લવ મૅરેજ– કભી હાં તો કભી ના!
‘આશી બેટા ઊઠ. જો તારા પપ્પા તારી સામે બેઠા છે. બેટા, આંખ ખોલ.’
પથારીમાં બેભાન પડેલી જુવાન દીકરીને હોશમાં લાવવાની સઘળી કોશિશો નાકામ રહી હતી. સોમેશભાઈ સતત આશીના મોં પર પાણી છાંટી થાકતા ત્યારે એને ગાલે ને ખભે હળવી થપકી લગાવી જોતા. ઘડીક એના હાથ–પગનાં તળિયાં ઘસતા તો ઘડીક જોશમાં આવી એને હલબલાવી કાઢતા. આશીના પેટમાંથી બધી દવા નીકળી ગઈ હતી અને ડૉક્ટરે એને ભયમુક્ત જાહેર કરી હોવા છતાં હજુ આશીને હોશ આવ્યા નહોતા. ડૉક્ટર તો કહે, રાહ જુઓ. આખરે રાહ પણ કેટલી જોવાની?
હજુ અઠવાડિયા પહેલાં તો સોમેશભાઈ નિસર્ગના ઘરે, પોતાની મરજી વિરુદ્ધ દીકરીનું માગું લઈને ગયેલા. પહેલેથી જાણતા હતા કે, જાતિનો ભેદભાવ નડવાનો જ છે. છતાં દીકરીના આગ્રહને માન આપીને ગયા. નિસર્ગના ઘરે પણ કોઈની મરજી તો હતી જ નહીં, પછી વાત શું કરવાની? નિસર્ગના ઘરમાં પપ્પાનું હડહડતું અપમાન થયું એ જાણીને આશી ભાંગી પડી. હવે તો કોઈ કાળે આ લગ્ન નહીં જ થાય. ત્યાં નિસર્ગનો ફોન આવ્યો, ‘આશી, તારા પપ્પાને કહેજે કે, દીકરીના બાપ છો તો થોડી નરમાશથી વાત કરો. મારા મા-બાપનું અપમાન કરવાનો એમને કોઈ હક નથી.’
‘મારા પપ્પાએ તમારું અપમાન કર્યું? જરા પૂછી જો ઘરમાં કે, કોણે કોનું અપમાન કર્યું?’ રડતાં રડતાં આશીએ ફોન મૂકી દીધો. ખલાસ! બાજી મંડાતાં મંડાતાં જ વિખેરાઈ ગઈ. છ–છ વર્ષોના પ્રેમને નાતજાતના વંટોળિયાએ ક્યાંય દૂર ફેંકી દીધો. આશીને બીજો કોઈ રસ્તો ન સૂઝતાં એણે આપઘાતનો સહેલો રસ્તો અપનાવી લીધો. હવે કોના માટે જીવવું?
જોકે, આશીના નસીબમાં જીવવાનું લખ્યું હશે. એટલે જ વધુ માત્રામાં ઝેર પીધું હોવા છતાં તે બચી ગઈ અને ત્રણેક દિવસ પછી તે કોન્સિયસ થઈ. અલબત્ત તેને સ્વસ્થ થતાં દોઢેક મહિનો તો અમસ્તો થવાનો હતો, પરંતુ આઠ દિવસ પછી ડૉક્ટરે તેને ઘરે લઈ જવાની પરવાનગી આપી.
આશીને ઘરે લઈ ગયા બાદ સોમેશભાઈ એની સાથે પડછાયાની જેમ રહેવા માંડ્યા. આખરે તો લાડકી દીકરી હતી. બધી રીતે હોશિયાર ને નાની ઉંમરમાં જ કપડાંનો પોતાનો સ્વતંત્ર બિઝનેસ જમાવી દેનાર દીકરી માટે બાપને ગર્વ હતો. ખામી હતી તો ફક્ત એક જ, પોતાનાથી ઊંચી જાતના છોકરાને પરણવાની તે જીદ લઈ બેઠેલી. ના કહેવા છતાં તે માની નહીં ને પોતાને જબરદસ્તી છોકરાને ઘરે મોકલીને જ રહી. પોતે પણ ક્યાં કમ હતો? છોકરાના ઘરે અપમાન થયું એમ આશીને કહી દીધું એટલે તે ચૂપચાપ બેસી ગઈ. જોકે, આપઘાતનું પગલું એણે ખોટું ભર્યું પણ હવે ધ્યાન રાખવું પડશે ને વહેલી તકે કોઈ સારો છોકરો શોધી તેને પરણાવી દેવી પડશે. નાતજાતનું ધ્યાન તો પહેલાં રાખવાનું. ક્યાંક નાતબહાર ન મૂકાઈ જઈએ?
સોમેશભાઈ આશીને રોજ રોજ શૉપિંગ કરાવવા લઈ જવા માંડ્યા. કોઈ વાર સહકુટુંબ ફિલ્મ જોવા જતા. તો કોઈ વાર આશીની જાણ બહાર એની ફ્રેન્ડ્સને બોલાવીને પાર્ટી ગોઠવી દેતા ને એ બહાને દીકરીને સતત ખુશ રાખવાની કોશિશ કર્યા કરતા. વચ્ચે વચ્ચે લાગ મળતાં કોઈ છોકરાની વાત પણ છેડી દેતા. આશી શૂન્યમનસ્ક બધું જોયા કરતી ને સાંભળ્યા કરતી. નિસર્ગના ફોન તો તે દિવસથી બંધ જ હતા, પણ એક દિવસ અચાનક નિસર્ગનો નંબર આશીના મોબાઈલ સ્ક્રીન પર ફ્લેશ થયો. આશીએ ફોન ઉઠાવ્યો, ‘કેમ ફોન કર્યો? હજુ શું બાકી છે?’
‘આશી, તારા પપ્પા આવ્યા ત્યારે હું ઘરે નહોતો. મોટાભાઈએ કહ્યું કે, તારા પપ્પાનું કોઈએ અપમાન કર્યું નહોતું કે ન તો તારા પપ્પા કંઈ ગમેતેમ બોલી ગયેલા. ફક્ત નાતજાતની જીદને કારણે બંને પક્ષે સહમતિ ન થઈ. સૉરી, તે દિવસે હું તને ગમે તેમ બોલ્યો. તું જો હા પાડે તો હું તારી સાથે આજે પણ લગ્ન કરવા તૈયાર છું. મને ઘરનાં લોકો છોકરીઓના ફોટા બતાવી બતાવીને હેરાન કરે છે. જોકે, મેં તો નક્કી જ કર્યું છે કે, લગ્ન કરીશ તો તારી સાથે જ, નહીં તો નહીં કરું. તારો શું જવાબ છે ? મારી સાથે લગ્ન કરશે?’
‘હું તો તારી રાહ જોઈને જ બેઠી છું, પણ લાગે છે કે, ઘરનાં હવે કોઈ કાળે નહીં માને. સમજ નથી પડતી કે શું કરું ?’
‘ભલે, હજી થોડા દિવસ જવા દઈએ. પછી વાત.’
એવામાં આશીને આન્ટી યાદ આવ્યાં. મારું સુખ–દુ:ખ સમજનાર જો કોઈ હોય તો તે આન્ટી જ, બીજું કોઈ નહીં. આન્ટી બહુ ફોરવર્ડ છે! મારા દિલની વાત વગર કહ્યે સમજી જશે. મારા પ્રોબ્લેમને દૂર કરવામાં ચોક્કસ મદદ કરશે. આશીએ આન્ટીને ફોન લગાવ્યો.
‘આન્ટી, પ્લીઝ હેલ્પ મી. મને મરી જવાનું મન થાય છે. કંઈ ગમતું નથી. અમારાં ઘરનાં તો માનતાં નથી ને લગ્નની તો ના જ પાડી દીધી. નિસર્ગ વગર કેમ જીવું? આન્ટી પ્લીઝ કંઈ કરો.’
‘આશી દીકરા, તમે લોકો લવમૅરેજ કરવા તૈયાર છો? મારું માનો તો આર્યસમાજ વિધિથી પરણી જાઓ. એ શરતે કે, છેલ્લી ઘડી સુધી તમે તમારા માબાપને તમારાં લગ્ન કરવા સમજાવતાં રહેશો. અને ન જ માને તો પછી તમે પરણી જજો. એમાં કંઈ જ ખોટું નથી. તમે પરણવાની યોગ્ય ઉંમરને તો ક્યારનાય વટાવી ચૂક્યાં છો, સમજુ છો, બંનેની સારી ઈન્કમ છે ને મુખ્ય વાત તો તમે એકબીજા વગર રહી નથી શકતાં. બસ, મને જણાવો ત્યારે હું તમારાં લગ્નમાં હાજરી આપવા આવી પહોંચીશ.’
‘ઓકે આન્ટી, થૅન્ક યૂ સો મચ. હું નિસર્ગને પૂછીને તમને જણાવું.’
વારંવારના પ્રયત્નો છતાંય બંને ઘરનાં જડ લોકો ટસના મસ ન થયા. આશી ને નિસર્ગે આખરી નિર્ણય લઈ લીધો ને આર્યસમાજ હૉલની તપાસ કરવા માંડી. નિસર્ગ તો નોકરીને કારણે માબાપથી દૂર જ રહેતો હોવાથી કોઈને વહેમ પડવાનો સવાલ જ નહોતો. આશીએ એનો સામાન ભેગો કરવા માંડ્યો. ઘરમાંથી તો કંઈ લેવાનું નહોતું પણ એના બિઝનેસને લગતું કામ એણે બધું સમેટી લીધું. મોટી બૅગ લઈને નીકળતી વખતે માએ પૂછ્યું પણ ખરું, ‘કેમ આશી, આટલી મોટી બૅગ લઈને ક્યાં ચાલી?’ ‘મમ્મી એક્ઝિબિશન છે, તને તો ખબર છે. આન્ટીને ત્યાં બધાં ભેગાં થવાનાં છીએ.’
આખરે આશીએ ઘર છોડ્યું.
(સત્યઘટના પર આધારિત)
(ક્રમશ:)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર