રાહ - 2
લંચ અવરમાં ઓફિસમાં સૌને પોતાની જગ્યાએ જ બેઠેલાં જોઈને રાજનને આશ્ચર્ય થયું. એ તરત જ કૅબિનની બહાર નીકળ્યો.
‘કેમ શું થયું? આજે કોઈએ બહાર નથી જવું? એની પ્રોબ્લેમ?’ રાજન ઓફિસમાં તો બને તેટલો સ્વસ્થ જ રહેતો. ઘરના પ્રોબ્લેમ્સને શું દુનિયામાં ઉછાળવાના?
‘સર, અમારે તમને કંઈ કહેવું છે.’ બધા એક સૂરે બોલ્યા. સમીર અને ચૈતન્યે અગાઉથી બધાને સરની હાલત વિશે જણાવેલું, એટલે પોતાના પ્રિય સરને સાથ આપવા બધા એક સાથે તૈયાર થઈ ગયા.
‘હા બોલો.’ રાજન વિચારમાં પડ્યો, બધાને એક જ સરખો પ્રોબ્લેમ? નક્કી પગારવધારાની વાત હોવી જોઈએ. જોઉં તો ખરો, શું કહે છે બધા?
‘સર, તમને કહેતાં બહુ ખરાબ લાગે છે, પણ થોડું પર્સનલ છે.’
‘પર્સનલ? તો બધાંનું પર્સનલ, આમ બધાંની વચ્ચે?’ રાજને થોડા હળવા થવાની કોશિશ કરી.
‘નો સર, તમારી વાત છે.’ અચકાતા અચકાતા ચૈતન્યએ પહેલ કરી.
એક ઘડી રાજનના મોં પર વિષાદની રેખઓ ફરી વળી. ઓહ! તો વાત અહીં પણ પહોંચી ગઈ? એ સ્વસ્થ થઈને, સૉરી કહીને વાત ટાળે તે પહેલાં જ સમીરે કહેવા માંડ્યું,
‘સર, અમને બહુ મોડી ખબર પડી, નહીં તો બહુ પહેલાં જ કોઈ રસ્તો કાઢવામાં, તમને અમે બધા જ મદદ કરત.’
‘હા સર, અમને તો આજે જ ખબર પડી.’ બીજા બધાએ સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું.
રાજન ભાંગી પડ્યો. ‘આઈ એમ સૉરી’ કહી એણે આંખ લૂછી.
‘સર પ્લીઝ.’ બધાં રાજનની નજીક ધસી ગયાં. ‘સર, તમે બેસો અને અમારી વાત સાંભળો.’
કેટલાય સમયથી એકલા પડી ગયેલા રાજન સામે તો, જાણે આજે લાગણીનો દરિયો ઘુઘવી રહ્યો. આ બધાં પોતાને આટલો પ્રેમ કરે છે? એણે બધાં સામે આભારનું સ્મિત કર્યું. એ દરમિયાન બધા માટે કૉફી, સૅન્ડવિચ ને સમોસાંનો ઓર્ડર અપાઈ ગયો હતો. આજે આખો સ્ટાફ સરના દુ:ખમાં ભાગીદાર બનવા, એક થઈને સરની પડખે હતો, એ રાજનના સરળ ને સાલસ સ્વભાવનો જ જાદુ હતો.
‘સર, મારા મોટાભાઈ હાઈકોર્ટના વકીલ છે. જેવી મને તમારી વાતની ખબર પડી, કે મેં તરત જ મારા મોટાભાઈને બધું જણાવીને પૂછી લીધું, કે આમાં શું થઈ શકે અને મારા સર કેવી રીતે વહેલી તકે આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકે.’
રાજનના મોં પર આભારનું સ્મિત ચમક્યું. ‘છે કોઈ સોલ્યુશન?’
‘છે ને સર, કેમ નહીં? મોટાભાઈએ એક જ સોલ્યુશન બતાવ્યું છે.’
બધાં એક કાને સાંભળી રહ્યાં હતાં. આખરે આપણા સરનો ક્યારે આ મુસીબતથી છૂટકારો થશે?
‘સર, મને કહેતાં ખરાબ લાગે છે પણ ભાઈએ કહેલું, કે પહેલાં સરને પૂછજે કે, હજીય કોઈ ચાન્સ છે કોમ્પ્રોમાઈઝના? શું સરનાં વાઈફ એમના માબાપને છોડીને, ફરી એક વાર સર સાથે રહેવા તૈયાર થાય એમ છે? ઘણી વાર એવું પણ બનતું હોય, કે માબાપ જ પૈસાની લાલચમાં દીકરીનો સંસાર બગાડતાં હોય છે. બાકી, તો દીકરી લાલચુ ના પણ હોય અને અંદરખાને એના પતિ પાસે પાછી ફરવા પણ ઈચ્છતી હોય.’
નિરાશાના સૂરમાં રાજને ડોકું ધુણાવ્યું. ‘મેં તો બહુ કોશિશો કરેલી એને એકાંતમાં બોલાવીને સમજાવવાની, પણ એની અક્કલ પર તો પડદો પડી ગયો છે. એ કંઈ સાંભળવા પણ તૈયાર નથી. મને શું ખબર, કે મારી સાથે તો આ લોકો રમત રમી રહ્યાં છે! એને એના માબાપ સિવાય કોઈ બીજું દેખાતું જ નથી. ઘણાં મોટાં થઈને પણ નાદાન બની રહે છે અને બીજાની અક્કલે જ ચાલે છે. આમ પણ અમે બહુ ઓછો સમય સાથે રહ્યાં છીએ અને અમે એકબીજાને સારી રીતે ઓળખીએ, તે પહેલાં તો આ ખતરનાક ખેલની શરૂઆત થઈ ચૂકેલી.’
ચહલપહલથી રોજ ગાજતી રહેતી ઓફિસ આજે સ્તબ્ધ હતી. સરના ભાવિનો ફેંસલો ચર્ચાતો હતો. શું થશે? સૌના મનમાં એક જ સવાલ સાથે, સર માટે પ્રાર્થના પણ ચાલુ હતી.
‘બસ સર, તો પછી વહેલી તકે ડાઈવોર્સ જ એક રસ્તો છે. હેમાંગભાઈ કહેતા હતા, કે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી મામલો કોર્ટની બહાર જ પતાવવો સલાહ ભરેલું છે. થોડી ખેંચખાંચ કરીને પણ છૂટકારો મેળવી લો સર. નહીં તો, વરસોનાં વરસો વીતી જશે ને તમે પૈસેટકે પણ પાયમાલ થઈ જશો. સર, ખરાબ નહીં લગાડતા પણ ફાઈનાનશિયલી અમે પણ તમને સપોર્ટ કરશું. અમે સમજીએ છીએ સર, તમે આટલાં વરસમાં કેટલા હેરાન થયા હશો ને વકીલે પણ કેટલી તગડી ફી કઢાવી હશે.’
ઘણા સમયથી તોફાનમાં અટવાયેલા રાજનને એક સાથે આટલા બધા હાથોનો સહારો મળતાં એ ગળગળો થઈ ગયો. સમીર અને ચૈતન્યની સાથે બીજા પણ એને ઘેરી વળ્યાં.
‘સર, કૉફી પી લો.’ પછી તો, સૌએ સર સાથે બેસી નાસ્તો કર્યો. વાતાવરણમાં હળવાશ પથરાઈ ગઈ.
‘થૅન્ક યુ ઓલ. મને નહોતી ખબર, કે મારું આટલું લવલી ફૅમિલી હશે.’
‘સર, વી આર ઓલવેઝ વીથ યુ, સર.’
હવે રાજનને બીજા કોઈ સહારાની જરૂર નહોતી.
(સલાહ બદલ શ્રી હેમાંગ કોઠારીનો આભાર.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર