જવાબદારીનું ભાન
‘દીકુ, આપણા ભઈલુને જરા હીંચકો નાંખીશ બેટા?’
‘હા મમ્મી, હું ભઈલુને હમણાં આલા કરાવી દઉં, તુ મમ મમ બનાવ જા.’
તનુજાની આંખમાં નાનકડી પરીના શબ્દોએ નિરાંત આંજી દીધી. ખુશી ને વહાલના માર્યાં તનુએ પરીને બાથમાં લઈને વહાલ કરી લીધું. કેટલી સમજદાર! કોણ જાણે ક્યાંથી આ બધી સમજ એનામાં આવી હશે? મેં તો એને કોઈ દિવસ આ બધું કંઈ શીખવ્યું નથી, કે નથી કોઈ બીજાનું જોઈને આ બધું શીખી હશે. ઘરની બહાર એ જાય છે જ ક્યાં? ને અહીં કોઈને ત્યાં એની ઉંમરનાં બાળકો પણ ક્યાં છે, કે જેની સાથે એ રમવા જાય? ઘરમાં ને ઘરમાં જ તો આખો દિવસ મારી સાથે વાતો કર્યા કરતી હોય, ને એનાં રમકડાં કે ચોપડામાં ખોવાયેલી હોય. ઘણી વાર મને થાય કે, દરેક બાળકે પોતાની ઉંમરના બાળકો સાથે જ અમુક વર્ષો તો ગાળવા જોઈએ. ઘરમાં ને ઘરમાં એકલું ગોંધાઈ રહેતું બાળક કેટલું દયામણું બની જાય? સારું છે કે, અમે બીજા બાળકનો વિચાર કર્યો, નહીં તો પરી તો બિચારી, આ અજાણ્યા શહેરમાં અમારી સાથે રહીને નાનપણથી જ વડીલ બની જાત. ચાલો જે થયું તે સારું જ થયું. હવે પરીને પણ કંપની મળશે અને એનું બાળપણ મજેથી વીતશે.
તનુજા છ મહિનાની મેટરનિટી લીવ પર હતી. ઘરમાં પરી સાથે રહેતાં રહેતાં એ થોડા દિવસોથી અવઢવમાં હતી. હવે નોકરી ચાલુ રાખવી કે છોડી દેવી? બીજા બાળકનો ખર્ચો વધવાનો હતો પણ આટલાં વર્ષોની નોકરીમાં બંનેએ સારા પગારને લીધે ને કસરી સ્વભાવને લીધે સારી એવી બચત કરી હતી. વળી પરીના સ્કૂલ ગયા પછી ને મૌલિકના બે એક વર્ષ નીકળી જાય પછી તો ઘરમાં બેસીને પણ નાનું મોટું કામ તો એ આરામથી કરી શકશે. સાગરના કાને વાત નાંખવાની રાહ જોવામાં થોડો સમય નીકળી ગયો. એમ તો સાગર બહુ જ સમજદાર હતો. તનુજાને કોઈ વાતે તકલીફ ન પડે તેનું બહુ ધ્યાન પણ રાખતો. તોય, નોકરી છોડવાની વાત મોટી હતી, સાગરને ગમે કે ન ગમે કંઈ કહી ન શકાય. નોકરીમાં તો એને પણ ઘણી વાર વધારે કલાક બેસવું પડે છે, ઘણી વાર બહારગામ પણ જવું પડે છે. ગમે તેટલો સમજદાર કેમ ન હોય, અમુક વાતમાં પચાસ ટકા જ રિસ્ક લેવાય.
‘મમ્મી ભઈલુ સૂઈ ગયો, હું કાર્ટૂન જોવા બેસું?’
‘થેંક યુ બેટા, જા હં. થોડી વાર કાર્ટૂન જો, પછી આપણે ભઈલુ ઊઠે તે પહેલાં મમ મમ કરી લઈએ હં?’
પરી ખુશ થતી થતી ટીવી ચાલુ કરીને સોફામાં ગોઠવાઈ ગઈ. થોડી વારમાં તનુજાએ પરીને જમાડીને સુવડાવી દીધી ને એટલામાં મૌલિકનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો. મૌલિકના કામમાંથી પરવારી તનુજાએ ઘરનાં કામો આટોપવા માંડ્યાં. આ શહેરમાં કામવાળા મળવાની બહુ તકલીફ હતી. એક તો એ લોકો શહેરથી દૂર પણ રહેતાં હોવાથી કોઈ આવવા તૈયાર ન થતું. પરીના જન્મ પહેલાં ખાસ તકલીફ નહોતી પડી કારણકે બંને સાથે મળીને ઘરનું બધું કામ પતાવી દેતાં. શનિ–રવિની રજામાં ફરવાનો, ફિલ્મનો ને બહાર કશે ને કશે ડિનરનો પ્રોગ્રામ નક્કી જ રહેતો. પરીના આવતાં જ આખું ટાઈમટેબલ જ બદલાઈ ગયું. તનુજાની દરેક વાતમાં હવે પરી પહેલાં આવતી. પરીને અનુકૂળ હોય તો જ કોઈ પ્રોગ્રામ બનતો. સાગર બધું સમજવા છતાં કોઈક વાર અકળાઈ જતો. ત્યારે થોડીક બોલાચાલી થઈને વાત પતી જતી.
ચારેક વરસ પછી બંનેની સમજદારી ને સંમતિથી મૌલિકનું આગમન થયું. બધાં ખુશ હતાં પણ પરીબેનના દિલમાં તો આનંદ સમાતો નહોતો. એ મોટી બહેન બની હતી ને એની સાથે રમવા નાનો ભાઈ આવ્યો હતો, એનો ભઈલુ. મમ્મીને પૂછી પૂછીને પરી એના ભાઈનું કામ કર્યા કરતી અને ઘણી વાર તો સામે ચાલીને પૂછતી, ‘મમ્મી ભઈલુને હીંચકો નાંખવાનો છે? એને આલા કરાવી દઉં?’ તનુજા હસી પડતી, ‘બેટા, ભઈલુ કહેશે ને કે દીદી મને આલા કરાવ, ત્યારે સૂવડાજે હં.’ ને મોટીબેન પોતાની રમતમાં ખોવાઈ જતી. તનુજાએ પરીને ઘરના બાળમંદિરમાં જ શિક્ષણ આપવા માંડેલું. એને પોતાના શિક્ષણ પર ભરોસો હતો. સમજણ વગરના બાળકને અજાણ્યાના ભરોસે મૂકીને હેરાન કરવાનું એને પહેલેથી જ નહોતું ગમતું. એ બહાને પરી પોતાના પ્યારની સાથે ઘરનું શિક્ષણ પણ મેળવતી જશે.
શનિ–રવિની રજામાં સાગરે હવે ઘરમાં જ ઓફિસનું બાકી રહેતું કામ કરવાનું અને એ બહાને પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું. તનુજા પણ ખુશ હતી કે, ચાલો આ બહાને બંને બાળકોને બાપનો પ્યાર પણ થોડો વધારે મળશે. થોડા દિવસ તો બધું ઠીકઠાક ચાલ્યું પણ સાગરને બાળકોના રડવાથી અને રમવાના કે ધમાચકડીના અવાજોથી ધીરે ધીરે અકળામણ થવા માંડી. ‘ઓફિસમાં જે હોય તે, પણ કામ તો શાંતિથી થાય’ સાગરના મનમાં કંઈક સળવળ્યું. આખો દિવસ તો કંઈ કામ રહેતું નહોતું, પણ બાકીના આરામના કલાકોમાં કે ટીવી પર મૅચ કે સમાચાર જોવામાં નડતો અવાજ એની અકળામણ વધારી દેતો. તનુજાની સાથે પરીની જવાબદારી પણ વધી ગઈ હતી. હવે પપ્પાના ઘરમાં રહેવાથી પરીના આંટા વધી ગયા હતા. ‘પરી બેટા, પપ્પાને પાણી આપી આવ ને દીકા. પરી, પપ્પાને પૂછી આવ, તમને કંઈ જોઈએ છે? પરી દીકરા, મમ્મીને કહે કે મારી થાળી તૈયાર કરે.’ પરીના નાનકડા પગ રાત સુધીમાં જવાબ દઈ દેતા અને ઘણી વાર એ ભૂખી જ સૂઈ જતી. જોકે, તનુજાના ધ્યાન બહાર તો એ રહેતું નહીં, એટલે પરીને ખોળામાં લઈને એ ખવડાવવા મથતી, પણ પરી લગભગ ઉંઘમાં જ થોડું ઘણું ખાઈ લેતી. તનુજાના મોંમાંથી શબ્દો બહાર નીકળવા ઝંખી રહેતા, ‘સાગર, પ્લીઝ તારું કામ તું જાતે કરી લે ને. આ પરી કરે છે તો તું મને થોડી તો મદદ કર.’ પણ પરીની હાજરીમાં તનુજા બધું મનમાં જ ગળી જતી.
એક દિવસ સાગર રવિવારના મૂડમાં જ મોડેથી ઉઠવાના વિચારે પથારીમાં પડી રહ્યો. રસોડામાં મા–દીકરી કંઈક ખટપટ કરી રહ્યાં હતાં.
‘મમ્મી, હું તને મમ મમ બનાવવા લાગું?’
‘ના બેટા, એ તો હું બનાવી લઈશ. જા તું રમ.’
‘તો મમ્મી, હું કપડાં મશીનમાં નાંખું? મને આવડે છે.’
‘ના બેટા, તારે એવું બધું નથી કરવાનું. તું લખવા બેસ નહીં તો તારાં રમકડાં લઈને ભઈલુ સાથે રમ જા.’
‘મમ્મી, પણ હું તને કામ કરવા લાગું ને? મને કપડાં સૂકવવા બોલાવજે ને. તને બહુ બધુ કામ છે ને.’ તનુજાની આંખમાં પાણી આવી ગયાં. એક નાની છોકરી જે વાત સમજે છે તે સાગરને નહીં સમજાતી હોય? એને રજા જોઈએ તો મને નહીં? ફક્ત એક જ દિવસ બે કલાક જો મને સાથ આપે તો મનેય રાહત થાય ને પરીને પણ કેટલો આનંદ થાય? આ તો પહેલાંનો સાગર નથી. એ ક્યારે બદલાયો? મૌલિકના આવ્યા પછી?
તનુજા વિચારોમાં જ ખોવાયેલી રહેત જો એના હાથમાંથી સાગરે વેલણ લઈ ના લીધું હોત! ‘આ બધું ફ્રિજમાં મૂકી દે. આપણે આજે બહાર ફરવા ને જમવા જવાના. આજથી મારો સન્ડે તમારો, ફક્ત ને ફક્ત તમારો. આટલા દિવસોની ભૂલ બદલ તારો ને પરીનો ગુનેગાર છું. મને માફ કરી દે પ્લીઝ.’
તનુજાએ સાગરનો કાન આમળતાં કહ્યું, ‘લુચ્ચા, અમારી વાત સાંભળતો હતો?’
‘નહીં તો મારી આંખ કેમ ખુલત? મારી દીકરીએ મારી અક્કલને ઠેકાણે લાવી દીધી. ચાલો પરી બેટા, આવી જાઓ પપ્પા સાથે થપ્પો રમવા.’
ખુશખુશાલ પરી દોડતી આવીને સાગરના ખોળામાં ગોઠવાઈ ગઈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર