ચોર તમારા ઘરમાં જ છે!

24 Jan, 2018
07:01 AM

કલ્પના દેસાઈ

PC: artpal.com

મદનભાઈ આચાર્યના ઘરેથી પાછા ફરતી વખતે મિનાક્ષીબહેનના હાથ–પગ ધ્રૂજતા હતા. આચાર્યજીએ ખોટું તો નહીં જ કહ્યું હોય. છેલ્લાં પચાસ વરસોથી આખા કુટુંબ વિશે કહેલી એક પણ વાત એમની ખોટી નથી પડી. કોઈની ગંભીર માંદગી હોય, કોઈનાં લગનની વાત હોય ને પાત્ર મળતું ન હોય, પરદેશ જનારને કોઈ બાધા નડતી હોય કે પછી કોઈના મરણની આગોતરી જાણ પણ આચાર્યજી ખાનગીમાં કરી દેતા. સાસુ ને સસરાથી માંડીને આખા કુટુંબના દરેક સભ્ય માટે આચાર્યજી એટલે જાણે ભગવાન! એટલે જ મિનાક્ષીબહેને પણ આ વખતે તો નક્કી જ કરી લીધું કે, ખાનગીમાં પોતે જાતે જ આ વાતનો ફેંસલો લાવશે.

છેલ્લા એક અઠવાડિયાથી મિનાક્ષીબહેનની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ઊઠતાં– બેસતાં, ખાતાં–પીતાં ને પૂજા કરતાંય એમને તો એમની આંખ સામે પહેલી આંગળીમાં શોભતી, ઝગારા મારતી હીરાની વીંટી જ દેખાયા કરતી. હજી તો ગયા વરસે જ વર્ષગાંઠ પર એમને પતિ તરફથી હીરાની વીંટી ભેટ મળેલી! કેટલી ખુશી હતી તે દિવસે! ઘરમાં સૌ વારંવાર મિનાક્ષીબહેનની હીરાની વીંટીની જ વાત કરતાં રહ્યાં. વરસો પછી જ્યારે હીરાની વીંટીની ઈચ્છા પૂરી થઈ ત્યારે જ? અને તેય ઘરમાંથી જ ગુમ થઈ? કોણ હશે એ ચોર? રાત દિવસ એ જ વિચારમાં ને વિચારમાં મિનાક્ષીબહેન બહાવરાં બની જતાં. કોઈને કહેવાતુંય નહીં. પતિનું એમના પોતાના કામના ધ્યાનમાં વીંટી તરફ ધ્યાન હજી સુધી ગયું નહોતું, નહીં તો કોણ જાણે શુંનું શું થઈ જાત!

મિનાક્ષીબહેનના કાનમાં આચાર્યજીના શબ્દો રાતદિવસ હથોડા બનીને ઠોકાતા. ‘ચોર તમારા ઘરમાં જ છે.’ બસ, આટલું કહીને તેઓ ચૂપ થઈ ગયેલા. જરાક જ જો ઈશારો કર્યો હોત તો ચોર ક્યારનોય મુદ્દામાલ સહિત પકડાઈ ગયો હોત. પણ આચાર્યજીએ એવું કેમ કહ્યું? એમને તો ખબર પડી હશે તો જ બોલ્યા હશે ને? હવે? ઘરમાં તો પચીસ જણા છે ને એ બધા જ ચોર? ના ભાઈ ના.  આ વીંટીએ તો મને અજબ ધરમસંકટમાં નાંખી  દીધી. હા પણ કોઈક તો હશે જ ને? તો જ વીંટી ગૂમ થઈ ને? હવે ચોરને શોધવો કેવી રીતે? શું બધાંને ભેગાં કરીને પૂછું, કે ‘તમે કોઈએ મારી વીંટી લીધી છે? લીધી હોય તો પ્લીઝ, આપી દેજો.’ હંહ! કેવો બાલિશ વિચાર! એમ જાણે કે કોઈ આવીને હાથમાં વીંટી આપી દેવાનું. તો શું કરું? સૌને જુદા જુદા બોલાવીને ખાનગીમાં પૂછું? કે પછી આચાર્યજીને જ પૂછી લઉં? હે ભગવાન! આ વીંટી તો મારો જીવ લેવાની. તું કોઈ રસ્તો તો બતાવ.

અર્ધી રાતે પથારીમાં બેઠાં થઈ જતાં મિનાક્ષીબહેનને પોતાને જ બીક લાગવા માંડી કે આમ ને આમ તો હું ગાંડી થઈ જઈશ. સવારથી એમની નજર બધાંનો પીછો કરવા માંડતી. મોટી વહુને મારા કબાટની ચાવી ને મારા બધા દાગીનાની પણ ખબર છે. ક્યાં શું મૂક્યું છે તે પણ એણે જોયું છે, તો એણે તો નહીં લીધી હોય? તરત જ માધવીબહેન પોતાને જ ઠપકારી દેતાં, ‘અરે ભૂંડી! એની પાસે દાગીના ઓછાં છે તે તારી વીંટીને હાથ લગાવે? એ ભલી બાઈને તો કંઈ પડી નથી ઘરેણાંની તને ખબર જ છે.’ તો પછી નાની વહુ? ‘અરે ગાંડી. નાની વહુ તો હીરા ને સોનાના ઘરેણાંની પરેજી પાળે છે તે તું ક્યાં નથી જાણતી?’ ઓહો! તો પછી કોણ હોય? કામવાળી ગંગાબેન કે મહારાજ રામજીભાઈ? હા, કદાચ એ બેમાંથી કોઈ હોય પણ જાણવુંય કઈ રીતે ને સાબિત પણ કેવી રીતે કરવું? 

માધવીબહેનના પોતાના જ ઘરમાં આંટાફેરા વધી ગયાં. બહાવરાં બહાવરાં, ખાવાપીવાની સૂધ વગરનાં માધવીબહેનને એક દિવસ બન્ને વહુઓએ બેસાડીને પ્રેમથી પૂછી જ લીધું, ‘મમ્મી, બે ચાર દિવસથી જોઈએ છીએ કે તમને કંઈ થયું છે. શું થયું છે તે અમને નહીં કહો?’ પૂછતાં જ માધવીબહેનની આંખો વરસી પડી. વીંટી ખોવાયાનું જાણીને તો બન્ને વહુઓ પણ ગંભીર થઈ ગઈ. ઘરમાંના જ ચોરની વાત જાણીને તો ઔર ચિંતા થઈ. પણ એ લોકોએ માધવીબહેનને ધીરજ બંધાવી. અમે વીંટી શોધવા લાગશું ને મળી જશે, તમે ચિંતા નહીં કરો. ચાલો ખાઈ લો સરખું એના કરતાં.’

કોઈના ઉપર શક કરવાને બદલે કે કોઈની ઉપર નજર રાખીને મનમાં કડવાશ વધારવાને બદલે દેરાણી ને જેઠાણી તો મંડી પડી વીંટી શોધવા. મમ્મીના રૂમથી જ શરૂઆત કરી. એક એક કબાટનાં દરેક ખાનાનો દરેક ખૂણો, દરેક કપડાંની ગડી ખોલીને, ઝાટકીને અને નાનાં–મોટાં પર્સ કે બોક્સથી લઈને પલંગ પરની પથારીને પણ ઊંચી નીચી કરીને બધું જોઈ લીધું. આખરે એક તકિયો ઊંચકીને ઝાટકતાં જ ખણિંગ કરીને અવાજ આવ્યો. સૌની નજર એ ઝગમગતી વીંટી પર પડતાં જ, નજર પણ હીરા જેવી જ ચમકી અને હાશ કહેતાં બન્ને વહુઓ માધવીબહેનને વળગી પડી. માધવીબહેનની આંખો હરખથી વરસી પડી. ‘હા...શ! આખરે મળી ખરી.’

‘મમ્મી, ચોર તો ઘરમાં જ હતો પણ આ તો તમારો જ તકિયો ચોર નીકળ્યો.‘

‘મૂઈ, આચાર્યજીના કહેવાથી હું નકામી જ બધાં પર શક કરવા માંડેલી. મારે પહેલાં આ જ બધું જોવાનું હતું. હાશ, મારી દીકરીઓ આજે તો તમે મારી લાજ રાખી લીધી. ચાલો આપણે બધાં ભેગાં થઈને આઈસક્રીમ ખાઈએ. મારા જીવને જરા વધારે ટાઢક થાય.’ 

અને એક નાનકડી આઈસક્રીમ પાર્ટી થઈ ગઈ તેની ઘરમાં કોઈ ચોથાને ખબર ના પડી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.