કંઈ કામ હોય તો કહેજો

11 Jan, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: pingming.com

જમણવાર, ના, ભવ્ય ભોજન સમારંભ પૂરો થવાની ઘડીઓ ગણાઈ રહી હતી. મહેમાનો એક પછી એક વિદાય થઈ રહ્યા હતા. હૉલમાં ધીમું મ્યૂઝિક રેલાઈ રહ્યું હતું અને સ્ટેજ પર દીકરી–જમાઈની, મહેમાનો સાથે સાચા ખોટા સ્માઈલવાળી તસવીરો ખેંચાઈ રહી હતી. દિવ્યા થોડી થોડી વારે સ્ટેજ પર નજર નાંખતાં નાંખતાં, ફરી મહેમાનો તરફ જઈ જમવાનો આગ્રહ કરતાં કે વિદાય થઈ રહેલાંઓને વિદાય આપતાં મનની ચુભનને જબરદસ્તી પાછળ ધકેલી રહી હતી.

‘ચાલ દિવ્યા, આવજે. બહુ મજા પડી હોં કે. શું સરસ રીતે તેં બધું મેનેજ કર્યું છે, વાહ! એકલે હાથે બધું કરવું કંઈ ખાવાના ખેલ નથી. પણ, આઈ મસ્ટ સે, કે તેં બધું બહુ જ સારી રીતે પાર પણ પાડ્યું અને બધાંને સારી રીતે સાચવી પણ લીધા. પ્રાઉડ ઓફ યુ. ચાલ, અમે હવે રજા લઈએ. મોડું થાય છે. પાછું રાતે ડ્રાઈવ કરવું હવે સૅમને બહુ ફાવતું નથી, યુ નો? બાય, ને કંઈ પણ કામ હોય તો કહેજે હં. ડૉન્ટ હેઝિટેટ.’

‘અરે, ના ના. તમે આવ્યાં તે જ મારે મન બહુ મોટી ગિફ્ટ છે. ચાલો બાય.’ કહેતી દિવ્યા બીજા મહેમાનોને વળાવવા પહોંચી ગઈ.

‘દિવ્યાઆન્ટી, અમે જઈએ છીએ પણ યાદ રાખજો હોં મને. કંઈ પણ કામ હોય તો બીજા કોઈને નહીં, પણ પેલ્લો ફોન મને જ કરજો. તમારી રિયા જેવી જ હું પણ છું. જ્યાં સુધી તમે અહીં છો, હું જ આવીશ તમારી મદદમાં, ઓકે?’

‘હા બેટા, ચોક્કસ તને જ બોલાવીશ ને? રિયાના ગયા પછી એમ પણ તું જ છો ને? ચલ બાય. ’

એક પછી એક વિદાય થતા મહેમાનના મોંમાં ચગળાતા આ એકના એક વાક્યથી દિવ્યા હવે કંટાળી રહી હતી. ‘કંઈ કામ હોય તો કહેજો.’ હંહ! કયું કામ? કોનું કામ? કેવું કામ? ક્યાંનું કામ? દિવ્યાએ ફરી બધે એક નજર નાંખી. ઓહ! કામ, કામ ને કામ. જાણે કામ નામનો શબ્દ તો એની પાછળ પડી ગયો હતો. રિયાનાં લગ્ન નક્કી થયાં ત્યારથી આ શબ્દ એની પાછળ આદુ ખાઈને પડ્યો હતો. હજીય પીછો નથી છોડતો. હવે તો જેવું કોઈ બોલતું, કે તરત જ એની જીભના ટેરવે આવી જતું, ‘મારે કોઈનું કામ નથી, પ્લીઝ. બધું જ કામ, હંમેશની જેમ મેં એકલે હાથે જ કર્યું છે ને કરીશ. એમ પણ મને વર્ષોથી ટેવ છે એકલે હાથે બધાં કામ કરવાની. એટલે પ્લીઝ, મને નહીં પૂછશો ને, તો પણ ચાલશે. થેન્ક યૂ.’ 

પણ એનાથી હંમેશની જેમ જ, કોઈને ચોપડાવી ન દેવાતું. તેમાંય આજે? ના, એવું જ કરવાની હોત તો વર્ષો પહેલાં જ, ક્યારનુંય ચોપડાવી ના દીધું હોત? ભાઈને, ભાભીને, બહેનને, બનેવીને કે ઈવન માને પણ! સંસ્કારી હતી ને, એટલે સંસ્કાર આડે આવતા હતા. પણ એનામાં કોના સંસ્કાર હતા? કોણ જાણે? કદાચ જમાનાની ઠોકરોએ એને અડગ ને મજબૂત બનાવવાની સાથે જ સંસ્કારી પણ બનાવી હતી. લોકો એમનું કામ કરે ને મારે મારું કરવું, એ જ વિચારે એ જીવનમાં આગળ વધી ગઈ હતી, પેલા લોકોને પાછળ છોડીને. ચલ છોડ, આજે એ બધું યાદ નથી કરવું. એની એક જ નેમ હતી, રિયાનાં લગ્ન બહુ સાદાઈથી નહીં અને બહુ ભપકાદાર પણ નહીં. ફક્ત બધા રીતરિવાજોથી અને સૌની હાજરીમાં કરવા. એ રિયાની ઈચ્છા તો હતી જ, પણ કદાચ પોતાનો છૂપો આત્મસંતોષ પણ હતો. કદાચ એ સૌને બતાવી આપવા માગતી હતી, કે એકલે હાથે પણ દીકરીનાં લગ્ન હું પાર પાડી શકું છું.

અમિષ સાથે તો બે જ વરસમાં નાતો તૂટ્યો હતો, હંમેશને માટે. લગ્ન નહોતા કરવા તો કેમ આ ભયાનક ખેલ ખેલ્યો? આ સવાલનો જવાબ શોધવાનું એણે વરસ પછી માંડી જ વાળ્યું હતું. એક વરસની દીકરી અને નોકરીને સાચવી એ પોતાનામાં મસ્ત હતી. પિયરમાંથી દયા સિવાય કોઈ સહારો મળ્યો નહોતો. જોકે, એને પણ બિચારી થઈને રહેવું નહોતું. ભાડેના ઘરમાંથી ધીરે રહીને એણે પોતાનો નાનકડો ફ્લૅટ વસાવી લીધો હતો. દીકરીના ભવિષ્યને નજર સામે રાખતાં ઘણી તકલીફો પડી, પણ દુનિયામાં આવી કે આના કરતાં પણ વધારે તકલીફો વેઠનારા કેટલાય લોકો છે, અને એ બધા પણ આગળ વધે જ છે. બસ, દીકરીને ગભરાયા વગર દરેક મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવીને એ ખુશ હતી.

પિયરનાં સગાં મળવા આવતાં, પોતાની ને દીકરીની દયા ખાઈ સૂકાઈ ગયેલા જખમ પર મલમ લગાવવાની કોશિશ કરતાં, અને બે ચાર દિવસ રહીને ભારે સલાહોનો ડોઝ આપી જતાં. ન તો કોઈએ દીકરીના મોંઘા ભણતર વિશે કોઈ વાર પૂછ્યું કે ન કોઈ વાર કોઈની પણ બિમારીના ખર્ચા વિશે! ખેર, ભીખ લેવાની તો એણે આદત જ નહોતી પાડી. દીકરીને પણ સ્વાભિમાની બનાવી હતી, જેથી કોઈની ખોટી વાતોમાં ફસાઈને એ પોતાને લાચાર કે અસહાય ન સમજે. જોકે, થોડાં વરસોમાં જ, દીકરી પણ વગર કહ્યે બધાંને ઓળખી ચૂકી હતી. છેલ્લાં પાંચ વરસથી તો દીકરી પણ સારું કમાતી અને બચાવતી થઈ ગયેલી. મમ્મીને જેટલો ભાર ઓછો એટલું સારું.

રિયાનાં લગ્ન નક્કી થતાં જ, ન રહેવાતાં એણે ખુશીનો પહેલો ફોન પિયર જ કરેલો. સૌએ આનંદ દર્શાવ્યો પણ મદદના નામે એક હરફ પણ ન ઉચ્ચાર્યો. હા, ફોન મૂકતાં એટલું જરૂર બોલ્યાં, ‘કંઈ કામ હોય તો કહેજે.’ મનમાં થયું, ‘મને પાંચ લાખની જરૂર છે, સગવડ થશે? હું થોડા થોડા કરીને પાછા વાળી દઈશ.’ પણ જીભ નહોતી ઉપડી. પાછા જ વાળવાના હોય તો બૅક શું ખોટી? એણે પોતાની રીતે તૈયારી કરવા માંડેલી. આખરે એ દિવસ પણ આવી ગયો અને એણે માબાપની ફરજ નિભાવતાં બધું રંગેચંગે પાર પાડ્યું. એની પીઠ પાછળ ઘણી જગ્યાએથી શબ્દો અથડાયા, ‘આટલાં વરસોની નોકરીમાં સારો પૈસો ભેગો કર્યો લાગે છે. દીકરી પણ કમાય છે એટલે જરાય તકલીફ નહીં પડી હોય.’

દિવ્યાએ પેલી ચુભનને દૂર કરતાં મનને થાબડ્યું, આજે પોતે અને પોતાની દીકરી જે રીતે માથું ઊંચું કરીને ઊભા છે, તે રીતે કદાચ ન ઊભા રહેત, જો કોઈને કંઈ કામ કહ્યું હોત તો!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.