મમ્મી, હું રમવા જાઉં?
મમ્મી, પાંચ વાગવામાં પાંચ મિનિટ બાકી છે. મેં આરવને તૈયાર કરી દીધો છે ને આ થેલીમાં એનો નાસ્તો ને વૉટરબેગ છે. સાથે હેન્ડવૉશની બૉટલ અને નેપ્કિન પણ છે. નીચે બગીચામાં હવે બધાં છોકરાં રમવા આવ્યા હશે. તમે એને લઈ જાઓ અને ખાલી એટલું ધ્યાન રાખજો કે, એ કોની સાથે રમે છે. ત્યાં વૉચમેનના છોકરાં પણ રમતાં હોય છે. આરવ એમની સાથે રમવા ન બેસી જાય પાછો. જો તમારી પાસે પાણી માગવા કે કંઈ ખાવા આવે તો એના હાથ ને મોં ધોવાનું યાદ રાખજો અને એને સાડા પાંચે બોલાવીને નાસ્તો કરાવી દેજો. એને હાથ-મોં ધોવાનું બહુ ગમતું નથી, કંટાળે છે પણ પછી એમાં જ એ માંદો પડી જાય છે. તમે એનું બિલકુલ સાંભળતાં નહીં. ચાલો, હું રસોઈ પતાવી દઉં. પછી સવા છ વાગે પાછા ટ્યુશનના સર આવી જશે.’
‘આર...વ ઓ આર...વ, ચાલ જલદી પાંચ વાગી ગયા. નીચે રમવા નથી જવું? દાદી પણ તૈયાર જ છે. જા બેટા, રમી આવ જલદી જલદી, આપણે હજી હોમવર્ક ને ટ્યુશન ને પ્રોજેક્ટનું કામ બાકી છે. ચાલ તો, દાદી રાહ જુએ છે.’
આરવ આખા દિવસમાં જે ઘડીની રાહ જોતો હોય તેની બૂમ પડતાં જ એ આખા ઘરમાં દોડાદોડી કરી મૂકતો. મમ્મી ફરતે ને દાદી ફરતે એક ચકરડું મારીને પછી જ દાદી સાથે નીચે ઊતરતો. જ્યારથી આરવ પ્લે સ્કૂલમાં જતો થયો ત્યારથી સૌમ્યાની જવાબદારી વધી ગયેલી. દુનિયાનું શ્રેષ્ઠ બાળક તૈયાર કરવામાં સૌમ્યાએ કોઈ કસર નહોતી છોડી. બાળઉછેરના પુસ્તકો તેમજ વિવિધ પ્રોગ્રામ્સ જોઈ જોઈને પોતાના મનમાં એણે એક નકશો તૈયાર કર્યો હતો. એ નકશામાં આરવ પ્લે સ્કૂલમાં જતો થાય ત્યારથી માંડીને આરવને સરસ નોકરી ને છોકરી મળે ત્યાં સુધીની રેખાઓ ખુદ સૌમ્યાએ ખૂબ મહેનત ને ઉજાગરા કરીને ખેંચી હતી.
આરવના જીવનમાં એ કોઈની દખલગીરી ચલાવવા નહોતી માગતી. ખુદ મનનની પણ નહીં. મનનને તો આરવ જીવ કરતા પણ અધિક વહાલો જ હોવાનો ને? પણ સૌમ્યાએ તો બાપ-દીકરાને મળવાનો ને પરસ્પર વહાલ કરવાનો પણ નિશ્ચિત સમય રાખેલો! સુધાબેનને ક્યારેક આ બધું જોઈને આંખે પાણી આવી જતાં પણ ભૂતકાળના ઝઘડાની યાદમાં એ પોતાનો પ્રેમ ને મનનની લાચારીને છુપાવી બેસી જતાં.
શું મનનના ઉછેરમાં મેં કોઈ કસર રાખી હતી? શું મનન આડી લાઈનનો છે? એ ભણ્યો નથી? એને સારી નોકરી નથી મળી? મનનનો પગાર શું એટલો ઓછો છે કે, ઘરમાં પૈસાની કાયમ ખેંચ રહે છે? તો પછી? કેમ સૌમ્યા હંમેશાં મને ને મનનને ટોણાં મારતી રહે છે? બધું મળવા છતાં ને બધું પોતાની મરજી મુજબ થવા છતાં કેમ સૌમ્યાને ચેન નથી? પહેલાં તો એ આવી નહોતી!
એમ તો મનનને શ્રેષ્ઠ ભણતર આપવામાં ને એનો યોગ્ય ઉછેર કરવામાં પતિને સુધાબેને પણ પૂરતો સાથ આપ્યો જ હતો, કોઈ કસર નહોતી છોડી. કેટલા આનંદના દિવસો હતા એ. રમતાં રમતાં મનન ક્યારે મોટા પગારની નોકરીએ લાગી ગયો એની પણ ખબર નહોતી પડી મિત્રવર્તુળમાં ને સગેવહાલે પણ મનનના જ્યારે વખાણ થતાં ત્યારે સુધાબેન ને રાકેશભાઈની આંખે બે બુંદ ચમકી જતા. સૌમ્યાના આવ્યા પછી પણ ચારેય કેટલા ખુશ હતા!
જો કે, એ ખુશી ફક્ત એક જ વર્ષની હતી. રાકેશભાઈના ગયા પછી આરવના આગમને ઘર ફરીથી ભરાઈ ગયું હતું. પહેલું વરસ તો ખૂબ આનંદ-કિલ્લોલમાં પસાર થયું પણ પછી શરૂ થઈ બધી જંજાળ. સૌમ્યાનો સ્વભાવ અચાનક જ બદલાઈ ગયો. આરવની બાબતમાં એ એકદમ પઝેસિવ બની ગઈ. ઊઠતાં-બેસતાં, સૂતાં-જાગતાં ને હરતાંફરતાં સૌમ્યાનું ધ્યાન સતત આરવ પર! એના મગજ પર રીતસરનું પાગલપન જ સવાર થઈ ગયેલું.
સુધાબેન રોજ આરવને લઈને બગીચામાં જતા ત્યારે ખૂબ હળવા થઈ જતાં. આરવના મોં પરની ખુશી ને એની ચીસાચીસને જાણે મનમાં સંઘરી લેતાં, બીજી સાંજ સુધી. પણ થોડા દિવસથી આરવ સાથે એની જ ઉંમરના એક છોકરાને રમતાં સુધાબેને જોયો હતો. ખૂબ જ ચંચળ ને હસમુખો જીત આખા એક કલાક દરમિયાન ભાગ્યે જ એની મમ્મી પાસે કોઈ ફરિયાદ લઈને જતો. જીતની મમ્મી પણ બધાં બાળકોને રમતા જોઈ હરખાયા કરતી. કોઈ વાર બધાને ભેગાં કરીને કોઈ ગીત શીખવતી તો કોઈ વાર પ્રાણીઓની નકલ કરીને બાળકોને ખૂબ હસાવતી.
બગીચામાં સૌ બાળકોની ફેવરિટ આન્ટી, ‘જીતની મમ્મી’ નામે ઓળખાતી એ યુવતીમાં સ્વાભાવિક જ સુધાબેનને પણ રસ પડ્યો હતો. એક દિવસ ‘જીતની મમ્મી’ પાસે જઈ સુધાબેને બેઠક જમાવી. વાતવાતમાં જીત વિશેની બધી માહિતી એમણે મેળવી લીધી. જીત આરવના ક્લાસમાં જ ભણતો હતો. ભણવાની સાથે બધી પ્રવૃત્તિમાં પણ અવ્વલ. સુધાબેનની અનુભવી નજરે ‘જીતની મમ્મી’ને પારખી લીધી અને એને ઘરે આવવાનું આમંત્રણ એટલા પ્રેમથી આપ્યું કે, ‘જીતની મમ્મી’ના ન કહી શકી.
આરવઘેલી હોવાને કારણે સૌમ્યાએ સોસાયટીમાં ન કોઈ સાથે ઓળખાણ કરી હતી કે ન એને કોઈની વાતમાં રસ પડતો. સુધાબેનની ‘જીતની મમ્મી’ વિશેની વાતો સાંભળવામાં સૌમ્યાનું ધ્યાન નહોતું પણ જ્યારે એણે જાણ્યું કે, જીત પણ આરવના ક્લાસમાં જ છે ને બધામાં અવ્વલ રહે છે ત્યારે તરત જ એના કાન ચમક્યા. આ વળી કોણ હશે? ‘જીતની મમ્મી’ને મળવા સૌમ્યા બેચેન બની. એણે સામેથી ફોન કરીને સાંજે આરવના ટ્યુશનના સમયે હેતાને ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું, સુધાબેન મનમાં મલક્યાં.
સુધાબેને સૌમ્યા સાથે હેતાની ઓળખાણ કરાવી ને બંનેને વાતમાં પાડી અને તેઓ ધીરે રહીને રસોડામાં સરકી ગયાં. હેતાએ કોઈ જ ભાર વગર પણ સતત એ ધ્યાન રાખીને કે, જીતનાં ક્યાંક વધારે પડતાં વખાણ ન લાગે એ રીતે જીતની વાતો કરી ને પોતાના પરિવારની વાતો પણ કરી. પરિવારમાં સવારથી સાંજ સુધીનાં બધાં કામની એણે વહેંચણી કરી દીધી હતી. જેથી બધાંને જીત સાથે પૂરતો સમય મળે અને જીતને પણ બધાંનો પ્રેમ મળે જીતનાં દાદા-દાદીનો સાંજનો સમય બગીચામાં જીત સાથે ખૂબ આનંદથી પસાર થતો.
તો સવારની દોડાદોડીના સમયે જીતના પપ્પા સાથે જીતની જવાબદારી વહેંચાઈ જતી. એમાં આ કામ મમ્મીનું એ આ કામ પપ્પાનું એવું કોઈ બંધન નહીં. ‘ભણતરનો ભાર’ શબ્દ જ કોઈ નહોતું જાણતું. બાળઉછેરની મોટી મોટી વાતો કે સેમિનારોને ધ્યાનમાં રાખ્યા વગર મા-બાપના સંસ્કારોને પગલે, બંને ખૂબ જ હળવાશથી જીતને ઉછેરવાનો આનંદ માણી રહ્યાં હતાં. પરિણામે હસમુખો જીત બધાં બાળકોમાં અલગ તરી આવતો.
હેતાના ગયા બાદ, સૌમ્યાની નજર સામે પોતાનો કચકચિયો પરિવાર અને હેતાનો ખુશખુશાલ પરિવાર તરવરી રહ્યો. સુધાબેનના ખોળામાં માથું મૂકી સૌમ્યાનાં આંસુઓએ પશ્ચાતાપ કરી લીધો. બીજા દિવસથી સૌમ્યાના ઘરની પણ દિવાલો રંગીન બની ગઈ ને હવામાં મસ્તી લહેરાવા માંડી, જ્યાં ન તો કોઈ કડક નિયમો હતા કે ચુસ્ત સમય પાલન. બસ આનંદ જ આનંદ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર