી વિંગમાં દસે દસ ફ્લેટમાં રંગોળી તો બધાંના ઘરે જ થતી, પણ હેત્વીની રંગોળી સૌમાં અનોખી રહેતી. બાકીની બે વિંગમાંથી પણ લગભગ બધાં જ ખાસ હેત્વીની રંગોળી જોવા આંટો મારી જતાં. હેત્વી તો સોશિયલ મીડિયા ઉપર પણ વાહ વાહ મેળવતી ને પોરસાતી. એના હાથમાં કળા હતી કે જાદુ હતું? ના, કંઈ નહોતું. એ તો જન્મજાત કલાકાર હતી. 

ખાસ કોઈ અવરજવર વગરની નવા વરસની સવાર તો પસાર થઈ ગઈ. અડધા ફ્લેટ તો બપોરે જ ખાલી થઈ ગયા. પાંચેક ફ્લેટના બાળકો સિવાય સૌ જંપી ગયાં. લિફ્ટમાં ચડ–ઉતર અને ચીસાચીસના અવાજોથી કદાચ આખી સોસાયટી ગાજતી હતી. એમની આંખોમાં ભલા ઊંઘ ક્યાંથી? કોઈ કોઈ ફ્લેટના મહેમાન બાળકો પણ સૌમાં ભળી ગયેલાં. ચાર વાગ્યે ફરીથી બધે ચાપાણીની ચહલપહલ શરૂ થઈ ગઈ. બાળકોને જબરદસ્તી બોલાવીને પેટપૂજા કરાવાઈ. હેત્વીના ઘરમાં તો કોઈ હતું નહીં, કે બારણું ખૂલે ને બૂમો પડે કે કોઈ અવરજવર થાય. હેત્વીનાં મમ્મી ને પપ્પા ફોન પર બધાં સાથે શુભેચ્છાઓની આપ લે કરતાં રહ્યાં. 

રાતે દસ વાગ્યા અને હેત્વીનો ફોન આવ્યો, ‘મમ્મી હું નીચે જ ઊભી છું. બે મિનિટમાં આવી. આપણે જમી લઈએ હં.’ બે મિનિટ પછી લિફ્ટનો દરવાજો ખૂલતાં જ હેત્વીની લાંબી ચીસ બિલ્ડિંગમાં પડઘાઈ રહી અને હેત્વીની મમ્મી બહાર ડોકાઈ. હેત્વી રંગોળીને જોતી ગુસ્સાથી ધ્રુજતી હતી. મમ્મીની નજર પણ રંગોળી પર પડતાં જ એમનું દિલ થડકારો ચૂકી ગયું. કોઈ તોફાની બાળકે રંગોળી પર પગ ફેરવીને રંગોળી બગાડી નાંખી હતી. હેત્વીની આંખમાં તો ગુસ્સાની સાથે પાણી પણ ચમકતું હતું. એની મમ્મીને સમજાતું નહોતું કે, હેત્વીને આશ્વાસન પણ શું આપવું? હેત્વી તો આખા બિલ્ડિગમાં બધા માળે ફરીને જોઈ આવી. એના આશ્ચર્ય વચ્ચે દરેક માળની દરેક રંગોળી પર એવા જ લીટા પડેલા! મતલબ કે, કોઈ શેતાન દિમાગના બાળકે દરેક રંગોળી બગાડીને વિકૃત આનંદ લીધો હતો. કોણ હોઈ શકે આ વાંદર?

આખા દિવસની બધી મજા પર પાણી ફરતાં નિરાશ થઈ ગયેલી હેત્વી મમ્મી પપ્પા સાથે બેસી ગઈ. જમવાનો તો કોઈનો જ મૂડ નહોતો પણ સૌએ ચૂપચાપ ખાઈ લીધું. 

‘પપ્પા, આ જે કોઈ છોકરો છે, એણે બધાંની જ રંગોળી આવી જ રીતે બગાડી છે.’

‘છોકરો છે એ તું કઈ રીતે કહી શકે?’

‘આવું તોફાન કોઈ છોકરી તો ભાગ્યે જ કરે એવું માનું છું. મારા અનુભવ પરથી કહું છું.’ હેત્વીની મમ્મીએ પણ સૂર પુરાવ્યો.

‘આટલાં વરસોમાં આ પહેલી વાર જ આવું થયું છે.’

એનો અર્થ શું થાય?’

‘શું થાય?’

‘એ જ, કે આ આપણા બિલ્ડિંગના કોઈ છોકરાનું આ તોફાન નથી. કોઈ મહેમાન છોકરાઓમાંથી જ કોઈ ધમાલી આ વરસે આવ્યો લાગે છે.’

‘એવું પણ બની શકે, કે આપણા જ બિલ્ડિંગનો કોઈક છોકરો મોટો થઈ ગયો હોય ને જરા વધારે જ સ્માર્ટ બની ગયો હોય!’

‘હા, એમાં ના ન કહેવાય. પણ કોણ હશે એ?’

‘હવે દરેક ફ્લેટમાં કંઈ પૂછવા તો ન જ જવાય, કે તમારે ત્યાંના કયા છોકરાએ રંગોળી બગાડી છે? રંગોળી ખાતર આ તો સંબંધ બગાડવાની વાત થઈ જાય.’

‘સમજીને બેસી રહો, બીજું શું?’

‘હવે આવતા વરસથી ઘરમાં રંગોળી કરવાની, બીજું કંઈ નહીં.’

હેત્વીની મહેનત પર આમ પાણી ફરી વળેલું જોઈ જીવ તો બધાનો જ બળ્યો પણ એની મમ્મી બીજા જ વિચારે ચડી. અમુક ઉંમર પછીના છોકરાઓને આવી બધી મસ્તી કરવાની મજા નથી આવતી. નક્કી આ પાંચ–છ વરસની નજીકના કોઈ છોકરાનું કારસ્તાન છે. હવે એને શોધવો કઈ રીતે? પાંચ ફ્લેટ તો ચાર દિવસથી બંધ જ છે. બાકીના પાંચમાંથી બે ફ્લેટમાં મહેમાન સાથે બાળકો નથી દેખાયા. બાકી રહ્યા બે ફ્લેટ અને તેમાં જ બહુ ધમાચકડી ચાલે છે. ચાલ, મારું કામ તો આસાન થઈ ગયું. કિસ્સો તાજો જ છે ને ગુનેગાર પણ હાજર જ હશે. એને પકડવો જરાય મુશ્કેલ નહીં બને. આજ સુધી કોઈ સાથે અમારો સંબંધ બગડ્યો નથી એટલે મારી વાત ન માનવાનું કોઈને કોઈ કારણ પણ નહીં મળે. રંગોળી બધાંના ઘરની જ બગડી છે ને તે માટે બધાં જ બૂમો પાડે છે. ચાલ મન, કામે લાગ.

‘કેમ છો? સાલ મુબારક. છોકરાંઓ દેખાતાં નથી?’ સુનયનાએ પહેલા ઘરમાં દાખલ થતાં કહ્યું.

‘આવો આવો, સાલ મુબારક. અરે, બહુ ધમાલ કરતાં હતાં તે નીચે રમવા મોકલ્યાં છે.’

‘માફ કરજો, હું જે વાત કહેવા આવી છું તે વાતનો ખોટો અર્થ ન કાઢશો પ્લીઝ. તમને ખબર જ હશે, કે આપણા બિલ્ડિંગમાં આ વરસે પહેલી વાર બધાંની રંગોળી કોઈએ બગાડી નાંખી છે. હાલ ફક્ત બે જ ફ્લેટમાં નાનાં બાળકો છે એટલે જો એમને શાંતિથી, સમજાવીને પૂછી શકાય, તો ખબર પડે કે કોનું ભેજું અત્યારથી આવું વિકૃત થવા માંડ્યું છે. આગળ જતાં આ લોકો જ વધારે ને વધારે ભાંગફોડમાં આનંદ મેળવતાં થશે. જો અત્યારથી જ એમને વાળી લેવાય તો સૌનું ભલું થાય એવું હું માનું છું.’

પાડોશીઓ સમજુ તે સુનયનાબહેનની વાત એમના ગળે ઊતરી અને બાળકો સાથે સમજાવટથી કામ લેવાનું એમણે વચન આપ્યું. બીજા ફ્લેટના પાડોશીઓ પણ સુનયનાબહેનને સાથ આપવા તૈયાર થયાં. સમજાવટ તો બાળકો પાસેથી ભલભલાં કામ કરાવી શકે, તો આ તો નાનકડી કબૂલાત! તોફાની બારકસ સાથે તરત જ વાત થઈ ગઈ અને દિવાળીમાં માર કે ફટાકડાને બદલે એને ઘણી બધી ચોકલેટ મળી તે નફામાં. 

 

 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.