ટ્રિપલ શેરિંગ રૂમ
ટ્રેન ઉપડવાની અનાઉન્સમેન્ટ વારંવાર ચાલુ હતી અને ગણતરીની પળોમાં ટ્રેન ઉપડવાની તૈયારી જ હતી ત્યારે, ઉદયપુર જઈ રહેલી ટ્રેનના ફર્સ્ટક્લાસના કમ્પાર્ટમેન્ટમાં શૈલા દોડીને ચડી ગઈ ‘હાશ! ટ્રેન તો મળી ગઈ. હવે વાંધો નહીં. સામાન વધારે નથી તે સારું, નહીં તો આજે નક્કી ટ્રેન જતી જ રહેત. કેટલી જલદી ઘરેથી નીકળી તોય આ ટ્રાફિકને લીધે મોડું થઈ જ ગયું. આજે જો આ ટ્રેન જાત ને તો પછી મીટિંગમાં પહોંચવાના કોઈ ચાન્સ જ નહોતા. કાર કે ટૅક્સી કરીને જવાનો તો પ્રશ્ન જ ઊભો ન થાય. કંપની ફર્સ્ટક્લાસનું ભાડું આપે છે ને ફોર સ્ટાર હૉટેલમાં ઉતારે છે તે જ બહુ છે.’ શૈલા બૅગ ગોઠવીને પર્સ ખોળામાં મૂકી નિરાંતે બેઠી કૉફી ને નાસ્તાની રાહ જોવા માંડી. ઉતાવળમાં કૉફી ને નાસ્તો પણ રહી ગયો. એણે પુસ્તક કાઢી પાનાં ફેરવવા માડ્યાં.
બેગ તૈયાર કરતી વખતે એ હંમેશાં પોતાના પ્રિય લેખકના બે ચાર પુસ્તકો લઈ લેતી. ટ્રેનની લાંબી મુસાફરી ખાસ્સી ટૂંકી થઈ જતી. જોકે, આજે ખોળામાં રહેલા પુસ્તકનાં પાનાં ફરતાં રહ્યાં ને અક્ષરો ધુંધળા થતા રહ્યા. આજે પુસ્તક હાથમાં હતું પણ મન કહ્યામાં નહોતું. નજર અક્ષરો પર ને વિચારો દૂર દૂર ક્યાંય ફરતા હતા. કંપનીની ટૂરને કારણે એ લગભગ બધા શહેરોમાં ફરી વળેલી. કંપનીની બીજી બ્રાન્ચની પણ પાંચેક સ્ત્રીઓ મીટિંગમાં આવતી પણ એ લોકો બીજા શહેરોમાંથી આવતી હોવાને કારણે ટ્રેનમાં કોઈનો સંગાથ રહેતો નહીં. હૉટેલમાં બધાં રૂમ શેર કરી લેતાં. છેલ્લી બે મીટિંગથી શૈલા રૂમમાં જતાં જ ચોંકી જતી. રૂમના ખૂણે ખૂણે નજર ફેરવતાં એના શરીરમાંથી જાણે ચેતન હણાઈ જતું ને એના હાથપગ ઢીલા પડવા માંડતા. એક ખૂણો શોધી એ પોતાની બૅગ મૂકતી ને નજીકમાં પર્સ ને હૅન્ડબૅગ મૂકી કબાટ ખોલતી તો ત્યાંય એની નજરને નિરાશા જ સાંપડતી. નિ:સાસો નાંખી, જેમતેમ જગ્યા શોધી એ પોતાનાં કપડાં ગોઠવતી.
છ જણ હોવાને કારણે કાયમ ટ્રિપલ શેરિંગ રૂમમાં રહેવું પડતું અને બાકીની બે રૂમ પાર્ટનર વહેલી આવી જતી એટલે બંને જણ પલંગ અને કબાટ પર પોતાનો કબજો જમાવી દેતી. જ્યાં ને ત્યાં પોતાનો સામાન પાથરીને શૈલાને અગવડ વેઠવા મજબૂર કરતી. પહેલી વાર શૈલાએ બહુ સભ્યતાથી થોડી જગ્યા પોતાને પણ આપવા કહેલું તો બંને એના પર તૂટી જ પડેલી. ‘એવું હોય તો વહેલાં આવી જવાનું હતું ને આખો રૂમ તમારા સામાનથી જ ભરી દેવાનો હતો. આ ટ્રિપલ શેરિંગ છે, તમને ખબર છે ને? જ્યાં જગ્યા દેખાય ત્યાં સામાન મૂકો, બાકી અમારો સામાન નહીં હટે.’ રૂમમાં આ લોકો સાથે રહેવાનું ને આવી રીતે ચાર દિવસ કાઢવાના? શૈલા હબકી ગયેલી. એણે ચૂપચાપ પોતાનો સામાન એક તરફ મૂકી દીધેલો. ચારેચાર દિવસ બાથરૂમમાં પણ શૈલાએ છેલ્લે જ જવું પડતું, જ્યારે પેલી બંને પરવારતી ત્યારે! અરીસાની સામે પણ શૈલા ઊભી રહેતી તો તરત જ બેમાંથી કોઈ આવી જતી, ‘તમે પછી તૈયાર થજો, મારે ઉતાવળ છે.’ શૈલાની ભલમનસાઈનો ભોગ બરાબર લેવાતો. શૈલાને દુ:ખ બહુ થતું પણ ખોટી લમણાંઝીંક કરવાનો કોઈ મતલબ ન હોઈ એ ચૂપ રહેતી.
મોટા ભાગે રૂમમાં બે પલંગ રહેતા ને વધારાની પથારી જમીન પર પથરાતી. પેલી બેમાંથી તો કોઈ પાસે એવી આશા રાખવાની જ નહોતી કે, ‘મૅડમ, તમે પલંગ પર સૂઓ. હું નીચે સૂઈ જઈશ.’ શૈલા ચૂપચાપ નીચે સૂઈ જતી પણ ઊંઘ એનાથી દૂર ને દૂર જવા માંડતી. શા માટે પોતે કોઈ વાતે વિરોધ નથી કરતી? કેમ બીજાની જેમ કે આ લોકોની જેમ જ પોતે પણ ઊંચા અવાજે કે અવાજમાં કડકાઈ વાપરીને કંઈ બોલતી નથી? એવું તે શું એને અટકાવે છે કે, કોઈની પણ દાદાગીરી આગળ એ નમતું મૂકી દે છે? કેમ પોતે એવી છે? કેમ આ લોકો જેવી નથી? કેમ જબરી નથી? શૈલાની આંખમાંથી રેલા ચાલુ થતા પણ ધીરે ધીરે થાકને લીધે એને ઊંઘ આવી જતી.
સવારમાં આંખ ખૂલવા છતાં માથે ઓઢીને એ પડી રહેતી. પેલી બેની હિલચાલની સામે મનમાં ને મનમાં યુદ્ધ ખેલતી રહેતી, જખમી થતી રહેતી ને આખરે હારીને હથિયાર ફેંકીને મેદાન છોડી ભાગી જતી. કલાકેક જતાં બાથરૂમ ખાલી પડતું ત્યારે શૈલા વહેલી વહેલી ઊભી થઈ તૈયાર થવામાં ઉતાવળ કરતી ને સમયસર મીટિંગ માટે હાજર થઈ જતી. મીટિંગમાં શૈલાનું પરફોર્મન્સ કાયમ બધાં કરતાં અવ્વલ રહેતું ને આખી ટૂરમાં ફક્ત એ જ એક મોટામાં મોટું આશ્વાસન શૈલાને મળી રહેતું. એટલો સમય એ હવામાં ઊડતી ને પેલી બંને રૂમ પાર્ટનરને પોતાની સામે નીચી નજરે ને માફી માગતી મુદ્રામાં ઊભેલી કલ્પી સંતોષનો શ્વાસ લેતી.
આ વખતે ફરી મીટિંગમાં જવાનું છે. ફરી એ જ ટ્રિપલ શેરિંગ રૂમ ને ફરી એ જ ખટપટ. શૈલાને તો હવે આવી મીટિંગની જાહેરાત થતાં જ પેટમાં ચુંથાવા માંડતું. કેટલી મીટિંગોમાં એ નહીં જાય? કેટલાં બહાનાં કાઢશે? જવું તો પડશે જ ને? કામ નહીં કરે તો નોકરી જવાના ચાન્સ વધી જશે. તો શું કરે કે, આ બધી દર વખતની મગજમારી જ જાય? એના સ્વભાવ પ્રમાણે તો એનાથી કોઈની સામે એક અક્ષર તો બોલાવાનો નથી. દર વખતે એ જ રૂમ પાર્ટનર તો નક્કી જ છે. શૈલા એ જ વિચારોમાં હૉટેલ પહોંચી ને રિસેપ્શન પર રૂમ નંબર પૂછ્યો. રૂમ પાર્ટનરનાં નામ જાણ્યાં ને એક ઘડી ઊભી રહી. મનમાં કંઈક નક્કી કરી એણે પૂછ્યું, ‘સિંગલ ઓક્યુપન્સીની કોઈ રૂમ ખાલી છે?’
થોડી વાર પછી. શૈલા એના રૂમમાં ગીત ગણગણતી બૅગ ખાલી કરીને કબાટમાં કપડાં ગોઠવી રહી હતી. બાથરૂમમાં પણ બધી સગવડ પોતે એકલી જ ભોગવશે એ વિચારે એના મોં પર સ્મિત ફરકી ગયું. સોફામાં આરામથી ગોઠવાતાં એણે ટીવી ચાલુ કર્યું ને ફોન ઊંચકી બોલી, ‘રૂમ નંબર તીનસો એકમેં એક સૅન્ડવિચ ઔર એક કૉફી પ્લીઝ.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર