લવ મૅરેજ તો થઈ ગયાં… હવે ?
‘નિસર્ગ, લગ્ન પછી રહેવા ક્યાં જશો? કંઈ વિચાર્યું છે?’
‘આન્ટી, ભાડેથી એક ફ્લૅટ લેવા વિચારું છું.’
‘હજી વિચારું છું? કેટલા દિવસ બાકી છે, કંઈ ભાન છે? લગ્ન પછી ક્યાં હૉટેલે હૉટેલે ભટકશો? કે પછી ધરમશાળામાં રહેવાનો વિચાર છે?’
‘ના ના આન્ટી, ફ્લૅટ જોવા આજે જ નીકળી જાઉં છું ને બે દિવસમાં જ નક્કી કરી નાંખું.’
‘હં એમ. ધેટ્સ લાઈક અ ગુડ બૉય. મારી દીકરીને જરા પણ તકલીફ પડી ને તો જોઈ લેજે.’ આન્ટીએ આશીનું ભવિષ્ય લગ્ન પહેલાં જ સુરક્ષિત કરવા માંડેલું.
નિસર્ગની ઓફિસ દિલ્હીમાં હતી એટલે લગ્નનો દિવસ નક્કી થતાં જ એણે મુંબઈ જવાની ને મિત્રોને લગ્નમાં હાજર રાખવાની તૈયારી કરી દીધી હતી. એ મનમાં આન્ટીની દૂરંદેશી પર ખુશ હતો. આન્ટીએ અગાઉથી કહ્યું ના હોત તો વગર ફ્લૅટે તે આશીને કયાં લઈ જતે? હવે તો ફ્લૅટ પણ સરસ ગોઠવાઈ ગયો હતો. બાકીનું ભલે આશી એની મરજીથી કર્યા કરે. આન્ટી જેવાં પોતાનાં કે આશીનાં માબાપ હોત તો? ખેર, છેલ્લાં છ વર્ષમાં તો કેટલાય વિચારો બદલાયા ને કેટલીય ઊથલપાથલ થઈ પણ આશી જ મારા જીવનમાં આવવાની હશે તે આખરે એ દિવસ આવી પહોંચ્યો.
મુંબઈમાં આર્યસમાજ વિધીથી આશી ને નિસર્ગનાં લગ્ન થઈ ગયાં. નિસર્ગના બે દોસ્ત જાનમાં સજોડે આવેલા, જ્યારે છોકરીવાળા તરફથી આન્ટીએ પોતાની બે ફ્રેન્ડ્સને બોલાવી લીધેલી. આશીને ઓછું ન આવવું જોઈએ. નિસર્ગને જોયા પછી આન્ટીને મનોમન આશીની પસંદથી સંતોષ થયો. છોકરો તો ડાહ્યો લાગે છે. સમજુ પણ છે ને આશી માટે જાન કાઢે એવો લાગે છે. હાશ! મેં ખોટી જગ્યાએ ને ખોટી વાતમાં સાથ નથી આપ્યો. નજીકની હૉટેલમાં બધાં જમવા ગયાં ત્યારે આન્ટીએ અગાઉથી જાહેરાત કરી દીધી, ‘જમણવાર મારા તરફથી છે.’ માની ભૂમિકા નિભાવી આન્ટીએ સંતોષનો શ્વાસ લીધો. ખુશીના આ અણમોલ અવસરે પણ આશીનો ચહેરો થોડી થોડી વારે ઊતરી જતો. એની આંખ સામે મમ્મી, પપ્પા ને ભાઈ બહેનના ચહેરા ઝબકી જતા. મનમાં એક વિચાર રહી રહીને ખટકતો. ‘મા-બાપના આશીર્વાદ વગર આ લગ્ન અધૂરાં ન ગણાય? ભલે આન્ટી માથી પણ અધિક છે તોય પપ્પા?’ પોતે પપ્પાની લાડકી ને પપ્પાને જ અંધારામાં રાખવાના ને દુ:ખી કરવાના વિચારે આશીનું મન કોચવાતું હતું.
‘આન્ટી, અમે મારા ઘરે જઈને આશીર્વાદ લઈ આવીએ? હવે તો લગ્ન થઈ ગયાં. હવે શું વાંધો?’
‘જો આશીર્વાદ આપવાનાં જ હોત તો તમારે આ રીતે લગ્ન કરવા પડત? મને વાંધો નથી પણ તમારું ત્યાં અપમાન થશે. ન જાઓ તો સારું.’ જમાનાનાં અનુભવી આન્ટીએ આશીને સમજાવી જોઈ. આન્ટીની આ એક વાત આશી ન માની શકી ને નિસર્ગને લઈને એ ઘરે જઈ પહોંચી. બંનેનાં દિલની ધડકન આન્ટી દૂર બેઠાં અનુભવી રહ્યાં. ‘આ છોકરી... બહુ લાગણીશીલ છે. એ લોકોને ઘરમાં આવકાર મળે તો સારું.’
ત્યાં, આશીના ઘરના બારણામાં જ એક તરફ આશી ને નિસર્ગ ઊભેલાં ને બીજી તરફ આંખોમાંથી અગનગોળા વરસાવતાં મા-બાપ! એ જ ફિલ્મી સીન ને ફિલ્મી ડાયલૉગ્સ! ‘તારી અહીં આવવાની હિંમત કેવી રીતે થઈ? જતી રહે. તું અમારા માટે મરી ગઈ છે ને આજ પછી અમને તારું મોં પણ બતાવતી નહીં. નીકળી જા અહીંથી.’ માએ તો રડવાનું ને કોસવાનું ચાલુ જ રાખ્યું પણ સોમેશભાઈએ ઘરનું બારણું ધડામ કરીને બંધ કરી દીધું. નિસર્ગે રડતી આશીને સમજાવીને ટૅક્સીમાં બેસાડી. પાંચેક મિનિટ થઈ હશે, ત્યાં જ આશીના મોબાઈલ પર ‘પપ્પા’ વંચાયું. આશીએ હોંશે હોંશે ફોન કાને લગાવ્યો, ‘હા પપ્પા.’
‘તું હમણાં આટલા વરસાદમાં રાત્રે ક્યાં જશે? તું આવી શકે છે ઘરમાં પણ પેલાને રવાના કરી દે. એને જ્યાં જવું હોય ત્યાં જાય.’
‘ના પપ્પા, હવે તો જ્યાં એ ત્યાં હું. થૅંક્યુ.’ ને મોં સજજડ ભીંસી આશીએ ટૅક્સી ડ્રાઈવરને કહ્યું, ‘જાને દો.’ નિસર્ગે આશીનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી દાબ્યો, ‘રિલેક્સ. હું છું ને?’
આશીએ નિસર્ગના ખભે માથું ઢાળી બે આંસુ સારી લીધાં. બસ, હવે આ ઘર સાથેનો સંબંધ પૂરો.
ચાલો, હવે નવી જિંદગી ને નવું ભવિષ્ય. આન્ટીને ફોન કરીને આશીએ બધી વાત જણાવી દીધી, ‘આન્ટી અમે હવે દિલ્હી પહોંચીને તમને ફોન કરીશું.’
‘દિલ્હી?’
‘હા આન્ટી, નિસર્ગે અમારી દિલ્હીની ફ્લાઈટનું બુકિંગ કરાવી રાખેલું. કદાચ ઘરમાં આવકારે નહીં તો સીધા દિલ્હી! ને આન્ટી, થૅન્કયુ સો મચ. તમે ન હોત તો નિસર્ગ ને હું…’
‘ચાલ બસ હવે. વાયડાઈ નહીં જોઈએ. ખુશ રહેજો ને ફોન કરતાં રહેજો. બધી નકામી વાતોને લઈને બેસવાની કોઈ જરૂર નથી. થોડા દિવસ હરીફરીને પછી તમારા કામે લાગી જજો. ઓલ ધ બેસ્ટ.’ આન્ટીની આંખના ખૂણા ભીના થયા. નિસર્ગ ધારવા કરતાં પણ વધારે સમજુ નીકળ્યો.
બીજી સવારે…
‘આન્ટી, ગુડ મોર્નિંગ. અમે મજામાં છીએ. ખાસ તો, તમને જણાવવા જ ફોન કર્યો કે, ફ્લૅટ બહુ જ સરસ છે. નાનો છે પણ નિસર્ગે બધું વસાવીને તૈયાર રાખ્યું છે. વૉશિંગ મશિન, ફ્રિજ, ડાઈનિંગ ટેબલ, ડબલ બેડ ને કિચન પણ રેડી! આન્ટી, આજે અમે મારાં કપડાંનું શૉપિંગ કરવા જવાનાં છીએ. આન્ટી, હું બહુ જ લકી છું નહીં? મને નિસર્ગ મળ્યો. મને તમે મળ્યાં. આઈ એમ સો હૅપ્પી. બાય આન્ટી, નિસર્ગ પછી તમારી સાથે વાત કરશે. હમણાં તમને ‘હાય’ કહ્યું છે. બાય.’
આન્ટીની બંને આંખોથી ખુશીનો શ્રાવણ–ભાદરવો વરસી રહ્યો.
બીજી સવારે, આશીના પપ્પાએ આશીની ખાસ ફ્રેન્ડને ફોન લગાવ્યો.
‘બેટા, તને ખબર છે આશી ક્યાં છે ?’
‘અંકલ, એ લોકો બપોરે આર્યસમાજ વિધીથી લગ્ન કરીને રાતની ફ્લાઈટમાં દિલ્હી નીકળી ગયેલાં. ત્યાં એ લોકોનો ફ્લૅટ છે ત્યાં રહેશે.’ વગર પૂછ્યે વધારાની માહિતી મળી ગઈ. બધી તૈયારી પહેલેથી જ કરી રાખેલી? ને પોતે? એક તરફ દીકરી તો બીજી તરફ સમાજ! મારે કોની સામે જોવાનું હતું? દીકરી સામે કે સમાજ સામે? આખરે કોનું પલ્લું ભારી રહ્યું?
સોમેશભાઈ માથું પકડીને બેસી ગયા.
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર