જેવા સાથે તેવા જ થવાય
‘મોટીબેન, તમારો ફોન છે.’ નીમાએ કેતકીબેનના હાથમાં મોબાઈલ પકડાવતાં કહ્યું.
‘કોણ છે? બે દિવસ નિરાંતે કશે નીકળ્યાં હોઈએ કે, કોઈનો ને કોઈનો ફોન આવ્યો જ સમજો. શાંતિથી બે ઘડી બેસવાનું પણ નસીબમાં નથી.’ કેતકીબેને બબડતાં બબડતાં ફોન લીધો ને નામ જોઈને ચહેરાની નસો તંગ કરી. ‘આવી ગયાં પાછળ પાછળ, હંહ !’
‘હં બોલ, શું છે?’ અવાજમાં કંઈક કંટાળાના ભાવ સાથે કેતકીબેને સવાલ કર્યો પણ ફોનની વાતો સાંભળતાં જ એમનું મોં પડી ગયું.
‘બે.....ન મને બચાવો… મને સુમને લાકડીએ લાકડીએ બો માયરુ… બેન, માયના માથામાં હો ઈંટ મારીને નાહી ગયલો છે ને મારી માય તો મરી જવાની બે....ન. બો લો’ય નીકરેલુ છે. બેન, તમે વે’લા આવી રે’વ. તમે ક્યારે આવો બેન?’ ને પછી રડવાના ને ધ્રુસ્કાના અવાજમાં સંભળાતા ત્રૂટક શબ્દોથી કેતકીબેન પામી ગયાં કે, જેનો ડર હતો તે જ થયું આખરે.
કેતકીબેનને ત્યાં કામ કરતી સવિતાનો ફોન હતો. સવિતા ખૂબ ડાહી છોકરી. એમ તો, એની છોકરીનાં જ હમણાં છ મહિના પહેલાં લગ્ન થયેલાં એટલે સવિતા છોકરી તો ન કહેવાય, પણ દેખાવે પાતળી સોટા જેવી. વર્ષોથી એની ઉંમર જ ખબર ન પડે એટલે છોકરાંઓએ એનું નામ ઝીરો ફિગર–કરીના કપૂર પાડેલું! ખૂબ નાની ઉંમરમાં લવ મૅરેજ કરી લીધેલાં! એકંદરે છોકરો સારો ને સરકારી નોકરીમાં ગોઠવાયેલો હોવાથી સૌ એની મીઠી ઈર્ષ્યા કરતાં. બાકી, એ લોકોમાં આવો છોકરો ને પાકું ઘર તો નસીબની જ વાત કહેવાય!
ખબર નહીં કેવી રીતે ને ક્યારે પણ સુમનને દારૂની લત લાગી અને તે ઘડીથી જ, હાથે કરીને એણે પોતાની સાથે પોતાના કુટુંબની પણ બરબાદીનાં મંડાણ કર્યાં. ધીરે ધીરે એની બધી કમાણી દારૂમાં સમાવા માંડી ને ઘરમાં અનાજપાણીથી માંડીને છોકરાંઓના ખર્ચા બાબતે કંકાસ ચાલુ થઈ ગયો. હવે સવિતાએ ઘર ચલાવવા કામ શોધવાની ફરજ પડી.
થોડાં વરસ એમ જ નીકળી ગયાં. એ દરમિયાન કેટલીય વાર સુમનની નોકરીમાં થતી બદલીને કારણે સવિતા બધાં કામ છોડીને એની સાથે રહેવા જતી રહેતી. કહો ને કે, એને જબરદસ્તી જવું પડતું. બાકી તો, છોકરાંઓનાં ભણતરનું સરસ બહાનું હતું. સવિતાને દર વખતે સુમનના હાથનો ઢોરમાર ખાવા જવાની કોઈ જ જરૂર નહોતી. સવિતા કે બાળકો માટેનો સુમનનો પ્રેમ તો ક્યારનોય હવામાં ઊડી ગયેલો. એને પ્રેમ હતો ફક્ત દારૂ માટે. બસ, સમયસર દારૂ મળવો જોઈએ, ગમે ત્યાંથી ને ગમે તે રીતે! કોઈ વાર સારા મૂડમાં હોય તો વળી, સવિતાને ઘરમાં બધું અનાજ ભરી આપતો તથા બાળકોને નવાં કપડાં પણ લઈ આપતો. ત્યારે ભોળી સવિતા ભરમાઈ જતી ને થોડા દિવસ ખુશમાં રહેતી. જોકે, એ સારા વ્યવહારની પાછળ પાછળ, રડારોળના દિવસો પણ સંતાઈને ઘરમાં પ્રવેશી જતાં તે કોઈને દેખાતા નહીં. બે દિવસ બધું સારું ચાલતું ને એક દિવસમાં બધું ખેદાનમેદાન થઈ જતું. ફરી નવેસરથી એ જ ચક્કર ચાલુ થઈ જતું ! સવિતા માર ખાઈ ખાઈને રીઢી થઈ ગયેલી પણ, જ્યારે લાકડીના ફટકા પડતા કે આંખ–કાન કે માથામાં વાગતું ત્યારે એ માના ઘરે દોડી આવતી– પાછી ક્યારેય ન જવા માટે!
કેતકીબેને શાંતિની સાથે એની દીકરી સવિતાને પણ કામ પર રાખી લીધી હતી, જેથી ગમે ત્યારે સુમન આવી ચડે તો એમને ખબર પડે અને એને ધમકાવીને કાઢી શકાય. જોકે, સારા–ખરાબ પ્રસંગે કે હાથમાં વધારે પૈસા આવે ત્યારે દારૂ પી કાઢવો એ આ કોમમાં બહુ સામાન્ય વાત હતી અને કમાવું નહીં ને દારૂ પીને ધમાલ કરવી કે બૈરાં–છોકરાંને મારવા એ આ કોમના પુરુષોનો જન્મસિદ્ધ અધિકાર હતો. ભાગ્યે જ કોઈ ઘર આ બદીમાંથી બાકાત રહ્યું હશે. કેતકીબેનને બધી ખબર હતી પણ એમનાથી જેટલું થાય તેટલું આ કુટુંબને સાચવી લેવાનો પ્રયત્ન કર્યા કરતાં.
સુમનને બોલાવીને પણ કેતકીબેને ઘણી વાર એને સમજાવવાનો ને એ બહાને એને સુધારવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ બધું પથ્થર પર પાણી! સવિતા જ્યારે જ્યારે સુમનને છોડીને આવી રહેતી, ત્યારે ત્યારે સુમન ચાર પાંચ દિવસમાં જ એને પાછી લઈ જવા આવી રહેતો. આવતો ત્યારે મા–દીકરી માટે સાડી ને છોકરાંઓ માટે કપડાં લાવીને સવિતાના હાથમાં બે પાંચ હજાર રૂપિયા મૂકી દેતો. થોડી બોલાચાલી બાદ સમજાવટ થઈ જતી ને રાતે જમીને બધાં પાર્ટી કરી નાંખતાં! ખરી ધમાલ ત્યારે જ થઈ જતી. ખૂબ પીવાઈ ગયા બાદ કોઈને હોશ રહેતા નહીં અને પરિણામે એકબીજા પર આક્ષેપબાજીમાંથી વાત મારામારી સુધી પહોંચી જતી ને એકાદ જણ ઘાયલ થતું પછી મામલો શાંત થતો. ખરેખર તો મામલો શાંત ન થતો પણ બાજી બગડી જતી. સુમન ખાલી હાથે પાછો જતો ને મા–દીકરી દવાખાને દોડતાં.
કેતકીબેને બહુ વાર સવિતાને સમજાવેલી કે, ‘સવિતા, તું જાતે કામ કરીને કમાઈ શકે છે ને છોકરાંઓ પણ મોટા થઈ કમાતાં થઈ ગયાં છે. તું સુમનને છુટાછેડા આપીને શાંતિથી રહે. એને જો તમારી પડી નથી તો એનો માર ખાવા તું એની સાથે રહેવા શું કામ જાય છે? અહીં આવે ત્યારે પણ તમારે માર ખાવાનો એ ક્યાંનો ન્યાય છે? હજી કેટલાં વરસ આવી રીતે માર ખાવાની છે?’
સવિતા કેતકીબેનની વાત ચૂપચાપ સાંભળ્યા કરતી ને ફરી વાર સુમન સાથે ન જવાનું નક્કી કરતી. પણ કોણ જાણે સુમન એવી તે શી ભૂરકી છાંટતો કે, સવિતા એની સાથે જતી રહેતી. સવિતાની મા શાંતિ પણ પછી તો, સવિતાથી કંટાળવા માંડેલી. ‘મારી પોરી જ હાવ અક્કલ વગરની છે. આટલુ મારે તે હો પાછી એની હાથે જ જતી રે’ય !’ શાંતિને તો સુમન પર બહુ ગુસ્સો આવતો પણ, જ્યાં પોતાની છોકરી જ અક્કલ વગરની હતી ત્યાં જમાઈને દોષ દેવાનો શો મતલબ? કેતકીબેન ને શાંતિએ તો બહુ વાર પોલીસ કેસ કરવાની ધમકીય આપેલી પણ બધું સુમનના માથા પરથી! પાડોશીઓ પણ કંટાળેલા આ બધી ધમાલથી એટલે કોઈ વચ્ચેય પડતું નહીં. શાંતિ ત્યારે એકલી પડી જતી ને એ કેતકીબેનના ઘર તરફ જવા માંડતી. એ એક જ તો સહારો હતો એનો.
કેતકીબેન કશે બહારગામ જતાં તો એમને સતત બીક રહેતી કે, શાંતિના ઘરે શાંતિ હોય તો સારું. એકાદ બે વાર છમકલાં થયેલાંય ખરાં પણ આ વખતે મામલો ગંભીર હતો. સુમન સવિતાને લેવા આવ્યો હતો. દર વખતની જેમ પાર્ટી કરીને સૌ વાતે લાગ્યાં કે વાતમાંથી જ વાત વણસી ને સીધી મારામારી પર આવી ગઈ. સવિતાને લાકડીએ લાકડીએ ખૂબ માર્યા બાદ સુમને વચ્ચે પડેલી શાંતિના માથે નીચે પડેલ ઈંટ ફટકારી દીધી! શાંતિ બેભાન થઈને પડી તે સાથે જ સુમન ભાગ્યો ને સવિતા પાડોશીઓની મદદથી શાંતિને દવાખાને લઈ ગઈ. દવાખાનામાંથી એણે કેતકીબેનને ફોન લગાવ્યો.
કેતકીબેન બીજે દિવસે જ ઘરે પાછા ફર્યાં. તરત જ શાંતિને ત્યાં જઈ મળી આવ્યાં અને સવિતાને સમજાવી, ‘બસ હવે, બહુ થયું. તારે તારી માના ભોગે પણ આની સાથે રહેવું છે? એક વાર સુમનને પાઠ ભણાવવાની જરૂર છે. એક દિવસ પોલીસ સ્ટેશનમાં બેસી આવશે તો ઠંડો થઈ જશે. ને જરૂર લાગે તો રહેવા દો એને થોડા દિવસ ત્યાં જ. તારી મા સારી થાય એટલે ચાલજે મારી સાથે ને સુમન પર કેસ કરી દો. એને પણ ખબર પડવી જોઈએ.’ કેતકીબેને મા–દીકરી પાસે સુમન પર કેસ કરાવી દીધો. આ વખતે સવિતાથી પણ કંઈ બોલાય એવું હતું જ નહીં. મા ગુમાવવી પાલવે? ના ના, બિલકુલ નહીં. હવે તો સુમનની વાતમાં આવવું જ નથી. ભલે થોડા દિવસ જેલમાં રહેતો. એ જ લાગનો છે. પોલીસના દંડા પડશે કે સીધો થઈ જશે.
બે દિવસ પછી, પોલીસ ફરાર થયેલા સુમનને શોધી લાવી ને એને જેલમાં મૂકી દીધો. બે કલાક ભૂખો રાખીને ને થોડો મેથીપાક આપીને પછી શાંતિ ને સવિતાને બોલાવ્યાં. એ લોકોને જોતાં જ સુમન મોટે મોટેથી રડીને એ લોકોની માફી માગવા માંડ્યો ને, ‘ હવે પછી કોઈ દિવસ દારૂ નહીં પીઉં ને ધમાલ નહીં કરું ને મારામારી પણ નહીં કરું’ કહીને કરગરવા માંડ્યો. સવિતા એ જોઈ થોડી ઢીલી પડી ગઈ ને એની આંખમાં પાણી પણ ચમકી ગયાં! પણ આ વખતે શાંતિ મક્કમ હતી ને મક્કમ હતાં કેતકીબેન. શાંતિને કેતકીબેને બરાબર પાઠ ભણાવીને મોકલેલી. ‘ફક્ત એક વાર એને જેલમાં બેસવા દેજે. જરા પણ ઢીલ નહીં મૂકતી. જો તેં તારી છોકરીનો સાથ આપ્યો તો આના પછી હવે હું તમારી મદદ નહીં કરું.’
પોલીસે સુમનની નોકરી પણ ના જાય અને મામલો કાયમ માટે શાંત થઈ જાય એવો રસ્તો કાઢ્યો.
‘જો સુમન, આજ પછી આ ગામમાં તારે પગ નથી મૂકવાનો. સવિતાને તારી સાથે એક શરતે તું લઈ જઈ શકે છે. એને સારી રીતે રાખવાની ને ઘરખર્ચ સિવાય અડધો પગાર એને આપી દેવાનો. દર અઠવાડિયે, જ્યાં નોકરી કરે ત્યાંના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની. દારૂ છોડી સીધેસીધી નોકરી કર્યા કરવાની. આ બધું મંજૂર હોય તો તને છોડીએ નહીં તો અહીં રહે એટલે તારી નોકરી એની મેળે જ જતી રહેશે. બોલ, તારે શું કહેવું છે ?’ પોલીસના મેથીપાકે ને પહેલી વારના જેલપ્રવેશે સુમનની સાન તો ઠેકાણે આવી જ ગયેલી. એણે બધી શરત મંજૂર રાખતાં મા–દીકરીની માફી માગી ને શાંતિને સારવારના તેમ જ વધારાના બે હજાર રૂપિયા આપી સવિતાને લઈ ઘરભેગા થવા માંડ્યું. કેતકીબેને પોલીસ સ્ટેશનમાં આભારનો ફોન કરી દીધો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર