દીકરીનો દીકરો

22 Feb, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: huffpost.com

ડાન્સ ક્લાસમાંથી પાછાં ફરતી વખતે, નીના રોજ ભાઈના ઘેર, સોમને લેવા જતી. પોતાના ઘરના રસ્તે જ ભાઈનું ઘર આવતું હોવાથી મમ્મીએ જ ખાસ આગ્રહ રાખેલો, કે સોમને એણે સવારે મૂકી જવો ને બપોરે ઘેર જતાં લઈ જવો. હાશ, બહુ સારી ગોઠવણ થઈ ગઈ હતી, બાકી તો, આયાના ભરોસે સોમને મૂકવાનું તો એને બિલકુલ ગમતું નહીં અને વિરાજની તો ચોખ્ખી ના જ હતી. 'તારે જે ક્લાસ ભરવા હોય તે ભર ને જ્યાં જવું હોય ત્યાં જા, પણ સોમને કોઈ વ્યવસ્થિત સાચવવાવાળું હોય તો જ. નહીં તો, તારે જ એને સાચવવાનો છે.' વિરાજનો ઈશારો પોતાના ભાઈ-ભાભી તરફ હતો. એ ન સમજે એટલી નાદાન તો નીના નહોતી. ભાભીએ પણ બે બાળકો સાચવવાનાં ને સાથે મમ્મી ને ભાઈની જવાબદારી પણ ખરી.

ભૂલમાં એનાથી તે દિવસે મમ્મી ને ભાભીની સામે, પોતાની ડાન્સ ક્લાસની ઈચ્છા જાહેર થઈ ગઈ. બસ, પછી તો મમ્મી પાછળ જ પડી ગઈ. 'અરે, એમાં શું આટલો બધો વિચાર કરે છે? અમે શેના માટે છીએ?  બે-ચાર કલાકનો તો સવાલ છે. સવારે સોમને અહીં મૂકતી જજે ને બપોરે લેતી જજે. અહીં તો, ડૉલી ને બિંદુ સાથે ધમાલમસ્તી કરતાં, એના બે-ચાર કલાક તો ક્યાંય નીકળી જશે. તું આજે જ નામ નોંધાવી આવ જા' નીનાએ મંજુરી માટે ભાભી સામે જોયું. ભાભીની સ્થિર આંખોમાં છુપાયેલી ચિંતા, ઉત્સાહના અતિરેકમાં નીનાને નજરે ન પડી. સાવ ખોટા સ્માઈલને એણે મંજુરી સમજીને બીજા દિવસથી જ ક્લાસ ચાલુ કરી દીધાં.

રૈનાને સોમને રાખવામાં ક્યાં વાંધો હતો? પણ સાસુ એને ખડે પગે રાખતાં. તબિયત તંદુરસ્ત હોવા છતાં હાથ-પગ હલાવવાની જાણે બાધા લઈને બેઠેલાં, એટલે એકેય કામમાં મદદ કરવાની તો દૂર, પોતાનાં રોજિંદા કામમાં ય રૈનાને રોકેલી રાખતાં. અધૂરામાં પૂરું. ધવલની સવારથી બૂમાબૂમ ને રોજની બધી વસ્તુઓ માટેના ધમપછાડા ! સવારથી જ દોડાદોડ, દોડાદોડ ગમે તેટલી તૈયારી ને ઉજાગરા કરવા છતાં ય, રૈનાથી ચારે બાજુ પહોંચી વળાતું નહીં અને આખરે એકાદ બેના રિસામણાંથી જ દિવસની શરૂઆત થતી. બિંદુ ને ડૉલીની ફરમાઈશો વચ્ચે એમનાં ભણતરનો ભાર ને કામવાલીની રજાની માગણીઓ. રૈના દાન કરતાં કરતાં થાકી જતી તોય, માગવાવાળા સદાય એની રાહ જોયા કરતાં. તેમાં નીનાબહેનનો વગર વિરોધે પાસ થઈ ગયેલો પ્રસ્તાવ. પોતાને તો કોઈએ પૂછવાની જરૂર જ ન સમજી! રૈનાએ નિઃસાસો નાંખ્યો.

રૈના સોમને ગમે તેટલું સાચવતી તોય. સાસું વાંકું બોલવાનાં બહાનાં શોધી કાઢતી.

'ત્યાં શું ફાંફાં મારે છે?  પહેલાં સોમને જમવાનું પીરસી દે. જમી રહે એટલે થોડી વાર સુવડાવી દે અને ઊઠે એટલે એને સરસ તૈયાર કરી દેજે. એની માને એટલું ઓછું. ને આજે શું બનાવ્યું છે, સોમને માટે? કાલે બટાકાનું શાક હતું એટલે આજે બીજું કંઈ બનાવજે. ને થોડો શીરો પણ બનાવી રાખજે ને અંદર બદામ ને એલચી પણ નાંખજે.'

આટલી કાળજી ક્યારેય ડૉલી કે બિટ્ટુની... એણે વિચારને ત્યાં જ અટકાવ્યો. આ તો દીકરીનો દીકરો હતો! તો ડૉલી ને બિટ્ટુ? કોણ હતાં? દીકરાનાં કે વહુનાં? હા, વહુનાં જ. તો જ આટલો ભેદભાવ ને તો જ આટલું અંતર! રૈનાએ શીરો શેકીને સોમને જમવા બેસાડ્યો. સાસુ સોમને જમાડવા હાજર થઈ ગયાં. ધીમે ધીમે સોમ પણ લાડ-પ્યારમાં જિદ્દી અને તોફાની થતો ગયો.

નીનાને કદાચ ક્યારેય એ વાત ધ્યાનમાં ન આવત, જો એણે પોતાના જ કાને એ સાંભળી ન હોત. સોમને લેવા એ ભાઈને ઘેર પહોંચી ત્યારે હંમેશની જેમ એના આવવાની રાહમાં મમ્મીએ બારણું ખુલ્લું જ રાખેલું. રોજ કરતાં પંદરેક મિનિટ વહેલી હોવાતી એ ધીરે ધીરે દાદર ચડીને ગઈ.

'બિટુ ને ડૉલી થોડી મોડી લેવા જશે તો કંઈ લૂંટાઈ નથી જવાનું. સોમને જમાડીને જા. મારી ને નીનાની રસોઈ પણ ગરમ કરવા મૂકી દે. જમાઈ નથી તો આજે એ અહીં જ જમી લેશે.'

'મમ્મી, પછી બધા રિક્ષાવાળા પણ જતા રહે અને આખી સ્કૂલમાં બંને એકલાં જ રહી જાય તો ગભરાઈ જાય. આજકાલ તો પાછા કેવા બનાવો બને છે. બેન, આવે તે પહેલાં આવી જાઉં હમણાં જ. પછી સાથે જમીએ.'

'હવે કંઈ નહીં થાય ને કોઈ નહીં ખાય જાય એમને. બેન બિચારી, થાકીપાકી આવશે તો ક્યાં બધું કરવા બેસવાની? તૈયારી કરીને જ જા.'

નીનાને પરિસ્થિતિનો તાગ આવી ગયો. આમાં પોતાની જ ભૂલ હતી, લાંબો વિચાર કર્યા વગર મમ્મીની વાતમાં આવી જવાનો એને ભારોભાર પસ્તાવો થયો. મમ્મી તો કંઈ બદલાવાની નથી. મારે જ કંઈક કરવું પડશે.

'ચાલો ભાભી, તમે જલદી જલદી ડૉલીને બિટ્ટુને લઈ આવો, ત્યાં સુધી હું બધું તૈયાર કરું છું. આપણે સાથે જમીએ.' રૈના નીના સામે આભારની નજર નાંખી બહાર નીકળી ગઈ. મમ્મીના બબડાટને અવગણીને નીનાએ ખાવાનું ગરમ કરવા માંડ્યું.

ડાન્સ ક્લાસમાં ના કહેવા એણે ફોન હાથમાં લીધો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.