આથી હું જાહેર કરું છું કે...
ઓફિસેથી આવતા વેંત ગૌરવે હાથમાંનો કાગળ સોફામાં બેઠેલાં સરુબેન તરફ ગુસ્સાથી ફેંક્યો. ‘લ્યો, વાંચો તમારી દીકરીનો લવલેટર. બહુ વખાણતાં હતાં ને ? ‘મારી મોનુ...મારી મોનુ... લો હવે જુઓ, તમારી મોનુએ શું કર્યું તે.’
અચાનક થયેલા હુમલાથી ને ખાસ તો મોનુના નામથી ઝંખવાયેલાં સરુબહેને કાગળ તરફ જોયા કર્યું. શું હશે કાગળમાં? લવલેટર બોલ્યો તે એવું તે શું હશે? કોઈ નવાજૂની? કે કોઈ માગણી? ના ના, મરી જાય પણ કંઈ માગે તો નહીં. હું ઓળખું ને મારી મોનુને. આભ તૂટી પડે ને તોય ઉંહકારો ન કરે. નક્કી કંઈક બીજું જ હશે ને તે આ ગૌરવને ન ગમતી વાત હશે. એને તો અમસ્તી નાની એવી વાતમાંય કાગનો વાઘ કરવાની ટેવ છે. કોઈ જવાબ આપ્યા વગર કે સવાલ પૂછ્યા વગર બે ઘડીમાં સ્વસ્થ થઈ સરુબહેને ખોળામાંની ચોપડીને ફરી હાથમાં લીધી.
ગૌરવને સરુબહેનની સ્વસ્થતા કઠી. ‘તમે એમ નહીં સમજતાં કે, તમારી મોનુ બહુ ડાહી છે ને બહુ સમજુ છે. આ વાંચશો ને તો તમારોય ભ્રમ ભાંગી જશે. આખરે એનું અસલી રૂપ બહાર આવી જ ગયું. આટલાં વરસ તો બહુ મારો ભાઈ– મારો ભાઈ કરતી હતી, તે આના માટે? તમને તો બધી ખબર જ હશે નહીં?’
અચાનક થયેલા હુમલાથી હવે સરુબહેને મોં ખોલ્યું, ‘શું થયું તે બોલશે કે આમ બધી અદ્ધરતાલ વાત કર્યે રાખશે? મોનુએ શું કર્યું તે મને પણ ખબર તો પડે.’
‘મારે કંઈ કહેવું નથી. તમે જ આ કાગળ વાંચી લો એટલે બધું સમજી જશો.’ ગૌરવે કાગળને સરુબહેનના હાથમાં મૂક્યો ને ધમ ધમ કરતો રૂમમાં જતો રહ્યો. જતાં જ, રૂમમાંથી બરાડો સંભળાયો, ‘હું ઘરમાં મર્યો છું એ ખબર હોય તો મને કોઈ પાણી આપજો.’ નિશી વહેલી વહેલી આવીને પાણી આપી ગઈ. આજે નક્કી ઘરમાં ધમાલ થવાની. નિશી આવનારી આંધીના અણસારે ફફડી ઊઠી. એવું તે શું હશે કાગળમાં?
સરુબહેને ઉતરેલા મોંએ હાથમાંના કાગળને ખોલ્યો. અંદર નજર ફેરવતાં જ એમના ચહેરાનો રંગ ઊડી ગયો. ધ્રૂજતા કાગળના અક્ષરો માથે આવીને ઠોકાવા માંડ્યા. કાનની બૂટ ગરમ થઈ ગઈ ને એમના મગજની નસો ફાટફાટ થવા માંડી. એમના માનવામાં ન આવ્યું કે, આ કાગળ મોનુએ લખ્યો છે. શું મોનુ આ હદે જઈ શકે? ના ના, નક્કી આ કોઈનું મોનુને બદનામ કરવાનું કારસ્તાન જ છે. મારી મોનુ કોઈ દિવસ આવો કાગળ લખે જ નહીં. એમણે ફરી કાગળ પર નજર ફેરવી,
‘ભાઈ, તમારી વર્ષોની દાદાગીરી, એકહથ્થુ સત્તા ને અન્યાયથી કંટાળીને આ પત્ર લખું છું. દીકરી તરીકે પપ્પાની બધી મિલકતમાં કાયદેસર મારો પણ સરખો હિસ્સો હોઈ મને મારો હિસ્સો આપી દેશો. જો ના કહેશો તો કાયદેસરની કાર્યવાહી કરતાં મને આવડે છે.’
શરમના માર્યાં સરુબહેન કાગળની ગડી વાળતાં નીચું જોઈ બેસી રહ્યાં, એકદમ સ્થિર. આ છોકરીને આટલે વર્ષે આવું તે શું સૂઝ્યું? આટલાં વરસમાં એના માટે ભાઈએ શું નથી કર્યું એના માટે? અરે, ભાઈ ને ભાભી તો એના છોકરાંઓને પણ પોતાનાં જ ગણીને રહ્યાં ને કોઈ વાતે આપદા ના પાડી તેનો આવો બદલો? અરેરે! ભગવાન, મારા નસીબમાં તેં હજી શું બાકી રાખ્યું છે? હું તો લોકો આગળ મારાં છોકરાંઓનાં વખાણ કરતી ને ભાઈબહેનના પ્રેમના દાખલા લોકોને આપતી તે આજે આ દિવસ જોવા? ગૌરવને ગુસ્સો ન આવે તો શું થાય? હવે મારે જ કંઈક કરવું પડશે. હું સમજાવીશ મોનુને. ગૌરવને દિલાસો આપી બીજી સવારે જ સરુબહેન તો ઉપડ્યાં મોનુને ત્યાં.
‘આવ, મને હતું જ કે તું આવશે. ભાઈએ મોકલી કે ભાભીએ?’ મોનુએ સરુબહેનને ટોણો મારતાં આવકારી. સરુબહેન ગમ ખાઈ ગયાં. હજી બેટા કહીને વાતની શરૂઆત કરે તે પહેલાં જ મોનુએ એમને અટકાવી દીધાં. ‘જો મમ્મી, તું મને સમજાવવા આવી હોય તો અત્યારથી જ માંડી વાળજે. મા તરીકે દીકરીને મળવા આવી હોય તો મને આનંદ છે, પણ ભાઈની તરફદારી કરવા આવી હોય તો મારે કંઈ નથી સાંભળવું. મેં વકીલ પાસે પેપર્સ તૈયાર કરાવી લીધા છે ને ભાઈના જવાબની જ રાહ જોઉં છું, નહીં તો કાલે સવારથી જ કામ ચાલુ. મને તો નવાઈ લાગે છે કે, બધું જાણતી હોવા છતાં તું કેમ મને સમજાવવા આવી? શું તને ભાઈનો અન્યાય ક્યારેય નથી દેખાયો? એક જ માબાપનાં બે સંતાન હોય તો એકને ગોળ ને એકને ખોળ કેમ? શું હું દીકરી એટલે તમારું સંતાન મટી ગઈ?
મારાં લગ્નમાં મેં જ દહેજનો વિરોધ કરેલો ને સાદાઈથી લગ્નનો આગ્રહ રાખેલો. તેથી કંઈ મારો આ ઘર પરથી હક મટી ગયો? તમારા સારા નરસા દરેક પ્રસંગે હું દોડી દોડીને હાજર રહી. અરે, ઘણી વાર તો મારા ઘરને બાજુએ મૂકીને પણ મેં તમારા પ્રસંગો સાચવ્યા ને બદલામાં મને શું મળ્યું? કોઈ જમવાનો તો આગ્રહ પણ ન કરતું. પછી ટિફિનની તો આશા જ કેમ રખાય? ઘરે જઈને દોડી દોડીને હું રાંધતી ત્યારે અમે મા–દીકરો જમતાં. પારસની લાંબી બિમારીએ એની નોકરી, બધી બચત અને આખરે એનો જીવ પણ લઈ લીધો. પછી તો તમે લોકોએ અમને ભિખારી જ સમજી લીધેલાં. અમારે ખાવાનાં ફાંફાં વરસો સુધી રહ્યાં તોય મેં હાથ લાંબો ન કર્યો ને રાત દિવસ કાળી મજૂરી કરીને ચલાવ્યું પણ તમે? દયા કરતાં હોય તેમ ભાઈ ને ભાભી ઉતરેલાં કપડાં આપતાં. ભીખમાં કોઈ વાર પાંચ પચીસ હજાર પકડાવી દેતાં. મારે રોજી જોઈતી હતી, ભીખ નહીં. મમ્મી, તને પણ કોઈ દિવસ મારી દયા ન આવી? જોકે, ભાઈ ને ભાભીની દયા નીચે તું પણ દબાઈ ગયેલી એટલે તારાથી કેવી રીતે કંઈ બોલાય?
અરે મમ્મી, તને કોઈ દિવસ એવો વિચાર ન આવ્યો કે, ભાઈ ભાભી જ્યાં જાય ત્યાં ગાડી કે પ્લેન વગર ન જાય ને તને હંમેશાં ટ્રેનમાં મોકલી છે. બહાનું તો કેવું કાઢતાં, ‘એ તો ટ્રેનમાં સૂતાં સૂતાં જવાય ને?’ તને આખા વરસમાં વાપરવા કેટલા રૂપિયા આપે છે? તને સામેથી કશે ફરવા મોકલી? હવે બાકીની જિંદગી આરામથી કાઢવાની ત્યારે તું એ લોકોનું ખાધે પીધે ઘર સાચવે છે તે તને નથી સમજાતું? આ હું મારી એકલી માટે ભાગ નથી માગતી પણ હું તને પણ એ ઘરમાંથી છોડાવવા માગુ છું. હવે બહુ થઈ એ લોકોની ગુલામી. એકલી, પણ વટથી ને આરામથી રહે. બહુ મોટી દયાની દેવી તે દર મહિને આવતા તારા પૈસા પણ તું ભાઈના દીકરાને આપી દે, તે વહાલી થવા જ ને? તને કોઈ દિવસ અમારી યાદ ન આવી? જો આ બધી ભાઈની પોતાની કમાણી હોત તો હું કંઈ બોલત જ નહીં પણ આજે જે કંઈ છે તે બધું પપ્પાની કમાણીનું છે. ભાઈ તો જલસા કરીને બધું ઉડાવે છે. ધીરે ધીરે રાજાઓનાં રાજ પણ જતાં રહે એવું તું જ કહેતી ને? ભાઈની સાથે રહે એટલે આંખે પાટા બાંધી દેવાના? યાદ રાખ કે, પપ્પાની કમાણી પર પહેલો હક તારો છે. બધી મિલકતમાં તારું નામ બોલે છે. જોકે, પુત્રપ્રેમને લીધે તારા મનમાં ને એટલે જ ભાઈના મનમાં પણ એ જ વહેમ છે કે, બધી મિલકત પર દીકરાનો જ હક હોય.
મને તો ખાતરી જ છે કે, ભાઈ ને ભાભી આ કાગળ વાંચીને તો મને એક પૈસો પણ નથી આપવાનાં પણ મેં તો નક્કી જ કર્યું છે કે, કાલથી જ આ બાબતની કાનૂની કાર્યવાહી શરૂ કરી દઈશ. તને તો નહીં જ ગમે પણ મારે નાછૂટકે આ બધું કરવું પડશે.’
મોનુનો ગુસ્સો શાંત પડ્યો એટલે એણે સરુબહેનનો હાથ હાથમાં લઈ દાબ્યો, ‘મમ્મી, મારો તને દુ:ખી કરવાનો કોઈ ઈરાદો નહોતો ને ન જ હોય પણ અન્યાય સામે લડવાની મારી ટેવ તને ખબર છે. તને દુ:ખ થાય એમ કરીને જ આટલાં વરસ ન બોલી પણ હવે ભવિષ્યમાં મારી કોઈ મોટી બિમારી આવે કે દીકરાના ભણતરનો મોટો ખર્ચો આવી પડે અથવા મારી નણંદ ઘરમાં હક કરીને પૈસા માગે તો હું લાખો રૂપિયા ક્યાંથી લાવીશ? મારી કમાણીથી અમે ફક્ત જીવીએ છે પણ અમારી કોઈ બચત નથી તે ખબર છે ને?’
સરુબહેન નતમસ્તકે બધું સાંભળી રહેલાં. થોડા સમય પછી આંખના ખૂણા લૂછતાં ધીરે રહીને મોનુને કંઈ કહ્યા વગર ઘરની બહાર નીકળી ગયાં.
બીજે દિવસે મોનુ અને ગૌરવના હાથમાં એક કાગળ આવ્યો,
‘આથી હું મારી મરજીથી, મારી બધી મિલકતના બે ભાગ કરું છું. એક ભાગ મારા નામે અને બીજો મારી દીકરી મોનુના નામે રહેશે. ગૌરવ અને તેનો પરિવાર ઘર વગરનો ન થાય એટલે એક ફ્લૅટ એમના નામે રાખ્યો છે. બાકીની કોઈ મિલકત પર આજથી એનો હક નહીં રહે.’
ગૌરવે ગુસ્સામાં કાગળનો ઘા કર્યો અને મોનુએ સરુબહેનને ફોન લગાવ્યો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર