દીકરીનાં લગ્ન કરાવવાનો અધિકાર કોનો?

13 May, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

જે પતિ અને સાસરાવાળા તૃપ્તિને બે સંતાનોના ઉછેરમાં કોઈ મદદ નહીં કરતા હોય, કે વરસને વચલે દિવસે બાળકોની ખબર સુદ્ધાં કાઢતા ન હોય એ સાસરાવાળાને બાળકોના લગ્ન સમયે દખલઅંદાજી કરવાનો કોઈ અધિકાર નથી

તારી દીકરીને જોઈને મને પહેલો વિચાર શું આવ્યો હશે બોલ જોઉં.’

મને પણ ભગવાને દીકરી આપી હોત તો સારું એ જ ને? કે પછી, હાશ, સારું કે મને ભગવાને દીકરી નથી આપી?’

ના, બંનેમાંથી કોઈ નહીં.’

તો?’

મારો દીકરો નાનો પડે, બાકી તારી દીકરીને તો હું મારી જ વહુ બનાવીને, મારી દીકરીની ખોટ પૂરી કરું. આટલી સુંદર, હોશિયાર ને વિવેકી દીકરીએ તો મારું મન મોહી લીધું છે. ખરેખર, જેના ઘરે જશે તેનું તો ભાગ્ય ઊઘડી જશે.’

આ તો તું કહે છે ને હું પણ જાણું છું કે, સલોની કેટલી ગુણવાન છે ને વિવેકી છે. સલોની પોતે પણ પોતાની ગુણોથી અવગત છે. પણ હવે આ જ બધા ગુણો એની વિરુદ્ધ જવા માંડ્યા છે તેની મને ચિંતા છે.’

કોઈના ગુણ કોઈ દિવસ એની વિરુદ્ધમાં જાય? કેવી નાંખી દેવા જેવી વાત કરે છે? તે કોઈ દિવસ મૅટ્રિમોનિઅલ્સ નથી જોઈ ? તારી દીકરી જેવી જ વહુ તો બધાને જોઈતી હોય, ખબર છે કે નહીં?’

ભઈ હા, બધું જ જોઉં છું છેલ્લાં આઠ વરસથી ને આજે પસ્તાઉં છું. સલોનીનું રૂપ ને એની ડિગ્રી જ એની આડે આવે છે હવે. એનાં ગુણ એના દુશ્મન બની બેઠા છે.’

પ્લીઝ, કંઈ માંડીને વાત કર. આમ એકનું એક બોલીને મને ગૂંચવ નહીં. બોલ શું છે?’

તૃપ્તિ વિચારમાં પડી. ક્યાંથી માંડું? કામ્યા તો બધું જ જાણે છે. કૉલેજની દોસ્તી છે તૃપ્તિ અને કામ્યાની. સારંગ સાથેના અરેન્જ્ડ મેરેજ ને સાસરાનું સંયુક્ત જૂનવાણી કુટુંબ અને એ જ બધી કામની ને નકામી સમસ્યાઓની સાક્ષી છે કામ્યા. દરેક નાની કે મોટી વાતમાં એણે પર્સનલી રસ લઈને તૃપ્તિને સાચી સલાહ આપી જ છે. એને જણાવવાનો તો કોઈ વાંધો હોઈ જ ના શકે પણ પહેલેથી શરૂઆત કરવામાં ક્યાંક કામ્યા કંટાળવા ન માંડે. એ જ બધી વરસો જૂની વાતને ઉલેચવાનું તો એને પણ પસંદ નહોતું પણ આજે દીકરીના ભવિષ્યનો સવાલ સામે આવીને ઊભો હતો ને પોતે લાચાર–અસહાય બનીને અહીંથી ત્યાં ફંગોળાયા કરતી હતી.

કામ્યા, તું તો સારી રીતે જાણે છે કે, સારંગ કરતાં ફક્ત એક દોરો નીચી જાત હોવાને લીધે, મારા સાસરામાં હું અણમાનીતી હતી. કાયમના અમારા કૌટુંબિક ઝઘડાને કારણે સારંગ સાથે બાળકોને લઈને હું હંમેશ માટે સાસરું છોડીને, કંઈ પણ લીધા વગર મુંબઈ સેટલ થઈ ગઈ હતી. સારંગની નોકરી તો લગ્ન પછી તરત જ છૂટી ગયેલી પણ સ્વભાવે પહેલેથી જ આળસુ હોવાને કારણે એણે મારા પગાર પર ઘર ચલાવવાનું સ્વીકાર્યું ને બીજી નોકરી ક્યારેય શોધી નહીં. થોડા સમયમાં તો સાસરાવાળાની ચડામણીથી સારંગે મારી પાસે પૈસા પણ માગવા માંડ્યા. અધૂરામાં પૂરું એના ધંધા આડા થઈ ચૂક્યા હતા અને બાળકોના મન પર સંસ્કારને નામે કચરો ઠલવાઈ રહ્યો હતો. મારાથી વધુ સહન ન થતાં હું સારંગને છોડીને બાળકો સાથે દિલ્હી આવી ગઈ. અપમાનિત થયેલો સારંગ એના ઘરે જતો રહ્યો. એણે શું કર્યું આટલાં વરસોમાં, મેં કોઈ દિવસ જાણવાની કોશિશ પણ ન કરી કે ન એણે કે એનાં ઘરનાએ કોઈ દિવસ અમારી ખબર કાઢી. કેવી નવાઈ કહેવાય નહીં?

પછી તો વર્ષો સુધી મારો સારંગ કે એના પરિવાર સાથેનો સંપર્ક કપાયેલો રહ્યો. અમે ત્રણેય મા, દીકરી ને દીકરો મજેથી જિંદગી ગુજારી રહ્યાં હતાં. બંને બાળકો સારંગથી બિલકુલ વિરુદ્ધ સ્વભાવના છે. બંને મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારા પગાર સાથે મજાની જૉબ કરે છે. હવે છેલ્લાં થોડાં વરસોથી મારા સાસરેથી ફોન આવવા શરૂ થયા કે, ‘સલોનીના લગ્નનું વિચારો તો નાતમાં કરજો. નહીં તો, નાતવાળા તમને તો કંઈ નહીં કરે પણ અમને શાંતિથી જીવવા નહીં દે. કશે પણ નક્કી કરતાં પહેલાં અમને જણાવજો. આખરે સલોની સારંગની ને અમારી પણ દીકરી છે ને અમારો એના પર પણ હક છે.’ હું તો આ સાંભળતાં જ અવાક્ થઈ ગઈ. કયા સંબંધે આ લોકો સલોની પર કે અમારા પર હક જમાવે છે ? આટલાં વરસ ક્યાં હતાં?’

મને દુ:ખ તો એ વાતનું છે કે, સલોની પણ હક ને સંબંધની વાતે ગભરાતી થઈ ગઈ. અમે બંનેએ એને બહુ સમજાવી પણ માનતી નથી. એક તરફ એના ઊંચા ભણતરે, વધારે પગારવાળી નોકરીએ અને સુંદર રૂપે તો સમસ્યાઓ ઊભી કરવા જ માંડેલી ને ત્યાં સાસરાવાળાઓની આ ધમકી! બીજી તરફ એની ઉંમર હવે વધતી ચાલી. અધૂરામાં પૂરું છોકરા બાબતે એની વરણાગીથી પણ હું કંટાળી છું. હવે તો મોડાં લગ્નનો ટ્રેન્ડ છે પણ મને ડર છે કે, જો સલોની એ ઉંમર પણ પાર કરી જશે તો શું કરશું ? મને તો કંઈ સમજાતું નથી ને મારી તો રાતોની રાતો જાગવામાં ને ચિંતામાં જ પસાર થાય છે. હું જો માંદી પડીશ તો આ લોકોનું કોણ? પ્લીઝ કંઈ કર ને મને રસ્તો બતાવ.’

અચ્છા, એમ વાત છે? હું આમ ચપટીમાં તને હસતી કરી દઉં તો મને શું આપે?’

ભઈ તું માગે તે આપું, જો તું કંઈ રસ્તો બતાવે ને મને શાંતિ થતી હોય તો.’

કે. તારાં બાળકોની હાજરીમાં આપણે વાત કરશું. કબૂલ?’

ભલે. સાંજે ઘરે આવી જા. અહીં જ જમી લેજે ને જવાની ઉતાવળ નહીં કરતી.’

હા બાબા હા. સાંજે મળીએ.’

સાંજે તૃપ્તિને ત્યાં ટેરેસ ગાર્ડનમાં સલોનીના નામે મીટિંગ શરૂ થઈ. વાતનો દોર સીધો કામ્યાએ પોતાના હાથમાં લઈ લીધો. ‘તૃપ્તિ, આટલાં વરસ તમારું ઘર ચલાવવા કે તમારા દરેક ખર્ચા ઉઠાવવા કોણ આવેલું? બાળકોના ઉછેરથી માંડીને એમનાં ભણતર ને નોકરીમાં કોણે મદદ કરેલી?’

તમે પણ શું આન્ટી, જાણી જોઈને આવું પૂછો છો? અફકોર્સ મમ્મીએ જ બધું કર્યું છે ને ? એની જ મહેનતથી તો હું ને ભાઈ ભણીગણીને આજે આટલી સારી જૉબ કરીએ છીએ. બાકી, પપ્પા કે દાદાના ઘરેથી તો ક્યાં કોઈ દિવસ એક ફોન પણ આવ્યો?’

બસ બેટા, તમારા અડધા પ્રોબ્લેમનો જવાબ તો તેં જ આપી દીધો. જો આટલાં વરસો કોઈ ખબર કાઢવા ન આવ્યું–બાપ પણ નહીં તો હવે તમારી વાતમાં દખલ કરવાનો કોઈને હક નથી. તમારા વર્ષોના પ્રોબ્લેમ્સની જેમ આ પ્રોબ્લેમનો પણ મળીને રસ્તો કાઢો. કોઈ શું વિચારશે કે શું કહેશે તેની ચિંતા છોડીને મજેથી રહો. નાતજાતવાળા પણ તમને ખવડાવવા નહોતા આવ્યા. તો એ લોકોની ચિંતા કરવાવાળા તમે કોણ? બાકી તો બેટા, મારી વાત માને તો, તને યોગ્ય લાગે તેવો તને ગમતો કોઈ સારો છોકરો વહેલો શોધી લે. કાલે ક્યાંક એવું ન થાય કે, તારી ઉંમર જ તારી દુશ્મન બને ને ભણતર કે જૉબ પણ બાજુએ રહી જાય. મમ્મી હવે તારી ચિંતામાં જ માંદી રહે એવું તો તને નહીં જ ગમે ને ?’

થૅંક્સ આન્ટી. હું કાલે જ મિહિરને ઘરે લઈ વું છું. તમે પણ આવજો મારી પસંદ જોવા.’

તૃપ્તિએ કામ્યા સામે મોં મલકાવી પલક ઝપકાવી જેમાં થૅંક્સની ઝલક સ્પષ્ટ જણાતી હતી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.