ભોગ
‘દીદી, યે મેરી ઘરવાલી હૈ, આશીર્વાદ દિજીએ.’
‘અરે! શાદી કબ કી? મુજે બતાયા ભી નહીં! મુજે તો રુઠ જાના ચાહિએ.’ કહેતાં હસતાં હસતાં દીદીએ બન્નેના માથે હાથ મૂકી, દિલથી શુભેચ્છા પાઠવી, બેસવા ઈશારો કર્યો.
‘દીદી, જલદીમેં થે, કિસી કો નહીં બતાયા. લવમેરેજ હૈ ના?’ પ્રશાંતે શરમાતા કહ્યું.
‘તો ફિર ઘરવાલે?’ દીદીના સવાલમાં ચિંતા ડોકાઈ. ઘરવાળાનો સાથ હોય તો ઉત્તમ, નહીં તો છે જ અલો ને અલી.
‘નહીં નહીં દીદી, દોનોંકે ઘરવાલે ખુશ હૈં, પર લવમેરેજ હૈ.’
‘અચ્છા, તો ઠીક હૈ.’
દુલ્હન હજીય શરમાય છે તે જોઈને, દીદીએ એને સવાલો પૂછવા માંડ્યા. ‘ક્યાં રહે છે? પરિવારમાં કોણ છે? કેટલું ભણી છે?’ વગેરે સવાલોના જવાબો, છોકરીને હોંશે હોંશે આપતાં જોઈ દીદીને થયું, પ્રશાંતની જોડી જામી. છોકરી તો સારી લાગે છે. ભણેલી પણ છે, પ્રશાંત સાથે સારો મેળ પડવાનો.
‘અબ બચ્ચે કે લિએ દો તીન સાલ રાહ દેખના. કોઈ જલદી નહીં હૈ, સમજે? પહેલે અચ્છેસે ઘર બસા લો, પરિવાર કો બુલાઓ ફિર બચ્ચે કે બારેમેં સોચના.’ દીદીએ વ્યવહારુ વાત કરી.
સમય સરતો રહ્યો અને પ્રશાંત–પ્રિયાએ ત્રીજી મેરેજ એનિવર્સરી ઉજવી. પ્રસંગે ભેગાં થયેલાં સગાંવહાલાંઓએ, નવા મહેમાનને હવે જલદી લાવવાની મજાકો કરી. પ્રશાંત હસ્યો ને પ્રિયા શરમાઈ. એમનો સંસારરથ તો પૂરઝડપે ભાગતો હતો, ક્યાંય કોઈ અડચણ નહીં ને ક્યાંય દુ:ખનો જરા સરખો અણસારેય નહીં. હવે નવા મહેમાનને બહુ રાહ ના જોવડાવાય, એ બન્ને સારી રીતે સમજતાં હતાં. જોકે, ભવિષ્ય કંઈક જુદું જ લખાયું હતું.
વરસ, બે વરસ અને ત્રણ વરસ! એટલે કે લગ્ન પછીનું આ છઠ્ઠું વરસ અને બાળકના આગમનના કોઈ એંધાણ નહીં! બન્નેની ચિંતામાં તો વધારો થયો જ, સાથે એમની રાતદિવસની ઊંઘ પણ હરામ થઈ ગઈ. જે લોકો હસીમજાક કરતાં, તે હવે ટોણા મારવા માંડ્યા. ખબર પૂછવાને બહાને તીર ઘોંચવા માંડ્યા. માબાપ પણ ચિંતામાં અડધા થયાં અને વારંવાર જાતજાતના ડૉક્ટરો કે વૈદોને મળવાનો આગ્રહ કરવા માંડ્યાં. પ્રશાંત અને પ્રિયા જ જાણતાં હતાં, કે બેમાંથી કોઈનો દોષ નહોતો પણ અમુક કેસમાં બાળક ન જ થાય, તેવા કેસમાંના તેઓ એક હતાં. પરિસ્થિતિનો સ્વીકાર કરવા સિવાય કોઈ છૂટકો નહોતો.
એક દિવસ પ્રશાંતના માબાપ અને બહેન–બનેવીએ પ્રશાંતના ઘરના દરવાજે દસ્તક દીધી. પ્રિયાએ ખુશી ખુશી સ્વાગત કર્યું પણ કોઈએ એની સામે જોયું સુદ્ધાં નહીં. પ્રિયા છોભીલી પડી રસોડામાં જઈ ચા-પાણીની તૈયારી કરવા લાગી. એને સમજતાં વાર ન લાગી, કે આ લોકો શા માટે આવ્યાં છે. ફરી એ જ બધી સમજાવટ અને જુદા જુદા ડૉક્ટરની ભલામણ. વાત તો દોરાધાગા અને મહારાજ, ભૂવા સુધી પણ પહોંચેલી. પ્રશાંતનો સાથ ના હોત તો? આ બધાંનો સામનો એ કઈ રીતે કરી શકત? ખેર, એ ચુપચાપ પોતાનું કામ પતાવી પોતાના રૂમમાં બેસી રહી. પ્રશાંતને મેસેજ કરી દીધો.
રાતે જમ્યા પછી, પ્રશાંત સાથે મહેમાનોની મીટિંગ ભરાઈ. ખાસ્સી વાર સુધી ચાલેલી મીટિંગથી કંટાળેલી પ્રિયા, રૂમની બહાર નીકળી રસોડામાં જતી હતી ત્યારે એના કાને ઊંચા અવાજે બોલાયેલા શબ્દો પડ્યા, ‘તું શા માટે જીદ કરે છે? આપણી નાતની બીજી છોકરીઓ તૈયાર છે તારી સાથે પરણવા માટે. તું એને છોડી દે બસ, અમે બીજું કંઈ ન જાણીએ. અમને તો અમારા કુળનો વારસ જોઈએ એટલે જોઈએ અને એમાં તારી કોઈ વાત અમે માનવાનાં નથી. તને સમજ પડે છે ને, અમે શું કહીએ છીએ ને શા માટે અહીં આવ્યા છીએ તે? અમે આ વાતનો ફેંસલો કર્યા વગર નથી જવાના. હા કે ના. જો તું આને નહીં છોડે, તો તારી સાથેના અમારા બધા સંબંધ કટ. તું અમારા માટે મરી ગયો એમ સમજી લેજે.’ બા અને બાપુજી, બન્ને ખૂબ ગુસ્સામાં હતાં અને બહેન–બનેવી એ જ વાત સમજાવીને કહી રહ્યા હતાં. ક્યારનો પ્રશાંતનો અવાજ ન સંભળાતાં પ્રિયાને ફાળ પડી. પ્રશાંત કંઈ બોલતો કેમ નથી?
પ્રિયાના પગ તળેથી ધરતી ખસવા માંડી. બાળક ન થવામાં પોતાનો તો કોઈ વાંક જ નહોતો, છતાં આજે એ જ ગુનેગાર ઠરી રહી હતી. એને તો એના પ્રશાંત પર પૂરો ભરોસો હતો, તોય આ બધું સાંભળીને એક ઘડી તો એનું મન ડગી ગયું. રખે ને, પ્રશાંત માબાપના પ્રેમની સામે ઝૂકી ગયો તો? એ લોકો મરી જવાની ધમકી આપશે તો? મારા લીધે આટલા બધા લોકોને પ્રશાંત છોડી શકશે? જેમની સાથે લોહીનો નાતો છે તેમને? પ્રશાંતની ચુપકીદીથી પ્રિયાને ખાતરી થઈ ગઈ, નક્કી હવે પ્રશાંત એને આ ઘરમાંથી કાઢી જ મૂકશે. એ રડતી રડતી રૂમમાં જતી રહી. એના ભાવિમાં હવે અંધકાર સિવાય કંઈ નહોતું.
જમાનો તો કેટલો આગળ નીકળી ગયો છે અને હવે તો બાળક ન થાય તોય લોકો ચિંતા નથી કરતાં. નવી નવી શોધોને લીધે સ્ત્રીઓને હવે મહેણાં પણ નથી સાંભળવા પડતાં, ત્યારે આ લોકો કયા જમાનામાં જીવે છે? માબાપ જુનવાણી છે પણ બહેન ને બનેવી? એ લોકો ન સમજાવી શકે? શું બાળક દત્તક પણ ન લઈ શકાય? છોકરું જ જોઈએ છે ને? કે છોકરો જોઈએ છે? ધારો કે, છોકરી આવી હોત તો આ લોકો તો છોકરાનું બહાનું કાઢીને મને કાઢી મૂકાવત. પણ પ્રશાંત કેમ કંઈ બોલતો નથી? પ્રિયા માથું પકડીને બેસી રહી.
એવામાં રૂમમાં કોઈના આવવાનો અવાજ સંભળાતાં પ્રિયા ગભરાઈ. નક્કી પ્રશાંત! એના ખભે પ્રશાંતનો હાથ મૂકાતા એ ધ્રુજી ઊઠી. ‘પ્રિયા રડ નહીં, એ લોકો જતા રહ્યાં. હવે ફરી કોઈ વાર અહીં નહીં આવે. મને તું જોઈએ છે, તારા ભોગે બાળક નહીં. તેં કેમ ધારી લીધું, કે હું તને છોડી દઈશ? આપણને જ્યારે ખબર છે કે, આપણા જીવનમાં બાળક નથી જ આવવાનું, પછી હું તારી સાથે કેમ અન્યાય કરી શકું? ચાલ, હવે રડવાનું બંધ કર ને મને થૅન્ક યૂ કહી દે જોઉં.’ પ્રિયા પ્રશાંતને વળગીને થેન્ક યૂનું રટણ કરતી રહી. પ્રશાંતને દીદીના શબ્દો યાદ આવતા હતા, ‘બાળકની લાલચમાં આ છોકરીનો ક્યારેય ભોગ નહીં લેતો.’ પ્રશાંત બબડ્યો, થૅન્ક યૂ દીદી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર