ભગવાન પછી કોણ?
‘ડૉક્ટરસાહેબ છે?’
‘એ તો ઉપર એમના રૂમમાં હશે. શું કામ છે?’
‘એમણે અમને સવારે બોલાવ્યાં હતાં. આ મારી દીકરીને દાખલ કરવાની છે.’
‘એનું નામ આ પહેલાં અહીં નોંધાવ્યું છે? જૂના પેશન્ટ છો કે નવા?’
‘સિસ્ટર, તમે અહીં નવા લાગો છો. મેં તો તમને પહેલી વાર જ જોયાં. અમે તો છેલ્લા આઠ મહિનાથી અહીં આવીએ છીએ. પેલા બીજા સિસ્ટર નથી? એ અમને ઓળખે છે. એમને બોલાવો, એમને મારી દીકરી વિશે બધું ખબર છે.’
‘એ સિસ્ટર તો કલાક પછી, આઠ વાગે આવશે. હું નાઈટડ્યૂટીમાં છું. તમે તમારી ફાઈલ આપો ને.’
‘આ લો ફાઈલ, પણ હવે છેલ્લી ઘડીએ ફાઈલ જોઈને શું કરશો? ડૉક્ટરને કંઈ લાગ્યું હશે તો અમને આજે બોલાવ્યા હશે ને? તમે ડૉક્ટરને ફોન કરો ને, કે અમે આવ્યાં છીએ.’
સિસ્ટરે ફોન લગાવ્યો અને ડૉક્ટરના આદેશ મુજબ પેશન્ટને દાખલ કરવાની તૈયારી કરવા માંડી.
‘તમે થોડી વાર બેસો. રૂમ તૈયાર થાય એટલે તમને બોલાવું.’ સિસ્ટરે તો અંદર જઈ વૉર્ડબૉય સાથે કંઈક મસલત કરી ને બંને ઓપરેશન થિએટર તરફ રવાના થયાં. મા–દીકરી સિસ્ટરના બોલાવવાની રાહ જોતાં બેઠાં. એ મોબાઈલના દિવસો નહોતા, નહીં તો પળેપળની ખબર ઘરનાં ચિંતિત સભ્યોને પહોંચતી રહેત. માના જીવને ઉચાટ હતો, કે દીકરીનું શું થશે? ભગવાનની કૃપાથી બધું સમુંસૂતરું પાર તો પડશે ને? જ્યારે દીકરી નિરાંત જીવે બેઠી હતી. કોઈ ઉચાટ નહીં કે કોઈ જાતનો ગભરાટ પણ નહીં. જે થવાનું હશે તે થશે. ગભરાટ કરવામાં તો બાજી બગડી જાય ને સાથેવાળા પણ મુસીબતમાં મુકાઈ જાય. એકાદ બે વાર તો, માનો હાથ પકડી માને પણ સાંત્વના આપવાની કોશિશ કરી જોઈ, પણ માના માથે તો દીકરીના ભવિષ્યનો મણમણનો ભાર હતો. ‘હે પ્રભુ, મારી દીકરીનું રક્ષણ કરજે.’
હૉસ્પિટલ આવવા માટે તો ઘરેથી દીકરો ને વહુ પણ તૈયાર થયેલાં, પણ દીકરીએ જ ચોખ્ખી ના પાડેલી. ‘મને કોઈ જ તકલીફ નથી કે મને કોઈની જરૂર પણ નથી લાગતી. હૉસ્પિટલ અહીં નજીક જ તો છે. ટૅક્સીમાં દસ–પંદર મિનિટમાં તો પહોંચી જઈશું. વળી ડૉક્ટર પણ હોશિયાર ને હવે તો ઓળખીતા પણ થઈ ગયા છે. વળી ત્યાં બે–ચાર નર્સ પણ હોય પછી તમે ત્યાં આવીને શું કરી શકવાના? એના કરતાં ખુશખબરનો ફોન ડૉક્ટર પોતે જ કરે, પછી આવજો તમે લોકો. સાથે પપ્પાને ને ટીકુડાને પણ લઈ આવજો, બસ?’
‘બા, તમે કેમ અત્તારમાં અહીં?’ ઝાડૂ વાળવા આવેલાં બહેને, મુલાકાતીઓના રૂમમાં સવારમાં જ આવી ચડેલાં જાણીતાં લોકોને જોઈ સવાલ કર્યો. જોકે, અહીં ચોવીસ કલાક, ગમે ત્યારે પેશન્ટ ને એમનાં સગાંઓની આવજાવ એના માટે કોઈ નવી વાત નહોતી. ઝાડૂ વાળતાં વાળતાં એની અનુભવી નજર પેશન્ટ પર ફરતી હતી ત્યારે જ એની આંખો ચમકેલી. એ નજર ધોકો ખાઈ શકે એવી તો હરગીઝ નહોતી. એ છેલ્લાં પચીસ વર્ષોથી શહેરની કેટલીય મૅટરનિટી હૉસ્પિટલોમાં ઝાડૂ મારી ચૂકી હતી. જુદા જુદા પેશન્ટોની, એમનાં સગાંઓની, હૉસ્પિટલોના સ્ટાફની અને કેટલાય ડૉક્ટરોની નસેનસથી એ વાકેફ હતી. કામ ભલે એનું ઝાડૂ મારવાનું રહેતું પણ કાન અને દિમાગ તો ખુલ્લા રહેતા ને? સારા, ખરાબ, પૈસાને બદલે પેશન્ટને ભગવાન સમજનાર કે એનાથી ઊંધું સમજનાર અનેક ડૉક્ટરોને એ જાણતી હતી. સ્વાભાવિક છે કે, છેલ્લા પાંચ વરસોમાં તો આ ડૉક્ટરને એ સારી રીતે ઓળખી જ ગઈ હોય.
