મારી દીકરીનું શું થશે?
ભાનુબેનની આંખો રડી રડીને લાલ થઈ ગયેલી. ચોવીસ કલાકથી સતત રડતાં રહેતાં ભાનુબેનને બધાંએ બહુ સમજાવ્યાં ને બહુ વાળવાની કોશિશ કરી પણ ભાનુબેનની આંખોએ વરસવાનું બંધ ન કર્યું. બે રાતના સતત ઉજાગરા ને થાકને લીધે બધાંને હતું કે, ભાનુબેનની આંખ લાગી જશે ને એ ઘડીક જંપી જશે પણ ભાનુબેન ફાટી આંખે દીકરી તરફ જોયા કરતાં હતાં. મારી દીકરીને આ દા’ડો જોવાનો આવ્યો? હજી એની ઉંમર જ કેટલી છે? હે ભગવાન, તને એની જરાય દયા ન આવી? હજી તો એનો દીકરો ભણવાનો બાકી ને પરણવાનોય બાકી. હવે એનું કોણ? ને કોણ એનું ધ્યાન રાખશે? વિચારોની આંધીમાં અટવાતાં ભાનુબેનની નજર રેવતી પરથી હટવાનું નામ નહોતી લેતી.
તે દિવસે સૌરવને ઓફિસેથી પાછા ફરતાં રસ્તામાં જ સિવિયર હાર્ટ એટેક આવી ગયો અને ઘરે એમ્બ્યુલન્સમાં એનો નિશ્ચેતન દેહ જ પાછો ફર્યો. ઘરમાં, પાસપડોસમાં ને સગેવહાલે બધે ખબર મળતાં જ સૌને તીવ્ર આઘાત લાગ્યો. બે ઘડી તો કોઈની અક્કલ કામ ન કરી શકી. પણ ધીરે ધીરે લોકો ભેગાં થવા માંડ્યાં અને સૌરવની અંતિમયાત્રાની તૈયારીને સજળ આંખે જોઈ રહ્યાં. રેવતી એના દીકરા સાથે, એની સાસુની નજીક નીચે મોંએ બેસી રહેલી. કોઈનાં આંસુ અટકવાનું નામ જ નહોતાં લેતાં. તોય રેવતી વચ્ચે વચ્ચે થોડી સ્વસ્થ થઈ જતી ને થાકને લીધે એને બે ઘડી ઝોકું પણ આવી જતું. આ બધું જોઈને ભાનુબહેનને વધારે દુ:ખ થયું ને દીકરીના નસીબને દોષ દેતાં માથે હાથ દઈ બેસી વિચારતાં રહ્યાં. ‘આ છોકરીનું શું થશે ?’
ભાનુબેનને આ જ મોટી ચિંતા હતી. તદ્દન નફકરી થઈને જીવતી રેવતીને ન તો પિયરમાં ક્યારેય કોઈ જવાબદારી હતી કે ન તો સાસરામાં સૌરવે કે સાસુએ કોઈ જવાબદારી સોંપેલી. આળસુ ને કામચોર રેવતી પિયરમાં તો કામથી ભાગતી તે ચાલી ગયેલું કારણ કે, કામગરી ભાભી મળેલી ને તેમાંય માના લાડપ્યારને લીધે રેવતી ક્યારેય કોઈ કામ શીખી જ નહીં. ફક્ત રેવતીના દેખાવે ને શરૂઆતના સાલસ વર્તને મોહી પડેલા સૌરવને પોતાની ભૂલ સમજાયેલી ત્યારે ઘણું મોડું થઈ ચૂકેલું. ઘરમાં ઝઘડા ન થાય એટલે એણે વધારાના નોકરચાકરની વ્યવસ્થા કરીને પુત્રનો ભાર પોતે ઉપાડી લીધેલો. એ નહોતો ઈચ્છતો કે, રેવતી સાથે દીકરો પણ આળસુ બનીને પોતાનું ભવિષ્ય બગાડે. સાસુએ પણ મન વાળી લીધેલું ને ઘરની જવાબદારી સંભાળી લીધેલી. પિયર આવતી ત્યારે રેવતીએ માના કાન ભરીને પોતાની સાસુની, ‘જબરી સાસુ’ની છાપ પાડી દીધી હતી. મા બિચારી દીકરીની ચિંતામાં દુ:ખી દુ:ખી.
જ્યારે સૌરવ એક કાબેલ મેનેજર હતો. એની કંપનીમાં સૌરવની હાજરીથી ખાસ્સો ફેર પડતો. માલિક પણ કંપનીની પ્રગતિથી ખુશ હતા ને સૌરવને સાચવી રાખવા એમણે સૌરવને બધી સગવડો છૂટથી આપેલી. કેમ ન આપે? માલિકે જ્યારે કંઈ જોવું જ ન પડતું હોય ને કંપની હરણફાળ ભરતી હોય પછી બધી ચિંતા સૌરવે જ કરવાની હોય ને? એક તરફ કામનું વધારે પડતું ભારણ અને બીજી તરફ ધ્રુવની પરીક્ષાનું ટેન્શન. સૌરવને અચાનક જ તે દિવસે છાતીમાં દુખાવો ઉપડ્યો અને કોઈ કંઈ સમજે તે પહેલાં તો સૌરવ આ દુનિયા છોડી ઉપડી ગયો અનંતની સફરે. સઘળે એક સૂનકાર–એક સન્નાટો છવાઈ ગયો. એક માળો વિંખાઈ ગયો. શાલિનીબહેન સમજુ માતા હતાં. દિલ પર પથ્થર મૂકીને એમણે વહુને અને પૌત્રને પડખામાં લઈ લીધાં.
ધ્રુવ બાપ પર ગયો હતો. શાંત, સમજુ, ઠરેલ અને કામઢો. ભણવામાં પણ અવ્વલ હતો. પપ્પાની ખૂબ નજીક હોવાને કારણે એનાથી સૌરવની દૂરી સહન નહોતી થતી. સતત સૌરવના ફોટાની સામે અન્યમનસ્ક થઈને બેસી રહેતો. પપ્પાની કેટલીય યાદોથી આટલાં વર્ષો ભરચક હતાં ને અચાનક જ હવે ખાલીપો! સતત એક અહેસાસ–મારું કોઈ નહીં. જ્યારે યાદોથી ખૂબ ગૂંગળાતો ત્યારે ધ્રુવ પોક મૂકીને રડી પડતો ને દાદીના ખોળામાં જઈ માથું મૂકી દેતો. રેવતી ત્યારે થોડી ગંભીર બનીને ધ્રુવને માથે હાથ પસવારવા જતી પણ ધ્રુવને તો હવે માની પણ ચિંતા પેઠેલી. મારી મમ્મીનું શું થશે? નથી ઘરનું કોઈ કામ આવડતું કે નથી બહારનું કોઈ કામ આવડતું. આજ સુધી પપ્પાએ બધું સંભાળ્યું ને મમ્મીને જરાય તકલીફ ન આપી પણ હવે મમ્મી શું કરશે? દાદીની તબિયત બહુ સારી નથી રહેતી ને મને તો કોઈ વાતની કંઈ જ ખબર નથી. એણે મનમાં જ વિચાર્યું કે, હવે ભણવાનું છોડીને હું કોઈ કામ જ શોધી લઉં.
જોકે એવી નોબત ન આવી. અઠવાડિયા પછી સૌરવની કંપનીના માલિક મળવા આવ્યા. થોડી વાર સૌરવની વાતો ચાલી ને જતા જતા એમણે જણાવ્યું કે, ‘સૌરવના ઉપકારના બદલામાં હું કંઈક વાળવા માગુ છું. ધ્રુવની સઘળી જવાબદારી આજથી મારી કંપની લેશે. ભણી રહ્યા પછી મારી કંપનીમાં જ એને નોકરી કરવી હશે તો મને આનંદ થશે. નહીં તો બીજી સારી નોકરી અપાવવાની મારી જવાબદારી.’ શાલિનીબહેનની આંખમાં સૌરવની યાદે ઝળઝળિયાં ચમકી રહ્યાં. રેવતીને માથે તો ભાર હતો જ નહીં પણ શાલિનીબેન અને ધ્રુવના માથેથી ભાર ઉતર્યો. ઘર ધીરે ધીરે પૂર્વવત થવાની કોશિશો કરવા માંડ્યું.
પણ ભાનુબેનને જપ નહોતો. મારી દીકરી ને મારો ધ્રુવ બિચારાં એકલાં પડી ગયાં. ત્યાં પેલી ડોસલી એ લોકોનું શું ધ્યાન રાખવાની? પોતાનામાંથી ઊંચી આવશે તો ને? એમણે એક દિવસ દીકરા આગળ દાણો દાબી જોયો, ‘આપણે રેવતી ને ધ્રુવને આપણે ત્યાં બોલાવી લઈએ? બિચારો બાપ વગરનો છોકરો કેટલો હિજરાતો હશે? ત્યાં ઘરમાં કોણ એની સાથે રમવા કે બોલવાવાળું? આપણે ત્યાં રહેશે તો ભરેલા ઘરમાં થોડું મન લાગેલું રહેશે. ને મારી જુવાનજોધ દીકરીનું ત્યાં શું ભવિષ્ય? બિચારી એકલી કેમ જિંદગી કાઢશે?’
વહુએ આટલાં વરસોમાં મા–દીકરીના બધા ખેલ જોયેલા એટલે એણે પતિને ચોખ્ખી ના પાડી. ‘રેવતીબેનનાં સાસુ બહુ જ સારાં છે. ધ્રુવની તો ચિંતા એમણે કરવાની નથી ને આટલાં વરસની સૌરવભાઈની બચત તેમ જ કંપની તરફથી પણ સારા એવા પૈસા મળવાને લીધે એમને મમ્મી ચિંતા કરે છે એવી કોઈ તકલીફ પડવાની નથી. મને કોઈ વાંધો નથી પણ શું રેવતીબેને સૌરવભાઈનાં મમ્મીને સાચવવા જોઈએ કે અહીં આવી રહેવું જોઈએ? આ ઉંમરે એમને ઘરમાં એકલાં મૂકી દેવા કેટલું યોગ્ય છે? આપણાં મમ્મી દીકરીના પ્રેમની આગળ બીજાનું કેમ નથી વિચારતાં?’
ભાનુબેનની કચકચને લગભગ વરસેક વીતી ગયું. ઘરમાંથી પોતાને મનગમતો જવાબ ન મળવાથી ખૂબ દુભાયેલાં ભાનુબેન સમયે સમયે દીકરા–વહુને અડફટમાં લઈ લેતાં. દીકરા–વહુને એની કોઈ અસર ન થતી કારણકે ધ્રુવ સાથે ને શાલિનીબેન સાથે મળીને કરેલી વાતમાં સૌએ નક્કી કરેલું કે, રેવતીએ જે કામ આજ સુધી ન કર્યું તે કામ હવે એની પાસે કરાવવું.
દીકરો આગ્રહ કરીને માને બૅકમાં ને બજારમાં લઈ જવા માંડ્યો. પપ્પાના ખાતાંઓની સઘળી જવાબદારી ધીરે ધીરે એણે મમ્મીને સોંપી દીધી. શાલિનીબેને પણ ઘરનાં નાનાં–મોટાં કામોમાં એને કુનેહથી પરોવવા માંડી. હું નહીં હોઉં ત્યારે પણ રેવતી ધ્રુવને સાચવી શકે એટલી મજબૂત તો એને બનાવવી જ પડશે. આજ સુધી સૌરવના કહેવાથી એમણે વહુને કંઈ કહ્યું નહોતું પણ હવે ધ્રુવને ખાતર અને ખુદ રેવતીને ખાતર પણ શાલિનીબેને ખુશી ખુશી આ જવાબદારી પાર પાડી. રેવતીને પણ નવા કામમાં રસ પડતાં એની પાસે શાલિનીબેનની ખોટી ફરિયાદો કરવાનું કોઈ કારણ જ ન રહ્યું.
એક દિવસ ભાનુબેન દીકરા–વહુ આગળ પોરસાઈને બોલતાં સંભળાયાં, ‘રેવતી આટલી હોશિયાર હશે તે આપણને ખબર જ નહીં. બધું કામ જાતે કરતી થઈ ગઈ. હવે તો બૅકમાં પણ એકલી જાય, ઘરની બધી જવાબદારી પણ લઈ લીધી ને હમણાં સાસુને હૉસ્પિટલમાં પણ એકલી જ લઈ ગયેલી. શાલિનીબેન તો એનાં બહુ વખાણ કરતાં હતાં. ચાલો સારું, મારે એટલી ચિંતા ઓછી થઈ.’
દીકરા–વહુના મોં પર મરકલું ફરકી ગયું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર