રિઝલ્ટ શું આવ્યું?
સ્કૂલના પાર્કિંગ એરિયામાં બે સ્કૂટીની ફરતે બે બાળકો પકડાપકડી રમતાં હતાં અને બંનેની મમ્મીઓ થોડે દૂર, કોઈ બહુ જ સિરિયસ વાતમાં મશગૂલ હતી, તોય વારે વારે બાળકો તરફ જોઈ લેતી હતી.
‘જો રાગિણી, મારું માન. હવે બહુ થયું ને હવે આ વાતનો કોઈ પણ હિસાબે અંત આવવો જ જોઈએ. વાતનો અંત લાવવો પણ તારા હાથમાં જ છે ને એ વાતનો અંત કઈ રીતે લાવવો તે મેં તને સારી રીતે સમજાવી દીધું છે, સમજી? જો આજે તું પહેલ નહીં કરે તો સમજી લેજે કે, તું ક્યારેય તારા દીકરાને સારી રીતે ભણાવી નહીં શકે. ભવિષ્યમાં તારા દીકરાની કરિયર માટે તું જ જવાબદાર રહેશે.’
‘ના ના શૈલી, તારી વાત સો ટકા સાચી છે. આટલાં વરસ મને કોઈ આ રીતે સમજાવવાવાળું નહોતું મળ્યું, નહિ તો મારી ને મારા દીકરાની આ હાલત થાત નહીં. જોકે, હજીય મોડું નથી થયું એટલે ભલે આજે ફેંસલો થઈ જ જાય. થૅંક યુ સો મચ.’
સ્કૂટી પર ઘરે જતી વખતે શૈલીએ ગોખાવેલા સવાલો રટતી રાગિણી મનમાં ને મનમાં હિંમત ભેગી કરતી હતી. કઈ રીતે રાહુલનો સામનો કરાશે? રાહુલના કયા સવાલનો કેવો જવાબ આપવો ને એના કેવા વર્તન સામે પોતે કેવું વર્તન કરવું, તેનું મનોમન જાણે રિહર્સલ ચાલતું હતું. આગળ ઊભેલા સૌમ્યને તો કંઈ ખબર જ નહોતી કે, ફેલ થવું એટલે શું? મમ્મીની આંખમાં પાણી ને એનો ઉતરેલો ચહેરો જોઈને એ બિચારો એટલું સમજી શકેલો કે, પોતાના રિઝલ્ટને કારણે મમ્મી દુ:ખી છે. પણ રિઝલ્ટ એટલે? ને એમાં મમ્મી કેમ રડે? ટીચર કંઈ મમ્મીને કહેતી હતી ખરી કે, ‘આ વરસે તો પાસ કર્યો છે પણ હવે એના ભણવા પર ધ્યાન આપજો નહીં તો, અમારી સ્કૂલમાંથી એને કાઢી મુકાશે.’ પપ્પાની સામે જે રીતે નીચું જોઈને કંઈ બોલ્યા વગર ઊભી રહેતી તેવી જ રીતે મમ્મી ટીચરની સામે પણ ઊભી હતી તે સૌમ્યને બિલકુલ નહોતું ગમ્યું. બધાં જ મમ્મીને ખિજાયા કરે છે. એને ટીચર પર ગુસ્સો આવ્યો. મને કાઢી મૂકે તો સારું, આ ટીચર તો નહીં હોય બીજી સ્કૂલમાં.
રાગિણીને સૌમ્યનું ફર્સ્ટ ટર્મનું રિઝલ્ટ યાદ આવ્યું. રિઝલ્ટમાં મેથ્સ ને ઈંગ્લિશમાં લાલ લીટા તણાયેલા. રાગિણીને કાગળ પરના લાલ લીટાનું એટલું દુ:ખ નહોતું જેટલું સૌમ્યના ગાલ પરના લાલ લીટાનું દુ:ખ હતું. આટલા નાના છોકરાને તમાચા? આખી રાત બંને માદીકરો એકબીજાને વળગીને સૂઈ રહેલાં. અર્ધી રાતે ચમકીને હીબકાં ભરતા સૌમ્યને જેમતેમ શાંત કરતી રાગિણી પોતે ક્યાં શાંત હતી? હજી તો ફર્સ્ટમાં ભણતા છોકરાને સ્કૂલની, ચોપડાંની, ભણવાની, ટીચર્સની ને ડિસિપ્લિનની વગર સમજ્યે જેમતેમ આદત પડતી હોય ત્યાં વળી રિઝલ્ટમાં એને શું સમજણ પડવાની? એ આખી રાત છતને તાકતી રહેલી.
રાહુલને તો એ બધાથી કોઈ મતલબ નહોતો. એને તો એનો દીકરો ક્લાસમાં ફર્સ્ટ આવે તે જોઈતું હતું, સ્પોર્ટ્સમાં અવ્વલ રહે તે જોઈતું હતું, સ્કૂલની બધી એક્ટિવિટિઝમાં પ્રાઈઝ લાવે ને ઘર ટ્રોફીઓથી ઉભરાય એવું જોઈતું હતું. પોતે રાતદિવસ મહેનત કોના માટે કરતો હતો? કોના માટે આ બધી દોડધામ ને ઉજાગરા થતા હતા? એકના એક દીકરા માટે જ ને? જો એ જ નહીં ભણે ને ડોબો રહી જશે તો સમાજમાં એની ઈજ્જત બે કોડીની નહીં થઈ જાય? ઓફિસમાં બધાનાં બાળકોની રોજ રોજ સિદ્ધિઓ સાંભળીને રાહુલને પણ થતું કે, ક્યારે પોતાનો સૌમ્ય મોટો થાય ને ક્યારે ઓફિસમાં બધાના દેખતાં પોતે વટ મારે? ફલાણાને નીચું બતાવે ને ઢીંકણાને કંઈ સંભળાવી દેવાના જોશમાં રાહુલ સૌમ્યના ભણતર બાબતે ઝનૂની બનતો તે રાગિણીને બિલકુલ ગમતું નહીં. રાગિણીના ગમવા–ન ગમવા પર રાહુલ ધ્યાન આપતો નહીં. એ તો પરીક્ષા ને રિઝલ્ટના દિવસોમાં મગજનો પારો છટકેલો રાખતો બસ.
આમેય રાહુલ પાસે તો સમય જ ક્યાં હતો કે, સૌમ્યને એકાદ કલાક પણ ભણવા બેસાડે? એનું ઈંગ્લિશ સારું હતું ને ધારતે તો રોજ એક કલાક બેસાડીને સૌમ્યનો પાયો પાકો કરી શકતે. જોકે, સૌમ્યની સંપૂર્ણ જવાબદારી રાગિણીની જ હોવી જોઈએ એવું ભૂસું મનમાં ભરીને રહેતા રાહુલને, મહિને ઈંગ્લિશના ટ્યૂશનના હજાર રુપિયા આપવામાં વાંધો નહોતો. મેથ્સના ટીચર બીજા હજાર લઈ જતા. એમ તો રાગિણી જ સૌમ્યને ભણાવી શકે એમ હતી પણ રાહુલનો ટ્યુશનનો ખોટો આગ્રહ રાગિણીને સમજાતો નહીં. ફર્સ્ટમાં ભણતા છોકરાને પોતે ઘરમાં ભણાવી જ શકે ને ? શું ટ્યૂશનનો પણ વટ મારવાનો હોય? હજી તો પાંચ વરસનું છોકરું, તેને પાછું રજામાં પણ નિરાંતે ઊંઘવાનું કે રમવાનું નહીં? ના, રવિવારે તો જાતજાતના ક્લાસ એની રાહ જોતા હોય. શરીરથી ને મગજથી થાકેલું બાળક પોતાના મનનું તો ધારેલું ક્યારે કરે? મમ્મી પાસે થોડા ઘણા લાડ કરવા મળે બાકી પપ્પાની સામે તો ગુનેગારની જેમ જ ઊભા રહેવાનું!
જ્યારથી સૌમ્યને સ્કૂલમાં મૂકેલો ત્યારથી ભણવા બાબતે સતત ટેન્શનમાં રહેતી રાગિણીને જોઈને શૈલીને બહુ નવાઈ લાગતી. એનો દીકરો પણ સૌમ્યના ક્લાસમાં જ હતો પણ પોતે એકદમ આરામથી રહેતી ને દીકરાને પણ ખુશ રાખતી. ખોટી હાયવોય કે દેખાદેખીમાં દીકરાનો ભોગ નથી લેવો એ શૈલી ને એના પતિનો પહેલો નિશ્ચય હતો. ઘરે જ દીકરાને ભણાવવાનો ને ઘરે જ બધી રમતો રમાડવી કે બીજી પ્રવૃત્તિઓ કરાવવી એમાં બંને માનતાં એટલે શૈલીને તો રાગિણીની વાતો સાંભળીને બહુ ગુસ્સો આવતો. આવી હાલતમાં બાળકનો કેવો વિકાસ થાય ને ભણતર પર કેવી અસર પડે તે બધું સમજતી શૈલીએ રિઝલ્ટને દિવસે રાગિણીને હિંમત આપીને બરાબર તૈયાર કરી.
ઘર આવતાં જ રાગિણીના વિચારોએ ઘર બદલ્યું ને રાહુલનો સામનો કરવાના ખયાલે એ ટટાર થઈ. સૌમ્યને જમાડીને સૂવડાવી દીધો ને એ રાહુલની રાહ જોવા લાગી. રિઝલ્ટનો દિવસ હતો ને રાહુલ થોડો ઓફિસમાં બેસી રહે? અર્ધી રજા મૂકી એ ઘરે દોડી આવ્યો. ‘શું આવ્યું રિઝલ્ટ ? ફર્સ્ટ ને?’
‘અરે ઊભો રહે. રિઝલ્ટ પણ બતાવું છું પણ પહેલાં એક કામ કરવું પડશે. બાથરૂમમાં નળ બંધ નથી થતો ને પાણી ક્યારનું ચાલુ જ છે. ટાંકી ખાલી થઈ જશે તો પછી સાંજે પાણી ભરાશે. પ્લીઝ જરા જો ને.’
‘અરે, તો પ્લમ્બરને ફોન કરવો હતો. મને થોડું આવડે?’
‘મને એમ કે તને બધું આવડતું હશે.’
‘શું તું પણ ? જેનું કામ તે જ કરે ને ? ચાલ હું ફોન કરું છું તું પહેલાં રિઝલ્ટ બતાવ મને.’ રાહુલની અધીરાઈને ન ગણકારતાં મક્કમ બનેલી રાગિણીએ નળને બંધ કરતાં કહ્યું, ‘જો તને આટલું સાદું કામ પણ ન આવડ્યું તો આટલા નાના બાળક પાસે તું કેટલી બધી આશા રાખે છે? પાંચ વર્ષના બાળકને સાત આઠ વિષયો આવડવા જોઈએ, સમજાય કે ન સમજાય તો પણ બધામાં ફર્સ્ટ આવવો જોઈએ. તે સિવાય સ્કૂલમાં જેટલી એક્ટિવિટિઝ તે બધામાં અવ્વલ રહેવો જોઈએ ને પાછો સદાય હસતો રહેવો જોઈએ. શું તું સ્કૂલ ને કૉલેજમાં હંમેશાં ફર્સ્ટ રહેતો? શું હું બધાં ઈનામો જીતી લાવતી? આ ફર્સ્ટનો આગ્રહ કે દીકરાને બધું જ આવડવું જોઈએનો ખોટો આગ્રહ શા માટે? યાદ કર કે, એ તારી સાથે છેલ્લે ક્યારે રમેલો? તારા ખભા પર છેલ્લે ક્યારે ચડેલો? છે તારી પાસે એના માટે થોડો પણ ટાઈમ? અરે એનું ફ્યુચર બનાવવામાં તું એનું ને આપણું પણ ફ્યુચર બગાડી રહ્યો છે તે કેમ સમજતો નથી? પ્લીઝ, પાછો વળ આ દોડમાંથી. ભલે આપણે પાછળ રહીશું પણ બધાં સાથે રહીશું.’
રાગિણીના વાક્યે વાક્યે રાહુલના મગજ પરથી હરિફાઈનો ચળકાટ ઊતરતો ગયો ને એ દોડ્યો સૂતેલા સૌમ્યને ઉઠાડવા. ‘ચાલ બેટા, ઊઠ. આપણે ફરવા જવાના. આપણે હીંચકા ખાઈશું, લસરપટ્ટી પરથી સરકશું ને ખૂબ ધમાલ કરીને પછી આઈસક્રીમ ખાવા પણ જઈશું. આજથી મમ્મી–પપ્પા તને ભણાવશે ને મમ્મી–પપ્પા જ તને રમાડશે.’ રાહુલના પસ્તાવાનાં આંસુથી સૌમ્યનો ચહેરો ભીંજાઈ ગયો. પપ્પામાં અચાનક આવેલા પરિવર્તને એણે મમ્મીને હસતાં જોઈ ને એ ખુશીના માર્યા પપ્પાને વળગી પડ્યો.
રાગિણીએ સૌમ્યને ઊંચકીને રાહુલના ખભે બેસાડી દીધો ને ઘરમાં બહુ વખતે ધમાચકડી મચી ગઈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર