મોત સામે આવીને શીંગડાં ભેરવે તો?

01 Jul, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

દિલ્હીથી આગ્રા જવાના રસ્તે એક પ્રાવેટ ટૅક્સી બહુ આરામથી જઈ રહી હતી. વાતોડિયો ડ્રાઈવર એકધારી વાતો કર્યે જતો હતો અને બંને મહિલા પેસેન્જર્સને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. આજ સુધીમાં કઈ કઈ જગ્યાએ એ જઈ આવ્યો અને ઊંચા ઊંચા પહાડ ને ટેકરીઓ પણ આસાનીથી ચડી જતી એની ટૅક્સીએ ક્યારેય એને દગો નથી આપ્યો, તેની મોટી મોટી વાતો ખૂબ મલાવીને કહી રહ્યો હતો. ત્યારે હજુ યમુના એક્સપ્રેસ વે બન્યો નહોતો. એકંદરે સફર લાંબી હતી પણ મજાની હતી.

વર્ષોથી તાજમહાલ જોવાનું સપનું બંને સહેલીઓએ આંખોમાં આંજેલું તે હવે પૂરું થવાની ઘડીઓ ગણાવા માંડી હતી. લગભગ ચાલીસની આસપાસની એ બંને સહેલીઓ મુંબઈથી નીકળી પડી હતી. ‘જ્યાં મન થયું ત્યાં નીકળી પડવાનું અને ફરાય એટલું ફરી લેવાનું’ એ વાક્યને જીવનમંત્ર બનાવીને બાળકોની જવાબદારી ઓછી થયા પછી એમણે ભારતભ્રમણ શરૂ કર્યું હતું. દિલ્હી–આગ્રા–ફતેહપુર સિક્રી–કસૌલી–ચંદીગઢ ને દસેક દિવસમાં જોવાય એટલી જગ્યાઓ જોઈને ઘર વાપસ. આગ્રા આવવાની તૈયારી થઈ રહી હતી, એટલામાં સિકંદરાથી એકાદ કિલોમીટર જ દૂર, ટૅક્સી અચાનક જ એક મોટા અવાજ સાથે ડચકાં ખાઈને બંધ થઈ ગઈ. ‘અરે ભાઈ, ક્યા હુઆ ?’ બંને બહેનોને ધ્રાસ્કો પડ્યો. ‘મેમસાબ, કોઈ ખાસ નહીં. અભી ઠીક હો જાયેગી. આપ ટેન્શન મત લો.’

ડ્રાઈવરે ટૅક્સીને ચારે બાજુથી ફરીને જોઈ લીધી. પોતાને આવડે એટલી માથાકૂટ કરી જોઈ પણ કોઈ ફાયદો નહીં. ‘મેમસાબ, બડા કામ નીકલા હૈ. આપ ઐસા કિજીએ, દૂસરી ટૅક્સી લે લિજીએ ઔર મુજે મેરા કિરાયા દે દિજીએ.’ મોં બગાડીને બંને બીજી ટૅક્સીમાં નીકળી ગયાં. નજીકમાં જ સિકંદરામાં અકબરનો મકબરો જોવાનું વિચારીને ત્યાં ઉપડી. ઈતિહાસ અને જૂની ઈમારતોમાં રસ ધરાવતી હોવાના કારણે, મકબરો અને એની આસપાસનો વિશાળ બગીચો જોતાં જ બંને ખુશ થઈ ગઈ. બગડેલી ટૅક્સીની વાતને વિસારે પાડી કૅમેરામાં અવનવી તસવીરોને કેદ કરતી, થોડી વાર માટે એકબીજાથી ક્યારે દૂર થઈ ગઈ તે ખબર ન પડી. બેમાંથી જે પારુલ હતી તે નજીકના બગીચા તરફ વળી અને નીલુ  મકબરાની બહાર કોઈ પ્રવાસી સાથે વાતે વળગી.

સુંદર વિશાળ બગીચામાં ફરતાં ફરતાં પારુલ એક નાનકડો ખાડો કૂદાવીને થોડી નીચે ઊતરી ગઈ. ત્યાંથી ઘણે દૂર કેટલાંક હરણાં મજેથી ચરતાં હતાં. તે દિવસે મકબરો જોવા ખાસ્સી ભીડ ઉમટી પડેલી. બગીચામાં પણ જ્યાં ને ત્યાં માણસોનાં ટોળેટોળાં ફરતાં દેખાયાં. કારણમાં તો આગલે દિવસે જ ફ્રાન્સના પ્રેસિડન્ટ તાજમહાલની મુલાકાતે એના રસાલા સાથે આવી ગયાતા. પરિણામે ટાઈટ સિક્યોરિટીને કારણે આગલે દિવસે તાજમહાલમાં પ્રવેશ નિષેધ હતો! બધા મુલાકાતીઓ સ્વાભાવિક છે કે, નજીકના જ કોઈ સ્થળે પહોંચી જાય. હવે તો ઈતિહાસ કે ભૂગોળ જોયા–સમજ્યા વગર, બધા બધે બસ ફરતાં જ રહે છે. લોકલ લોકોની ભીડ તો પાછી અલગ હતી.

ત્યાં નીચે બગીચામાં ઝાડ-પાનના ફોટા પાડવામાં મસ્ત પારુલનું અચાનક જ ધ્યાન ગયું તો, એક કાળિયાર દૂરથી એની દિશામાં આવી રહ્યું હતું. ચરતાં ચરતાં આવી ગયું હશે તે જતું રહેશે એમ સમજીને પારુલે બહુ ધ્યાન ન આપ્યું. એટલામાં નીલુ ત્યાં આવી પહોંચી. ‘પારુ, આનો ફોટો લઈ લે. એકદમ નજીકથી મસ્ત ફોટો આવશે. એનો કલર તો જો ને એની આંખ જો, એકદમ મસ્ત બદામ જેવી.’

અરે, એની આંખ તને બદામ જેવી દેખાય છે પણ એની આંખમાં ખુન્નસ જોયું કે નહીં ? જાણે હમણાં આપણી ઉપર હુમલો કરશે કે, કેમ અમારા એરિયામાં આવ્યાં? જો, જો આપણી પાછળ પાછળ જ ફરે છે.’ પછી તો, બે ચાર મિનિટ એ રમત ચાલી કે, જ્યાં આ બંને જાય ત્યાં પેલું કાળિયાર થોડું અંતર રાખીને સામે આવી જાય. પારુલે એને દૂર કરવા માટે કૅમેરાવાળો હાથ ઉગામ્યો તો એ ઝનૂનથી સામે ધસ્યું. હવે કાળિયાર અને પારુલ વચ્ચે બે હાથનું જ અંતર રહી ગયું. મોટી બદામી ગુસ્સૈલ આંખો અને લાંબાં અણિયાળાં વળ ચડાવેલાં શીંગડાં. પેટની આરપાર નીકળી જાય તો બે મિનિટમાં રામ રમી જતાં વાર નહીં. નીલુ બૂમ પાડતી જ રહી ગઈ કે, ‘પારુ ચાલ અહીંથી ભાગીએ.’ પણ એટલામાં તો, ગુસ્સામાં માથું નમાવીને શીંગડાં મારવાની તૈયારી સાથે એક જ વેંત દૂર રહી ગયેલા કાળિયારે પારુની ઉપર હુમલો કરી દીધો.

પારુ....’ એક લાંબી ચીસ નીલુના ગળામાંથી નીકળી ગઈ ને ત્યાં ફરતા લોકોના કાન ચમક્યા. જરા વારમાં તો સો–દોઢસો લોકો જમા થઈ ગયા. દૂરથી બધા તમાશો જોતા રહ્યા ને નીલુ ‘બચાવો.... બચાવો’ની બૂમો પાડતી રહી. કોઈની માએ ત્યાં સવાશેર સૂંઠ નહોતી ખાધી, તે સાવ બાયલા સાબિત થયેલા દરેક પુરુષે સાબિત કરી દીધું. ન તો કોઈ મદદમાં આગળ આવ્યું કે ન કોઈ બહારથી મદદ લઈને આવ્યું! ગભરાઈને ચીસો પાડતાં નીલુએ ફરીને જોયું તો, પારુએ બે હાથે કાળિયારનાં શીંગડાં જોરથી પકડી લીધેલાં! પારુના એક હાથમાં કૅમેરા લટકી રહેલો, બીજા હાથમાં પર્સ ને ખભેથી દુપટ્ટો સરીને બંને હાથ પર અટકી ગયેલો. સામાન્ય પરિસ્થિતિમાં ઘડી ઘડી દુપટ્ટાને ને પર્સને ખભે ભેરવ્યા કરતી પારુએ તે ઘડીએ બધું ભૂલીને મજબૂતીથી શીંગડાં પકડીને, કાળિયારને દૂર હડસેલી રાખેલું. નીલુ નિ:સહાય બનીને પારુ...પારુ... કરતી રહી. પારુએ એને જલદીથી બગીચાના ગાર્ડને બોલાવી લાવવા જણાવ્યું.

થોડી વારમાં ગાર્ડ આવી પહોંચ્યો ને કાળિયારને શીંગડેથી ઝાલી દૂર લઈ ગયો. જતાં જતાં કહી ગયો, ‘મેમસાબ, આપ બહોત નસીબવાલી ઔર હિમ્મતવાલી હો. નહીં તો, અબ તક ઈસને આપકો માર ડાલા હોતા.’ બંનેના જીવમાં જીવ આવ્યો ને થોડી વાર એક જગ્યાએ શાંતિથી બેસી પછી બંને ટૅક્સીમાં નીકળી ગયાં આગ્રા તરફ, તાજમહાલ જોવા. ‘આજે અકબરની બાજુમાં મારો પણ મકબરો બની જાત.’ પારુએ હસતાં હસતાં વાત કાઢી. ‘અરે યાર, મારો તો જીવ ગળામાં આવીને અટકી ગયેલો. પણ હરામ બરાબર કોઈ ત્યાં મદદમાં આવે. સાલા, સાવ બેક્કાર લોકો. તારી હિંમતને તો દાદ દેવી પડે બાકી. ને તારી પ્રેઝન્સ ઓફ માઈન્ડ, કહેવું પડે. શાબ્બાશ!’

ચાલ ચાલ, બસ હવે. એ તો મોત સામે દેખાય ને, તો ભલભલામાં કુદરતી રીતે જ હિંમત આવી જાય.’ નીલુને થયું કે, વાતે વાતે વાંદા ને ગરોળીને જોઈને ચીસાચીસ કરતી સ્ત્રીઓ, જો બાળપણથી જ હિંમતથી મુસીબતોનો સામનો કરતાં શીખી જાય તો અણીના સમયે કોઈની રાહ જોવાની કે મદદની આશા રાખવાની જરૂર જ ના રહે. પોતે પણ ચીસો પાડવાને બદલે કે મદદની બૂમો પાડવાને બદલે દોડીને ગાર્ડને બોલાવી શકત. કંઈ નહીં, આજે શીખવા મળ્યું તે આછું છે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.