નવરાત્રિની મજા
‘એય ત્યાં જો, પેલી ચકાચક કારમાં કોઈ હીરો આવતો લાગે છે.’
‘હા યાર, પણ આપણી કૉલેજનો નથી લાગતો. આ કાર આપણી કૉલેજની નથી.’
‘તને બધી કારની ખબર કેમ?’
‘હાસ્તો, કૉલેજના બધા હૅન્ડસમ હીરોની ડિટેઈલ્સ તમને મારી પાસે મળી જશે. જસ્ટ એક જ ક્લિક ને બંદા તમારી સેવામાં.’ રચિતાએ જરા સ્ટાઈલમાં વાંકા વળી સલામ કરી.
‘એ બધું પછી, પેલા હીરોને જો તો ખરી. વાઉ! કેટલો સ્માર્ટ ને હેન્ડસમ.’
‘હા યાર, એની ચાલ તો જો. કેટલો કોન્ફિડન્ટ છે! જાણે એના ફાધરની જ કૉલેજ.’
‘કઈ કૉલેજનો હશે આ હીરો?’
‘વેઈટ હમણાં જ ખબર પડી જશે.’
કૉલેજ કેમ્પસમાં નવરાત્રિનો ઉત્સાહ જણાતો હતો. યુવાનો અને યુવતીઓ પોતપોતાનાં ગ્રુપમાં રાતની તૈયારીની વાતોમાં મશગૂલ હતાં. કોની પાસે એક્સ્ટ્રા પાસ છે ને કોને જોઈએ છે, કોણે જવું છે ને ક્યાં જવું છે તેની ચર્ચાઓ ચાલતી હતી. યુવતીઓ કૉલેજમાંથી છૂટીને સીધી પાર્લર પહોંચવાની વાતો કરતી હતી.
રચિતાએ એક મેસેજ કરી જાણી લીધું કે એ હીરો કોણ છે ને અહીં કેમ આવ્યો છે. અચ્છા, તો બચ્ચુ ગરબાના પાસ આપવા આવ્યો છે. શહેરના ફેમસ ગ્રાઉન્ડના એની પાસે આઠ એક્સ્ટ્રા પાસ હતા. ચાન્સ ગુમાવવા જેવો નહોતો. આ હીરો સાથે એક રાત પણ જો ગરબા રમવા મળી જાય તો કૉલેજની બધી ચિબાવલીઓ જોતી રહી જાય. એણે મેસેજ કરીને પોતાના ચાર પાસ લેવા જણાવી દીધું. ગ્રુપમાં એણે ગપ્પું મારી દીધું કે, એ તો કૉલેજમાં કોઈ પ્રોફેસરને મળવા આવ્યો છે. હવે રચિતાનો જીવ વાતોમાં રહ્યો નહીં. એણે એની ત્રણ ખાસ ફ્રેન્ડ્સને મેસેજ કરી દીધા કે રાતે આઠ વાગ્યે તૈયાર રહેજો. એક સ્પેશિયલ જગ્યાએ ગરબા રમવા જવાનું છે ને આપણને વીઆઈપી પાસ મળ્યા છે. વાત એકદમ સિક્રેટ રાખજો.
રાતે આઠ વાગ્યે રચિતા એની ફ્રેન્ડ્સ સાથે કારમાં ગ્રાઉન્ડની બહાર પેલા હીરોની રાહ જોતી બેઠી હતી. પાંચેક મિનિટમાં જ પેલી સવારની કારમાં જ હીરોની સવારી આવી પહોંચી. એની સાથે રચિતાના ત્રણ ફ્રેન્ડ્સ પણ હતા. ટ્રેડિશનલ ડ્રેસમાં તો આલોક એકદમ સોહામણો ને છેલછબીલો ગુજરાતી લાગતો હતો! કારમાં બેઠેલી બધી યુવતીઓના દિલમાંથી એક હાય નીકળી ગઈ. નજરો એના પરથી હટે જ નહીં એટલું કામણ કર્યું હતું આલોકે. તદ્દન બેફિકરાઈભરી ચાલે એ ગ્રાઉન્ડના દરવાજે જઈ પહોંચ્યો. રચિતાના દોસ્તોએ રચિતાને ઈશારો કર્યો એટલે વહેલી વહેલી કાર પાર્ક કરી ચારેય દોડી ગ્રાઉન્ડ તરફ, ક્યાંક હીરો હાથમાંથી સરકી ન જાય. ક્યાંક કોઈ ચિબાવલી આવીને એને જ પાર્ટનર બનાવીને પોતાને ડિંગો ન બતાવી જાય. રચિતા ખુદ પણ કંઈ કમ નહોતી. એની કૉલેજની તો ખરી જ પણ શહેરની પણ કેટલીય સ્પર્ધાઓમાં એ ગરબાક્વીન બની ચૂકેલી. આજનો મોકો એ હાથથી કેમ જવા દે?
થોડેક આગળ જઈ રચિતાના દોસ્તોએ આલોક સાથે રચિતાની અને એની સખીઓની ઓળખાણ કરાવી. આલોકની એક જ સ્માઈલ અને કામણગારી નજરની રચિતા દિવાની બની ગઈ. એણે વાતવાતમાં આલોક સાથે નક્કી કરી લીધું કે આજની રાત ગરબા અને ડાંડિયામાં પણ બન્ને પાર્ટનર રહેશે. રચિતાની સખીઓ જાણતી હતી કે રચિતા આગળ આપણા કોઈ ક્લાસ નથી એટલે એમણે સાથે આવેલા દોસ્તો સાથે જોડી બનાવી લીધી. પાંચ સાત મિનિટમાં તો લાગ્યું, જાણે આલોક અને રચિતા વરસો જૂના મિત્રો!
એક પછી એક ગરબાના જુદા જુદા સ્ટેપ્સ લેવાતા ગયા, ખેલૈયાઓ ગરબે ઘૂમતા રહ્યા અને છેલ્લે ડાંડિયારાસમાં તો આલોક અને રચિતાની જોડીએ ધૂમ મચાવી દીધી. બેસ્ટ જોડીનું ઈનામ મેળવી બન્ને બહુ જ ખુશ હતાં.
‘લેટ્સ સેલિબ્રેટ.’ બધાએ એકી અવાજે ફરમાઈશ કરી અને બે કાર સડસડાટ ઉપડી શહેરની બહાર એક મોટી હોટલમાં. સ્વાભાવિક છે કે બન્ને કારમાં હવે પાર્ટનર્સ બદલાઈ ચૂકેલા. નવરાત્રિમાં આ હોટલમાં પહેલેથી જ ટેબલ બુક કરી દેવું પડતું નહીં તો કલાકો ઊભા રહેવાની તૈયારી રાખવી પડતી. અહીં રૂમ્સની પણ સગવડ હોવાથી નવરાત્રીમાં જુવાનિયાઓની આ ફેવરેટ હોટલ હતી. રચિતા એની ફ્રેન્ડ્સ સાથે જોકે પહેલી વાર જ અહીં આવી હતી. આજે તો એ આલોકના મોહપાશમાં ખેંચાતી અહીં આવી ગઈ હતી.
આઠ જણ વચ્ચે ત્રણ ટેબલ બુક થયેલાં. એક ટેબલ ફક્ત આલોક અને રચિતાનું.
એકબીજામાં ખોવાયેલાં ને વાતોમાં મશગૂલ રચિતાએ આલોકના આગ્રહથી એક પેગ પણ પીધો. રચિતા તો ઈચ્છતી હતી કે, આમ જ બેઠાં બેઠાં વાતોમાં રાત વીતી જાય પણ આલોકે બીજા દોસ્તોને ઈશારા કર્યા અને બધા પોતાની પાર્ટનર્સ સાથે ઉપરના રૂમોમાં જતા થયા. રચિતા પણ આલોકની જાદુઈ અસર નીચે એની સાથે ઉપરના રૂમ તરફ ચાલવા માંડી. કોઈની કોઈ આનાકાની નહીં કે કોઈ સવાલ નહીં.
રૂમમાં જતાં જ રચિતા આલોકને વળગી પડી. ‘આઈ લવ યુ હેન્ડસમ. આલોક, આઈ લવ યુ.’ આલોક તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતાં છોભાઈને રચિતા આલોકને જોવા લાગી. ‘ડોન્ટ યુ લવ મી? તો મને કેમ અહીં લાવ્યો?’
‘લુક, અમે લોકો ફક્ત જોવા જ માંગતા હતા કે, તમે લોકો કેટલાં સ્માર્ટ છો. આજના જમાનામાં આટલી બધી ફિલ્મોમાં, સિરિયલોમાં ને સોશિયલ મિડિયામાં બધું જાણ્યા પછી પણ તમે લોકો બુધ્ધુની જેમ, કોઈ હેન્ડસમને જોયો નથી, કોઈની પૉશ કાર જોઈ નથી કે ભાન ભૂલીને અક્કલ વેચવા કાઢીને એની પાછળ દોડવા માંડો છો. અરે! તમને એ લોકો રૂમમાં લઈ જાય ત્યાં સુધી તમે તમને હોશ નથી આવતા એટલા તમે એનાથી ઈમ્પ્રેસ થઈ જાઓ છો? મારે એ જ જાણવું ને જોવું હતું કે આજની બહુ સ્માર્ટ કહેવાતી છોકરીઓ પોતાની જાત પ્રત્યે કે પોતાનાં માબાપ પ્રત્યે કેટલી વફાદાર છે. તમારાં માબાપે કેટલા વિશ્વાસથી તમને રાતે ગરબામાં જવાની છૂટ આપી હશે. આ નવ રાતો કદાચ તમારી રાહમાં સરખું ઊંઘતાં પણ નહીં હોય. અને તમે લોકો કંઈ જ વિચાર્યા વગર તદ્દન અજાણ્યા છોકરા સાથે હોટલમાં રહેવા તૈયાર થઈ ગયાં? ચાલો, હમણાં જ તમને બધાંને તમારા ઘરે ઉતારી દઈએ. અને હા, મને ગરબા રમવા સિવાય તારામાં કોઈ જ ઈન્ટરેસ્ટ નથી. સો પ્લીઝ, હવે પછી મને ફોન નહીં કરતી.’
રચિતા અને એની ફ્રેન્ડ્સની હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી. નીચે મોંએ સૌ ચુપચાપ ગાડીમાં ગોઠવાઈ ગઈ. ફરી પહેલાંની જેમ જ બધી રચિતાની કારમાં અને પાછળ આલોકની કારમાં એના ફ્રેન્ડસ. રચિતાનું ઘર દૂરથી જોઈને જ આલોકની કાર પાછી વળી ગઈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર