આને શું થાય છે?

05 Oct, 2016
12:00 AM

કલ્પના દેસાઈ

PC: behance.net

ધડામ્!

શીતલના બેડરૂમ તરફથી અવાજ આવ્યો. અચાનક જ બારણાંને જોરથી બંધ કરાતાં મા–દીકરી ચોંક્યાં. એમણે એકબીજા સામે જોયું. ચીડ અને કંટાળામિશ્રિત નજરોમાં તિરસ્કાર પણ ભળ્યો. ‘ચા...લો, ભાભીનું નાટક ચાલુ થઈ ગયું. મમ્મી હવે તું એને કંઈ કહેવાનું રાખ તો. થોડા દિવસ થયા નથી કે, એનાં કોઈ ને કોઈ બહાને આવાં ત્રાગાં ચાલુ થઈ જાય છે. મને કેમ કંઈ નથી થતું? નોકરી તો હું પણ કરું છું ને? એને નોકરી પણ કરવી છે ને થોડા થોડા દિવસે આમ જગદંબા બનીને આપણને બીવડાવવા પણ છે. જ્યારે પહેલી વાર એણે તમાશો કર્યો ને, ત્યારે જ તારે એને દબાવી દેવાની જરૂર હતી. તેં એને ખોટાં લાડ લડાવીને બગાડી મૂકી છે, તો જોઈ લે હવે ને ભોગવ એનું પરિણામ. મારે તો શું છે, હું તો છ મહિના પછી સાસરે જતી રહીશ, પણ તને આ કાયમની ઉપાધિ ચોંટી ગઈ. હવે એ તોફાન આગળ ને આગળ વધતું જશે ને એક દિવસ એ તોફાનમાં બધું તણાઈ જશે, ત્યારે બેસજે માથે હાથ દઈને.’

રિયા બોલતી જ રહેત પણ એટલામાં શીતલ બારણું ખોલીને ઝપાટાભેર મા–દીકરીની સામે ધસી આવી. ‘ચડાવ, ચડાવ. હજી ચડાવ, તારી માને. તારું ઘર છે ને? મારું થોડું છે? મારું તો કોઈ ઘર જ નથી ને મારું કોઈ છે જ નહીં, મેં જોઈ લીધું બરાબર. મારો વર જ્યારે અહીં નથી હોતો, ત્યારે જ તમે જાણી જોઈને મારી સાથે દાદાગીરી કરો છો, મને હેરાન કરો છો ને મારી પાછળ આખો દિવસ મારી કૂથલી કર્યા કરો છો. મને બધી ખબર છે, હું કંઈ આંધળી નથી ને બહેરી પણ નથી. તું નોકરી કરે છે તે મોટી ધાડ મારે છે કેમ? તને બધું તૈયાર જોઈએ તો મને નહીં જોઈએ? તારી મા તારી ગુલામ હશે, હું તારી ગુલામ નથી તે મારા પર આખો દિવસ ઓર્ડર છોડ્યા કરે છે. ભાભી, આ લાવજો ને ભાભી પેલું લાવજો. ભાભી, મારી ચા મૂકજો ને ભાભી ટિફિન ભરજો. તને શરમ નથી આવતી, મારા પર દાદાગીરી કરતાં? એમાં પાછો તારી માનો પણ સાથ મળે, પછી તું ચગી જ જાય ને? મારે તો વરને પણ કંઈ કહેવાનું નહીં, કારણકે એની સામે તો તમે મારા પર એટલો પ્રેમ વરસાવો, કે કોઈ માને જ નહીં તો પછી એ તો ક્યાંથી માનવાનો? કરો, કરો. તમને જે ફાવે તે કરો. હું જ્યારે નહીં હોઉં ને, ત્યારે તમને ખબર પડશે.’ મોટે મોટેથી રડતી, બબડતી ને પગ પછાડતી શીતલ ફરી બારણું પછાડીને બેડરૂમમાં ભરાઈ ગઈ. થોડી વાર સુધી બેડરૂમમાંથી મોટે મોટેથી રડવાના અવાજો આવતા રહ્યા.

દેવાંગને દર મહિને, મહિનાના પહેલા વીકમાં કંપનીના કામ અર્થે ટૂર પર જવાનું થતું. ભાઈ, બહેન અને માનો નાનકડો હસતો રમતો પરિવાર હતો. શીતલના આગમને ઘરમાં આનંદ ને ઉલ્લાસમાં વધારો જ થયેલો, કારણકે શીતલ સાલસ સ્વભાવની હસમુખી છોકરી હતી. ઘરની ત્રણેય સ્ત્રીઓને હળીમળીને રહેતી જોતાં દેવાંગને સંતોષ થતો. મારા જેટલું સુખી કોણ હશે? એમ વિચારીને મનમાં એ ખુશ થયા કરતો. પણ એ સુખ બહુ થોડા જ મહિનાઓનું મહેમાન હતું તે કોઈ સમજી નહોતું શક્યું. છેલ્લા બે ત્રણ મહિનાથી, શીતલના વર્તનમાં થોડો ફેરફાર દેવાંગના ધ્યાનમાં આવ્યો હતો. એ જ્યારે ટૂર પરથી પાછો ફરતો, ત્યારે પહેલે દિવસે તો શીતલનું મોં ચડેલું જ રહેતું. પણ વાતચીતમાં મન પરોવાતાં અને બીજા દિવસે થિએટર ને હૉટલની મુલાકાતે એનો ગુસ્સો ઊતરી જતો. દેવાંગ સમજતો કે, શીતલથી એનો વિયોગ સહન નહોતો થતો. એણે શીતલને સમય પસાર કરવા જોબ કરવાનું સૂચન કર્યું અને શીતલે એ ખુશી ખુશી વધાવી લીધું. દેવાંગને થયું, ચાલો, આ બહાને એનો ટાઈમ પણ જશે, ઘરમાં થોડી ઈનકમ પણ થશે ને ખાસ તો એ ખુશ રહેશે.  

દેવાંગનો આ નિર્ણય જોકે, મા–દીકરીને બહુ પસંદ નહોતો પડ્યો. પોતાને મોડર્ન કહેવડાવતી પણ થોડા ખાસ જુનવાણી વિચારોને મનમાંથી હાંકી ન શકતી, સાસુનો વહુ તરફનો અને નણંદનો ભાભી તરફનો વ્યવહાર બદલાવા માંડ્યો હતો. નોકરી તો રિયા પણ કરતી હતી, પણ એને ઘરની દીકરી હોવાના નાતે અછોવાનાં થતાં હતાં. શીતલ જો નોકરી કરવા જાય તો પછી ઘરની બધી જવાબદારી સરલાબહેન પર આવી પડે, એટલે સરલાબહેન પણ દેવાંગની ગેરહાજરીમાં પોતાનો અણગમો વ્યક્ત કરતાં રહેતાં. એમ તો, ઘરની શાંતિનો ભંગ થવો શક્ય જ નહોતો, જો ત્રણેય હળીમળીને બધું કામ કરી નાંખતે! પણ, રિયા ઘરકામની ચોર હતી અને શીતલ સૌના સમાન હકની તરફદાર હતી. સરલાબહેન વહુનો પક્ષ લેવાના પક્ષમાં નહોતાં. બસ, દેવાંગની ગેરહાજરીમાં નાની મોટી કચકચ થતી રહેતી. 

બાકીના દિવસોમાં તો, શીતલ આંખ આડા કાન કર્યા કરતી પણ એની શારિરીક તકલીફ સાથે જોડાયેલી એની માનસિક તકલીફને એ લાખ પ્રયત્ને પણ કાબૂમાં કરી શકતી નહીં. મહિનાના ચોક્કસ દિવસોમાં, એના હાથપગ તૂટતા, એના પેટમાં વીંટ આવતી અને એનું માથું તો અસહ્ય ફાટતું. એકાદ પેઈનકિલર લઈને એ બધા દુખાવા ને તકલીફો પર રાહત મેળવવા ઈચ્છતી, પણ સાસુ–નણંદના વ્યવહાર સામે એ પોતાની બધી તકલીફોને અવગણવામાં સદંતર નાકામ રહેતી. બધા દુખાવાને દબાવવામાં નિષ્ફળ જતી શીતલ આખરે ગુસ્સાથી ફાટી પડતી ને દિવસોનો ઉભરો બહાર કાઢીને, રડીને થોડી શાંત પડતી, ત્યારે રૂમમાં ભરાઈ જતી. આ એ જ દિવસો રહેતા, જ્યારે દેવાંગને ઘરથી બહાર રહેવાનું થતું. સ્વાભાવિક છે કે, દેવાંગને એની ગેરહાજરીમાં ફાટતા જ્વાળામુખીનો તો જરાય અણસાર નહોતો આવતો, કારણકે જ્વાળામુખી તો એના આવતા પહેલાં જ ઠરી જતો. કદાચ એની જરાતરા અસર રહી પણ ગઈ હોય તો એ તો, ફિલ્મ ને ભોજનથી ગાયબ થઈ જતી.

જોકે, આ બધું લાંબું નહીં ચાલવાનું હોય કે કોણ જાણે, પણ એક દિવસ દેવાંગનો ફોન ચાલુ હતો ને તે શીતલના ધ્યાન બહાર રહેતાં, દર વખતની જેમ ઘરમાં જ્વાળામુખી ફાટ્યો! દેવાંગના તો પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ. આ હું શું સાંભળું છું? શીતલનો આટલો બધો ગુસ્સો તો મેં ક્યારેય નથી જોયો. મારી મા ને બહેન મારી ગેરહાજરીમાં શીતલને આટલી બધી હેરાન કરે છે? મારી ગેરહાજરીમાં મારા ઘરના પાયા હચમચવા માંડ્યા છે ને મને એની જાણ સુધ્ધાં નથી? હે ભગવાન! પ્લીઝ, કોઈ રસ્તો બતાવજે ને મારા ઘરને બચાવી લેજે.’ ફોન મૂકીને, બધાં કામ છોડીને દેવાંગ તરત જ ઘરે જવા રવાના થયો. જોકે, બીજા દિવસે ઘરે પહોંચતાં સુધીમાં તો દર વખતની જેમ ઘરમાં શાંતિ પથરાયેલી હતી. શીતલ અને રિયા ઓફિસે ગયેલાં અને સરલાબહેનનો મીઠો આવકાર મળ્યો હતો, દર વખતની જેમ જ. પણ દર વખતની જેમ, દેવાંગના જીવને ચેન નહોતું.

દેવાંગે સમય પસાર કરવા ને મૂડ ઠીક કરવા મયંકને ફોન લગાવ્યો. ડૉક્ટર મયંક દેવાંગનો ખાસ મિત્ર. વાતવાતમાં દેવાંગે મયંકને દિલનો ઉભરો કાઢતાં ઘરની હકીકત જણાવી દીધી. મયંકે વહેલી તકે શીતલને ગાયનેકોલૉજિસ્ટ પાસે લઈ જવાનું સૂચન કર્યું. ‘દોસ્ત, તું ભલે થોડો મોડો પણ ઘણો વહેલો મારી પાસે આવ્યો છે. કદાચ તારા જીવનમાં વહેલી શાંતિ આવવાની હશે. ચાલ, કાલે ડૉક્ટરને બતાવી આવે પછી બંને મારા ઘરે જમવા આવજો. આપણે વાતોમાં બાકીના પ્રોબ્લેમ્સ પણ સોલ્વ કરી નાંખશું. ચિંતા નહીં કર, બધું સારું થશે. સ્ત્રીઓમાં આ બહુ કોમન પ્રોબ્લેમ છે પણ જાણકારીના અભાવે કે આળસને કારણે, એ લોકો પણ હેરાન થાય છે ને ઘરનાંને પણ હેરાન કરે છે. ચાલ જવા દે બધી વાત, ને પહેલાં ભાભીને ડૉકટરને ત્યાં લઈ જા. આપણે કાલે મળીએ છીએ.’

મન થોડું હળવું થતાં જ, દેવાંગે રાહતનો શ્વાસ લીધો. બીજા દિવસે ગાયનેકોલૉજિસ્ટને ત્યાંથી પાછા ફરતાં જ, બંનેએ ખૂબ જ રાહત અનુભવી. ‘પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ’ નામે જાણીતા આ રોગનાં દેખીતાં લક્ષણો પણ છે અને એની અસરકારક દવા પણ છે, એટલું જાણ્યા પછી તો, બંનેના મન પરનો ભાર જ ઊતરી ગયો. ઘરની શાંતિમાં મયંકે ભજવેલા ભાગ બદલ દેવાંગ અને શીતલ તો આજન્મ એના ઋણી બની રહ્યાં. હવે સરલાબહેન કે રિયા મોં વાંકું કરે કે કડવા વેણ બોલે, એની શીતલને જરાય પડી નહોતી. એને પોતાની જાતને ને પોતાના મનને કાબૂમાં રાખવાનો સચોટ ઈલાજ મળી ગયો હતો, પછી એને દુનિયાની શી ફિકર?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.