વસિયત
હજી સવારે દસ વાગ્યે તો તારાબેનના સળગતા મૃતદેહ સામે સૌ ગંભીર બનીને ઊભા હતા અને બાર વાગ્યે તો ઘરે આવીને સૌ એ નાહીને વહેલાં વહેલાં જમી પણ લીધું. પડોશીઓ અને દૂરનાં સગાવહાલા તો હવે શહેરોમાં ક્યાં રોકાય છે? સૌને પોતાની નોકરી કે કામધંધાની ચિંતા.
તારાબેનના બંગલાના જ મોટા દિવાનખંડમાં તારાબેનના ભત્રીજાઓ અને ભાત્રીજીઓ પણ વાત શરૂ થવાની રાહ જોઈને બેઠેલાં. ક્યારે વકીલ સાહેબ આવે અને વારસોની સમસ્યાનું સમાધાન કરે. આમ જોવા જાઓ તો એને સમસ્યા ન કહેવાય. કાકીની મરજી કે વસિયત કોના નામે કરવી પણ દરેકના મનમાં એક કુતૂહલ - એક સવાલ તો ખરો જ, કે આખરે કાકી એમની વસિયત કોના નામે કરશે? બે ભાઈના બાળકો અને બે જેઠાના બાળકો મળીને ચાર ભત્રીજા અને બે ભત્રીજી વસિયારની રાહ જોઈને બેઠેલાં. દરેકને થતું કે નક્કી કાકીએ અમારા નામે કંઇક તો કર્યું જ હશે.
કોઈને કપડાંની તો કોઈને દાગીનાની, કોઈને રોકડની તો કોઈને શેર સર્ટિફિકેટની લાલચ હતી. આ બધા સિવાય પણ કાકીના બંગલા પર તો દરેકની નજર હતી જ. આજની તારીખે આટલો મોટો બંગલો અને પણ પોશ એરિયામાં. કરોડોની વરસાદ કરી આપવાનો હતો એ બંગલો જો કોઈ ખરીદનાર મળી જાય.
'હવે વકીલ સાહેબ ક્યારે પધારશે?'
'મેં સ્મશાનમાંથી તો તરત જ ફોન કરીને એમને અહીં બાર વાગ્યે આવી જવા જણાવેલું. આવવા જ જોઈએ હવે.'
'પાછો ફોન લગાવો ને. ભૂલી ગયો હશે.'
'અરે ક્યારના ચાર ફોન કર્યા ને છ વાર તો મેસેજ મોકલ્યા. જવાબ પણ નથી આપતો અને ફોન પણ નથી લેતો.'
'લેવા જવું પડશે કે શું સાહેબને?'
'પૈસા લેવાનો છે ને? પછી કેમ આટલાં નખરાં કરે છે? વસિયત એની પાસે છે નહિ તો એના જેવા તો હજાર વકીલની ઓળખાણ છે મારી. એક રિંગ કરું તો હમણાં દોડતા આવે.'
'એક કામ કરો ને. ડ્રાઈવર ને મોકલી આપો. હમણાં લઈને આવી જશે. ક્યાં છે એ વકીલની ઓફિસ?
'રહેવા દો. એ જ આવ્યો લાગે છે. જુઓ તો બહાર કોની ગાડી આવી?'
બધાની અધિરાઈના જવાબરૂપે આખરે વકિલસાહેબની તારાબેનના બંગલામાં એન્ટ્રી થઈ. રસોડામાં તો ચા-નાસ્તાની પ્લેટ પણ તૈયાર થઈ ગઈ. હવે તો વહુઓ અને જમાઈઓ પણ હોલમાં આવીને ગોઠવાઈ ગયેલાં. તારાબેન સાથે સૌને સંબંધ હતો. નજીકનો સંબંધ પણ પ્રેમ અને લાગણીના નામે સૌના ખાતામાં મીંડું જ બોલતું હતું. અને તોય સૌ મોટી આશા રાખીને બેઠેલાં. આખરે એમનું હતુંય કોણ? વસિયત તો સગાંવહાલાં ને નામે જ હોય ને?
એક વાર વસિયત જાહેર થઈ જાય તો પછી કોઈનું ઘર બુક થવાનું હતું, તો કોઈની છોકરીના લગ્ન ધામધૂમથી થવાના હતા. કોઈનો છોકરો ફોરેન ભણવા જવાનો હતો અને કોઈનું ભવિષ્ય ઊજળું થઈ જવાનું હતું. દરેકનું સપનું કાકીની વસિયત સાથે વરસોથી મજબૂત રીતે જોડાયેલું.
આખરે વકીલસાહેબે વસિયત વાંચીને પૂરી કરી ત્યારે સૌના મોં દિવેલ પીધા જેવા થઈ ગયેલાં. મનમાં તો ગુસ્સાનો લાવા ઉછળતો હતો પણ વકીલની સામે રેલાવવનો કોઈ અર્થ નહોતો.
'આ બે બદામની કાકી તો બડી બદમાશ નીકળી.'
'અરે આપણે આવતાં ત્યારે તો બેટા અને દીકરા સિવાય તો વાત નહોતી કરતી ડોશલી.'
'હું તો જ્યારે ને ત્યારે એમને જાતજાતની કિંમતી ભેટ આપતી રહેતી, તેનીય એણે જરાય કદર ન કરી.'
'અરે તદ્દન ભિખારી લોકોને બધું દાન કરી દીધું. એ લોકો શું કામ આવ્યા? માંદગીમાં દોડાદોડ આપણે કરી, વેકેશનમાં એમને ગમે એટલે આપણે અહીં રહેવા ને કંપની આપવા આવતા.'
'આપણને શું ખબર કે કાકીને આવા ભિખારીઓની કંપની ગમતી હશે? આપણે આપણી રજા તો બરબાદ ન કરત. ચાલો હવે, અહીં બેસી રહીને શું ભજન કરવાના? ઘેરભેગાં થાઓ બધા.'
તારાકાકીએ બંગલા સહિત એમની સઘળી સંપત્તિ ગરીબ-ગુરબાઓ માટે સ્કૂલ, ઘર અને હોસ્પિટલ બાંધવા દાન કરી દીધી, તે ખાધેપીધે તગડા ભત્રીજા અને ભાત્રીજીઓને સહન ન થયું.
હવે વસિયત યોગ્ય વારસદારોને મળે તો જ મરનારના આત્માને શાંતિ મળે ને?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર