એને કોઈ પૂછે છે!

13 Dec, 2017
07:01 AM

કલ્પના દેસાઈ

PC: matteovegetti.com

 

‘દેવલી, તું વોટ આપવા જવાની કે?’

‘હા જવાની છે.’

‘અને રુખી તું? ને તું રુખમા?’

‘હા બેન, અમે હો જવાના છે વોટ આપ્પા.’

‘કોને વોટ આપવાના?’

‘અમારા ફરિયામાં કહનો બો હારુ કામ કરતો છે. આ વખતે બધા ફરિયાવારાએ નક્કી કરેલુ કે કહનાને જ વોટ આપ્પાનો.’

‘અરે વાહ! તે હું કામ કરતો છે જે તમારું કે તમે બધા એને જ વોટ આપ્પાના?’

‘સરકાર જેના જેના પૈહા આપે ને, તે બધા જેના તેના ખાતામાં જમા કરાવી આપે. બેંકનુ કામ તો અમુને નીં આવડે, તે અમને બધાને હાથે લેઈ જઈને બેંકમાં આવે ને સાહેબને કેઈને અમારા પૈહા હો જમા કરાવી આપે. ફારમ ભરી આપે. રેસનકારડનું કામ ઓય કે પોસ ઓફિસનું કામ ઓય, એ બધાનું કામ કરી આપે. કોઈને ના હો નીં પાડે. બો હારો છે. અમે તો એને જ પાછો લી આવહું. અમારા પૈહા તો નીં ખવાય. અમારુ ફરિયુ હો એકદમ ચોખ્ખુ રખાવે ને ફરિયામાં નિહાર હો લેઈ આઈવો ને પાણીની હો આબદા નીં પડે. બો હારો છે.’

હું તો અસલી ઉમેદવારને મનોમન શાબાશી આપી રહી. કંઈ નહીં તો, આવા અભણ કે ગરીબ લોકોના એરિયામાં તો કહના જેવા જ ઉમેદવાર ચુંટાવા જોઈએ. એ લોકોના પૈસા ખાઈને ને એ લોકોની હાય લઈને કોઈ શાંતિથી કેમ રહી શકે? ખેર, મતદાનના દિવસે અમારા ગામમાં તહેવારનો માહોલ. સવારથી કોઈ અદમ્ય ઉત્સાહમાં લોકો ફરતાં દેખાય. દિવાળી જેવું જ લાગે. ચારે બાજુ ભીડ, નવાં કપડાંમાં સજેલાં લોકો એકબીજાને ખુશી ખુશી મળતાં ને વાતો કરતાં નજરે પડે. વાહનોની સતત અવરજવર વચ્ચે મતદાન કરવા, મફતમાં રિક્ષામાં જવાનો આનંદ પણ ખરો.

હા, ભાગ્યે જ કોઈ કામ પર રજા પાડે. અનુકૂળ સમયે ભૂલ્યા વગર ને ચૂક્યા વગર મતદાન તો દરેક જણ કરે જ! મને થાય આ અભણ પ્રજાનાં બાળકો તો, હવે મતદાન કરવા જેવા થયાં પણ આ લોકો તો વર્ષોથી મતદાન કરે જ છે. એ વાત જુદી છે કે પહેલાં એમને કોઈ ભાન નહોતું કે મત એટલે શું, મત કેમ આપવાનો ને કોને આપવાનો. જે પાર્ટી સમજાવી પટાવીને પૈસા આપી જાય તેને મત આપી દેતાં. એમાં પાછું, છેલ્લી ઘડી સુધી રાહ જોઈને અમુક લોકો બેસી પણ રહેતાં. હજીય કોઈક કંઈક આપવા આવે તેની આશામાં. પણ ફરિયાનો સરદાર પૈહા ચાંઉ કરી ગ્યો હોય પછી એ લોકોના હાથમાં ક્યાંથી કંઈ આવે? નિરાશ થઈને પછી એ લોકો ગમે તેને મત આપી આવતા.

હવે આ પ્રજા પણ સમજતી થઈ છે. ભલે હજીય અંગૂઠાછાપ રહી પણ એટલી અક્કલ તો એમનામાં પણ આવી જ છે, કે જે કામ કરે તેને જ વોટ અપાય!

સવારથી દેવલીનો, રુખીનો ને રુખમાનો ઉત્સાહ જોઈને મને સતત વિચાર આવ્યો કે આ એક જ દિવસ એવો છે, જ્યારે ફરિયાના ને ગામના કહેવાતા મોટા લોકો, આ લોકોને હસતા હસતાં સામેથી મળવા જાય ત્યારે એમને પણ લાગે કે એમને કોઈ પૂછે છે! એમની ખબર પૂછે ત્યારે લાગે કે એમનો તો કેટલો વટ છે! એમને મળીને મત આપવા સમજાવે ને ફલાણાને જ મત આપજો કહે, ત્યારે એમને ખબર પડે કે એમના મતનું પણ કેટલું મહત્વ છે! નક્કી એમનું મોં મલકી જતું હશે.

દરેક પાર્ટીના ઉત્સાહી કાર્યકરો સામે મળતાં જ એમની સામે ‘કાકી ચાલો મત આપવા લઈ જાઉં’ની હોડ લગાવે, ત્યારે એમને લાગતું હશે કે એમને પણ કોઈ પૂછે છે. મતદાન મથક પર, ‘આવો કાકી, આ બાજુ આવો. લાવો તમારું કાર્ડ અને અહીં અંગૂઠો લગાવો.’ તે ઘડીએ એમની ડોક ટટાર જ થઈ જતી હશે. વટથી કારડ બતાવીને, જોરમાં રજિસ્ટરમાં અંગૂઠો દબાવતી વખતે જરૂર એમના મનમાં આનંદનો ઉછાળો આવ્યો હશે. રૂમમાં હાજર અધિકારીઓની હાજરીમાં જુદા જુદા ટેબલે ખાતરી કરાવ્યા બાદ, નાનકડી પૂંઠાની કૅબિનમાં જઈ ઈવીએમ મશીનમાં જોઈને બટન દબાવતી વખતે એને કોણ યાદ આવ્યું હશે? કહનો? કે બીજી વિવિધ પાર્ટીઓના ઉમેદવારોના નામ ને ચહેરા? ઈવીએમના બીજા ચુંટણી ચિન્હો જોઈને એ ગભરાઈ હશે? ગુંચવાઈ હશે? કે શીખવ્યા મુજબ જ કહનાના ચિન્હ પર બટન દબાવ્યું હશે? 

શું એને એટલી ખબર પડી હશે કે કહનાને ચુંટવા માટે એની પાર્ટીનું જીતવું જરૂરી છે? સ્વાભાવિક છે, કે એ તો ખાલી કહનાને જ ઓળખે એટલે એણે તો ખુશી ખુશી નક્કી કહનાના ચિન્હની હામે જ બટન દબાઈવુ ઓહે. ચાલો, જે ઓહે તે. આપણે તો એવું જ ઈચ્છીએ ને કે કહનો જ ફરીથી ચુંટાય! ફરીથી દેવલી, રુખી ને રુખમા જેવી કાકીઓના બાકીના પ્રશ્નો પણ જલદી હલ થાય. ખાસ તો, એમને પણ પેલા લોકો અવારનવાર પૂછતા રહે કે, ‘‘કાકી કોઈ તકલીફ છે?’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.