તું ક્યારે શીખવાની?
‘મમ્મી, વેદાંગીને રસોઈ કરતાં નથી આવડતી હં. પહેલેથી જ ચોખવટ કરી લઉં. અને હા, મને એનો કોઈ જ વાંધો નથી. અમે બન્ને નોકરી કરીએ એટલે ઓબ્વિઅસલી એ રસોઈ કેવી રીતે બનાવશે? એટલો ટાઈમ જ ક્યાં મળે ને પાછું રોજના અપડાઉનથી જ કેટલું થાકી જવાય નહીં? આપણે કોઈ કૂક રાખી લઈશું અથવા અમે ઓફિસમાં ટિફિન મંગાવી લઈશું, ઓકે? મહેરબાની કરીને તારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી સમજી ને? તું તારી લાઈફ એન્જોય કરજે.’
રન્નાને હસવું આવ્યું. આ છોકરાએ આ વાત કેટલા દિવસથી ગોખી રાખી હશે? અત્યારથી એ જેટલી વેદાંગીની અને મારી તકલીફ સમજે છે એટલી એનો બાપ સમજતો હોત તો?
રન્ના મનમાં બબડી, ‘ના, મને તો રસોઈ કરતી જ વહુ જોઈએ. પછી મારે પણ સાસુ બનવું હોય ને? તારી મા ઘરનાં બધાં કામ કરીને પણ નોકરીએ જતી જ હતી ને? ત્યારે તો ઘરમાં કોઈ કૂક પણ નહીં ને સર્વન્ટ પણ નહીં. તમને ભાઈ બહેનને મોટા કરવામાં ને તારા બાપને સાચવવામાં મેં મારાં અમૂલ્ય વરસો ખરચી કાઢ્યાં તે યાદ નથી? ત્યારે તો પૈસા બચાવવામાં ન તો કોઈ ટ્યૂશન રાખેલાં કે ન કોઈ કામવાળી રાખેલી. તારી મા જ તો હતી ચોવીસ કલાકની કામવાળી. આટલાં વરસોમાં શું શું નહીં થયું હોય? તમારી સાથે સાથે મેં પણ આટલાં વરસો મારી જાતને કસોટીએ ચડાવીને પરીક્ષાઓ જ આપી ને? ખેર, તારી મરજી. મને કોઈ વાંધો હોય તો પણ તને શો ફેર પડે છે?’ રન્નાને પોતાને જ સમજાયું નહીં કે અચાનક જ આ કડવાશ એના મનમાં ક્યાંથી આવી ગઈ?
‘મમ્મી, મેં તને કંઈ કહ્યું તે તેં સાંભળ્યું કે નહીં? કે પાછી તારી દુનિયામાં ખોવાઈ ગઈ? આ એક નવું ચાલુ થયું છે આજકાલ, તું ગમ્મે ત્યારે તારી દુનિયામાં જતી રહે ને ક્યાંય ખોવાઈ જાય! અમને લાગે કે અમારી વાત તેં સાંભળી હશે કે નહીં? ઓ મમ્મી, મેં શું કહ્યું, બોલ તો.’
‘હા ભાઈ હા, મેં તારી બધી વાત સાંભળી ને તારી બધી વાતમાં મારી હા છે બસ? હવે બીજું કંઈ કહેવું છે તારી વેદાંગી માટે? સૉરી, આપણી વેદાંગી માટે?’
‘મમ્મી, યુ આર સો સ્વીટ. યુ આર માય ડાર્લિંગ.’
‘ચાલ બસ હવે. આજે કંઈ કામ નથી?’
‘કામ તો થઈ ગયું.’ હસતા હસતા મંદાર જતો રહ્યો.
‘મારી દીકરીને રસોઈ નથી આવડતી હં કે વેવાણ. બાકી એ કોઈ કામની તમને ના નહીં પાડે કે તમને કોઈ ફરિયાદનો મોકો પણ નહીં આપે. શું છે કે, મેં જ એને વધારે ભણાવવામાં રસોડામાં જવા જ નહોતી દીધી. એની મા તો બિચારી બહુ કહેતી પણ મને એમ હતું કે રસોઈમાં શું મોટી ધાડ મારવાની? ભણે તે જ ખરું કહેવાય. એ તો જો કે હવે શીખી લેશે તમારે ત્યાં.’ રન્ના પોતાના પપ્પાની વાતોના પડઘા સાંભળી રહી. પોતાની રસોઈની અણઆવડત સાસરામાં આટલી ઉથલપાથલ મચાવશે એટલી ખબર હોત તો પોતે રોજની રસોઈ તો શીખીને જ આવત. ગમે ત્યારે કોઈનાં મહેણાં તો ન સાંભળવા પડત કે બધાંની વચ્ચે વારંવાર મોં લટકાવીને આંસુ સંતાડવા ન પડત. પતિથી પણ આ બધું સહન નહોતું થતું એટલે એકલા પડતા જ બધો ગુસ્સો મારી ઉપર કાઢી લેતા.
સાસુ તો અવારનવાર મંદિર, બજાર કે કોઈ મંડળને બહાને ઘરની બહાર નીકળી જતાં અને જાણી જોઈને રસોડાની જવાબદારી મને સોંપી જતાં. એ તો સારું કે ત્યારે જમનામાસી મદદમાં રહેતાં તે મને બધું એમણે શીખવેલું પણ ખરું અને સાસરામાં મારી લાજ પણ રાખેલી. મારી અણઆવડતના ગુસ્સામાં મેં છ જ મહિનામાં બધી રસોઈ શીખી લીધેલી અને ત્યાર પછી તો વરસો ક્યાંય સડસડાટ પસાર થઈ ગયેલાં. સાસુ ગયાં, નોકરી મળી ને તમે બન્ને સ્કૂલમાં જતાં થયાં. પપ્પાની ઓફિસનો ટાઈમ, તમારો સ્કૂલનો ટાઈમ અને મારી ઓફિસનો ટાઈમ એક સાથે દોડતો અને મને દોડાવતો. ઘણી વાર થતું, કે બસ. હવે નોકરી બોકરી બધું છોડીને ઘરમાં આરામથી બેસી જાઉં. પણ તમારા ભણતર પછી તમને ઠેકાણે પાડવામાં ને લગ્નની ચિંતામાં મારે નોકરી ચાલુ જ રાખવી પડી.
એક ફરક પડ્યો હતો. થોડાં વરસ પહેલાં મારી તબિયત બગડતાં એક કામવાળીની સગવડ થઈ હતી તે આજેય ચાલુ છે અને વાર તહેવારે બહારથી ટિફિન મંગાવવાની છૂટ મેં તારા પપ્પાની ઉપરવટ જઈને લઈ લીધી છે. હજી તો નાનીને કેવો છોકરો મળશે ને એ ક્યાં જશે કંઈ ખબર નથી. એને મેં થોડી ઘણી રસોઈ શીખવી રાખી છે, જેથી કોઈ પણ પરિસ્થિતિમાં એ ગભરાઈ ન જાય કે ભૂખી ન રહે. મેં તો ભવિષ્યની તૈયારી રાખેલી જ કે મારી વહુને રસોઈ ન આવડે તો પણ કંઈ નહીં. હું એને જરાય બબડ્યા વગર બહુ પ્રેમથી રોજની રસોઈ શીખવી દઈશ. લાગે છે કે મારી એ ઈચ્છા મનમાં જ રહી જવાની, જ્યાં તેં એના આવતાં પહેલાં જ ચેતવણી આપી દીધી. હવે હું શું બોલું? મારે તો હા જ પાડવી પડે ને?’
રન્ના હજીય એના વિચારોમાં મંદાર સાથે વાતો ચાલુ જ રાખત પણ એના નામની એકધારી બૂમોએ એને જાગ્રત કરી દીધી. આ છોકરી છે ને, એકદમ વાવાઝોડાની જેમ જ આવશે. એમ નહીં કે શાંતિથી આવે. રન્ના બારણું ખોલીને પાછી બેડરૂમમાં જતી રહી.
‘ઓહ મમ્મી, બહુ ભૂખ લાગી છે. ખાવાનું તૈયાર છે?’ સલોનીએ રસોડામાં જઈ ખાંખાખોળાં કરવા માંડ્યાં.
‘બેટા, મને તાવ આવ્યો છે ને ભાઈ અચાનક આવેલો તે જમીને ગયો એટલે સૉરી બેટા, કંઈ નથી વધ્યું. પણ તું તો સાંજે આવવાની હતી ને? ઊભી રહે કંઈ બનાવી આપું.’
‘હા મારું લેક્ચર વહેલું પતી ગયું એટલે આવી ગઈ. તું સૂઈ રહે પણ, તારું કંઈ કામ નથી. હું ઉપમા બનાવી લઉં છું. થોડો તું પણ ખાજે, સારું લાગશે. તેં કંઈ ખાધું તો નહીં જ હોય.’
કાયમ ધમાલ મચાવતી સલોની મમ્મીની માંદગીમાં એકદમ ડાહી બની જતી. રન્નાને માનસિક રીતે ઘણી રાહત લાગી. સલોનીએ ઉપમા સાથે કૉફી બનાવી અને રન્નાને દવા આપીને એની સાથે વાતે લાગી. થોડી વારમાં જ રન્ના ઘસઘસાટ ઊંઘવા માંડી.
રન્નાએ બીજા દિવસે નિશ્ચય કર્યો, મંદાર અને વેદાંગીને રજાના દિવસોમાં કંઈ નહીં તો ઉપમા બનાવતાં તો શીખવી જ દઈશ. રન્નાના મનની ઈચ્છા પૂરી થવાની હોય એમ શહેરમાં રાતથી વરસાદ બરાબરનો જામ્યો હતો. સવાર સુધીમાં તો બધે ઘુંટણ સુધીનાં પાણી ભરાઈ ગયેલાં. અચાનક જ આવેલા વરસાદે સહુને ઊંઘતાં ઝડપેલાં તે રોજની જરૂરિયાતની વસ્તુઓની જ તકલીફ પડી ગઈ. બહારથી ન તો કોઈ આવી શકે કે ન કોઈ બહાર જઈ શકે. વેદાંતી શનિ–રવિ રોકાવા આવેલી. સવારમાં જ ગરમાગરમ નાસ્તાનો સવાલ ઊભો થયો.
મંદાર વેદાંતી સાથે મમ્મી સામે ઊભો હતો.
‘મમ્મી, તારી તબિયત ઠીક છે હવે? તું બતાવે તેમ અમે કોઈ નાસ્તો બનાવી કાઢીએ?’
રન્ના અને સલોનીનાં મોં આશ્ચર્યથી ખુલ્લા રહી ગયાં!
‘ઓઓઓ...વાઆઆઉઉઉઉ!’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર