ગજબનો ઋણાનુબંધ

30 Mar, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

એય ચંપા...અં’ઈ આવ. બેન બોલાવે તને જા. ને જરા હીધી ચાલ નીં, એ હું એમ કૂદતી કૂદતી ચાઈલા કરે? કંઈ ગાંડી બાંડી થઈ ગયલી છે કે હું?’

દેવલીની એક જ ત્રાડે ચંપાની ચાલ પર એકદમ બ્રેક લાગી ગઈ ને મોં પાડીને નીચું જોતાં ધીમી ચાલે એ ઘરમાં પ્રવેશી.

ચંપા જરા દુકાને જઈને સાબુ લઈ આવ ને.’ ચંપાના હાથમાં પૈસા મૂકતી વખતે નીરાના હાથ પર એક ગરમ ટીપું પડ્યું. નીરા ચમકી. અરે! આંસુ ? મારા ઘરમાં કોઈ રડે છે ને મને જ ખબર નથી ?

ઊભી રે’ ચંપા. શું થયું ? કેમ રડે છે ?’

કંઈ નીં બેન, એ તો આંખમાં ઝાર બરતી છે.’ કહેતી ચંપા ઝડપથી બહાર નીકળી ગઈ પણ નીરાના મનમાં તોફાન જગાવી ગઈ. નક્કી કંઈક ગરબડ છે. હવે એને યાદ આવ્યું કે, બહુ દિવસોથી ચંપા કામ કરતી વખતે ગીતો નહોતી ગાતી કે મોટે મોટેથી હસતી પણ નહોતી. એના ગોળમટોળ ગાલ ચપ્પટ થવા માંડેલા ને કાળા પણ હસમુખા, નમણાં મોં પર કાયમની એક ઉદાસી પથરાયેલી રહેતી. ઓહ! કામમાં ને કામમાં ગળાડૂબ રહીને આસપાસ નજર પણ ન નાંખવા બદલ નીરાને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો. એવી તે શું પોતે મોટી થઈ ગઈ કે, સવારથી સાંજ સુધી ને વળી આટલી નજીક ફરતી રહેતી છોકરીનાં આંસુ ટપકવા સુધી એ બેખબર રહી? બધું કામ બાજુએ ખસેડી નીરા ચંપાની હરકતો યાદ કરતાં એની રાહ જોવા લાગી.

ચંપાને એક બૂમ પાડતાં જ, એ જ્યાં હોય ત્યાંથી દોડતી આવીને એની ચમકતી બત્રીસી બતાવતી નીરાની સામે હાજર થઈ જતી. ‘બેન મને બોલાવી?’

નીરાથી હસી જ પડાતું, ‘ના, મેં તો તને બોલાવી જ નથી. કેમ આવી ?’

તરત એનું મોં પડી જતું ને એ ચાલવા માંડતી પણ નીરા એને રોકી લેતી. નીરાને કોણ જાણે કેમ આ છોકરી બહુ જ વહાલી લાગતી. કામ તો પોતેય કરે છે ને દેવલી પણ કરે છે ને ઘરમાં બધાં જ કરે છે. પણ ચહેરા પર સતત ખુશીને હાજર રાખતા ચંપા સિવાય કોઈને નથી આવડતું.

બેન, આજકાલ ચંપાનું કામમાં બિલકુલ ધ્યાન નથી રે’તુ.’ દેવલીના અવાજે એને ઢંઢોળી.

કેમ, શું કર્યું ચંપાએ ? કામ તો કરતી હોય છે આખો દિવસ.’

એ તો તમારા દેખતા બધુ કામ કરે, નીં તો બહાર જઈને રઈમા કરે ને મોબાઈલ લઈને બેહી રે’ય. વાહણ હો બો ચીકણા રાખે ને બીજા બધા કામમાં હો બો વેઠ ઉતારતી છે. મારે પાછુ બધુ હરખુ કરવુ પડે. તમે નીં ઓરખે એને, ઉં બરાબર ઓરખી ગયલી છે. મફતના પૈહા લેતી છે.’

નીરાના મનમાં શક્ય તેટલું ઝેર રેડીને દેવલી ફરી બહાર બગીચામાં કચરું સાફ કરવા જતી રહી. વર્ષો જૂની દેવલી સાચી કે ચંપા સાચી? એમ તો દેવલી સારી હતી પણ ખડૂસ હતી ને જમાનાની ખાધેલ પણ ખરી. એમ કહો ને કે થોડી મર્દાના! એની ચાલ ને એના બોલવાના અંદાજ પરથી જ કોઈ પણ કહી આપે કે બાઈ જબરી હશે.

નાનપણથી દેવલી મા સાથે મજૂરીએ જવા માંડેલી ને પછીથી મજૂરી છોડીને દસેક ઘરે કામ કર્યા બાદ છેલ્લા પંદર વર્ષથી નીરાને ત્યાં એ ટકી ગયેલી. કામમાં એકદમ અવ્વલ દેવલીને ઘરમાં બીજું કોઈ મદદમાં આવે તે ગમતું નહીં. પોતાનું માન ઓછું થઈ જવાની બીકે એ દર વખતે કોઈ ને કોઈ બહાને મદદનીશને ભગાડી જ દેતી. કાં તો એ લોકોના કામમાં ખામી કાઢે (બીજું નક્કર બહાનું પણ કયું હોય ?) ને કાં તો એમના પર નાની મોટી ચોરીનું આળ ચડાવી દે. બારોબાર પોતે જ બધા ફેંસલા લાવી દેતી એટલે ઘરમાં તો નીરા ફક્ત એટલું જ જાણી શકે કે, પેલા લોકો ગભરાઈને ભાગી ગયા.

વચ્ચે છએક મહિના દેવલી પોતાની છોકરીને જ મદદમાં લઈ આવેલી. રમીલા કામમાં તદ્દન બાઘી ને ધીમી પણ દેવલીની છોકરી એટલે નીરાએ ચલાવ્યે રાખ્યું. છો ગરીબ માણસને બે પૈસા મળતા. નીરાને આ બધી વાતોથી બહુ મતલબ નહોતો. એને મતલબ હતો કોઈનાં આંસુઓથી, કોઈની મુસ્કાનોથી અને એટલે જ ચંપાનાં આંસુનું એક જ ટીપું એને હચમચાવી ગયું. પહેલાં ચંપા પાસે વાત કઢાવું, પછી દેવલીને પૂછું ને પછી બંનેને સાથે પૂછું એટલે સાચી વાત બહાર આવશે.

ચંપાના આવતાં જ નીરાએ એને રોકાવાનો ઈશારો કર્યો પણ એટલામાં દેવલી ‘બેન’ બોલતી ઘરમાં દાખલ થઈ. ‘જા ચંપા, બગીચામાં મેં બધો ઢગલો કરેલો છે પાતરાનો, તે ઉકરડે લાખી આવ.’ મોટી મુકાદમ તે કામની વ્યવસ્થા પણ એ જ કરે! નીરા સાથે અમસ્તી જ કોઈ વાત કરીને દેવલી બગીચામાં ચંપાની પાછળ ગઈ. નીરાને શંકા જતાં જ એણે બારીમાંથી બહાર બગીચામાં નજર કરી, તો હાથ લાંબો કરીને દેવલી ચંપાને કંઈ કહેતી હોય તેવું લાગ્યું ને ચંપા આંખો લૂછતી દેખાઈ. અચ્છા, આમ વાત છે. સાંજે વાત.

દેવલીને વહેલી બજાર રવાના કરી નીરાએ ચંપાને બોલાવી.

ચંપા, અહીં આવ. જે હોય તે સાચું કહે. તને દેવલી હેરાન કરે છે ને ?’

ચંપાના મોં પર ભયની લકીરો ફરી વળી. એનું મોં ઉતરી ગયું ને ‘ના બેન’ કહેતી એ જવા માટે પાછી ફરી. નીરાને ના નહોતી જોઈતી, એને તો ફેંસલો જોઈતો હતો. એણે ચંપાનું બાવડું પકડી એને અટકાવી,

જો, કોઈથી ગભરાવાનું કામ નથી. હમણાં મેં દેવલીને બજાર મોકલી છે તે તારા માટે જ. મને જે હોય તે સાચું કહી દે. તને રડાવીને મારે દેવલીને ઘરમાં નથી રાખવી. જેનો વાંક હશે તેને સજા મળશે. ચાલ બોલ જોઉં, શું થયું છે ?’

બેન, જ્યારથી રમીલા ગઈ ને મે કામ પર આવી ને તે દા’ડથી દેવલી મને ગભરાઈવા કરતી છે. રમીલા તો તમને કીધા વગર ગયલી ને બેન? ને મને લાવવા પે’લ્લા તમે દેવલીને પૂછેલુ ને? તો હો, રોજ મને કે’ય કે, મારી પોરીને તેં ક’ડાવી મૂકી ને તારુ કંઈ હારુ નીં થવા દેઉં તુ જોયા કરજે. મને રોજ કંઈ કંઈ ગાર દેયા કરે ને ખાવા બેઠી ઓ’ઉં તો તાં આવીને હો ગમ્મેતેમ બોલે ને મને રડાવે ત્યારે જ રે’ય. મને કે’ય કે, તારી પોરીઓને હો નીં છોડા ને તારા વરને હો મારી પોરી હાથે પણ્ણાવી દેવા પછી બેહી રે’જે ઘેરે. બેન, મને બો ગમતેમ બોઈલા જ કરે આખ્ખો દા’ડો ને બીજા બધા આગર હો એમ કે’ય કે, ચંપાનું તો મગજવારુ બરાબર નીં મલે ને એ તો હાવ ગાંડુ જેવુ છે. બેન, એ તો મારા પર મંત્રેલા દાણા હો લાખતી છે ને દરગાહેથી દોરો હો કરાવી લાવેલી છે મારા હારુ. મને બો બીક લાગે બેન. બેન, તમે મને બો હારી રીતે રાખતા છે પણ અ’વે મે કાલથી કામ પર નથી આવવાની. ઉં બીજે કેથે કામ હોધી લેવા પણ આની હાથે મારાથી કામ નીં થાય.’ નીરાની બંને આંખોમાંથી નીકળેલા આંસુના રેલામાં ભારોભાર પસ્તાવો હતો. એણે ચંપાનો હાથ પકડી ઈશારાથી એને રોકાઈ જવા કહ્યું. ગળગળા સાદે નીરા ફક્ત એટલું જ બોલી, ‘તારે કશે નથી જવાનું, હું દેવલીને રવાના કરું છું. મારે કોઈની હાય લઈને મારા ઘરનું કામ નથી કરાવવું. મને આ વાતની કોઈ જ ખબર નહોતી. દીકરી મને માફ કરજે.’ ચંપા તો બેનનો હાથ પકડીને કપાળે લગાડી રડવા જ માંડી. ‘બેન, તમે તો મારી મા બનીને જ આઈવા જાણે.’

ખરે જ, દૃશ્ય તો તે સમયે એવું જ હતું. જાણે મા–દીકરી એકબીજાનાં સુખદુ:ખનાં ભાગીદાર!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.