એ તો એવું જ હોય ને?

03 May, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: thestreet.com

‘તમને ખબર છે ને, કે સ્વાતિનાં સાસુ ઘર સંભાળે છે એટલે જ સ્વાતિ નોકરી કરી શકે છે? બાકી ઘરનું, વરનું અને છોકરાંઓનું કામ કરીને જવું પડે ને તો સમજ પડે સ્વાતિને, કે નોકરી કેમ થાય છે તે.’

‘તે સ્વાતિનાં સાસુ એકલાં આ બધું કામ કરે છે? અને તેય આ ઉંમરે? કહેવું પડે હં.’

‘એકલાં જ ને વળી. એમ તો રસોઈવાળી બેન રાખી છે ને ઘરકામ માટે પણ રામો છે. તોય શું? કામકાજનું બધું ધ્યાન તો રાખવું પડે ને? એ તો આખો દિવસ ઘરમાં રહે તેને જ બધી ખબર પડે, કે ઘર કેમ ચાલે છે. 

*

‘તમે મીરાંબેનના વરને જોયા છે ક્યારેય?’

‘ના, કેમ? શું થયું?’

‘થયું કંઈ નથી, પણ જો જોયા હોય ને, તો આ મીરાંબેન સવારથી આમ ફુલફટાક તૈયાર થઈને બ્યુટીપાર્લર પહોંચી જાય છે ને, તે ના જઈ શકત.’

‘પણ, એમાં એમના વરને જોવાની વાત ક્યાં આવી?’

‘હા, તે જ કહું છું. જો મીરાંબેનના વર ઘરનું બધું કામ સાચવી ના લેતા હોત, તો મીરાંબેનનું પાર્લર આમ ધમધોકાર ચાલત ખરું? સવારના પહોરમાં કોના ઘરમાં કામ ન હોય? પણ, આમ સવારમાં નવ વાગતાં જ વાર, મીરાંબેન તો સ્કૂટી કાઢીને એય ફુર્રર્ર કરતાંક નીકળી જાય. એમના વર બિચારા પછીથી ગેલેરીમાં કપડાં સૂકવતા દેખાય. એમને પણ ઓફિસ જવાનું હોય ને? તે બિચારા જાતે જાતે ખાવાનું લઈને જમી લે ને ટિફિન પણ જાતે જ ભરીને લઈ જાય, બોલો.’

‘તમને ક્યાંથી ખબર આટલી બધી વાત?’

‘અમારા રસોડામાંથી એમનું ઘર બરાબર દેખાય. હું તો રસોઈ કરતી કરતી જોયા જ કરું, બિચારા બધું કામ કરીને, પરવારીને પછી ઓફિસ જવા નીકળે. હજી તો સારું છે, કે છોકરાંની ઝંઝાળ નથી, નહીં તો એમનેય, મીરાંબેન તો વરને જ સોંપી દેત. ખરેખર, આવો વર મળે તો હુંય નોકરી કરું આમ વટથી હોં.’

*

‘સામેના ઘરમાં પેલા સ્કૂલના પ્રિન્સિપાલ રહે છે એમને ઓળખો છો ને?’

‘હા, ઓળખું ને. બહુ સારાં છે. જ્યારે સામે મળે ત્યારે હસે ને બધાંની ખબર પણ પૂછે. તે શું કંઈ કામ છે એમનું?’

‘અરે ના, આવડી મોટી સ્કૂલના પ્રિન્સિપાલ છે એટલે કેટલી બધી જવાબદારી હોય? તો પછી, એમના ઘરની જવાબદારી કોણ સંભાળતું હશે, તે વિચાર્યું ક્યારેય? મેં તો કેટલીય વાર મોડે સુધી ને રજાના દિવસેય એમને એમની ઓફિસમાં બેઠેલાં જોયાં છે. આવું હોય કંઈ બધાંને? ઘરમાં કંઈ કામકાજ હોય કે નહીં? દુનિયા આખી નોકરી કરે, તે આમની જેમ કરતી હશે? મને તો આ નોકરી કરવાવાળીઓના ઢંગ જ કોઈ દિવસ સમજાયા નથી. કોઈના ને કોઈના માથે ઘર નાંખીને ચાલતાં થાય ને સાંજ કે રાત પડે, એટલે ઘરમાં આવીને, થાકી ગયાં કરીને આરામથી બેસી જાય. બળ્યું, અમારેય કોઈ આવું મદદ કરવાવાળું મળી જાય તો બધી ઈચ્છા પૂરી કરી દઈએ. પણ અમારા નસીબમાં તો ઢસરડા જ લખ્યા છે, તે શું થાય?’

જ્યાં ને ત્યાં સંભળાતી કે સંભળાવાતી આવી વાતો શું ખરેખર સાચી છે? કેટલું તથ્ય છે આ બધી વાતોમાં? ચોવીસ કલાક તો બધાને જ મળે છે, પછી કામની આ સરખામણી કે જીવ બાળવાની વાતો કેમ બધે ઘુમતી રહે છે? લાગે છે, ઉપરછલ્લું નિરીક્ષણ અને તેથી થતો બળાપો આમાં કામ કરી જાય છે. કોઈના ઘરમાં કોણ જોવા ગયું, કે કોણે કેટલું કામ કર્યું? જેણે કર્યું એણે પોતાની મરજીથી કર્યું કે જબરદસ્તીથી કર્યું? પોતાને ગમે છે એટલે કર્યું, કે સામેવાળાને ગમે છે એટલે કર્યું? આર્થિક મજબૂરી છે એટલે કર્યું કે પૈસા છૂટથી વાપરવા છે એટલે કર્યું? બહુ સવાલો છે ને તેના બહુ મનગમતા જવાબો પણ છે, બહારનાં લોકો માટે. ખરા જવાબો તો, જે તે પરિવારને જ ખબર હોય ને?

મોટે ભાગના કિસ્સાઓમાં પરસ્પરની સમજુતી કામ કરતી હોય છે. આજના જમાનામાં જ્યારે પતિ–પત્ની બંને કામ કરે, કે એમને કરવું પડે કે પછી શોખ ખાતર કરે, ત્યારે આપોઆપ જ કામની વહેંચણી થઈ જતી હોય છે. સમજીને ન કરે તો વાત જુદી છે, બાકી સંયુક્ત કુટુંબ હોય કે જુદા રહેતા હોય, નોકરી કરનારને મદદ કરનારા સમજુ લોકો વધી રહ્યા છે, તે હકીકત છે. 

ઉપરના કિસ્સાઓમાં જોઈએ તો, સાસુ કે વહુ નોકરી કરે કે કામ અર્થે બહાર જાય અને ઘરનાં સભ્યો પોતાનું કામ પોતાની મેળે કરી લે, કે થોડી નાની–મોટી મદદ કરે, તો એમાં બીજા કે ત્રીજા કોઈને શો વાંધો હોવો જોઈએ? હા, વાંધો એટલે છે, કે સમાજના ચોકઠામાં ફિટ બેઠેલા લોકો હજી એ ચોકઠાની બહાર નીકળવા નથી માગતા અને જો બીજા કોઈ એ ચોકઠાની બહાર દેખાય તો એમને પેલા કામકાજના ત્રાજવે તોલીને પોતાની રીતે મૂલવવાનું શરૂ કરી દે. ધારો કે, સાસુ કે વહુ આડાઈ કરીને, કે મારે શું? હું શું કામ કરું? એવું વિચારીને મદદ ન કરે તો? તો પછી મદદનીશની સગવડ થઈ જાય! નોકરી બચાવવી જરૂરી હોય, ત્યારે આવા મદદનીશ બહુ ઉપયોગી સાબિત થાય છે. આપણા સમાજમાં થોડા સમયથી પુરૂષોએ ઘરની સ્ત્રીઓને સમજવાની શરૂઆત કરી છે, એ બહુ જ આનંદની અને વખાણવાની વાત છે. એવું નથી, કે પહેલાના પુરૂષો ઘરકામમાં મદદ નહોતા કરતા કે ઘરની સ્ત્રીઓને સમજતા નહોતા પણ એનું પ્રમાણ ઘણું ઓછું હતું. હવે વાંકદેખાઓને જો પુરુષો જાતે પાણીનો ગ્લાસ લે, કે ચા મૂકે, કે ટિફિન ભરે તેમાં પણ સ્ત્રીઓનો જ વાંક દેખાતો હોય કે પુરૂષોની જ દયા આવતી હોય તો પછી, આપણે એમની માનસિકતાની દયા ખાવી રહી. માન્યું કે બધે જ આવા સુખદ અનુભવો નથી થતા, કે બધે જ આવા સમજુ લોકો પરિવારમાં નથી હોતા, પણ તેથી નવા જમાનાના સૂરજનું સ્વાગત નહીં કરવાનું? બદલાવ તો આમ જ થાય ને? આપણે ના સહી આપણા પછીની પેઢી, પરસ્પર એકબીજાને સમજતી થઈ તે આનંદની વાત નથી?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.