‘બા, તમારી દીકરીને છેલ્લા દિવસો જાય છે તે તો દેખાય છે, પણ આજે અહીં દાખલ થવાનું ડૉક્ટરે કહ્યું ’તું’?’
‘હા, કાલે અમે અહીં બતાવવા આવેલાં ને, ત્યારે ડૉક્ટરે જ કહ્યું ’તું, કે સવારે સાત વાગે આવીને દાખલ થઈ જજો. એ તો વહેલાં આવ્યાં એટલે પેલાં સિસ્ટર આળખતાં નથી, બાકી તો ક્યારનાય રૂમમાં પહોંચી ગયાં હોત.’
‘પણ બા, આના મોંઢા પરથી તો જરાય લાગતું નથી કે, આજે આની ડિલેવરી થઈ જશે. દિકરી તને દુખાવા જેવું કંઈ થાય છે?’
દીકરીએ હસી પડતાં નામાં ડોકું ધુણાવ્યું.
‘જો, હું ખોટી ના પડું બા. આ તમારી દીકરી તો હજીય અઠવાડિયું ખેંચી કાઢે એમ છે. કાલે તમે એને બતાવવા આવેલા ત્યારે સાહેબે શું કહેલું?’
‘કંઈ નહીં, ડૉક્ટરે કહેલું, કે તારીખની ઉપર આઠ દિવસ થઈ ગયા છે ને હવે વધારે રાહ જોવાય એમ નથી. રાહ જોવામાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે. એટલે તમે સવારે જ દાખલ થઈ જજો. જો નોર્મલ ડિલિવરી હશે તો તેમ કરશું, નહીં તો સિઝેરિયન કરવું પડશે. અમે પણ તારીખ લંબાવાથી બધાં ગભરાયેલાં જ હતાં, એટલે ડૉક્ટર કહે તેમ જ કરીએ ને? આવી ગયાં, હવે તો જે થાય તે.
‘ના બા, એવું નહીં. તમે તો સારી રીતે જાણો, કે અસલ આપણે તો વેણ ઉપડે ત્યારે જ સમજી જતાં ને, કે હવે સુવાવડનો ટાઈમ નજીક છે. એની મેળે કુદરતી રીતે જ જનમ થાતા ને? હશે હવે, જમાનો બદલાયો ને નવી શોધો થઈ ને ઘણી વાર છોકરું આડું હોય કે કોઈ ભારી તકલીફમાં મા–દીકરાનો જીવ હોય તો ઓપરેશન કરવું પણ પડે. પણ તમારી દીકરી જેવી હરતીફરતી ને દુખાવાની ફરિયાદ પણ ન કરતી દીકરીને જ્યારે ડૉક્ટર અપરેશનથી છોકરું લેવાનું કહે, ત્યારે તમને કંઈ અજુગતું નથી લાગતું?’
મા–દીકરી બંને વિચારમાં પડ્યાં. દીકરી અસમંજસમાં હતી પણ મા સમજી ગઈ. જોકે, સમજી જવાથી થોડું પતવાનું હતું? અહીંથી એક વાર નીકળી ગયા પછી છેક છેલ્લી ઘડીએ હવે કયા ડૉક્ટર આ કેસ હાથમાં લેશે? એણે ચિંતાથી પેલાં બહેન તરફ જોયું.
‘બા, હું સમજી ગઈ પણ તમે ચિંતા નહીં કરો. અહીંથી થોડે દૂર જ એક બીજી હૉસ્પિટલ છે. હું ત્યાં કામ કરી આવી છું ને એ ડૉક્ટરબહેન તો બહુ સારા, સમજો ને કે ભગવાનનું જ રૂપ છે. તમને ગમે ત્યારે જશો તો પણ લઈ લેશે ને સારવારની કે ખરચાનીય ચિંતા નહીં કરતાં. જાઓ બા, ભગવાન તમારું ને તમારી દીકરીનું ભલું કરે. બધું સારી રીતે પાર પડશે બા, મારો વિશ્વાસ રાખો.’
‘જે થાય તે, હવે તો દીકરીને વેણ ઉપડે ત્યારે જ દવાખાને લઈ જઈશ. બેન, તમારો આભાર માનું એટલો ઓછો. તમે તો જાણે અમારાં માટે ભગવાન બનીને જ આવ્યાં.’ ગળગળા સાદે બોલતાં મા–દીકરી સિસ્ટરની બૂમોને અવગણી હૉસ્પિટલમાંથી નીકળી ગયાં.
બરાબર દસ દિવસ પછી, એક હૉસ્પિટલમાં દીકરીને ત્યાં જોડિયા બાળકોના જન્મની ખુશી માણતાં નાનીમા, સૌને અણીના સમયે પ્રગટેલા ભગવાનની કહાણી સુણાવી રહ્યા હતાં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર