સમજણ
‘મમ્મી, મને આ ચોપડીમાંથી એક વાર્તા કહેજે હં ને.’
‘હા બેટા, જા હમણાં દીદી સાથે રમ. હું આટલું કામ પતાવીને તને વાર્તા કહું છું.’
થોડી વાર રહીને, ‘મમ્મી, તારું કામ થઈ ગયું? વાર્તા ક્યારે કહેવાની?’
‘બસ બેટા, આટલી રોટલી થઈ જાય એટલે આવી હં. જો, એના કરતાં તું દાદા પાસે જા. દાદાને કહે, કે તને અકબર ને બિરબલની વાર્તા કહે. તને બહુ મજા પડશે. જા દાદા પાસે જા.’
‘મમ્મી, દાદાને કીધું, તો કે’ દાદી પાસે જા. દાદી પાસે ગઈ તો, દાદી કે’ છે કે, મમ્મી પાસે જા., તારી મમ્મી બહુ સરસ વાર્તા કરે. મમ્મી તું જ કે’ ને વાર્તા એના કરતાં.’
રંજનાએ એક નિ:શ્વાસ નાંખતાં કહ્યું, ‘સારું, પાંચ જ મિનિટ બેસ. હું હમણાં આવીને તને વાર્તા કહું છું.’ સાસુ અને સસરાનું એક બાળક પ્રત્યેનું આવું નિરસ વલણ જોઈને રંજનાને નવાઈ લાગી. બાળક કોને વહાલું ન હોય? બેમાંથી એકેય દીકરીને પાસે બેસીને કોઈ રમાડતું હોય કે વાર્તા કહેતું હોય કે રોજ સાંજે ફરવા લઈ જતું હોય તો કેટલું સારું લાગે? એમનેય કેટલું સારું લાગે ને એમનુંય મન પ્રસન્ન રહે તે એમને નહીં ખબર હોય? એક હસતારમતા પરિવારના સપનામાં રાચતી રંજના, સાસુ ને સસરાના આવા વર્તનથી દિલથી બહુ દુ:ખી રહેતી. કેટલી હોંશથી રાહુલ પાસે જીદ કરીને એના માબાપને એ કાયમ માટે રહેવા બોલાવી લાવી. એ બંનેની પણ બહુ મરજી તો નહોતી, પણ એકના એક દીકરા ને વહુના આગ્રહને માન આપીને એ લોકોએ પોતાના ઘરને તાળું મારી દીધું.
પૂર્વી વાર્તાની ચોપડી લઈને ફરી એની નાનકડી દોસ્ત, એની દીદી પાસે બેસીને ફોટા જોવા માંડી. ‘જો દીદી, આ રાજા છે. આ રાણી છે. આ છે ને, એની બે રાજકુમારી છે આપણા જેવી, હેં ને?’ પૂર્વીએ એની રીતે એની દીદીને ફોટા બતાવતાં, આવડે તેવી વાર્તા કહેવા માંડી. રંજનાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ટીવીવાળા રૂમમાંથી મોટે મોટેથી વાગતું કોઈ ફિલ્મનું ગીત સંભળાઈ રહ્યું હતું. દાદા અને દાદી જમીને ફિલ્મની મજા લઈ રહેલાં જણાયાં. હવે ચાર વાગ્યા સુધી કોઈ રૂમમાંથી બહાર નહીં નીકળે, રંજનાએ મોં વાંકું કર્યું. બેમાંથી કોઈ પાસે ફક્ત પાંચ જ મિનિટ પૂર્વી માટે નહોતી?
લગભગ વરસ થવા આવ્યું આ લોકોને અહીં આવ્યાને, પણ હજી અમારી સાથે એડજસ્ટ કેમ નથી થતાં? રંજના વિચારે ચડી. ફક્ત શરૂઆતના થોડા જ દિવસ ઘરમાં એક કુટુંબમેળા જેવું પ્રફુલ્લિત વાતાવરણ રહ્યું. પછી તો, ધીરે ધીરે ક્યારે બંને પોતાના ગોખલામાં ભરાઈ ગયાં તેની ખબરેય ના પડી. પોતાને કંઈ કરવું ના પડે એટલે સાસુ સવારથી વહેલાં ઊઠીને પોતાનું અને સસરાનું બધું કામ કરી લે. ચા કે નાસ્તો સુધ્ધાં બધું જ તૈયાર રાખે, એટલે બંને ડાઈનિંગ ટેબલ પર આવીને નાસ્તા–પાણી પતાવી દે. જેવાં પરવારે કે, બંને પોતાના રૂમમાં! પછી ઠેઠ જમવાના ટાઈમે બહાર નીકળે. ત્યાં સુધી ટીવી જોયા કરે. જોકે, સાથે સાથે સાસુ રસોઈની ઘણી બધી તૈયારી કરતાં પોતાને ઘણી બધી મદદ પણ કરી દે ખરાં, એની તો ના ન કહેવાય. પણ પછી અમારી સાથે કોઈ લેવાદેવા ન હોય એમ અજાણ્યાંની જેમ કેમ રહે છે? તેમાંય સસરા તો ઘરમાં રહેતા હોય એવું લાગતું જ નથી. રાહુલ સાંજે આવે, ત્યારે પાંચ મિનિટ માટે બહાર આવીને બેસે ને પાછા ટીવી જોવા જતા રહે!
રાહુલે તો વળી થોડા મહિનાથી બંનેને મોબાઈલ પણ લઈ આપ્યો. અજાણ્યા શહેરમાં મોબાઈલની જરૂર પડે અને તે પણ સિનિયર સિટિઝનને તો પહેલાં જોઈએ, તેની બિલકુલ ના નહીં. પણ એ લોકો ક્યાં કોઈ દિવસ ઘરની બહાર જાય જ છે? કેટલું કહું, ત્યારે જેમતેમ અડધો કલાક બાજુના બગીચામાં ફરી આવે. તો પછી, મોબાઈલનો વાંધો ક્યાં છે? વૉટ્સ એપ! દાદાએ તો હવે ટીવી જોવાનું જ ઓછું કરી નાંખ્યું અને આખો દિવસ વૉટ્સ એપ પર! દાદી એની બધી સિરિયલો જોવાઈ જાય, પછી રોજ રોજ કોઈ ને કોઈ બહેનપણી કે સગાંવહાંલાંને યાદ કરીને ફોન પર મંડી રહે! ઘરમાં હું રહું છું, બે રમાડવા જેવી દીકરીઓ છે તેની કોઈ વિસાત નહીં? અને ફોન કે ટીવી આ બધા સંબંધ કરતાં ચડિયાતા થઈ ગયા? રંજનાનું માથું દુ:ખવા લાગ્યું. એને કંઈ સમજ નહોતી પડતી, કે આખરે આ સમસ્યાનો કોઈ ઉકેલ પણ હોઈ શકે. શું કરવું? રાહુલને કહેવાનો તો અર્થ જ નહોતો, કારણકે સવારથી રાત સુધીમાં થાકથી બેહાલ થયેલા રાહુલને શું કહેવું?
એને કૃપા યાદ આવી. કૃપાના ઘરમાં પણ આ જ પરિસ્થિતિ છે, પણ એ તો કાયમ જ બહુ મજેથી રહેતી દેખાય છે. એણે કૃપાને ફોન લગાવ્યો.
કૃપાની વાત સાચી હતી. પોતાની સમજમાં જ થોડો ફેરફાર કરવાની જરૂર હતી. સાસુ કે સસરા તરફથી પોતાને તો કોઈ જ તકલીફ નહોતી. ન તો કોઈ દિવસ કોઈ ઓર્ડર છોડતાં કે ન કોઈ વાતે ટોણાં મારતાં. એ બે ભલાં ને એમનું કામ ભલું, એમનો રૂમ ભલો, ટીવી ભલું ને એમનો મોબાઈલ ભલો. તો પછી પોતાને શેની તકલીફ થઈ? પ્રેમ, લાગણી, કુટુંબભાવનાના સદંતર અભાવે રંજનાનું દિલ દુ:ખી રહેતું, તેમાં એણે સમજીને છેકો મારવાનો હતો. દુનિયા એક આખું ચક્કર ફરી ગઈ હતી અને માણસોમાંથી ઘણી બધી લાગણીઓને દૂર દૂર ફંગોળી ગઈ હતી. જે છે તે પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી બધું બરાબર થઈ જશે એવું સમજીને એણે ટેન્શન વગર રહેવાનું હતું. કારણકે હવે આ ઉંમરે સાસુ કે સસરા પોતાના સ્વભાવને બદલી શકવાના નહોતાં. દીકરીઓ નાસમજ ગણાય. દીકરાથી બેમાંથી કોઈના પક્ષમાં ન બોલાય. તો પછી?
રંજના સમજી ગઈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર