સાસ બહુ ઔર દિવાલી

11 Nov, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

ક્ષમાએ ટ્રેન પ્લૅટફૉર્મ પર દાખલ થતાં જ પોતાની બૅગ હાથમાં ઊંચકી લીધી ને પર્સને ફરી ખભા પર કસીને ગોઠવ્યું. ટ્રેનના પૈડાંની જેમ મગજમાં પણ વિચારો ઘૂમતા હતા. ‘બેનને એટેક આવવાનું કારણ એનું એકલવાયાપણું તો નહીં? જ્યારથી બનેવી ગુજરી ગયા અને દીકરો નોકરીએ લાગ્યો ત્યારથી બેન એકલી પડી ગઈ છે. બે વરસ થઈ ગયાં પણ હજી બધી વાતોને લઈને બેસી રહે છે. મારી જેમ કામમાં ને બીજી બધી વાતોમાં કે પ્રવૃત્તિમાં મન લગાવતી થઈ ગઈ હોત તો આજે આ માંદગી ન આવી હોત. ખેર, પોતાને ત્યાં તો ભરેલું ઘર છે તો આમ નીકળાયું, બાકી તો પોતાનાથી પણ આમ ફોન આવતાં જ નીકળી જવાત?’

પોતાનો કોચ આવતાં જ ક્ષમા ટ્રેનમાં ચડી ગઈ. પોતાની સીટ શોધીને બૅગ ઉપરના પાટિયે મૂકી નિરાંતે બેઠી. દિવાળીને દસ દિવસની જ વાર છે ને કાલે રાતે જ વિહંગનો ફોન આવ્યો, ‘માસી, મમ્મીને સિવિયર એટેક આવ્યો છે. તમારાથી અવાય તો થોડા દિવસ આવી જાઓ ને. મેં રજા લઈ લીધી છે પણ માસી યુ નો, તમે હો તો જરા સારું પડે.’ એમ પણ ક્ષમા ક્યારે ને કોને ના કહેતી? જ્યાં બોલાવે ત્યાં હાજર. ‘છો બિચારાં.’ એ ક્ષમાનું પ્રિય સૂત્ર. કામવાળી સારી હતી ને વળી વર્ષોની અનુભવી હતી. પતિ ને દીકરો પોતપોતાનો ભાર જાતે ઉપાડી લેતાં. જોકે, વહુ હતી પણ હજી એ જ નઈ નવેલી દુલ્હન જેવી હતી. દીકરાનાં લગ્નને હજી છ જ મહિના થયા હતા એટલે વહુને ટ્રેઈન કરવાની હોંશમાં ક્ષમાએ એમ તો સમાજ સેવા થોડી ઓછી કરી નાંખેલી.

ઘરનાંને જોકે ક્ષમાની સમાજસેવા સામે કોઈ વાંધો નહોતો પણ કોઈક વાર કહેતાં, ‘તારી તબિયત બગાડીને સમાજસેવા નહીં કરતી. બસ, એટલું જ અમે માગીએ છીએ. બાકી તો, તું તારા મનની માલિક છે. આટલાં વર્ષ અમારી સેવા કરી તો હવે તને ગમતી સમાજસેવા કર.’ સમાજસેવામાં કરવાનું પણ શું હતું ? સગાંવહાલાંને ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં ઊપડી જવાનું! કોઈની કાકી માંદી પડી તો કોઈના દાદા બિમાર થઈ ગયા, કોઈને ત્યાં લગનની તૈયારી કરાવવા જવાનું તો કોઈને ત્યાં બારમા–તેરમા સુધી રોકાઈ જવાનું. કોઈને કોઈ બહાને ક્ષમા બધે ફરતી રહેતી.

આ વખતની વાત થોડી જુદી હતી. એની વહુ કિંજલ અઠવાડિયા પહેલાં જ પિયર ગયેલી. આજે તો પાછી આવી પણ જવાની હતી. સવારની ટ્રેનમાં તો એ બેસી પણ ગઈ હશે ને કદાચ એકાદ સ્ટેશને બંનેની ટ્રેન ક્રોસ પણ થાય! કંઈ કહેવાય નહીં. મૂળ વાત એ નહોતી. મૂળ વાત હતી કે, દિવાળીને દસ દિવસની જ વાર હતી ને પોતાને આમ અચાનક જવાનું થયું. જવું પણ જરૂરી હતું ને ઘરમાં દિવાળીનું બાકી કામ પતાવવું પણ એટલું જ જરૂરી હતું. કામવાળી ભલે હોય પણ પોતાની હાજરીનો બહુ ફેર પડે. વહુ તો હજી નવી છે ને એની આ પહેલી દિવાળી છે. દિવાળીના કામમાં એને શું સમજ પડવાની ? ઓહ! બે–ચાર દિવસ મોડો એટેક આવ્યો હોત તો બધું કામ પતી જાત. છી છી ! બેનને એટક આવ્યો છે ને છેક આવું વિચારવું ઠીક નથી. જે થશે તે. દિવાળીના કામ માટે તો હું ત્યાં પહોંચીને પણ ઘરે ફોન કરીને કામવાળીને બધું સમજાવી દઈશ. જેટલું થશે એટલું. હવે આ વખતે એમ તો એમ. બધું ચલાવી લેવું પડશે. બીજો કોઈ છૂટકો જ નથી. કિંજલે તો એના ઘરેય કોઈ દિવસ કંઈ કામ કર્યું નહીં હોય ત્યાં દિવાળીનું કામ એને શું સમજણ પડે? હજી હું હાજર હોત તો એને સાથે રાખીને સરસ ટ્રેઈન કરત પણ હવે નથી તેનું શું? જવા દે. આ વખતે દર વખતના જેવું ઘર નહીં ગોઠવાય. પેલા બે જણને પણ પાછું કંઈ ભાન ના પડે ને? બાકી તો, એ લોકો બધા ભેગા થઈને સરસ ગોઠવી કાઢે બધું.’

ટ્રેનમાં બેઠાં પછી ક્યાંય સુધી ક્ષમાએ બેનની માંદગી કરતાં ઘરની સાફસફાઈ પર વધારે જીવ બાળ્યો! આટલાં વર્ષોમાં આવું તો ક્યારેય નથી બન્યું. ક્ષમાનાં ઘરનાં વાસણોથી માંડીને આખા ઘરનું ફર્નિચર, ગાદલાં ને તકિયા સુદ્ધાં વરસમાં એક વાર, બહારનો તડકો ખાધા વગર ચેનથી ન રહેતાં. ક્ષમાનાં ઘરની તો બધે વાતો થતી ને લોકોની આંખો ચાર થતી તેનું ક્ષમાને મનમાં છૂપું અભિમાન જ હતું. વાતવાતમાં એ બીજાનાં ઘરની ટીકા ટિપ્પણ કરતી રહેતી. આ વખતે બધી ગરબડ થઈ ગઈ ને તે પણ છેલ્લે છેલ્લે. બધું કામ પતવા આવેલું ત્યારે જ. હવે શું પણ? જવા દો.

ક્ષમાએ ઘરે ફોન કરી જોયો પણ ફોન લાગ્યો જ નહીં. ‘આ બહુ મોટો ત્રાસ છે. ઘરની બહાર નીકળ્યાં કે કનેક્ટિવિટીના નામે ફોન જ બંધ થઈ જાય. હવે ઘરે કોઈએ વાત કરવી હોય તો શું કરવાનું?’ મનમાં બબડતાં ઘડીક બેનની માંદગીની ચિંતા કરી ક્ષમા ફરી ઘરના વિચારે ચડી. ઘરે પહોંચીને પહેલાં ફોનથી કિંજલને બધું સમજાવી દેવું પડશે. રે’વા દે. કિંજલને કંઈ સમજ નહીં પડે એના કરતાં કાલે સવારે કામવાળીને જ ફોન પર બધું સમજાવી દઈશ. એમ પણ આજે તો રાત જ પડવાની છે.’ ક્ષમા પોતાના વિચારોની જાળમાંથી નીકળવાને બદલે એમાં જ ફસાતી રહી. બેનના ઘરે પહોંચી કે, ફ્રેશ થઈને તરત જ હૉસ્પિટલ પહોંચી ગઈ. વિહંગના જીવમાં જીવ આવ્યો. મમ્મીના એટેકની વાતોમાં સૂવાનો ટાઈમ થઈ ગયો ને વારાફરતી જાગતાં બંનેએ સવાર પાડી દીધી. બેનની હાલત જોઈ ક્ષમાની આંખો ઘડી ઘડી સજળ થઈ ઊઠતી. થોડા દિવસ એને મારા ઘરે લઈ જઈશ. વાતાવરણ બદલાશે તો થોડું સારં લાગશે. ક્ષમાએ મનોમન નક્કી કરી લીધું. વળી ઘર યાદ આવતાં એણે પેસેજમાં જઈ ફોન લગાવ્યો. કામવાળીને જરૂરી સૂચનાઓ આપી એ નિરાંતે બેન પાસે બેઠી. હાશ, હવે વાંધો નહીં. બે દિવસ પહેલાં પણ જો પોતે પહોંચી જાય તો ફટાફટ બધું વ્યવસ્થિત કરી શકે. જોઈએ હવે ડૉક્ટર શું કહે છે ? એમ તો વિહંગ ઘરે નર્સ રાખવાનું કહે છે એટલે દિવાળીમાં ઘરે આંટો મારીને પાછી આવું તો વાંધો નહીં. બસ, એમ જ કરું. વિહંગ સાથે વાત કરી લઈશ.

તાત્કાલિક સારવાર મળી જવાથી બેનની તબિયતમાં ધાર્યા કરતાં ઝડપથી સુધારો આવ્યો. ક્ષમાની હાજરીથી પણ બેનને ઘણું સારું લાગ્યું. ઘરમાં હરવાફરવાની છૂટ મળતાં બેને સામેથી જ ક્ષમાને કહ્યું, ‘તું ઘરે અઠવાડિયું જઈ આવ. વહુની પણ પહેલી દિવાળી છે. પછી પાછી અઠવાડિયું રહી જજે ને મને લઈ જજે બસ?’ ક્ષમાના ચહેરા પર હાશકારો ફરી વળ્યો.

દીકરો–વહુ સ્ટેશને લેવા આવેલાં. ગાડીમાં બેસતાં જ ક્ષમાથી પૂછાઈ ગયું, ‘ઘરની સાફસફાઈ પતી ગઈ?’

‘મમ્મી, હજી તો તું ગાડીમાં બેઠી. જરા અમને તો પૂછ કે પપ્પાના ખબર તો પૂછ. ઘર સાફ નહીં થયું હોય તો શું?’

‘એ તો મને ખબર જ હતી કે, મારા વગર ઘર એવું જ હશે. પેલી શેઠાણીને ફોન કરેલો તે એ આવેલી કે નહીં?’

‘હું કંઈ નથી કહેવાનો. તું ઘરે ચાલ પછી બધી વાત.’

ઘરે પહોંચતાં સુધીમાં તો ક્ષમાના ચહેરા પર હજાર જાતના રંગોની રંગોળી પૂરાતી રહી ને ભૂંસાતી રહી. ઘરમાં દાખલ થતાં વેંત એ તો આખા ઘરમાં ફરી વળી. દરેક વસ્તુ ચોખ્ખીચણાક ને વ્યવસ્થિત ગોઠવેલી. પડદા પણ ધોયેલા, ઈસ્ત્રી કરેલા ને સુંદર રીતે ઝાલર કરીને સજાવેલા. દરેક કબાટ વ્યવસ્થિત ને રસોડું તો એકદમ ચકાચક. ન જોઈતાં વાસણનું ખાનું જુદું ને રોજનાં વાસણને સરસ ગોઠવીને મૂકેલાં. ક્ષમા એક એક વસ્તુને ધ્યાનથી જોતી ગઈ ને આંખો પહોળી કરતી ગઈ. અરે વાહ! કામવાળી તો કંઈ બહુ સુધરી ગઈ ને! મારા કરતાંય હોશિયાર થઈ ગઈ. આવવા દે કાલે. શાબાશી આપવી પડશે. કિંજલને પણ જોઈને નવાઈ તો લાગી હશે કે, મમ્મીએ કામવાળીને કેવી સરસ ટ્રેઈન કરી છે!

‘મમ્મી, ઠીક છેને ઘર તારું? બધું બરાબર જોઈ લીધું ને? કંઈ બાકી નથી રહી ગયું ને?’

‘અરે ભાઈ, બધું જ એકદમ સરસ છે. મારી ટ્રેઈનિંગમાં કોઈ કચાશ નથી મેં જોઈ લીધું. આ વખતે તો બેનબાએ સરસ કામ કર્યું છે. મારે કંઈક આપવું પડશે એને.’

‘મમ્મી, ફોર યૉર કાઈન્ડ ઈન્ફરમેશન, આ બધું કિંજલે કર્યું છે. તારાં બેનબા તો ચાર દિવસથી આવતાં જ નહોતાં. કોઈ માંદું પડી ગયેલું એટલે એને રજા આપવી પડી. પણ કિંજલે એકલે હાથે ને થોડી ઘણી અમારી મદદે બધું કામ પતાવી નાંખ્યું. તને ગમ્યું એટલે બસ. એ પાસ તારી પરીક્ષામાં.’

ક્ષમા આશ્ચર્યથી દીકરા–વહુ સામે જોતી રહી. આ કાલની આવેલી છોકરીએ આ બધું કામ કર્યું? ને એકલે હાથે? મેં તો એના વિશે કેવું કેવું વિચારી નાંખેલું ને એણે તો એક પણ શબ્દ બોલ્યા કે પૂછ્યા વગર પોતાની સૂઝથી જ કેવું સુંદર ઘર સજાવી દીધું! પોતે અમસ્તી જ આટલા દિવસ ટેન્શનમાં રહી. આ તો પહેલેથી જ ટ્રેઈન થઈને જ આવેલી છે. મારે તો હવે જાણવું પડશે કે, એને બધાંનાં દિલ જીતવા સિવાય બીજું શું શું આવડે છે? ક્ષમાએ ડરના માર્યા એક તરફ ઊભેલી કિંજલને પાસે બોલાવી ને એને ગળે વળગાડતાં કહ્યું,

‘બેટા, તેં તો મને જીતી લીધી.’ સામે ઊભેલા દીકરાએ માનો હાથ પકડ્યો, ‘મમ્મી, મને ગળે નહીં લગાવે? હું પણ પડદા પકડવા લાગેલો ને પપ્પાએ બધાના માટે ચા બનાવેલી.’

‘હા ભઈ હા, બધા પાસ બસ? ચાલો મીઠાઈનું બૉક્સ ખોલો. આજે તો દિવાળીના માનમાં ગુલાબજાંબુ ખાઈ જ નાખીએ.’

ક્ષમાએ કિંજલના મોંમાં ગુલાબજાંબુ મૂકતાં કહ્યુ, ‘બેટા, હેપ્પી દિવાલી.’

‘મમ્મી સેઈમ ટુ યુ.’ મમ્મીનું મોં ગુલાબજાંબુથી ભરાઈ ગયું.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.