બે હાથ
હૉસ્પિટલમાં ત્રીજે માળે, રૂમ નંબર ત્રણસો ચારના એસી ડિલક્સ રૂમના પલંગ પર સૂતેલી એક કૃશકાય સ્ત્રીએ ફરીથી ચાદર પર હાથ ફેરવ્યો. સવારથી આ કદાચ પચાસ, સો કે બસોમી વાર, ચાદર પર હાથ ફેરવાયો હતો. કોણ જાણે ચાદર પર હાથ ફેરવીને એ કશુંક કહેવા માગતી હતી કે પછી, એ ચાદરમાં એને કંઈક ખૂંચતું હતું. દર બીજી ત્રીજી મિનિટે એનો હાથ ચાદર પર ફરી જતો. નજીકમાં જ ખુરશી પર બેઠેલી નર્સે બહુ વાર ચાદર પર હાથ ફેરવીને જોયું, પણ ત્યાં એને કંઈ જ જણાયું નહીં.
‘મમ્મી, શું શોધો છો ક્યારના? કંઈ જોઈએ છે? કંઈ કહેવું છે? કોઈને બોલાવવા છે? ચાદર પર તો કંઈ નથી. સવારે જ સિસ્ટર બદલી ગયેલી ને? સાફ જ છે, હં મમ્મી.’
નર્સ સામે ફિક્કું હસીને એ સ્ત્રીએ ધીરેથી ડોકું ધુણાવ્યું ને ઈશારાથી સમજાવ્યું, ના બેટા, કંઈ નથી જોઈતું. મને જે જોઈએ છે, તે તું નહીં આપી શકે. કદાચ કોઈ નહીં આપી શકે, સિવાય એક...
વિચારમાં ઊંડી ઊતરી ગયેલી એ સ્ત્રીએ, આદતવશ ફરી ચાદર પર હાથ ફેરવ્યો અને એક નિ:સાસો નાંખ્યો, ‘હવે ઠે...ઠ આવતા રવિવારે.’ રૂમમાં એના આગ્રહથી રખાવાયેલા કેલેન્ડર પર એની નજર અટકી ગઈ. ‘હજી આજે તો સોમવાર થયો અને તે પણ હજી તો દસ વાગ્યા. સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર ને શનિ. હજી તો છ દિવસ ને છ રાત! રવિવારની સવાર પણ પાછી વહેલી નહીં પડે. ઓહ! આ પલંગ પર આખો દિવસ સૂઈ રહેવાનું હવે ગમતું નથી. પલંગ પરથી ઉતરવાની જ મનાઈ છે, તો અહીં પડ્યા પડ્યા મારો ટાઈમ કેમ જાય? આખા દિવસમાં માઈલો ચાલનારીની આજે આ દશા? અહીં શું છે? આખો દિવસ નર્સના આંટાફેરા, ડૉક્ટરની રાહ, ભૂખ, તરસ, દવા, ઈંજેક્શન, રૂમની દિવાલો, બારી, બારણાં, પડદા, એસીની ઠંડક, નર્સને ખાતર સહેવો પડતો ટીવીનો ઘોંઘાટ, કચરાતી ઊંઘ, બિહામણાં સપનાં, સાવ ખોટા આશ્વાસનો, ઓછા થતા દિવસો અને...અને રવિવાર. એની રાહ જોવામાં આ બધું કેટકેટલી વાર, ફરી ફરી જોવું પડશે? ફરી ફરી કેટકેટલું સહેવું પડશે? હે ભગવાન, મને વહેલી બોલાવી લેજે પણ જોજે, રવિવારે એ આવી જાય પછી.’ એનો હાથ ફરી ચાદર પર ફર્યો અને ક્યાંય સુધી ફરતો જ રહ્યો.
ગઈ કાલે દસ વાગ્યે તો અહીં કેટલી રોનક હતી!
‘દાદી, તમારા ફ્રિજમાંથી ચૉકલેટ કાઢું? આજે ચૉકલેટ જ નથી ખાધી. મમ્મીએ કહેલું, કે દાદીને મળવા જવાનાં છીએ, તો ત્યાં ફ્રિજમાં તારા માટે દાદીએ રાખી હશે તે ખાજે. હેં દાદી, મારા માટે રાખી છે ને ચૉકલેટ?’
બેઠાં થવાની તો ઠીક, બોલવાની પણ મનાઈ હતી! એણે હાથ લંબાવી ફ્રિજ તરફ ઈશારો કર્યો ને પૌત્રે ખુશ થઈ, ‘થૅંક યુ દાદી’ કહેતાં ચૉકલેટ કાઢી મોંમાં મૂકી દીધી. દીકરાએ હાથ ન ધોયા તે બદલ વહુના મોં પર ગુસ્સો ફરી વળેલો એણે જોયો. ભલે ને વહુનું મન કટાણું થઈ ગયું, પણ પૌત્રને ચૉકલેટ ખાતાં જોઈ એના ચહેરા પર રોનક આવી ગઈ. વહુએ બે ફૂટ દૂર ઊભા રહી ખબર પૂછી લીધી. ‘ડૉક્ટર ક્યારે આવે છે? દવા છે કે ખલાસ થઈ ગઈ? ફ્રૂટ–બિસ્કિટ વગેરે છે કે મગાવી લઉં?’ જેવા ઔપચારિક પ્રશ્નો પૂછી લીધા અને ધીરેથી દીકરાને લઈને, ‘હું હમણાં આવી’ કહી બહાર વેઈટિંગ એરિયામાં જઈ ગોઠવાઈ ગઈ. પૌત્રને માથે હાથ ફેરવવાની દિવસોની ઈચ્છા મનમાં સળવળીને ગૂંચળું થઈ ગઈ. બળ્યા આ હૉસ્પિટલના જમ્સ!
બહાર પેસેજમાં દીકરો ડૉક્ટર સાથે વાત કરતો સંભળાતો હતો. ‘કોણ જાણે કેટલી વાર લાગશે એને આવતાં? ભાઈ, છોડ ને બધી માથાકૂટ. હવે મારામાં કોઈ ફેર પડવાનો નથી. જેટલા દિવસ અહીં નીકળ્યા તેટલા સાચા. દીકરા, તું પહેલાં અહીં આવીને તારું મોં મને બતાવી જા. હું તારા માથે હાથ ફેરવું. તારા ગાલે હાથ ફેરવું, કપાળે ઝૂલતી તારી લટ ઠીક કરું, તને મન ભરીને નીરખી લઉં પછી તારે જેની સાથે વાત કરવી હોય તેની સાથે કરજે, મને કોઈ વાંધો નથી. આ નર્સ ને ડૉક્ટર ને બધા જ અહીં બહુ સારા છે, બધા બધું કામ બરાબર કરે છે અને મારી કાળજી પણ બહુ રાખે છે. હોલવાતા દીવામાં તેલ પૂર્યે રાખે છે, બીજું કંઈ નથી. હું બધું સમજું છું પણ હું તો બસ, તને જોવા માટે જ જીવું છું. આવતો રહે દીકરા, મારા હાથમાં તારો હાથ લઈને બેસી રહેજે, બસ એ જ મારી દવા છે. તારી વાત તો પછી પણ થયા કરશે.’
એણે નર્સ તરફ જોયું. નર્સ બારીની બહાર કંઈક જોતી હતી. કદાચ બીજી કોઈ નર્સની રાહ? કે પછી એના બૉયફ્રેન્ડની રાહ? એણે એકાદ મિનિટ રાહ જોઈ. કદાચ નર્સનું એના તરફ ધ્યાન જાય. ધીરજ ન રહેતાં એણે પલંગની નજીકની સ્વિચ દબાવી દીધી. નર્સ તો ચમકીને એના તરફ ઝડપી પગલાં ભરતાં પહોંચી ગઈ. ‘શું જોઈએ મમ્મી? કંઈ થાય છે?’
એણે બારણાં તરફ ઈશારો કર્યો. બે ચાર ઈશારા પછી એ નર્સને સમજાવી શકી કે, બહાર જે છે તેને અંદર બોલાવો.
દીકરાએ આવતાં વેંત પલંગ પાસે ખુરશી ગોઠવી દીધી. ‘સૉરી મમ્મી, ડૉક્ટર બહાર જ મળી ગયા તો તારો રિપોર્ટ પૂછી લીધો. હવે ઘણું ઈમ્પ્રૂવમેન્ટ છે એમ કહેતા હતા. અઠવાડિયા પછી રજા પણ આપવાનું કહે છે. મોટા ભાગે આવતા રવિવારે રજા આપી દેશે. બસ, પછી તું હરતીફરતી થઈ જશે. તું ઘરે આવે પછી, તું જ્યાં કહેશે ત્યાં હું તને ફરવા લઈ જઈશ.’ વહાલથી બોલાયેલા દીકરાના શબ્દોએ એ સ્ત્રીના મન પર ચંદનલેપનું કામ કર્યું. મમ્મીના મોં પર હળવાશ જોઈ દીકરાએ માનો હાથ હાથમાં લઈ ચૂમ્યો. મમ્મીના હાથની પકડ મજબૂત થઈ અને દીકરાએ પોતાનો હાથ એમ જ રહેવા દઈ, બીજો હાથ માના ગાલ પર ફેરવ્યો. માની તો સંતોષથી આંખો બંધ થઈ ગઈ પણ દીકરાને તો માના ગાલ ખેંચતો તે દિવસોની યાદ ખળભળાવી ગઈ. ઊંડા ગાલો પર કરચલી સિવાય કંઈ નહોતું. ડૉક્ટરના શબ્દો કાનમાં ગૂંજ્યા. ‘હું તો તમને આજે જ લઈ જવાનું કહેવાનો હતો, પણ તમારા વાઈફે મને કહ્યું કે, આ વીકમાં તમને નહીં ફાવે. તો પછી, આવતા રવિવારે આવીને તમે મમ્મીને લઈ જાઓ. હવે પંદર વીસ દિવસની જ મહેમાન છે.’
લગભગ કલાકેક સુધી પલંગ પર મમ્મીનો હાથ હાથમાં રાખી નિરાંતે બેસી રહેલા દીકરાના મોબાઈલ પર મેસેજ આવ્યો. ‘મમ્મી, હવે અમે જઈએ. હજી બીજાં કામ પણ પતાવવાનાં છે. પણ તું તૈયાર રહેજે હં. આવતા રવિવારે સવારે હું આવું છું. હવે તને અહીંથી છુટ્ટી. બસ, પછી ઘરમાં તું આરામથી અમારી સાથે રહેજે ને જલદી સારી થઈ જજે. ચાલ, હુ જાઉં, આવજે.’ મમ્મીનું માથું ચૂમી દીકરો સજળ આંખે બહાર નીકળી ગયો. એની પત્ની અને દીકરો પાર્કિંગમાં રાહ જોતાં હતાં. ડૉક્ટરના શબ્દો માથામાં ઠોકાતા હતા અને દિલમાં ભોંકાતા હતા. બસ, મમ્મીનો જવાનો ટાઈમ થઈ ગયો? એણે દાંત ભીંસ્યા અને બહાર નીકળવા મથી રહેલા આંસુઓને આંખની અંદર જ સમાવી દીધા.
હૉસ્પિટલના પલંગ પર દીકરાએ પોતાનો હાથ, માના હાથમાં જે જગ્યાએ પકડી રાખેલો એ જગ્યા પર પેલી સ્ત્રી સવારથી ન જાણે કેટલીય વાર હાથ ફેરવી ચૂકી હતી. અને આવતા રવિવાર સુધીમાં તો કોણ જાણે...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર