આખરે આ ગુનાની સજા શું હોઈ શકે?
સુનંદાના ધ્રૂજતા હાથમાંથી ગ્લાસ પડી ગયો. કાચની કરચો ઝડપથી ભેગી કરવામાં સુનંદાના હાથમાં કરચ ખૂંચી ગઈ. સીસકારો કરતાં એણે ધીરેથી કરચ ખેંચી તો દડદડ લોહી વહી નીકળ્યું. લોહી! સુનંદાએ માથું ઝાટક્યું. ફરી ઝડપથી એણે કરચો ભેગી કરવા માંડી. આ બધી કરચોનો એના મોં પર ઘા કરું ને એને લોહીલુહાણ કરી દઉં. તૂટેલા ગ્લાસનો એક મોટો ટૂકડો હાથમાં લઈ એણે જમીન પર ઘા કરવા માંડ્યા. હાથમાંથી લોહીનો રેલો નીકળ્યો તેનું પણ એને ભાન ના રહ્યું. ગુસ્સામાં સુનંદાના માથાની નસો ફાટફાટ થતી હતી. આંખોમાંથી નીકળતો ગરમગરમ લાવા ખબર નહીં કોને ભસમ કરવા વહી નીકળ્યો હતો.
બહાર રસ્તા પર રિક્ષામાંથી સંભળાતા અવાજે એને ચોંકાવી. ‘આપણા ગામમાં બનેલી ઘટનાના વિરોધમાં કાલે સાંજે સાત વાગ્યે આખા ગામની સ્ત્રીઓને કૅન્ડલ રેલીમાં અને પરમ દિવસે સવારે દસ વાગ્યે મૌન રેલીમાં હાજર રહેવા વિનંતી છે. શિવમંદિરથી નીકળીને રેલી મામલતદારની કચેરી સુધી જશે. પરમ દિવસે ગામ બંધ રહેશે.’
સુનંદાએ બારણાં ધડામ દઈને વાસી દીધા. હાથમાંથી નીકળતા લોહી સાથે ભળી જતી લોહીની નીક એની આંખો સામે વહી રહી. આંખો મીંચી એણે જેટલા જોરથી હોઠ ભીંસ્યા એના કરતાં બમણા જોરથી કોઈ એનું ગળું દબાવતું હોય એવું એને લાગ્યું. કાનમાં ચીસાચીસ ને રોક્કળના અવાજો ઘુમવા માંડ્યા. નહીં, હવે નહીં. બહુ થયું. બહુ થઈ આ બધી મૌન રેલીઓ ને કેન્ડલ રેલીઓ ને આને આવેદન ને તેને ફરિયાદ. કંઈ નથી થવાનું. કોઈ કંઈ નથી કરવાનું. અંધારામાં બાચકાં ભરવાનાં છે. થોડા દિવસ, બસ થોડા જ દિવસ અને બધું ક્યાંય હવામાં ઊડી જશે કે ધરતીમાં ધરબાઈ જશે. કોઈને કંઈ યાદ નહીં રહે. હા, યાદ તો આવશે ને યાદ પણ કરશે પણ ક્યારે? જ્યારે ફરી આવી કોઈ લોહીની નદી વહેશે, જ્યારે ફરી કોઈ માસૂમની ચીસો ને ઘરનાંની રોક્કળ સંભળાશે. ફરી એ જ બધી વાતો થશે, દયા ખવાશે, ફરિયાદ થશે, ફરિયાદ નોંધાશે ને એ ફરિયાદનો ક્યારે વીંટો વળી જશે એની તો કોઈનેય ખબર નહીં પડે. બસ, આખી જિંદગી ન્યાયની રાહમાં બેસી રહેશે એક માસૂમ અને તેનો પરિવાર. દિલાસો આપવાવાળા કહેશે, ‘ભગવાનને ઘરે દેર છે, અંધેર નથી. અપરાધીને સજા જરૂર મળશે.’
સજા મળશે? કોને, અપરાધીને? કોણ અપરાધી? ક્યાં છે અપરાધી? જો હોય તો પકડાતો કેમ નથી? એને કોઈ સજા કેમ નથી કરતું? ના, અહીં કોઈ અપરાધી નથી. અપરાધી તો પેલી માસૂમ છે, એનાં માબાપ છે, એનાં ભાઈબહેન છે ને એના જેવી કેટલીય માસૂમ જિંદગીઓ પારેવાંની જેમ ફફડતી જીવે છે કે, ક્યાંક એમની સાથે પણ? ક્યારે અટકશે આ બધું? કોણ અટકાવશે? છે કોઈ આ માસૂમોનો તારણહાર? છે કોઈ જિગરવાળો જે સામી છાતીએ આ પાશવી હિંસાને અટકાવી શકે? ના, આ દેશમાં તો એ શક્ય નથી.
હજી કાલે તો એ છોકરી એના ભાઈ સાથે પતંગ ચગાવવા અગાસી પર ગયેલી ને બાજુની અગાસી પર પેલો નરાધમ એના દોસ્તો સાથે પતંગ ચગાવતો દેખાયેલો. કઈ ઘડીએ ન બનવાનું બન્યું અને કેટલી વારમાં સામેના ઘરમાંથી ચીસાચીસ ને રોક્કળના અવાજો આવવા માંડ્યા કંઈ ખબર ન પડી. લોકો ભેગાં થતાં શરૂઆતમાં તો માબાપે વાત છુપાવવાની કોશિશ કરી પણ પછી અચાનક જ મા છોકરીનો હાથ પકડીને ઘરની બહાર નીકળી. બધાંની સામે પેલા રાક્ષસના કરતૂતની વાત કરી ને પછી તો બધાં ભેગાં થઈ છોકરીને દવાખાને લઈ ગયાં ને ત્યાંથી સીધા સૌ પોલીસ ચોકીએ પહોંચી ગયાં. જોતજોતામાં આગની જ્વાળાની જેમ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. કામકાજ પડતાં મૂકીને સૌ પેલી છોકરીની મા સાથે જોડાઈ ગયાં. આખું સરઘસ પોલીસ ચોકીને ઘેરી વળ્યું.
‘મારો એને... મારી જ નાંખો. હરામખોર જીવતો ન રહેવો જોઈએ. ગમે ત્યાંથી પકડી લાવો ને હાજર કરો અમારી સામે. તમારાથી કંઈ ન થાય તો અમને સોંપી દો. અમે એનો બે ઘડીમાં ફેંસલો કરી નાંખશું. બહુ થયું હવે ને બહુ થઈ તમારી ગુનેગારોને બચાવી લેવાની રમત. આ વખતે તો ભલભલા મિનિસ્ટરને લાવો કે ગમે તે મોટા માથાને લાવો અમે કોઈનું સાંભળવાના નથી. અમારે ન્યાય જોઈએ એટલે જોઈએ.’
ટોળાનો રોષ વ્યાજબી હતો. ગામમાં આ પહેલી જ ઘટના બનેલી. આજ સુધી છેડતીના કિસ્સા સંભળાયેલા ને એમાં તો ગુનેગારો મોટા માથાને શરણે જતાં વાર જ છૂટી જતા. આ વખતે કિસ્સો અલગ હતો. માફ ન કરી શકાય એવો ગુનો થયો હતો ને ગુનેગાર ફરાર હતો. ફરિયાદ નોંધાતાં જ પોલીસે ચારે બાજુ શોધખોળ આદરી, ચાર કલાકમાં ગુનેગારને શોધી કાઢી જેલમાં બેસાડી દીધો. પણ લોકો એટલાથી માને તેવા ક્યા હતાં? દેશમાં અવારનવાર બનતા બનાવોની ઘેરી અસર લોકોના મનમાં તાજી હતી. ને આ બધું ભૂલાય તેવું પણ ક્યાં હતું? કાયદાના ન્યાય પર કોઈને વિશ્વાસ નહોતો. હવે લોકોને પોતાના હાથમાં કાયદો જોઈતો હતો. પોતે જ ન્યાય કરશે એવી લોકોની માગણી સામે પોલીસે શરત મૂકી, ‘તમને જ સોંપી દઈશું પણ આ વખતે અમારો ન્યાય પણ જુઓ. જો અમે એને છોડી દઈશું તો તમારે હવાલે જ કરીને છોડશું, બસ?’
ન્યાયની વાત પર જેમતેમ લોકોને વિશ્વાસ બેઠો, તોય લોકોનાં ધરણાં ને રેલી ને સભાઓ તો ચાલુ જ રહી. લોકોના સતત દબાવ આગળ કાયદાએ પણ ઝૂકવું પડ્યું ને ફેંસલાની ઘડી આવી પહોંચી.
‘જોજો ને, કોઈ ને કોઈ પોલિટિશિયનના દબાવમાં એને બે–ચાર વરસની જ સજા થશે.’
‘અરે ભાઈ, એની ઉંમર જોજો. પાછા સોળ વરસમાં એકાદ દિવસ પણ ઓછો ન હોય! નહીં તો માનવ અધિકાર ને બાળસંરક્ષણવાળા પહેલાં કૂદી પડશે.’
‘અરે આપણને સોંપી દીધો હોત તો ક્યારનોય એનો ન્યાય કરી નાંખ્યો હોત. આવાને સમાજમાં જીવતો છોડાય કે? રાક્ષસનો તો અંત જ લાવવાનો હોય. ગામના આ બધા મોટા લોકો આવી ગયા કાયદાની વાતમાં, બાકી આપણને તો ખબર જ છે કે શું ફેંસલો આવવાનો છે.’
‘આ વખતે તો કાયદાની એસીકી તૈસી કરી નાંખશું. જો એને જનમટીપથી ઓછી સજા કરી તો આપણે કાયદો હાથમાં લઈને એ નરાધમને ખતમ કરી નાંખશું.’
લોકોના ટોળામાંથી જાતજાતના ચુકાદાઓ બહાર આવી રહ્યા હતા. એક એક ઘડી એક એક દિવસ જેવી થઈ રહી હતી. સુનંદા પણ ટોળામાં હાજર હતી. છોકરીનો માસૂમ ચહેરો ને માની રોક્કળ એક ઘડી પણ એના મનમાંથી ખસવાનું નામ નહોતાં લેતાં.
આખરે કૉર્ટરૂમમાંથી ચુકાદો બહાર આવ્યો ને ટોળાના ગણગણાટને શમાવતો બધાના ચહેરા પર હાશ કહેતો ફરી વળ્યો. જનમટીપ! એક જ સજા.
સુનંદાએ છોકરીની માને વાંસે હાથ પસવારતાં પોતાના ગાલ પર વહી નીકળેલાં હરખનાં આંસુને અટકાવ્યાં નહીં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર