એનો શું વાંક હતો?
પાંચેય આંગળીએ ભગવાનને પૂજ્યા હશે ત્યારે જ આવો સ્માર્ટ, હેન્ડસમ અને અગણિત ડીગ્રીધારી યુવાન, તેય પાછો કરોડોપતિનો નબીરો સંજનાના નસીબમાં સામેથી આવી ચડ્યો હશે ને? બાકી, ન તો સંજના પાસે ડીગ્રીનાં પૂંછડાં હતાં, કે ન તો એના ઘરેથી એ દહેજમાં પટારા ભરીને કપડાં–ઘરેણાં લાવેલી. જે હોય તે, સંજના નસીબદાર તો ખરી. હા, જોકે મને પણ કોઈ દુ:ખ તો નથી, પણ તોય મનમાં એક વિચાર તો આવી જ જાય. કાવ્યા સંજનાના ઘરે જતાં જતાં વિચારે ચડેલી. સંજનાએ કાવ્યાની ના છતાં એને લેવા ખાસ ગાડી મોકલેલી. કોઈ મોટાઈ બતાવવા કે ખોટો રુઆબ મારવા માટે તો સંજનાએ ગાડી નહોતી મોકલી, એટલી તો કાવ્યાને પણ ખબર હતી. એ સંજનાનો સ્વભાવ જ નહોતો. કાવ્યા સાથેની અતૂટ મૈત્રી માટે એ કંઈ પણ કરવા તૈયાર હતી. બહુ દિવસથી સંજના કાવ્યાને મળી નહોતી અને દિલનો ઉભરો કાઢવા માટે ખાસ સખી સિવાય બીજું કોઈ હતું પણ નહીં, તે કાવ્યા સિવાય બીજું કોણ સમજી શકે ?
કેટલીય વાર અહીં આવી ગયેલી છતાંય, વિશાળ બંગલામાં પ્રવેશતાં જ કાવ્યાની નજર ચારે બાજુ ચકળવકળ ફરતી થઈ ગઈ. વાહ! અદ્ભૂત! જાણે કોઈ રાજાનો મહેલ જ જોઈ લો. સંજનારાણીનાં તો ઠાઠ છે બાકી. ‘આ બાજુ આવી જા, કાવ્યા. જમણી તરફ પહેલો રૂમ.’ સંજનાને જોઈ કાવ્યા તો ખુશીની મારી એને ભેટી જ પડી. ‘યાર, જલસા છે હં તને. કેટલો મોટો મહેલ! ને ઘરમાં તમે કેટલાં? બસ, ત્રણ જ જણ! ભાઈ, અમનેય એકાદ–બે રૂમ કાઢી આપ તો નાંખી દઈએ તારે ત્યાં જ ધામા.’ ને પછી કાવ્યાનું ખડખડાટ હાસ્ય, જેને સાંભળવા માટે જ કદાચ સંજનાના કાન તરસી રહેલા.
‘ફરી વાર હસ ને.’
‘લે ભાઈ, તું બીજું કંઈ નથી માગતી તે મને આ જ સસ્તું પડે છે.’ ને ફરી વાર કાવ્યાનું ખડખડાટ હાસ્ય મહેલમાં પડઘાઈ રહ્યું.
‘અરે ભાઈ, મન થાય ત્યારે આવી જા ને, કોણ ના પાડે છે? મને તો કાયમ માટે મજાની કંપની મળી જશે. ચાલ બોલ, હમણાં જમી લઈએ કે થોડી વાર પછી?’
‘તને ભૂખ નથી લાગી? મને તો તારો ફોન આવ્યો ત્યારની કકડીને ભૂખ લાગી છે. તારે ત્યાં પાંચ પકવાન ખાવાની લહાયમાં મેં તો નાસ્તો પણ નથી કર્યો.’
‘ચાલ તારા નાટકવેડા બંધ કર. આપણે જમી લઈએ છીએ.’
મહારાજને થાળી તૈયાર કરવાનું કહીને સંજના કાવ્યા સાથે હીંચકે બેઠી. જમીને પાછાં હીંચકે બેઠાં, તોય કાવ્યા તો એની દીકરી ને એના પતિની વાતોમાંથી ઊંચી નહોતી આવી. પોતાની ધૂનમાં જ બોલ્યે જતી કાવ્યાનું અચાનક જ ધ્યાન ગયું કે, સંજનાની બંને આંખના ખૂણે મોતી ચમકી ઉઠેલાં, જેને હળવેથી ડોક ફેરવીને સંજનાએ ખેરવી નાંખેલાં. મનમાં પોતાના બડબડ કરવાના સ્વભાવ પર પસ્તાતાં કાવ્યાએ સંજનાનો હાથ દાબ્યો ને ઈશારાથી પૂછ્યું, ‘શું થયું?’
પહેલાં તો સંજનાએ ડોકું ધુણાવી ના કહેતાં વાત ટાળવાની કોશિશ કરી પણ કાવ્યા ક્યાં એને છોડે તેમ હતી? ‘મને તેં વાત કહેવા જ બોલાવી છે તો બોલવા જ માંડવાનું ને? એમ મારાથી છુપાઈને શું રડે છે? ચાલ બોલ, શું થયું? સાસુનો ત્રાસ છે? કે વરનો ત્રાસ છે? મારે જ સમજી લેવાનું હતું કે, આવા બધા મોટા ઘરમાં અંદરથી બધી પોલમપોલ જ હોય. તારો વર આખો દિવસ એના બિઝનેસમાંથી ઉંચો નહીં આવતો હોય ને તને અહીં સોનાનાં પિંજરામાં પૂરી મૂકતો હશે, ખરું ને? એ જ જૂની રાજમહેલમાં કેદ રાજકુંવરીને બદલે રાજરાણીની ઘસાયેલી સ્ટોરી. તેં બધી તપાસ નહોતી કરી? મેરેજ પહેલાં છ મહિના તો તમે કેટલું સાથે ફરેલાં ને કેટલો સમય એકબીજાની સાથે ગાળેલો. એમ તો તું બહુ હોશિયાર હતી, માણસને જોતાં વેંત જ પારખી લેતી, તો જીવનભરના સંગાથીની પસંદગીમાં જ થાપ ખાઈ ગઈ? કંઈ બોલ તો ખરી. તને મારે છે? તને બહાર જવાની મનાઈ છે? તને પૈસેટકે દુ:ખી કરે છે? તને બાળકનું સુખ આપી શકે એમ નથી? બોલ તો ખરી, પ્રોબ્લેમ શું છે? આમ રડીને જીવન પૂરું કરવાની છે? ડાઈવોર્સ લેવા છે? મારી મદદ જોઈએ તો બોલ. હું હમેશાં તારી સાથે જ છું, કોઈથી બિલકુલ ગભરાતી નહીં.’
કાવ્યાના એકધારા સવાલોના મારાથી સંજના અકળાઈ ગઈ. ‘અરે ભાઈ, આમાંથી કંઈ જ નથી. તું મને બોલવાનો તો મોકો આપ. મારો વર ભગત છે, ભગવાનનો બહુ મોટો ભગત! લગ્નની રાતે જ એણે મને ચોખ્ખું કહી દીધેલું, ‘જો સંજના, મને સંસારમાં કોઈ રસ નથી. માતાએ મને પિતાની ખોટ લાગવા દીધી નથી. ખૂબ પ્રેમથી મોટો કર્યો છે, એટલે એમની દરેક વાત મારે મન પથ્થરની લકીર છે. મેં તો એમને મારાં લગ્ન બાબતે સ્પષ્ટ ના કહેલી પણ કુટુંબના વારસને ખાતર એમણે મને લગ્ન કરવા મજબૂર કર્યો અને હું એમની વાતને ટાળી ન શક્યો. હું તારી જિંદગી બગાડવા નથી માગતો, એટલે વારસવાળી વાત હું ટાળ્યા કરીશ પણ વધુ સમય આ નાટક ચાલશે નહીં. તારે છૂટા થવું હોય તો તું થઈ શકે છે પણ મારી માને દુ:ખ પહોંચે એવું હું ઈચ્છતો નથી. હવે ફેંસલો તારા પર છે. તારી મરજી, તારે જે કરવું હોય તે તું કરી શકે છે.’
લગ્નની રાતે આ આઘાતની કળ વળે તે પહેલાં તો, બીજી સવારે સાસુમાએ મને બીજો આંચકો આપ્યો. એ વાતમાં કોઈ બે મત નથી કે, બંને ખૂબ જ પ્રેમાળ છે ને મારી ખૂબ કાળજી રાખે છે. પણ તેથી શું? સાસુ ક્યાં સુધી સાથે રહેશે? ને રાતદિવસ ભક્તિમાં જ મગન રહેતા સાધુ સાથે કઈ રીતે જિંદગી ગુજારાય? ફક્ત માના કહેવાથી જ, એમ સમજ ને કે માના ધકેલવાથી જ એ લગ્ન પહેલાં મારી સાથે બધે ફરવા ને ફિલ્મો જોવા આવતો. બાકી ન તો એને મારામાં રસ હતો કે ન તો ફિલ્મોમાં. હું જ ભોળી કંઈ સમજી ન શકી ને મા–દીકરાની મીઠી મીઠી વાતોમાં આવી ગઈ. સાસુએ મને લાગણીભીની વાતો કરીને પ્રેમના બંધનમાં બાંધી લીધી છે. મારા વરના વર્તનથી ને સાસુના બાળકના આગ્રહથી હવે મને ગભરાટ થવા માંડ્યો છે. ખૂબ જ અકળામણ થાય છે. આ બધા શાહી ઠાઠ ને ખોટા દેખાડાથી ઉબાઈ ગઈ છું. હવે મારાથી વધુ સહન નહીં થાય. એક માનું દિલ રાખવા એક સાધુ સાથે જીવન પૂરું કરું? પ્લીઝ મને કોઈ એવો રસ્તો બતાવ, કે હું શાંતિથી રહી શકું. બાકી, અહીં તો ઘુંટાઈને જ મારો વહેલો દમ નીકળી જશે.’
‘અરે, એમાં શું ગભરાઈ ગઈ? ને આજે તને સૂઝ્યું મારી સલાહ લેવાનું? આટલા મહિના પણ કેમ બધું સહન કર્યું? ચાલ ઠીક છે, એક કામ કર. તારા વર ને તારી સાસુને સાથે બેસાડીને એક–બે દિવસમાં જ બધી વાતની ચોખવટ કરી લે. સાસુને સ્પષટપણે જણાવી દે કે, તમારા દીકરાને સંસારમાં કોઈ રસ નથી તો સંપત્તિના વારસનો ખોટો આગ્રહ ન રાખો. જો તમે તમારા દીકરાની ખુશી ચાહતાં હો, તો એને એની ભક્તિમાં ખુશ રહેવા દો. મારી સાથે તમે સારું તો નથી જ કર્યું પણ હજીય કોઈ નિર્દોષનું ભવિષ્ય બગાડો નહીં એટલે જણાવું કે, તમારી સંપત્તિનું તમે યોગ્ય જગ્યાએ દાન પણ કરી શકો. તમારા જ વારસનો મિથ્યા આગ્રહ છોડો. એના કરતાં અનાથ બાળકોને દત્તક લઈ લો ને. બહુ દુઆ લાગશે. બસ, વધારે કંઈ કહેવાની જરૂર નથી. આટલું કહીને વાત ખતમ કરજે ને ડાયવોર્સ લઈને તારી જિંદગી નવેસરથી શરૂ કરજે. મને તો આના સિવાય બીજો કોઈ રસ્તો સૂઝતો નથી. તને હમણાં કંઈ સૂઝશે પણ નહીં, છતાં મારી વાત પર શાંતિથી વિચાર કરજે ને વહેલી ફેંસલો લઈ લેજે. તારી ખુશી એમાં જ છે તે તું સમજી લે તો સારું. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત જ મને ફોન કરીને બોલાવી લેજે. જોકે, આ લોકો સમજુ છે પણ મને ખબર છે કે, આ લોકોને તો એમના પ્રેમની સામે સમજણ પણ કામ નથી આવવાની, એટલે તારે જ આ નિર્ણય લેવો પડશે.’
કાવ્યા સંજનાને દિલાસો આપવાની સાથે માનસિક રીતે પણ મજબૂત કરતી ગઈ, ને થોડા દિવસોમાં જ સંજના નવા જીવનની શરૂઆત કરવા પોતાના ઘરે પાછી ફરી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર