એ તો એવું જ હોય ને?
દીકરાને પરણાવવાની હોંશમાં રાધાબહેને નામરજીએ પણ નોકરી કરતી વહુ માટે તૈયારી બતાવી. રંગેચંગે લગન થયાં, સગાંવહાલાં સૌ છૂટા પડ્યાં. દીકરો ને વહુ બધી વિધી પતી કે, બારોબાર જ દસ દિવસ ફરવા માટે નીકળી ગયાં અને રાધાબહેન એકલાં પડ્યાં. ચાલો, એક મોટી જવાબદારીમાંથી મુક્ત થઈ. સંકેતના પપ્પાને આપેલા બધાં વચનો આની સાથે પૂરાં થયાં. ડિગ્રી, નોકરી ને સારી છોકરી. સંકેત પણ ખૂબ ખુશ. કૃતિને વારંવાર કહેતો, ‘મારી મમ્મી જ મારા પપ્પા પણ છે. એનો સાથ ના હોત તો હું આજે કોણ જાણે ક્યાં હોત? તું મળી તે પણ માને જ કારણે. હું તો આજીવન એનો આભારી છું. હું જો એન્જિનિયર ના થયો હોત તો રખડી ખાતો હોત ને તો પછી તું મને થોડી જ મળત?’
નિકીતા સંકેતની વાતોમાં ખોવાઈ જતી ને મનોમન રાધાબહેન જેવી મા મળવા બદલ હરખાતી. ત્રણ જણનો હસતો રમતો પરિવાર એક વરસ પછી એનિવર્સરી ઉજવવા હૉટેલમાં પહોંચ્યો. રાધાબહેને તો નાય પાડી પણ બંને માન્યાં નહીં. ‘મમ્મી, તારા વગર અમે એકલાં આ પ્રસંગ ઉજવી જ ના શકીએ.’ જમીને બહાર નીકળતાં રાધાબહેને મનની વાત છેડી.
‘વરસ થઈ ગયું, હવે નવા મહેમાનને લાવવાનો ઈરાદો છે કે નહીં?’
‘મહેમાન તો લાવીએ પણ એને સાચવશે કોણ?’
‘કેમ? હું બેઠી છું ને? હું છું એટલે બે બાળકો થઈ જાય તોય વાંધો નહીં. તમતમારે નોકરી કરજો. છોકરાં તો હું મોટાં કરી આપીશ.’
નિકીતા ને સંકેતનો મોટો પ્રશ્ન ઉકલી ગયો. હાશ! હવે નોકરી નહીં છોડવી પડે. બે જણની કમાણી સૌને વહાલી લાગતી હતી. આરામથી જીવાતું હતું, વગર કોઈ અભાવે. ત્રણ વર્ષમાં તો રાધાબહેન બે બાળકોનાં દાદી બની ગયાં.
બાળકોની લાલચમાં ને વહુની નોકરીની લાલચમાં રાધાબહેને હાથે કરીને પોતાની જાતને ઘરમાં પૂરી દીધી એ એમને બહુ મોડું મોડું સમજાયું. હવે કોઈ ઉપાય નહોતો. દીકરા ને વહુ–બંનેને પ્રમોશન મળ્યું હતું. કોઈ નોકરી છોડે એ વાત જ મૂર્ખાઈમાં ખપે તેવી થઈ પડી. હા, રાધાબહેનને મદદમાં એક આયાની સગવડ મળી પણ રાધાબહેનને એના પર પોતાની જાત જેટલો વિશ્વાસ નહીં. રસોઈવાળાં બહેનની પણ સગવડ કરાઈ તોય રાધાબહેન ઘડીકેય નવરાં ન પડે. આખો દિવસ બંને છોકરાંઓની પાછળ પાછળ ફરવામાં, આયાનું ધ્યાન રાખવામાં ને રસોઈવાળાં બહેનને મદદ કરાવવામાં રાધાબહેનનો દિવસ પૂરો!
સાંજે દીકરો ને વહુ આવે ત્યાં સુધીમાં તો રાધાબહેન થાકીને ઠૂસ. સામે પક્ષે નોકરીવાળાં થાકીને આવ્યાં હોય, એટલે રાધાબહેનની ડ્યૂટી તો રાતે બંને બાળકો ઊંઘી જાય ત્યાં સુધીની. દાદી પાસે વાર્તા તો સાંભળવાની ને? પછી ભલે ને, વાર્તા કહેતાં કહેતાં દાદીની આંખો ઘેરાય કે પગ પર માલિશ કરવા હાથ ફરતો રહેતો હોય. રાતે બેમાંથી કોઈ ઊઠે તોય રાધાબહેન ઝબકીને જાગે ને એની માગણી પૂરી કરીને સૂવડાવી દે. કોઈ વાર બેમાંથી કોઈ માંદું હોય તોય ઉજાગરા તો રાધાબહેનના જ થાય! દીકરા–વહુને તો નોકરી ખરી ને? રાધાબહેનની ચોવીસ કલાકની નોકરીનું શું? એમનો વિચાર કેમ કોઈને આવતો નહીં હોય? આયા છે ને રસોઈ કરવાવાળાં બહેન છે, કામવાળી બધું કામ કરી જાય પછી ખરેખર તો ઘરમાં કંઈ કામ હોવું જ ન જોઈએ.
જોકે, આયા ને રસોઈવાળાં બહેન તો સવારે નવ વાગે આવે, ત્યાં સુધીમાં તો અડધું કામ પતી ગયું હોય. દીકરા ને વહુના નોકરીએ ગયા પછી તો આયા પણ બંને બાળકો સાથે રમવામાં ને ટીવી જોવામાં જ વ્યસ્ત હોય. સાંજે ચાર વાગ્યા સુધી એની ડ્યૂટી હોય પણ રાધાબહેનની ભલમનસાઈનો લાભ લેવાનું એ પણ શું કામ છોડે? રોજ કોઈ ને કોઈ બહાને એ બે વાગ્યે રવાના થઈ જાય. પછી બાળકોની પાછળ દોડવાનું રાધાબહેને. ઘડી ઘડી કંઈ ને કંઈ ખાવાપીવાની ફરમાઈશથી માંડીને એમનાં છીછીપીપીના કાર્યક્રમોમાં સાંજ પડી જાય ને રાધાબહેન સાંજની તૈયારીએ લાગી જાય.
એમ તો દુનિયાભરમાં હજારો ને લાખો સ્ત્રીઓ નોકરી કરે છે તો સાથે સાથે ઘર, વર, છોકરાં, સાસુ ને સસરાને પણ સાચવે જ છે ને? એ લોકોને તકલીફ નહીં થતી હોય? રાધાબહેનને ઘણી વાર થતું પણ પોતે જ પોતાના પગ પર કુહાડો મારેલો તે કેવી રીતે બોલાય? તેમાંય કોઈ દિવસ કંઈ કામ રહી જાય કે બાળકોમાંથી એકાદની કોઈક ફરિયાદ મળે, તો તો રાધાબહેનને બે વેણ પણ સાંભળવા મળવા માંડ્યાં. હા, શનિ–રવિએ એમને થોડો આરામ મળતો, છૂટથી બજાર જવા કે પાડોશણ સાથે ફિલ્મ જોવા જવાનું બહાનું મળી જતું, પણ તરત જ સોમવાર ક્યારે આવી જતો તે એમને સમજાતું નહીં.
બાળમંદિરે જતાં થયા પછી તો બંનેની કેટલીય, નાની નાની વસ્તુઓ યાદ કરીને મૂકવામાં રાધાબહેનના આંટા વધી ગયા. બાળમંદિર ભલે નજીક હતું પણ સમયસર એમને લેવા ને મૂકવા જવાનો સમય સાચવવાનો ને રસ્તાનો ટ્રાફિક જોવાનો ને બંનેની ધમાલ પર કાબૂ રાખવાનો. ધીરે ધીરે એક એક જવાબદારી વધતી જતી હતી ને રાધાબહેન જવાબદારીના ડુંગરને માથા પર સમતોલ કરવા સવારથી મથવા માંડતાં. ઘણી વાર રાધાબહેનને થતું, આ મારો દીકરો જે ચોવીસ કલાક મારી આગળપાછળ ફરતો રહેતો, જે મારાં ગુણ ગાતાં કે મારાં વખાણ કરતાં થાકતો નહીં તેની પાસે હવે મારા માટે અડધો કલાક પણ નથી? ને મને કોઈ તકલીફ છે કે નહીં કે હું મજામાં છું કે નહીં તે પૂછવાની પણ ફુરસદ નથી? શું વહુને બધી છૂટ આપવામાં ભૂલ કરી? વહુને દીકરી ગણીને બધું કામ પોતે જ કરવાના જોશમાં રાધાબહેન પોતે જ ફસાયાં. ખબર નહોતી કે, વહુ પોતાની તો ઠીક પણ બાળકોની જવાબદારી પણ પોતાના માથે જ નાંખી દેશે! પછી દીકરાની જવાબદારી વહુ ઊઠાવે એની આશા તો રખાય જ કેમ?
રાધાબહેનને હવે જિંદગી બોજ લાગવા માંડી. સ્વતંત્ર જીવનને હાથે કરીને પરતંત્ર બનાવી દીધું. પોતે એકલાં કશે રહેવા જાય એવો તો સવાલ જ ઊભો નહોતો થતો. સાથે રહેવામાં આ બધો બોજ ઉઠાવવાનો હતો. આખરે રાધાબહેન શું કરે?
આવી તો કેટલીય કથાઓ, કદાચ દર બીજા કે ત્રીજા ઘરે આપણને જોવા મળે છે. આખરે બાળકોની જવાબદારી કોની ગણાય? જનમ આપનારની કે ઘર સાચવનાર વડીલની? કે બંનેની સહિયારી?
આનો કોઈ ઉપાય શું? એની વાતો આવતે અઠવાડિયે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર