ખબર
માલતીબહેનને હૉસ્પિટલમાં તાબડતોબ દાખલ કરીને, રાહુલ અને અવની ઊંચા જીવે રૂમની બહાર બેઠાં. મોટા ડૉક્ટર જ્યાં સુધી બહાર આવીને કંઈ કહે નહીં ત્યાં સુધી, ન ચાહવા છતાં ખોટા વિચારોમાં બંને ઘેરાયેલાં જ રહ્યાં. રોજ નજીકના જ બગીચે આંટો મારવા જતી મમ્મીને, ઘરની બહાર જ ફૂટપાથ પર કોઈ રિક્ષાએ ટક્કર મારી દીધી. રાહુલ અને અવની તો ઓફિસ જવાની દોડાદોડમાં, એટલે હોહા પર ધ્યાન ન આપ્યું પણ એમના નામની બૂમો સાંભળી બંનેએ ગૅલેરીમાં ડોકિયું કર્યું. બસ, પછીની પળે તો મમ્મીને લઈ બંને પહોંચ્યાં હૉસ્પિટલ.
મમ્મી બચી તો ગઈ પણ કાયમ માટેનો ખાટલો આવી ગયો. જોરમાં પડવાથી બંને ઘુંટણ ખલાસ થઈ ગયાં. ઉંમરના હિસાબે કોઈ ઓપરેશન કારગત નીવડવાનું નહોતું, સિવાય કે બંને પગ કાપી નાંખવા પડે! ડૉક્ટરના કપરા નિર્ણય આગળ આખરે નમતું મૂકવું જ પડ્યું. હૉસ્પિટલમાં સ્વસ્થ રહેવાની કોશિશ કરતાં દીકરા ને વહુને જોઈને, લાચાર અને બેબસ માલતીબહેન પણ બંનેથી નજર બચાવીને રહેતાં. એ નજરમાં કેટલો પ્રેમ અને વાત્સલ્ય હતું, તો કેટલી બધી વાતો કહેવાની હતી! દીકરા–વહુને મદદ ન કરી શકવાનો અફસોસ અને એમના ઉપર બોજ બનવાનો ભાર, ન ચાહવા છતાં માલતીબહેનના ચહેરા પર ઝળકી જ જતો. હસતો રમતો પરિવાર અચાનક જ એક પ્રશ્નાર્થચિન્હ આગળ અટકી ગયો. હવે?
હવેથી મમ્મી સાથે ચોવીસ કલાક કોઈએ રહેવું જ પડશે. બાઈને રાખવાનો તો સવાલ જ નહોતો. સ્વજનની કાળજી તે સ્વજનની કાળજી, એટલું તો બંને સમજતાં હતાં. બેમાંથી કોઈએ નોકરી છોડવી જ પડે. અવની સિવાય કોણ નોકરી છોડે? જોકે, અવની નોકરી છોડે તો બધી રીતે જ યોગ્ય પણ હતું. અવનીએ ઘેર જતાં જ, કામવાળીની સાથે રસોઈવાળાં બહેનને પણ રજા આપી દીધી. આજ સુધી તો, મમ્મીની નિગરાનીમાં બંને બહેનો કામ કરીને જતી રહેતી અને મમ્મી એમની મેળે એમનો સમય પસાર કરતાં. હવે એ શક્ય નહોતું. ‘રાહુલ, હું હવે આખો દિવસ ઘરમાં જ છું. મમ્મીનું કામ પતી જાય પછી મારે કરવાનું પણ શું? મમ્મીને પણ સંકોચ ન થાય. શાંતિથી રહે અને મન પણ હળવું–પ્રસન્ન રહે. તું તારી મેળે શાંતિથી તારા કામમાં ધ્યાન આપજે, મમ્મીની બિલકુલ ફિકર નહીં કરતો.’
ફરી ઘર ધબકતું થયું અને માલતીબહેને પણ અવનીના સંગાથે પરિસ્થિતિને સ્વીકારી લીધી. મન સ્વસ્થ રહેવાથી બીજી કોઈ બીમારી મહેમાન ન બની. અવની માલતીબહેન સાથે ટીવી જોવા બેસતી, એમને મનગમતાં પુસ્તકો લાવી આપતી અને વાતોથી ખુશ રાખવાનો બનતો પ્રયત્ન કરતી. થોડા દિવસ થયા હશે, અને અવનીની મમ્મીનો ફોન આવ્યો, ‘અમે બધાં તારી સાસુની ખબર કાઢવા અમુક દિવસે આવશું. જે દિવસનું જાણ્યું, તે દિવસથી તારી કાકીઓ ને મામીઓ તો મારો જીવ લે છે. સવારે વહેલાં આવીને બીજે દિવસે સાંજે નીકળી જઈશું. કોઈ માથાકૂટ નહીં કરતી.’
અવનીને તો સાંભળતાં જ ફાળ પડી. મમ્મીને તો સમજાવીને પણ અટકાવી શકાય કે સાદા ભોજનથી પણ વળાવી શકાય. જ્યારે કાકીઓ ને મામીઓ! આવતાંની સાથે મોટે મોટેથી વાતો કરશે, સાસુના મગજને ઉકરડો સમજીને ગામ આખાના એક્સીડન્ટોની કથાઓનો કચરો એમના મગજમાં ભરી જશે, તો મારી બધી મહેનત પર પાણી ફરી વળશે અને જેમતેમ સ્વસ્થ રહેતાં મમ્મી ભાંગી પડશે. શક્ય છે, કે એમના દિલને પણ અસર થાય અને કોઈ બીજી બીમારીનું બહાનું થઈ જાય તો? ના ના. આ લોકોને તો કોઈ પણ રીતે અટકાવવા જ પડશે.
અવનીની મમ્મીએ તો, જમાઈને પણ ફોન કરીને જણાવી દીધું હતું. રાહુલની સ્થિતી સૂડી વચ્ચે સોપારી! એને મમ્મીની સાથે અવનીની પણ ચિંતા સતાવવા માંડી. મમ્મીની દિલથી સેવા કરતી અવનીનો બદલાયેલો નિત્યક્રમ એના ધ્યાનમાં જ હતો. આટલી કાળજી તો કદાચ પોતે પણ ના રાખી શકે. અવનીને જરાય તકલીફ ના પડે, એનું ધ્યાન રાહુલ પણ એટલું જ રાખતો, તોય મમ્મીની સેવા કરતી અવનીનું સ્થાન કોઈ લઈ ના શકે, પોતે પણ નહીં. હવે પણ આ સાસુને કેમ સમજાવવાં? અવની તો એમ પણ બધું કામ કરવામાં થાકતી જ હશે, એ તો બોલતી નથી તે હું ક્યાં નથી જાણતો? પેલા લોકો ભલે બે જ દિવસ આવે પણ અવનીને તો કામ વધી જ જાય ને? વળી એક એક પૈસાને ગણતાં, અમને હવે પાંચસો કે હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ પણ પરવડતો નથી. કોઈ કંઈ બોલી જશે તો, મમ્મીના દિલને પણ ધક્કો લાગશે. શું કરીએ?’
રાહુલે સાંજે ઘેર આવીને સમાચાર આપ્યા, કે ‘મમ્મી ને કાકી–મામી વગેરે બધાં ખબર કાઢવા આવવાનાં છે.’ અવની ચોંકી, ઓહ! મમ્મીએ તો જમાઈને પણ ફોન કરી દીધો! એણે રાહુલ સામે જોયું. રાહુલે નજર ફેરવી લીધી. શું કરે? બહુ દિવસે મમ્મી મળવા આવતી હોય, તો શું એ દીકરીનું દિલ તોડે? એ રૂમમાં જઈ ટીવી જોવા લાગ્યો. અવની રૂમમાં આવી. બહાર માલતીબહેનના કાને કોઈ વાત ન પડે એમ ધીરેથી એ ફોન પર બોલી, ‘મમ્મી, તું એકલી ખબર કાઢવા આવે તો મને કોઈ વાંધો નથી. પણ જો બધાં આવવાનાં હોય તો પ્લીઝ નહીં આવતાં. હું તો બે દિવસ બધી દોડાદોડ ચલાવી લઈશ, પણ મમ્મીને કોઈ ડિસ્ટર્બ કરી જાય તે મારાથી સહન નહીં થાય. તું સારી રીતે બધાંને ઓળખે છે ને? એ લોકો ફક્ત સમાજનો વહેવાર નિભાવવા આવવા માગે છે. જો કોઈ જ નહીં આવે ને, તો પણ અમને ત્રણેયમાંથી કોઈને જરાય ખોટું નહીં લાગે. તું પ્લીઝ મારું આટલું કામ કરી દેજે અને જો તારાથી એમને ના નહીં કહેવાય તો મને કહેજે, હું એમને ફોન કરી દઈશ.’
રાહુલે અવની સામે જોયું અને સાસુને ફોન લગાવ્યો, ‘મમ્મી, તમે ગમે ત્યારે આવી જજો પણ અવનીની વાત માનજો. અવનીને કોઈની આગતા–સ્વાગતા કરવાનો બિલકુલ સમય નહીં મળે તમને ખબર છે. નકામી બધાંની વાત તમારે સાંભળવી પડશે, એના કરતાં મારા તરફથી જ ચોખ્ખી ના કહી દેજો.’
‘જમાઈ, ફિકર નહીં કરો. કોણ જાણે કેમ, હું જ નબળી પડી ગયેલી. હવે હું ગમે ત્યારે આવી જઈશ ને એ લોકોને તો હું જ ના કહી દઈશ. તમારા બંનેની વાત સાચી છે. ચાલો, આવજો ને વેવણને મારી યાદ કહેજો.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર