રાહ

15 Jun, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: picdn.net

‘આપણી કંપનીના મેનેજર એમની વાઈફને ડાઈવોર્સ આપી રહ્યા છે.’

‘વ્હોટ? ડાઈવોર્સ? અને તે પણ સર આપે છે? ઈમ્પોસિબલ.’

‘ભાઈ, અહીં બધું જ પોસિબલ છે. જેને આપણે ભગવાન માનીએ તે રાક્ષસ નીકળે અને જેને દોસ્ત માનીએ તે દુશ્મન નીકળે. એટલે કોઈના ઉપર ભરોસો કરવા જેવો નથી.’

‘પણ અચાનક જ શું થયું સરને? સરની વાઈફ તો કેટલી સુંદર છે અને સ્વભાવે પણ સારી જ છે ને? બીજું શું જોઈએ?’

‘ઈશ્યુ પ્રોબ્લેમ છે એવું સાંભળ્યું છે.’

‘એ કંઈ બહુ મોટો ઈશ્યુ ના કહેવાય આજના જમાનામાં. સર તો પાછા કેટલા મોડર્ન વિચારોના છે! કોઈના માનવામાં ન જ આવે આવું તદ્દન વાહિયાત કારણ.’

‘માનવામાં તો ન આવે પણ માનવું પડે એવા કન્ફર્મ્ડ ન્યૂઝ છે.’

‘સાલું, બહુ ખરાબ કહેવાય. આપણને તો પછી સર માટે બિલકુલ માન ના રહે, જો આવું જ કરવાના હોય તો.’

‘સાચ્ચે, મને પણ જાણ્યું ત્યારથી સર પર બહુ ગુસ્સો આવી રહ્યો છે. બિચારાં મૅડમ.’

સમીર અને ચૈતન્ય, લંચ અવરમાં એમના સરની વાઈફની ચિંતા કરી રહ્યા હતા. કોઈને પણ દુ:ખ થાય એવી જ તો વાત હતી. લગ્ન પછી તો, સરે સ્ટાફને કેટલી સરસ પાર્ટી આપી હતી અને બધા સાથે મુલાકાત કરાવતી વખતે પણ મૅડમનાં કેટલાં વખાણ કરતા હતા! મૅડમ પણ સરનાં વખાણની એકેય તક ચૂક્યાં નહોતાં, ત્યારે અચાનક જ આટલાં વરસે ડાઈવોર્સ? વચ્ચે વચ્ચે એવા સમાચાર મળતા રહેતા, કે સરને બાળકની બહુ ઈચ્છા છે અને તેથી જ તેઓ ડૉક્ટરોના અને મંદિરોના ચક્કર લગાવી રહ્યા છે. પણ દુનિયામાં સર જેવા તો કેટલાય લોકો છે, તે આમ ડાઈવોર્સ આપી દે છે? બંને મિત્રોને હવે સર કરતાં પણ મૅડમની ચિંતા કોરી ખાતી હતી. ફક્ત ઈશ્યુ પ્રોબ્લેમને કારણે સર આટલી સમજદાર વાઈફને છોડી દેશે? એની બિચારીની પછી શું ઈજ્જત રહી જશે? એમને ત્યાં તો પાછું નાતજાતવાળું બહુ ખરાબ વાતાવરણ છે, આવું જાણ્યા પછી તો એનાં બીજાં લગ્ન થવા પણ મુશ્કેલ. આવી બદનામી થયા પછી કોણ એનો હાથ પકડશે?

થોડા દિવસ પછી, ફરી સમીર અને ચૈતન્ય લંચ અવરમાં સરની વાત કરતા હતા, પણ આ વખતે?

‘યાર, માનવામાં નથી આવતું. આપણા સર સાથે આવું છેલ્લા ત્રણ વરસથી થઈ રહ્યું છે અને આપણને આજે ખબર પડી? આપણે તો તે દિવસે સરની પાછળ હાથ ધોઈને મંડી જ પડેલા. જાણે કે, આખી દુનિયાનો ઠેકો આપણા જ હાથમાં હોય તેમ, સમાજસુધારાનો ઝંડો લઈને નીકળી પડ્યા બધાને સુધારવા. કોઈની સાચી વાત જાણ્યા વગર કોઈના માટે મનમાં ખોટું વિચારી લેવું આપણા બંને માટે શરમજનક છે. છી!’

‘યાર મને પણ બહુ ખરાબ લાગી રહ્યું છે, આપણે સરને માટે ગમે તેવું વિચારીને મૅડમની દયા ખાવા માંડેલા. કોણ કેવું હોય તે બહારથી કોઈ દિવસ જજ કરવું નહીં, એટલું શીખવા મળ્યું. આપણને શરૂઆતમાં મૅડમ પણ સારા લાગ્યા અને સર તો સારા જ હતા. પછી ઈશ્યુ પ્રોબ્લેમ અને ડાઈવોર્સની વાત સાંભળી, તો તરત જ મૅડમ તરફ ઝૂકી ગયા ને સરને વિલન બનાવી કાઢ્યા. ખરેખર, બહુ જ ખરાબ કહેવાય. મને તો મારી જાત પર શરમ આવે છે. બિચારા સર! જે સ્ત્રી બધાને સુંદર ને સમજદાર લાગેલી, તે જ સ્ત્રી સરના જીવનમાં ઝેર રેડશે એવું તો, કોઈએ વિચાર્યું પણ નહીં હોય, તો સરના તો માનવામાં જ નહીં આવ્યું હોય ને?’

‘આ કિસ્સામાં તો મૅડમનાં માબાપે જ બધું બગાડ્યું છે. જો આવું જ હતું, તો છોકરીને પરણાવી જ શું કામ? ઘરે જ બેસાડવાની હતી ને?’

‘બધું પ્રિ–પ્લાન્ડ જ લાગે છે. સારો ને કમાતો છોકરો શોધીને છોકરીને પરણાવી દીધી અને પછી શરૂ કર્યો ખતરનાક ખેલ. થોડે થોડે દિવસે કાં તો પેલી પિયર જતી રહે અથવા થોડા થોડા દિવસે એનાં પિયરિયાં આવીને ધામો નાંખી દે. શરૂ શરૂમાં સરને બિચારાને બહુ સમજ ના પડી, તે વહેવાર સમજીને બધાંને સગવડો પૂરી પાડ્યે રાખી. એમાં ને એમાં સર પોતાનાં માબાપને રહેવા બોલાવી શકતા નહીં. ત્રણ વરસ પછી પેલી તો પિયર જ જતી રહી અને પિયરિયાંએ સર પર કેસ કરી દીધો! કેસ પણ કેવો? સર રોજ એને મારતા અને ભૂખી રાખતા! લો બોલો! કોઈના માનવામાં આવે? નાની નાની વાતમાં આપણને પાર્ટી આપતા કે ઈવન પ્યૂન અને વૉચમૅનને પણ સાથે ખાવા બેસાડતા સર પોતાની વાઈફને ભૂખી રાખે? અને મારે? નૉનસેન્સ. તદ્દન વાહિયાત કેસ.’

‘હવે સર દર મહિને વકીલ ને કોર્ટનાં ચક્કર કાપે છે. પેલા લોકો મોટો બકરો ફસ્યો સમજીને તગડી રકમ માગે છે. બિચારા સરની તો હાલત થઈ ગઈ છે. નોકરી ને કોર્ટ ને બદનામી ને પૈસાની બરબાદી. કોણ જાણે ક્યારે બિચારાનો છૂટકારો થશે? આપણે સૌ પ્રાર્થના કરીએ કે સરને જલદી આ કેસથી આઝાદી મળે.’

‘મને એમ થાય છે, કે શું સર એક વાર એ લોકો જે માગે છે તે આપીને છૂટા ન થઈ શકે? રોજરોજની આ ઝંઝટ તો નહીં. આ રીતે તો, કેસ પતે ત્યાં સુધીમાં જ સર તો બરબાદ થઈ જશે.’

‘આપણે ભેગા થઈને સરને કંઈ મદદ કરી શકીએ? પૂછી જોઈએ બધાને.’

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.