બસ મમ્મી, હવે નહીં.
પ્રિય મમ્મી,
કોરા કવરમાં મારો કાગળ જોઈને તને નવાઈ લાગી નહીં? શું કરું પણ? હું બહુ દિવસથી મૂંઝાતી હતી કે, તને કઈ રીતે કહું? ભલે તારી સામે આજ સુધી મેં ભલભલા લેક્ચર્સ ફાડ્યા હશે, પણ આજે કહેવાની વાત મારાથી તને કહેવાત કે કેમ, તે જ સવાલ મને બહુ દિવસોથી હેરાન કરે છે. હું વાત કરવાની શરૂ કરત અને તું કોઈ કામનું બહાનું કાઢીને વાતને ઉડાવી દેત, અથવા તો મારી વાત પર તારા સ્મિતનું ઠંડું પાણી રેડી દેત ને હું વધુ એક વાર તારી સામે હારી જાત. પણ હવે નહીં બસ, બહુ થયું. હા, હા કહું છું વાત શું છે તે, ઊભી રહે. તારી અધીરાઈ હું જાણું છું.
આજે મેં તને બહુ દિવસે, બહુ ધારીને જોઈ! છી! આવું લખતાં જ મને શરમ આવે છે. કેટલું ખરાબ કહેવાય નહીં? તને કોઈ દિવસ ધારીને જોવાનો પણ મારી પાસે ટાઈમ નથી! અરે જોવાનો તો ઠીક, તારી સાથે બે ઘડી શાંતિથી બેસીને વાત કરવાનો પણ મારી પાસે ટાઈમ નથી. આજે ખબર નહીં ક્યારે, પણ અચાનક જ મારું ધ્યાન ગયું ને મેં જોયું, કે તારાથી હવે પલાંઠી વાળીને નીચે જમીન પર બેસાતું નથી, તારાથી ઝપ્પ દઈને ખુરશીમાંથી કે પલંગ પરથી ઊભા નથી થઈ જવાતું, બે મિનિટથી વધારે વાંકા વળવામાં તારી કમર જકડાઈ જાય છે અને ચાલવાની સ્પીડ તો તારી બહુ વખતથી ઓછી થઈ જ ગઈ છે. છતાં તું આખો દિવસ ઘરમાં ચાલતી જ રહે છે. ઘરનાં નાનાં મોટાં કામ તો તારા સિવાય કોઈએ કરવાનાં નહીં એવા તારા આગ્રહને લીધે, કોઈ કરે પણ નહીં. કેવી નવાઈ કહેવાય નહીં? તારા આગ્રહ સામે તરત જ બધા નમતું મૂકી દે! કોઈએ કેમ આજ સુધી જબરદસ્તી ન કરી કે, હવે તું બેસ, આરામ કર. તારી પણ ઉંમર થઈ ને તને પણ થાક લાગે. અમારાં કામ તો અમે કરી લઈશું.
તારી દયા ખાવા સાથે આજે તને થોડો ઠપકો પણ આપી જ દઉં. મને તો કોઈ હક જ નથી તને કંઈ કહેવાનો, તોય મારી ફરિયાદ છે, કે કેમ તેં અમને હાથમાં ને હાથમાં રાખ્યાં? મને ને ભાઈને મોટા કરવામાં તારી જાત ઘસી નાંખી. પપ્પા માટે તો તું પતિવ્રતા જ બની રહી એટલે પપ્પાને બગાડવામાં પણ તારો જ ચોખ્ખો હાથ મને દેખાઈ રહ્યો છે. પપ્પા સાથે મીઠા ઝઘડા કરીને કે બહાનાં કાઢીને એમને થોડા કામમાં તો તું ટ્રેઈન કરી શકત. પણ નહીં. તારા સંસ્કાર ને તારો ઉછેર! મને ગુસ્સો આવે છે એ બધા સંસ્કારો પર ને રીતરિવાજો પર કે, જ્યાં એક જ સ્ત્રીના ખભા પર આખું ઘર બહુ બેશરમીથી ટકી રહે.
તને તો બહુ નવાઈ લાગતી હશે, કે આજે આ છોકરી શું બોલે છે! મમ્મી, હવે હું છોકરી નથી. મને પણ પચાસ વરસ થયાં ને ભાઈ પણ છેતાલીસ વરસનો ઘોડો થયો. હા, હું એને ઘોડો જ કહીશ. દર વખતે ઘોડે ચડીને જ આવે ને તને કેટલું દોડાવે? આજે પણ એના એક ગ્લાસ પાણી માટે તું રસોડામાં ચાલવા માંડે તે કેમ એને દેખાતું નહીં હોય? માન્યું કે, તેં અમારા બે વચ્ચે કોઈ અંતર ન રાખ્યું ને અમને બંનેને સારી રીતે મોટા કર્યાં. પણ અમારી આદતો બગાડવામાં તેં તારા પ્રત્યે નજર પણ ન નાંખી, એ તેં તારી જાતને કરેલો કેટલો મોટો અન્યાય છે, એનું ભાન છે? અમે ભણવામાં ને રમવામાં તો ઠીક, પણ પરણ્યા પછીય તારા માટે નાનાં કીકલાં જ રહ્યાં? એ તો સારું કે, ભાભી મારા કરતાં તો સારી ઘડાયેલી આવી, તો તને રાહત થઈ. જોકે, એય કેટલા દિવસ? બે ચાર દિવસ જ ને? તેમાંય અમે આવીએ તો તું અમને કામ ન કરવા દે! ‘તમારા ઘરે તો તમે કામ કરો જ છો ને? પાછાં નોકરી કરીને થાકો. એટલે તમારે બંનેએ તો અહીં આવીને આરામ જ કરવાનો.’ આવું આવું બોલીને તેં દીકરી ને વહુ બંનેને બગાડી મૂકી.
મારા દીકરાને તેં મોટો કર્યો, એમ કહું તો બિલકુલ ખોટું નથી. અમે લડાવ્યાં એના કરતાં હજારગણા લાડ તેં એને લડાવ્યાં હશે. મારે માથે તો ક્યાં ભાર આવ્યો જ હતો? મને પણ તે ટાઈમે કેટલી અક્કલ? મમ્મી કરે છે, ને મમ્મીને ગમે છે, ને મમ્મીને પણ વસ્તી વગેરે વગેરે વિચારીને મેં કોઈ દિવસ એમ ન વિચાર્યું કે, અમને પણ તેં જ મોટા કર્યાં ને અમારાં છોકરાંઓને પણ તું જ મોટા કરવાની? ચાલ ભાઈ, એ વખત પણ વીતી ગયો. પણ હવે? હવે મારા છોકરાને ત્યાં છોકરું આવવાનું, તેની પણ તું અત્યારથી જ તૈયારી કરવા માંડી? ‘હું જ એને નવડાવીશ ને હું જ એને તૈયાર કરીશ. તમને બધાંને નવા છોકરાંઓને આમાં કંઈ સમજ ન પડે, એમ કરી કરીને તેં અમને કંઈ કરવા ન દીધું. તને પાછું કોઈને કામ સોંપતાં તો આવડે જ નહીં તે મોટું દુ:ખ. અમેય અમારાં છોકરાં પ્રત્યે બેપરવા બની ગયેલાં. મમ્મી છે ને! મમ્મી તો આ ઉંમરેય કેટલી ફિટ ? એવું કહીને અમે તારાં વખાણ કરતાં ને ઉત્સાહમાં તું બે કામ વધારે કરતી.
અમારે ફિલ્મ જોવા જવું હોય, કે અમારે ફરવા જવું હોય, કે અમારા મહેમાન આવવાનાં હોય, અમારાં બાળકોને સાચવવાની જવાબદારી તારી! કેમ ભાઈ? તું અમને કોને ત્યાં મૂકી આવતી? ચાલુ ફિલ્મે અમે રડતાં તો તું જ બહાર નીકળી જતી ને મહેમાનને ત્યાં જતાં તો તું જ અમારી પાછળ પાછળ ફરતી. કેમ? પપ્પા કેમ કોઈ દિવસ અમારો હાથ પકડીને બાથરૂમ નહોતા લઈ જતા? કે ફિલ્મ અધૂરી છોડતા? અરે ઘરમાં પણ, અમારા માટે અડધી રાતે દસ વાર ઊઠવું પડતું ત્યારે તું જ કેમ ઉઠતી? આટલાં વરસોનું બહુ લાંબું લિસ્ટ છે, પણ હું તને પગે પડું ને તને વિનંતી કરું છું, કે પ્લીઝ તું હવે આરામ કર. જાત પર જુલમ કરીને અમારાં છોકરાંની કાળજી તારે નથી કરવાની. મારા દીકરાને ત્યાં આવનારા બાળકની જવાબદારી, મારા દીકરા–વહુની છે. હું એમને જરૂર મદદ કરીશ પણ, જરૂર પડશે ત્યારે જ ને ઉપરછલ્લી જ. મારા છોકરાનું મારાથી કંઈ ન થયું એવા લાગણીવેડામાં હું વહુને નહીં બગાડું. વહુને પણ બાળઉછેરની ટ્રેઈનિંગ મળશે એ બહાને. તું ફક્ત બાળકની તંદુરસ્તી માટે, અવારનવાર જાતજાતનું ખાવાનું કે માંદું ન પડે તેનાં ઓસડિયાં બતાવતી રહેજે. જો બરાબર સમજી લે. બતાવવાનું કહ્યું છે, બનાવવાનું નહીં, સમજી? અમારાં છોકરાંને જેમ તારી માયા વધારે છે ને, તેમ પછી એમનાં છોકરાંય તારાં જ બની જશે. મને કોઈ વાંધો કે અદેખાઈ નથી પણ તારી હાલતનો ને તારી તબિયતનો પહેલાં વિચાર કર. અમને પણ થોડું કામ કરવા દે. તું હવે પરદાદી ને પરનાની બનીને રહે. અમે તારી સેવામાં ખડે પગે હાજર છીએ. બોલ મમ્મી, તારી શું સેવા કરીએ?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર