ઘરમાં આપણું સ્થાન ક્યાં?
માધવી સવારથી અવઢવમાં હતી. સાંજે ઘરમાં રહેવું કે નીરવને લઈને ફિલ્મ જોવા જતાં રહેવું? કે પછી બગીચામાં કે બજારમાં ચક્કર મારી આવવું? કંઈ સમજ નહોતી પડતી ને સમય તો વંટોળિયાની જેમ ઘરમાં ફરી વળ્યો હતો. હવે ચાર જ કલાક બાકી છે ને એ લોકોના આવવાની તૈયારી જ છે. એમ જાણે કે હમણાં સમય થઈ જશે. આ બારણે બેલ વાગી જ સમજો. શું કરું? નીરવ તો ના પાડે છે. કશે નથી જવું. બેસી રહીશું ઘરમાં. એમ કંઈ થોડાં એ લોકો આપણને કાઢી મૂકશે બધાનાં દેખતાં? આપણે અંદરના રૂમમાં બેસશું ને પેલા લોકો જાય પછી બહાર નીકળશું. એટલા બે કલાક ખાતર કંઈ ઘરની બહાર નીકળી જવાનું? ખાસ કપડાં બદલવાનાં? ભીડ ને ઘોંઘાટને અમસ્તાં જ માથા પર લાદીને આવવાનાં? અહીં ઘરમાં શું ખોટાં છીએ? આ માધવીનું બહુ ભારે નાટક છે. ‘આમ સારું લાગે ને તેમ સારું લાગે’ કરવામાં જ આખી જિંદગી કાઢી ને હવે નિરાંતે રહેવાનું છે ત્યારે પણ એના જીવને જરાય જપ નથી.
સાચે જ, માધવીના જીવને જરાય જપ નહોતો. એને તો જ્યારથી ખબર પડેલી કે, એ લોકો આવવાના ત્યારથી જ એની તો ઊંઘ હરામ થઈ ગયેલી. ભલે ને બે કલાક માટે આવે કે ચાર કલાક માટે આવે પણ એ સમયે પોતે ઘરમાં નથી રહેવું. નીરવને લઈને એ કશે બહાર જતી રહેશે. ભલે ને નીરવને ગમે કે ન ગમે તો પણ. એણે ફોન કરીને રાજનને પૂછી લીધું, ‘તમે લોકો આશરે કેટલાક વાગે આવશો? કેટલા જણ છો? નાસ્તો તૈયાર કરી રાખું ને? મિલ્ક શેકની પણ તૈયારી રાખું. પછી તો એમને જે પીવું હોય તે.’
‘ના મમ્મી, કંઈ જ તૈયાર નહીં કરતી. અમે લોકો નાસ્તો લઈને જ આવીએ છીએ. એ તો આવ્યા પછી જ નક્કી કરાશે કે એમને શું પીવું છે? તું શાંતિથી બેસ. અમારા આવ્યા પછી તો કેતુ પણ જે પીવાના હશે તે બનાવી દેશે. એમાં શું એટલું ટેન્શન લે છે? જા પપ્પા સાથે ટીવી પર ફિલ્મ જો એના કરતાં.’
માધવી કબાટમાંથી ડ્રેસ કાઢતાં વિચારે ચડી. રાજનની વાતોથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે, ઘરમાં કંઈ નાસ્તો નથી બનાવવાનો. હવે એમ પણ એ લોકોને મારા હાથનો નાસ્તો ભાવે કે નહીં, રામ જાણે. બાકી મેં તો કેટકેટલું વિચારી રાખેલું. સાબુદાણાના વડાં ને મકાઈનો ચેવડો ને ચીકૂનું મિલ્ક શેક. નાસ્તાનો નાસ્તો ને પેટ પણ ભરાઈ જાય. રાજનનો માનીતો નાસ્તો. નક્કી રાજનને પણ એમ જ થયું હશે કે, પેલા લોકોને કદાચ નહીં ભાવે ને ખરાબ દેખાય એના કરતાં બહારનો નાસ્તો જ લઈ જવો. કદાચ વહુએ પણ કહ્યું હોય, કોણ જાણે! એમ તો કેતુ બહુ જ સારી છે. અમારી સાથે સારી રીતે રહે છે ને અમને સારી રીતે રાખે પણ છે, તોય કોણ જાણે કેમ મનમાં એક ડર, એક ખટકો! કેતુને નહીં ગમે તો? કેતુ કંઈ બોલશે તો? નીરવ તો કહેતો કે, ‘આ તેં જાતે ઊભો કરેલો ડર છે. વહુ ક્યાં તને કોઈ દિવસ કંઈ કહે જ છે? અમસ્તી અમસ્તી ટેન્શનમાં રહે છે ને મને પણ શાંતિથી જીવવા નથી દેતી.’
‘તો શું કરું? આજુબાજુ જોતા નથી કે, લગભગ બધા ઘરોમાં અલો ને અલી બે જ રહે છે. એમને જોઈને આ લોકોને પણ થતું તો હશે ને કે, આપણે પણ એકલાં રહીએ? મને તો ખબર નહીં કેમ પણ માથા પર મણનો પહાડ લઈને ફરતી હોઉં એવું જ લાગે છે. તમને અહીં ગમે છે પણ મને તો અતડું અતડું જ લાગે. મનને બહુ સમજાવું છું પણ, આપણું ઘર તે આપણું ઘર. હવે પેલા લોકો આવવાનાં તે પણ જોશે કે, મા-બાપ તો સાથે જ રહે છે તો આ લોકોને પ્રાયવસી કેટલીક મળતી હશે? મારું માનો તો આજે જ ઘરે પાછાં જતાં રહીએ.’
‘શું રાજન ને કેતુ બંને તને એવું કહીને ગયાં છે કે, પેલા લોકો આવે તે પહેલાં તમે કશે બહાર ફરવા નીકળી જજો? મને તો કંઈ નથી કહ્યું એટલે તારે જવું હોય તો જા, હું તો મારા દીકરાના ઘરમાં જ રહીશ. મહેમાન આવે ત્યારે અંદરના રૂમમાં બેસીશ ને બોલાવશે તો જ બહાર જઈશ બસ? તું પણ નકામી જવાની વાત કરે છે. આપણે બેઠાં બેઠાં ફિલ્મ જોઈશું. બે કલાક તો ફટાક દઈને પૂરા થઈ જશે. ચાલ, છોડ બધી પંચાત ને એમ કર આપણે ચા પી લઈએ. હજી તો વાર છે એમના આવવાને.’
માધવી કમને ચા બનાવી બેડરૂમમાં ગઈ ને નીરવ સાથે ફિલ્મ જોવા બેઠી પણ એનું ધ્યાન તો દરવાજે ચોંટેલું. ‘એ આવ્યા કે શું?’ જેમતેમ સમય પસાર કરતાં આખરે એ ઘડી આવી જ ગઈ. માધવીના મોબાઈલ પર મેસેજ આવ્યો, ‘મમ્મી અમે નીચે ઊભા છીએ. બે મિનિટમાં આવ્યા.’ માધવી વહેલી વહેલી બારણાનું લૉક ખોલીને નીરવ પાસે આવી ગોઠવાઈ ગઈ. જરા વારમાં જ ઘરમાં થોડા અવાજો દાખલ થયા. મોટે મોટેથી હસવાના ને વાતોના અવાજો માધવીના માથામાં ઠોકાવા લાગ્યા. કેટલું મોટેથી બોલે છે બધાં? હવે બે કલાકની કેદ. એના કરતાં નિરાંતે બગીચામાં બેસતે કે નહીં? એણે નીરવ સામે જોયું. ફિલ્મના સીન પ્રમાણે એના મોંના હાવભાવ બદલાતા જોઈ માધવીએ નિસાસો નાંખ્યો, આને તો કંઈ ફરક જ નથી પડતો. કોણ જાણે કયારે સમજશે?
અચાનક રૂમનું બારણું ખૂલ્યું ને રાજન–કેતુ અંદર ધસી આવ્યાં, ‘અરે મમ્મી–પપ્પા! ચાલો ને, અહીં કેમ બેસી રહ્યાં છો? અમારા ફ્રેન્ડ્સ આવ્યા છે ખાસ તમને મળવા માટે ને તમે લોકો કેમ અંદર બેસી રહ્યાં? ચાલો વહેલાં. એ લોકો રાહ જુએ છે, જલદી ચાલો.’
‘હા બેટા, જાઓ અમે બે મિનિટમાં આવ્યાં.’ નીરવે ટીવી બંધ કરતાં માધવીને ખભે ટપલી મારી.
‘ચાલો મૅડમ, હવે તો બહાર આવશો ને? નક્કામી ક્યારની ભારમાં ફર્યા કરતી હતી તે હવે જરા હલકી થઈને બહાર આવજે. હું તો આ ચાલ્યો.’
‘હલો બેટા, કેમ છો?’ નીરવે મહેમાન સાથે હાથ મિલાવ્યા. નીરવના મજબૂત હાથની પકડથી રાજનના ફ્રેન્ડ્સ ખુશ થઈ બોલી ઉઠ્યા, ‘અંકલ, તમારો હાથ તો બહુ ભારે છે. રાજન તારા ડૅડ સ્પોર્ટ્સમૅન છે કે શું?’
‘અરે, મારા ડૅડ તો એમની કૉલેજના હીરો હતા. બધી સ્પોર્ટ્સમાં અવ્વલ ને યુનિવર્સિટી ચૅમ્પિયન. આજે પણ રોજ રેગ્યુલર કસરત ને પાંચ કિલોમીટર દોડવાનું ચાલુ જ છે. આઈ એમ પ્રાઉડ ઓફ માય ડૅડ.’
કેતુએ ઉમેરો કર્યો, ‘ડૅડ પોતાનું બધું કામ જાતે જ કરે છે. અમને કોઈને ડિસ્ટર્બ નથી કરતા ને ઉલટાના અમે ઓફિસથી આવીએ તો અમારો થાક ઊતરી જાય એવી વાતો કરીને અમને રિલેક્સ કરી દે. મને પપ્પાની ખોટ લાગી જ નથી કોઈ વાર.’ નીરવે કેતુને ચૂપ રહેવા ઈશારો કર્યો, બસ હવે, બહુ થયું.
એટલામાં માધવી નાસ્તાની ટ્રે લઈને દાખલ થઈ કે, રાજન–કેતુએ એને મીઠો ઠપકો આપતાં કહ્યું, ‘આ લોકો ખાસ તમને બંનેને મળવા આવ્યા છે. નાસ્તાની કોઈ ઉતાવળ નહોતી. ચાલ, જો તને ઓળખાણ કરાવું. આ અમારા ફ્રેન્ડ્સ છે, સૅમ–સબીના અને હૅરી–પ્રીત. અમારી સાથે જ કામ કરે છે. રોજ રોજ અમે તમારી એટલી બધી વાતો કરી છે ને કે, તમને મળવા માટે જીદ કરી ને આજે આવી જ ચડ્યાં. આ અમારી મમ્મી બહુ મોટી આર્ટિસ્ટ છે. આ ઘરમાં જેટલાં પેઈન્ટિંગ્સ છે, જેટલાં હૅન્ડ એમ્બ્રોઈડર્ડ કુશન કવર ને ટીવી કવર છે તે બધાં મમ્મીના બનાવેલાં. મમ્મીના હાથનું ખાવાનું આજે એટલા માટે તમને નહીં ચખાડ્યું, કે તમે પછી રોજ જ અહીં જ અડ્ડો ના જમાવો!’ બંને અવિરત બોલ્યા જ કરત, જો માધવી એમને અટકાવત નહીં તો.
બે કલાક એ લોકો બેઠાં એમાં ફક્ત ને ફક્ત નીરવ ને માધવીની જ વાતો થતી રહી. કેટલીય વાર હસીને ઈશારા કર્યા તોય દીકરા ને વહુને જાણે ચાનક ચડી હોય એમ માબાપની સિદ્ધિઓની ને રમૂજી પ્રસંગોની વણઝાર ઊભી કરી દીધી. નીરવ તો ત્રાંસી નજરે માધવીને જ જોયા કરતો હતો જે હલકા સ્મિતની પાછળ, ક્યારનીય આંખમાં આવેલાં હરખનાં આંસુ છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યા કરતી હતી.
આ નવા જમાનાની વહુ વિશે પોતે મનમાં કેવું કેવું વિચારી લીધેલું? સાંભળેલી વાતો ને વાંચેલી વાર્તાઓ જેવી જ વહુ હશે તો, દીકરાને હાથમાં લઈને અમને સારી રીતે નહીં રાખે, ઘરમાંથી કાઢી મૂકશે, અમારી પાસે કામ કરાવશે ને અમારી મિલ્કત પચાવી પાડશે તો? ભેજું કોરી ખાતા વિચારોનો માધવીએ વીંટો વાળી દીધો ને જાહેરાત કરી, ‘આ રવિવારે સાંજે બધાં અહીં જ જમજો. મારી વહુનો જન્મદિવસ છે.’ તાળીઓના અવાજ વચ્ચે રાજન ને કેતુ હળવેથી માધવીના ખોળામાં માથું મૂકી બેસી ગયાં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર