પડકારો સામે લડવું કે ડરવું?

05 Jul, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: pinimg.com

‘સુમીતભાઈ, જલદી આવો. નિરાલીએ ઝેર પી લીધું છે.’

હૉસ્ટેલમાંથી ફોન આવતાં જ સુમીતના હોશકોશ ઊડી ગયા. એણે જોરમાં બૂમ પાડી, ‘હીમા....હીમા....’ ને દોડાદોડ કરીને એ આખા ઘરમાં હીમાને શોધી વળ્યો. હીમા પાંચ મિનિટ પહેલાં જ ટીવી બંધ કરી કમ્પાઉન્ડમાં આંટો મારવા નીકળી હતી. સુમીત બહાવરો બની બહાર દોડ્યો અને હીમાને કમ્પાઉન્ડમાંથી હાથ પકડી ઘરમાં ખેંચી લાવ્યો.

‘અરે, શું આમ કરે છે? અચાનક શું થયું?’

‘હીમા… હીમા… નિરાલીએ ઝેર પી લીધું છે. જલદી ચાલ, આપણે હમણાં જ નીકળી જઈએ. ’ જેમતેમ પોતાના અવાજ ને ગભરાટ પર કંટ્રોલ કરતો સુમીત ગાડી કાઢવા ગયો. હીમા તો લાકડા જેવી થઈ ગઈ. સુમીત શું બોલ્યો? શું ખરેખર નિરાલીએ?  ઓહ નો! હે ભગવાન. મારી નિરાલીને કંઈ નહીં થાય એનું ધ્યાન રાખજો.’

થોડી વારમાં તેમની ગાડી પવનવેગે સુરત–અમદાવાદ હાઈવે પર નીકળી પડી. પણ આજે રસ્તો ખૂટતો નહોતો. ચિત્તનો કબજો નિરાલીએ લઈ લીધો હતો ને હૉસ્ટેલમાં ફોન કરતાં ફક્ત એટલું જાણવા મળ્યું હતું કે, નિરાલીને નજીકના પ્રાઈવેટ ક્લિનિકમાં એડમિટ કરાઈ છે પણ તેની કંડિશન ક્રિટિકલ છે.

‘આ આજકાલનાં છોકરાંઓને કોણ જાણે શું થઈ ગયું છે! વાતે વાતે મરવાની વાત. તું બોલ તો હીમુ, આપણે નિરાલીને શાની ખોટ પાડી? જે માગ્યું તે હાજર કર્યું, જ્યાં કહ્યું ત્યાં ભણવા મૂકી, કપડાં, પૈસા, મોબાઈલ ને લેપટૉપ ને શું નથી લઈ આપ્યું? શું આપણે બીજાં માબાપ કરતાં ઉતરતાં નીકળ્યાં? મને કંઈ જ સમજાતું નથી, આવું કેમ થયું ?’ સુમીતે વાતના જોશમાં એક્સેલેરેટર પર પગ દબાવ્યો.

‘ના સુમીત, તું એમ જીવ ન બાળ. આપણી નિરાલી ઘણી ડાહી છે. બીજું જ કોઈ કારણ હશે ને તે ત્યાં ગયા પછી જ ખબર પડશે. પ્લીઝ, શાંત થા ને બધા સારા વાના થશે એમ વિચારીને ગાડી શાંતિથી ચલાવ. આપણી નિરીને કંઈ નહીં થાય, મને ખાતરી છે.’ હીમાએ સુમીતને હિંમત આપી.

ગાડીને સીધી જ ક્લિનિક પર લઈને સુમીત ને હીમા સીધાં નિરાલીની રૂમ તરફ દોડ્યાં. ઓક્સિજન માસ્ક ને જાતજાતની નળીઓથી વીંટળાયેલી નિરીને જોતાં જ બંનેની આંખમાંથી કલાકોનો અટકાવી રાખેલો ડુમો આંસુ બની વહી નીકળ્યો. નર્સે પણ આંસુ છુપાવી બંનેને સમજાવીને બહાર રાહ જોવા કહ્યું. કેટલી પ્યારી હતી નિરાલી! સૌની લાડકી. શું થયું હશે? સૌના મનમાં એક જ સવાલ ઘુમરાતો હતો.

નિરાલી માટે ચોવીસ કલાક ક્રિટિકલ હતા. નિરાલીના વોર્ડની બહાર ખડપગે ઊભેલો સુમીત સતત વિચાર કરી રહ્યો હતો કે, નિરાલી સાથે એવું તે બન્યું હશે કે ગઈકાલ સુધી તેની સાથે વ્હોટ્સ એપ પર ચેટ કરતી નિરાલીએ આજે આ પગલું લેવું પડ્યું? નિરીની રૂમ પાર્ટનર કશે નજરે નહોતી પડતી, નહીં તો એને પૂછીને પણ નિરીની હરકતનું કોઈ કારણ મળી આવતે. નિશિતા હતી એની રૂમ પાર્ટનર. અચાનક જ મમ્મી માંદી હોવાનો ફોન આવતાં તે બે દિવસથી ઘરે ગઈ હતી. હીમાએ નિશિતાને ફોન લગાવી જોયો પણ ફોન બંધ હતો.

ચોવીસ કલાક પૂરા થયા ને ધીરે ધીરે નિરાલીનો માસ્ક ને નળીઓ નીકળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો. સુમિત ને હીમાને નિરાલીની હૉસ્ટેલની રૂમમાં આરામ કરવા મોકલી સૌ છૂટા પડ્યાં. બંને હોસ્ટેલમાં આવી નિરાલીની એક એક વસ્તુને ધ્યાનથી ને પ્રેમથી પસવારીને જોઈ રહ્યાં. સુમીતની આંખો કંઈક જોઈને બે ચાર વાર ચમકી પણ એણે માથું ઝાટકીને તેના વિચારોને રવાના કર્યા.

બીજા દિવસે ક્લિનિક પર ડૉક્ટર સુમીત-હીમાની રાહ જ જોતા હતા.

‘વેલ સુમીતભાઈ, તમારી દીકરીની તમારી સાથે છેલ્લે ક્યારે વાત થઈ હતી?’

‘ડૉક્ટર, અમે બંને તો અમારી દીકરીના પેરન્ટ્સ કમ ફ્રેન્ડ્સ વધારે છીએ. વૉટ્સ એપ પર સતત ચૅટિંગ ચાલુ જ હોય.’ કંઈક ગર્વથી બંને બોલ્યાં.

‘આઈ એમ સૉરી ટુ સે પણ આજકાલનાં દરેક માબાપ એવું જ સમજે છે પણ ખરેખર એવું હોતું નથી. જો એવું હોત તો નિરાલીએ આવું ન કર્યું હોત. એનો પ્રોબ્લેમ તમારી સાથે જરૂર શેર કર્યો હોત. ખેર, તમે એને બધી સગવડ આપો તેની ના નહીં પણ એના દિલની એટલા નજીક રહો કે, એને ઉઝરડો પડે તો લોહીનો ટશિયો તમને ફૂટે. તમારા સંતાનોને એટલી છૂટ આપો કે, એ બધી વાત તમને જ પહેલાં કરે, સમજ્યાં? બસ, મારે વધુ કંઈ નથી કહેવું. નિરાલી ઈઝ આઉટ ઓફ ડેન્જર નાઉ ને તમે એને બે દિવસ પછી ઘરે લઈ જઈ શકો છો.’

હવે તો નિરાલી ભાનમાં આવે તેની જ રાહ જોવાની હતી. એના દિલને જરાય ઠેસ ન પહોંચે તેમ એની પાસેથી વાત પણ કઢાવવાની હતી! એ પહેલાં સુમીત-હીમા નિરાલીની કેટલીક ક્લાસમેટ્સને મળ્યાં. વાતચીતમાં તેમણે જાણ્યું કે, આજકાલ નિશિતા નિરાલી સાથે નહોતી દેખાતી. બંને અતડાં રહેતાં હતાં. કારણ કોઈ તરફથી જાણવા નહોતું મળ્યું પણ નિરાલી બહુ શાંત થઈ ગઈ હતી.

ઘરે પહોંચ્યા બાદ, નિરાલી સ્વસ્થ બની એવું લાગતાં સુમીતે એક દિવસ વાત છેડી, ‘નિશિતા કંઈ દેખાઈ નહીં ને! તેના ઘરમાં કોણ કોણ છે? એનો કોઈ વાર ફોન આવ્યો?’ નિશિતાનું નામ સાંભળતાં જ નિરાલીના ચહેરાનો રંગ ઊડી ગયો. એ બહાનું કાઢીને ઊઠવા જતી હતી પણ સુમીતે એને પ્યારથી સમજાવી પોતાની પાસે બેસાડી. ‘જો બેટા, નિશિતા સાથેનો તારો પ્રોબ્લેમ તું અમારી સાથે શેર કરી શકે છે. તારા મમ્મી–પપ્પા તારા બેસ્ટ ફ્રેન્ડસ છે ને? જે હોય તે અમને કહે તો એનો રસ્તો કાઢીએ.’

નિરાલીએ જ્યારે તેના મમ્મી-પપ્પા આગળ નિશિતાની વાતો કરી ત્યારે સુમીત-હીમા પણ ચોંકી ગયા. કારણ કે હોસ્ટેલમાં આવ્યા બાદ નિશિતા કોઈ રખડુ ગૅન્ગના રવાડે ચઢી ગઈ હતી. વધુ પડતી સ્વતંત્ર થઈ ગયેલી નિશિતા અવારનવાર ડ્રગ્સ કે શરાબનું પણ સેવન કરતી. તેની આર્થિક સ્થિતિ કંઈ એવી સદ્ધર ન હતી કે એ તેના નવાબી શોખ પૂરા કરી શકે. એટલે તેના પૈસાની જરૂરિયાત પૂરી કરવા એ નિરાલીને ધમકાવતી રહેતી. આ ઉપરાંત એ નિરાલીને એ વાતે પણ ડરાવતી રહેતી કે જો નિરાલી તેના ધંધા વિશે કોઈને જાણ કરશે તો એ નિરાલીને પીંખી નાખશે.

બીજી તરફ નિરાલી પણ તેના ઘરેથી વારંવાર પૈસાની માગણી કરી શકે એમ ન હતી. એટલે નિશિતાએ નિરાલીની હોસ્ટેલની કેટલીક વસ્તુઓ વેચવા માંડી. નિશિતાના આવા વર્તનને કારણે નિરાલી સતત તણાવમાં રહેતી, જેની અસર તેના ભણતર પર પણ પડી હતી. એટલે જ સતત ગભરાટ, લાચારી અને મૂંઝવણના બોજા નીચે દબાયેલી નિરાલીએ આખરે આત્મહત્યાનો નિર્ણય કર્યો.

દીકરીની વાત સાંભળીને સુમીતે નિરાલીને સમજાવી, ‘જો બેટા, જીવનમાં આવા અનુભવો તો ડગલે ને પગલે થવાના. એમ ડરી જવાથી કે મરી જવાથી પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે? એના કરતાં હિંમતથી દરેક પરિસ્થિતીનો સામનો કરતાં શીખ. પહેલી વારમાં જ ઝૂકી જવાને બદલે ખોટા કામમાં પહેલા જ ના કહી દેવી. તે છતાં ધમકી મળે તો સીધું પ્રિન્સિપાલ કે પોલીસને જણાવી દેવું. ફ્રેન્ડ્સથી પણ કંઈ છૂપું ન રાખવું, જેથી મુસીબતના સમયે બધા કામ આવી શકે. ગમે તે થઈ જાય માબાપને દરેક વાતથી વાકેફ કરવાની ટેવ પાડવાથી લાગણીનો તંતુ તો મજબૂત બને છે પણ સમસ્યાનો ઉકેલ પણ વહેલો મળે છે. આવો માનસિક ત્રાસ આપનારની સામે કેસ પણ કરી શકાય અને એને પાઠ પણ ભણાવી શકાય. અમે હંમેશાં તારી સાથે જ છીએ એ યાદ રાખીને હવે બધું ભૂલીને નવી જિંદગી શરૂ કર. આવું બધાંનાં જીવનમાં બને પણ એનો સામનો કોણ કઈ રીતે કરે છે તે સમજવું બહુ જરૂરી છે. તું અમારી બહાદુર દીકરી છે ને અમને તારા પર ગર્વ છે. ચાલ એ જ નામ પર બૅગ પૅક કરો, આપણે લોનાવલા ફરી આવીએ.

નિરાલી આંસુ લૂછી ટટાર ઊભી રહી ને ‘યસ સર’ કહી એક મસ્ત સલામ કરતી ખડખડાટ હસી પડી. ‘મૉમ, લવ યુ ટુ’ બોલી હીમાને ગળે વળગી પડી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.