યે ઘર બહોત હસીન હૈ
‘સુજોયના ભૂતકાળની વાતો જાણીને અને એના માબાપની લાચારી કહો કે, એમનો આંધળો પુત્રપ્રેમ કહો, એ જોઈને મારા તો પગ નીચેથી જાણે ધરતી જ ખસી ગઈ. હવે શું કરવું ને કેમ કરવું? વર્ષોથી જે નર્ક જેવા વાતાવરણમાં જાતને ઓગાળી નાંખી, તે જ રીતે આખી જિંદગી ફરીથી કાઢવાની? બાપે તો માંડ ચાર કે પાંચ વાર દારૂ છોડવાનો પ્રયત્ન કે ઢોંગ કર્યો હતો. તો માએ કંઈ કેટલાંય વ્રતો–ઉપવાસો કર્યાં ને કેટલીય બાધાઓ રાખીને જાતને હાડપિંજર બનાવી દીધી ને આખરે શું મેળવ્યું? મોત? ને મારું બાળપણ? ક્યારે આવ્યું ને ક્યારે ગયું? જુવાનીના શરૂઆતના દિવસો કેવા હોય? મુગ્ધાવસ્થા? એ વળી શું? ને હવે? ફરી એક નવા હાડપિંજરની તૈયારી? એક તરફ મને મારો વિચાર સતાવતો હતો, રાતે ઊંઘવા નહોતો દેતો ને ભૂતકાળની બિહામણી રાતો તો મારો પીછો ક્યારેય નહીં છોડે એમ લાગતું હતું ને બીજી તરફ સુજોયનો ને એનાં હેતાળ માબાપનો મારા પ્રત્યેનો ઊભરાતો પ્રેમ જોઈને ઘર છોડી દેવા મન પાછું પડતું હતું.
લગ્નના બીજા દિવસે રૂમની બહાર નીકળવા હું તૈયાર જ નહોતી પણ અંદર બેસીને સુજોયને જોઈને સતત પસ્તાવો કરવાથી પણ શું થવાનું હતું? સદાય પ્રેમને તરસેલી ને સપનામાં રાજકુમારને સજાવીને બેઠેલીને અચાનક જ જ્યારે સપનું સાચું પડતું લાગે ત્યારે શું થાય? શું ત્યારે સાચાખોટાની પરખ કરવાની બુદ્ધિ સૂઝે ખરી? એટલે જ મારા તરફ સુજોયનો હાથ લંબાતાં જ મેં એમાં મારો હાથ સોંપી દીધો હતો ને હું નીકળી પડી હતી ફરી એક અજાણી દિશા તરફ! મને નહોતી ખબર કે, મેં ફક્ત નર્કનું સરનામું જ બદલ્યું છે. સુજોયને મોડી સવાર સુધી પણ ઘેનમાં પડેલો જોઈને હું જેમતેમ સંકોચાતી, ડરતી રૂમની બહાર નીકળી, જાણે મારો કોઈ અપરાધ હોય! મેં કોઈ ગુનો કર્યો હોય! એનાં માબાપ તો જાણે મારી જ રાહ જોઈ બેઠાં હોય તેમ મારો હાથ પકડીને મને એમના રૂમમાં લઈ ગયાં. મારા માથે વહાલથી હાથ ફેરવીને પોતાની મજબૂરીને આંખોથી વહાવી રહ્યાં. થોડી વાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં પણ ધીરે ધીરે એમણે સુજોયની બધી વાતો મારી સામે ઠાલવી દીધી. હું શું બોલું? એમણે મારા હાથમાં પોતાના પુત્રનું ભવિષ્ય સોંપી દીધું હતું.
મેં જોયું કે, સુજોય મને બેહદ પ્યાર કરતો હતો ને એનાં માબાપ તો મને દીકરી ગણીને જ વહાલ ઠાલવતાં. મારા પગમાં બહુ વરસે કદાચ પ્રેમની સાંકળ બંધાઈ ચૂકી હતી, જે તોડીને જવાનું મને જ કદાચ મન નહોતું થતું. આખો દિવસ સુજોય મને મારાં સપનાંનો રાજકુમાર જ લાગતો. ડાહ્યોડમરો ને કહ્યાગરો! મારી આગળપાછળ ફર્યા કરતા સુજોયને જોઈને અમને ત્રણેયને ખૂબ સારું લાગતું. મનમાં તો અમે એવું જ ઈચ્છતાં કે, આ સમય અહીં જ અટકી જાય ને સુજોય માટે કે અમારા માટે કાળી, ડરામણી ને ક્યારેય પૂરી ન થનારી રાતો અમારી જિંદગીમાં ક્યારેય ન આવે. પણ એવું ક્યારેય બન્યું છે? જેવી સાંજ ઉતરવા માંડતી કે સુજોયની આંખો ચકળવકળ થવા માંડતી ને એના મોં પર અજબ બેચેનીનાં વાદળ ઘેરાવા માંડતાં.
લગ્ન પછીના થોડા દિવસો તો એ મને રોજ સાંજે ગાડીમાં દૂર દૂર સુધી ફરવા લઈ જતો ને અમે રાતે જમીને પાછા ફરતાં ત્યારે માબાપના ચહેરા પર સંતોષનું સ્મિત ફરી વળેલું હું જોતી. પણ ધીરે ધીરે એનું અસલી રૂપ બહાર આવતું થયું ને સાંજે સાથે બહાર જવાને બદલે એ એકલો જ કામને બહાને ગાડી લઈ નીકળી જવા માંડ્યો.
પહેલાં વહેલો ઘરે પાછો ફરતો ને અમે સૌ સાથે જમતાં પણ ધીરે ધીરે એણે અડધી રાતે ને ઘણી વાર મળસ્કે ઘરે આવવા માંડ્યું. પેલી વાસ હવે ઘરમાં કોઈ પણ સમયે ફેલાઈ જતી કારણકે એણે મારી શરમ પણ છોડી દીધી હતી. જોકે હજુ એના સ્વભાવમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. અમને ત્રણેને ખૂબ પ્રેમ કરતો. નોર્મલ હોય ત્યારે તો અમારી બધી વાતો ધ્યાનથી સાંભળતો ને દારૂ છોડવાની ખાતરી પણ આપતો. અમને અવારનવાર ફરવા લઈ જતો, અમારા માટે કેટલીય ભેટસોગાદો વાર તહેવારે લાવતો રહેતો ને ઘરમાં એનો બીજો કોઈ ત્રાસ પણ નહોતો. જોકે, કદાચ એને કોઈ કંઈ કહેતું નહોતું કે એનો વિરોધ નહોતું કરતું એટલે પણ મારા ઘરમાં થતા તેવા કંકાસની અહીં કમી હતી.
એનાં માબાપનાં તો વર્ષો ગયાં હતાં, સલાહ ને શિખામણમાં, જ્યારે મારી તો જીવનના સિક્કાની બીજી બાજુની ફરીથી એ જ છાપ જોઈને મૂંઝાવાની કે પસ્તાવાની શરૂઆત હતી. બોલીને પણ શું બોલું? માની રાહ પર ચાલું? રોજની લડાઈ કરું ને રોજનો માર ખાઉં? ના, ના. એ દોજખમાં ફરી પગ નથી મૂકવો. કંઈક તો કરવું જ પડશે ને કોઈક રસ્તો તો જરૂર હશે. દુનિયામાં કેટલાય લોકો શરાબની ચુંગાલમાં ફસાયેલાં છે ત્યારે એમને સીધે રસ્તે લાવવાના પ્રયત્નો પણ થતા હશે ને? મને તારી યાદ આવી. તું આવી બધી બહુ સંસ્થાઓને જાણે છે ને મારા કરતાં તારી ઓળખાણો પણ ઘણી છે. તું જરૂર મને રસ્તો બતાવી શકશે. છે કોઈ રસ્તો ?’
‘છે ને. કેમ નહીં? આપણે આજે જ જઈએ એ રસ્તે. જોકે, એક વાત છે. તારે બહુ જ ધીરજથી ને શાંતિથી કામ લેવું પડશે. આપણે વર્ષોનાં ભૂતને ભગાડવાનું છે. જડમૂળથી આ રોગને ઊખેડીને બહાર ફેંકવાનો છે. સારવાર દરમિયાન બહુ વાર એવું બનશે કે, જાણે બધા જ પ્રયત્નો પાણીમાં ગયા ને બધી મહેનત માથે પડી પણ તારે બહુ મોટો રોલ ભજવવાનો છે. તું જેટલી મજબૂત ને મક્કમ રહેશે તેટલું પરિણામ પણ વહેલું મળશે. પહેલાં તું તારા મનને પૂછ કે, તું તૈયાર છે આ અગ્નિપરીક્ષા માટે? ને ઘરમાં પણ પૂછી લે.’
‘હા હા, કેમ નહીં? જેટલાં ને જેવાં વરસો બાળપણથી આજ સુધી કાઢ્યાં એટલાં ને એવાં વરસો મારે ફરીથી નથી જોવાં. ચાલ, તું જ્યાં કહે ત્યાં આવવા હું તૈયાર છું. મમ્મી–પપ્પાને હું જણાવી દઈશ. એ લોકો તો રાજી થશે ઉલટાનાં.’
બીજા દિવસે, સુજોયના ઘરની બહાર જતાં જ ઋતુ મમ્મી–પપ્પાનાં આશીર્વાદ લેવા વાંકી વળતાં બોલી, ‘મને આશીર્વાદ આપો કે, આપણાં ઘરનાં સુખ અને શાંતિ હું વહેલી તકે પાછાં લાવી શકું.’
ઋતુને માથે પ્રેમનો હાથ પસરાવતાં બંનેની આંખમાંથી આંસુની અવિરત ધારા વહેતી થઈ. ‘જા બેટા, ફતેહ કર.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર