શું કરે છે?
‘તેં સાંભળ્યું ને, મેં જે કહ્યું તે? મારો વર તદ્દન નક્કામો છે. એક નંબરનો કામચોર. ચોવીસ કલાક નવરો એટલે ખાટલેથી સોફે ને સોફેથી ઝૂલે ઝૂલતો રહે. કામ કરવાની દાનત નહીં ને બેઠા બેઠા બધું હાથમાં જ જોઈએ. પાણીનો એક ગ્લાસ જાતે લેવાની વાત નહીં બોલ. મારે કેટલી જગ્યાએ મરવાનું? અરે! ઘરના બાકીના મરદો સવારથી કામ ભેગા થાય તે ઠેઠ રાતે આવે ને આ સાહેબ આરામ ફરમાવે. એ તો મારા સાસરિયાં સારાં તે આજ સુધી મને એકેય શબ્દ સંભળાવ્યો નથી ને મારાં બન્ને છોકરાંઓને પણ સાચવી લીધાં. બાકી તો, બધાંને ઘરની બહાર રવાના કરત તો આ દાનતના ખોટ્ટા સાથે હું શું કરત? ઉલટાની મોટી વહુ હોવાને નાતે ઘરનો બધો કારભાર પણ મને સોંપી દીધો છે બોલ.’
મયૂરી ફોનમાં દર્દ અને ગુસ્સામિશ્રિત અવાજે એના વરની ફરિયાદ કરતી હતી. હું શું બોલું? માથે પડેલા આવા વર બદલ આશ્વાસન પણ શું આપું? એક તો, મયુરીને જ મેં બહુ વરસે જોયેલી. અચાનક જ મૉલમાં બિલ ચૂકવતાં અમે ભેગાં થઈ ગયાં. અવાજ અને બોલવાની સ્ટાઈલ પરથી એ પકડાઈ, બાકી મયૂરી આળખાઈ તેવી રહી નહોતી. ફૂલીને હતી તેના કરતાં પણ ચાર ગણી થઈ ગયેલી. અમે બન્ને ઉતાવળમાં હતાં એટલે વહેલાં વહેલાં મોબાઈલ નંબરની આપ લે કરીને છૂટા પડેલાં. આજે બન્નેને નિરાંત હતી અને ફોન પર વાતો માંડતાંની સાથે જ મયૂરીએ એની કથનીથી મને બેચેન કરી દીધી.
ભણ્યા ત્યાં સુધી ક્લાસમાં અમારો જ પહેલો–બીજો નંબર આવતો. એક જ વરસ મારો ત્રીજો નંબર આવતાં, સ્કૂલની લોબીમાં એણે મને થપ્પડ મારી દીધેલી. તે મયૂરી આજે જીવનની પરીક્ષામાં નાપાસ થવાનો અફસોસ કરતી હતી. નવાઈની વાત તો એ હતી, કે મોટા ઘરની અધધ જવાબદારીઓ વચ્ચે પણ એણે દીકરા અને દીકરીને ડૉક્ટર બનાવીને સારે ઠેકાણે પરણાવેલાં અને ઠેકાણે પણ પાડેલાં. એને એ વાતનો ગર્વ, સંતોષ ને બેહદ આનંદ હતો.
‘વિભા, મારી દીકરી તો બહુ મોટી ડૉક્ટર બની છે પણ પોતાનું કામ જાતે કરે છે હોં.’ મયૂરીની ખુશી મારા કાનોમાં ગૂંજવા માંડેલી. ‘એની હોસ્પિટલનો સ્ટાફ તો એનાં એટલાં બધાં વખાણ કરે. મને એ બધું જોઉં ને જીવન સફળ લાગે વિભુ.’ ગળગળા અવાજે પણ મયૂરી ખુશ હતી.
મારે તો તે દિવસે હોંકારા ભર્યા સિવાય કંઈ કરવાનું જ નહોતું. એની વાતે પ્રવાહ પલટ્યો જાણીને મને શાંતિ થયેલી. હાશ! બિચારી વરની વાતો ભૂલે તે જ સારું છે. પછી એણે દીકરાની વાત કહેવા માંડી.
‘દીકરો પણ ડૉક્ટર છે તે મેં કહ્યું ને તને? અરે, બાપથી તદ્દન ઊંધો. એટલો બધો હસમુખો ને વિવેકી કે અજાણ્યાને તો લાગે પણ નહીં કે સામે કોઈ મોટા ડૉક્ટર વાત કરે છે! મોટામાં મોટી શાંતિ એ છે, કે એ મને ને એની વહુને એકસરખાં સાચવે છે. બાપને તો સાચવવાનો સવાલ જ નથી આવતો. કારણકે બાપે કોઈ દિવસ એમનામાં કોઈ રસ લીધો જ નથી. મને એમ થાય કે આવા માણસે તો પરણવું જ શું કામ જોઈએ? જો એને સંસાર માંડવામાં કે ચલાવવામાં ને જવાબદારી નિભાવવામાં કોઈ રસ કે આવડત જ નહોતી તો બધાંની જિંદગી કેમ બરબાદ કરી? આપણા દિવસોમાં તો બધું નિભાવી લેવાની સલાહ અપાતી ને તેમાં, બાકી તો બધું છોડીને નીકળી જ જાત ને? મારા પિયરમાં પણ શું કહીને બધાંને દુ:ખી કરું? હવે તો, મારે આ બે છોકરાંમાં જ બધું સુખ છે.
ડૉક્ટર બન્યા પછી બન્ને શું બોલેલાં તે જાણવું છે તારે? ‘મમ્મી, અમે ક્યારેય પપ્પાને રસ્તે નહીં ચાલીએ ને પરિવારને દુ:ખી નહીં કરીએ. તું બિલકુલ ચિંતા નહીં કરતી. અમે તારાં છીએ ને તારાં જ રહીશું.’ તે દિવસે તો હું હરખથી જ એટલી રડી છું ને કે મને થયું હાશ, મારું જીવન એળે નથી ગયું. બસ, આ જ શબ્દો પર હું તો જીવી ગઈ ને બાકીનું પણ જીવી જઈશ. મેં તો મારા જમાઈ ને મારી વહુને પણ બેસાડીને કહી દીધું, ‘જુઓ, તમારે અમારી સાથેના સંબંધ બધા સાચવવાના, સારે નબળે પ્રસંગે હાજર રહી સુખદુ:ખમાં ભાગીદાર પણ બનવાનું અને જરૂર પડે તો પડખે ઊભા રહેવા તમારા સંજોગો મુજબ હાજર પણ થવાનું. મારી એક શરત છે પણ. અમારી પાછળ તમારો ભોગ આપશો તો એ મને મંજુર નથી. તમે તમારી જિંદગી ખુશીથી જીવો. જરૂર પડે તો હું છું જ પણ મારી દયા ખાવા કે પપ્પાને સારું લગાડવા ખોટા ખોટા અહીં સુધી લાંબા થવાની કોઈ જરૂર નથી.
તું જ બોલ વિભા, મેં કંઈ ખોટું કર્યું છે?’
‘ના બિલકુલ નહીં મયૂરી. તારા દુ:ખને અવગણીને તેં જે કર્યું તે એકદમ યોગ્ય જ કર્યું છે. મને ગર્વ છે તારી સખી હોવાનો. તારા જેવી મા ને સાસુ મેળવીને તો કોઈ પણ ધન્ય જ થવાનું. ખરેખર, તને ન મળી હોત તો મને મારી ઝાંસીની રાણીની ઓળખ ક્યાંથી થવાની હતી? આપણે ચોક્કસ એક દિવસ મળીએ, જલદી હં.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર