સાચા માણસ, ખોટા રિવાજો
‘ખબરદાર જો આ વખતે પૂરી–વડાંનો ટોપલો ને લાડવાની પવાલી મોકલી છે તો! તમારી પોરીને બારણેથી પાછી વારી દેવા. લગન વખતે હો ચોખ્ખી ના જ પાડેલી, તો હો તમે લોકો માનેલા નીં ને મને મારી નજરમાં જ નીચે ઉતારી પાડેલો. ટ્રેનના આખા ડબ્બામાં, આ તમારા વડાની ગંધ લેવા ઘડી ઘડી બધા આંટા માઈરા કરતા ઊતા ને અમારી હામે જોઈ અંદરઅંદર અમારી મસ્કરી કરતા ઊતા, તે મને તો ત્યારે જ ટ્રેનમાંથી બધુ ઉડાડી લાખવાનું મન થઈ આવેલુ પણ તમારા બધાનુ માન રાખવા ખાતર જ ઘેરે લઈ ગયેલો. ત્યાર પછી તો મેં ચોખ્ખી ના જ ક’યલી છે કે, મારા ઘરમાં પૂરી વડાં નીં જોઈએ. એટલે મે’રબાની કરજો આ વખતે, કંઈ મોકલ્યુ છે તો પછી જોઈ લેજો.’
એક મહિના પછી દીકરીનું સીમંત હતું ને આગલે મહિને દીકરી સાથે આવેલા જમાઈ રીતસરની ધમકી આપીને જતા રહેલા. જોકે ધમકી પાછળની સારી ભાવના ને આદર્શ વિચારો જાણીને તો કૃપાના પિયરીયાંની છાતી ગજ ગજ ફૂલેલી. સૌ બહુ ખુશ થયેલાં કે, દીકરીને સમજુ વર મળ્યો છે તે કંઈ નહીં તો કોઈ રિવાજ કે માગણીને લીધે તો દીકરીને દુ:ખી નહીં જ કરે. ખોળો ભરવા પહેલાં પિયર આવેલી દીકરી આગળ ઘરનાં સૌ, જમાઈના ભરપેટ વખાણ કરતાં હતાં ને હવેથી પૂરી, વડાં ને લાડવા બનાવવા નહીં પડે તેનો આનંદ વહેંચતાં હતાં. રાતે જમ્યા પછી દીકરીએ મા આગળ દિલ ખોલ્યું, ‘મમ્મી, હિતેન ભલે ના પાડી ગીયો પણ મારી હાહુએ મને લિસ્ટ આપેલુ છે એટલું તો તમે આપજો જ.’
ખલાસ! માના માથે જાણે વીજળી પડી. એનું મોં પડી ગયું. ‘મને ઊતુ જ કે, તારી હાહુ કંઈ માઈન્ગા વગર તો નીં જ રેહે. મને તો હિતેનભાઈ ક’ઈ ગીયા ત્યારે જ નવાઈ લાગેલી. હું હું માંગેલુ છે તારી હાહુએ?’
‘અધમણ લાડવો, અધમણ પૂરી ને દસ્સેર વડા.’ (અધમણ એટલે દસ કિલો ને અનાવિલોમાં આ ટોપલા–પવાલીના ભંડાર ભરવા એ બહુ ભારે માવજત ને કારીગરીનું કામ ગણાય છે. ચોખ્ખા ઘી ને તેલની રેલમછેલ થાય ત્યારે સીમંતનો એક પ્રસંગ ઉકેલાય.)
‘તારી હાહુને અધમણ વગર કંઈ ચાલે જ નીં કેમ? જાણે, કે કરહે જ ને, કાં જહે? એક બાજુ એનો જ પોઈરો આવીને ચોખ્ખી ના પાડી ગ્યો ને એ છે તે ખાનગીમાં તારી હાથે આવો સંદેસો મોકલે! લગન વખતે ઓછુ માંગેલુ કે? એ એખલી ખાવાની ઓ’ય કે તારા હાહરેના લોકો ખાવાના ઓ’ય તો ચાલ નીં હમઈજા કે, પે’લ્લા પોઈરાનો અ’રખ છે ને મોકલીએ, કોણ ના પાડે? પણ આખા ગામને ને હગેવા’લે વેં’ચવા ને મોટાઈ મારવા હારુ જ આટલુ બધુ માઈન્ગુ ને? તારી હાહુ તો હારી રીતે જાણતી છે કે, અમારી એક જ પોરી નથી. અંઈ અ’જુ હો તોણ પોરી પણ્ણાવવાની બાકી છે. એમ બધાની પાછળ પૂરી ને લાડવા બનાવવામાં તો આપણે ખુવાર થઈ રે’હું. ને અ’જુ તો આ સીમંતમાં આટલુ માઈન્ગુ તો પોઈરુ લઈને જહે ત્યારે કેટલુક માંગહે?’ માના ચહેરા પર ચિંતાના ઊંડા ચાસ પડી ગયા.
દીકરી તો માબાપની મજબૂરી સારી પેઠે જાણતી જ હોય ને? નજર સામે સાસુની કરડી આંખ ને કાનમાં ધમકીના આકરા, કડવા વેણ જો વારંવાર ઘુમરાત નહીં તો કૃપા પણ હિતેનની સાથે જ રહીને સાસુનો સામનો કરી લેત ને માબાપના કાને ભનક પણ ના પડવા દેત. શું આ બધું એટલું સહેલું હતું? એને સારી પેઠે બધું યાદ હતું કે, આટલાં વરસોમાં ઝીણી ઝીણી વાતે સાસુએ પોતાનાં માબાપને કેટલીય વાર નીચું બતાવેલું ને બધાંની આગળ કેવું પોતાનું અપમાન કરેલું! હવે જ્યારે કુટુંબમાં પહેલવહેલો હરખનો પ્રસંગ આવ્યો છે ત્યારે બળવો પોકારીને સાસુની સામે થવું ને વરની વાત માનવી કેટલી યોગ્ય હતી? સાસુ કદાચ પ્રસંગે મૌન પણ ધરી લે તોય એ પછીના બિહામણા દિવસોનું શું? આ પરિસ્થિતિમાં આનંદમાં રહેવાની સૌની સલાહોનું શું? શું પોતે ચેનથી જીવી શકશે? ને આવનારા બાળક પર એની કેવી અસર પડશે? હારીને છેવટે માના શરણે જવા સિવાય એનો છૂટકો જ નહોતો.
આખી રાત ઉજાગરાથી લાલ થયેલી આંખે પતિની સામે ચાડી ખાધી.
‘તબિયત નથી હારી?’
‘હારી છે, જરા ઊંઘ નીં આવી.’
‘કેમ, કૃપાની હાહુ કંઈ બોલેલી છે?’ હાહુને આટલુ હારી રીતે દીકરીના માબાપ સિવાય બીજું કોણ ઓળખે?
‘પૂરી વડા ને લાડવા જોઈએ.’
‘ઉં જાણતો જ ઉતો. મરદો તો બો ઈચ્છે કે રિવાજ બંધ થાય પણ આ બૈરા નીં બંધ થવા દેય. મોટાઈ મારવાનું જોઈએ, બીજુ હું? કેટલા ક’યલા છે?’
આંકડો જાણીને ગણતરી કરતાં પતિ પત્ની એકબીજા સામે લાચાર નજરે જોઈ રહ્યાં.
સીમંત માટે જતી દીકરી સાથે સૂપડાંનો સામાન ને પૂરી, વડાં ને લાડવાનાં વાસણ સાથે માબાપની ગીરવે મૂકાયેલી કેટલીક જણસની હાય પણ જતી હતી. ખુશીના પ્રસંગને પણ ઊંચા જીવે ને પેટ કાપીને કરવામાં કોઈને શો હરખ હોય?
સાસરે પગ મૂકતી વહુની પાછળ સામાનના પોટલાં જોઈને સાસુના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી. હાશ! લાવી ખરી. નીં બી લાવતે તો આજે તો ઘરમાં આવ્વા જ નીં દેતે એને. પોઈરો હું ના પાડતો ઉતો? મારે હો કંઈ વે’વાર કરવાના ઓ’ય કે નીં? કે બધાનું ખાઈને બેહી જ રે’વાનું? પ્રસંગે ભેગી થયેલી સગીવહાલી ને પાસપડોશની સ્ત્રીઓ આગળ હરખપદુડી બનેલી સાસુએ વહુનું ભાવભીનું સ્વાગત કર્યું ને સૌને ચા–નાસ્તાથી વિદાય કર્યાં. ઘરમાં હજી પુરુષવર્ગની પધરામણી થઈ નહોતી. સામાનનાં પોટલાં હજી અકબંધ પડ્યાં હતાં. સ્ત્રીવર્ગ સાંજની રસોઈની તૈયારીમાં ને વહુ એની ભાભી સાથે પોતાના રૂમમાં આરામ કરવા બેઠી કે અચાનક આગલા ઓરડામાંથી મોટે મોટેથી બૂમાબૂમ સંભળાઈ.
ઘરનાં સૌ ભેગાં થઈ ગયાં. અચાનક જ શું થઈ ગયું? સૌના આશ્ચર્ય વચ્ચે હિતેન માથા પર લાડવાની પવાલી મૂકીને બૂમો પાડતો હતો, ‘એ લાડવા લેજો લાડવા...’ ‘એ ચોખ્ખા ઘીના લાડવા...’ ‘એ પૂરી હો છે ને વડા હો છે. એ લાડવા હો છે ને ઘાડવા હો છે. એ મારી માએ માંગેલા લાડવા...એ પિયરીયાને ટટળાવીને માંગેલા લાડવા...’
આખા ઘરમાં સોપો પડી ગયો. સૌની આંખો ફાટેલી રહી ગઈ. આવા અણધાર્યા નાટકની તો કોઈની તૈયારી જ નહોતી. આજ સુધી આવું કોઈ અનાવલાના ઘરમાં બનેલું સાંભળ્યું નહોતું તો જોવાની તો વાત જ ક્યાં? દરેક દિવાલોને, બારણાંને ચોંટીને ઊંચા શ્વાસે ઊભેલા સૌના મગજમાં ઘમાસાણ મચેલું. આ હિતેન શું કરવા બેઠો? એક તરફ પુરુષવર્ગ ધીરે ધીરે મનમાં મલકતો થયો ને વહુઓના મનમાં પણ હિતેનભાઈ માટે માન વધી ગયું. જ્યારે બીજી તરફ કૃપાના મનમાં ગભરાટ કે સાસુ પછીથી જાતજાતનું સંભળાવીને પોતાનો દમ કાઢશે. કોણ જાણે કેવોક બદલો લેશે? બધાંની નજરમાં ગુનેગાર બનેલી સાસુના મનમાં તો બધાંની વચ્ચે થયેલા અપમાનની આગ ભભૂકતી હતી. અપમાન કર્યું તોય કોણે? પોતાના જ સગ્ગા દીકરાએ? કોઈની આગળ આંખ ઊંચી કરવા જેવું ન રાખ્યું. બધા આ વહુના ને એના પિયરીયાનાં જ કારસ્તાન. જવા દે હિતેનને બહાર. વહુને સીધી ન કરું તો મારું નામ નહીં.
હજી તો સાસુ આ વિચારને મનમાં મમળાવે તે પહેલાં જ હિતેનનું ફરમાન છૂટ્યું, ‘ખબરદાર જો આજ પછી આ ઘરમાં કોઈના હો ઘેરેથી પૂરી વડા ને લાડવા આઈવા છે તો. ઘરમાં હારો પ્રસંગ આવેલો છે તો બધા અ’રખથી ઉજવો ને, એ હું અ’જુ હો બધા રિવાજને વરગી ર’યલા? કોઈએ કંઈ માંગવાનું નથી ને કોઈએ કોઈને કંઈ કે’વાનું નથી. પછીથી હો જો મને ખબર પડી, તો હવાર પાડી લાખા જે બોલહે તેની.’
કૃપાના પિયર પાછી ફરેલી એની ભાભીએ જ્યારે આ વાત માબાપ આગળ રજુ કરી ત્યારે બંનેની આંખમાંથી હરખનાં જે આંસુ વહ્યાં તેની ખુશી તો કોઈ દીકરીનાં માબાપ જ અનુભવી શકે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર