પહેલું બાળક ક્યારે તે કોણ નક્કી કરે?
‘પછી બાળક માટે શું વિચાર્યું?’
‘બાળક? કોનું બાળક?’
‘કોનું એટલે તમારું બાળક વળી. કંઈ વિચાર્યું કે નહીં? લગ્નને છ મહિના તો થઈ ગયા.’
‘અમારું બાળક ને અત્યારથી? ના હોં મમ્મી, હજી છ જ મહિના તો લગ્નને થયા ને તેમાં બાળકનો વિચાર કરીએ એટલે અત્યારથી જ બંધન ને જવાબદારી સામે ચાલીને જ નોતરવાના ને? હજી અમારી ઉંમર જ કેટલી છે? અમે બંને હજી તો પચીસ વર્ષનાં છીએ.’
‘તમે પચીસના થયા કે ત્રીસના તે મારે નથી જોવાનું. અમારા ઘરમાં તો રિવાજ જ છે કે, લગ્નના પહેલા વરસે જ ખોળો ભરાઈ જવો જોઈએ. અમે બેઠાં છીએ તમારાં છોકરાંને મોટા કરવા.’
‘મમ્મી, એ બધી વાત નથી, પણ હજી તો હું પણ ઘરમાં-સાસરામાં બરાબર ગોઠવાઈ પણ નથી ત્યાં બાળકની જવાબદારી? મને ઠીક નથી લાગતું.’
વહુ નહીં માને એવું લાગતાં રાશિની સાસુએ એ વાત બંધ કરી પણ પોતાની વાત કેવી રીતે મનાવવી તે એમને સારી રીતે આવડતું હતું. એમણે દીકરા નીલને સાંજે પોતાના રૂમમાં બોલાવ્યો.
‘જો દીકરા, તને તારી પસંદગીની છોકરી સાથે અમે લગ્ન કરાવી આપ્યા ને?’
‘હા મમ્મી, એ તો સારું જ કર્યું ને તમે લોકોએ. હું તો કાયમનો તમારો આભારી રહીશ કે, એક સારી ને ગુણિયલ છોકરીને તમે વહુ તરીકે સ્વીકારી.’
‘તો બેટા, હવે તારો વારો છે. અમારી એક જ ઈચ્છા છે તે તમે પૂરી કરો.’
‘બોલ મમ્મી, શું જોઈએ? તું માગે તે લાવી આપું. તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જાઉં.’
‘અમારે બીજું કંઈ નથી જોઈતું, ફક્ત એક બાળકની - એક પોઈતરાની ભેટ આપો બસ. અમારું જીવન સફળ. અમારી તો ફક્ત આ એક જ ઈચ્છા છે. પણ, તારી વહુને નથી ગમતું કે અત્યારે બાળક થાય. એ સત્તર બહાનાં કાઢશે, પણ એને સમજાવવાનું કામ તારું, સમજ્યો? અમારે આ વર્ષે બાળક જોઈએ એટલે જોઈએ, બીજું હું કંઈ ન જાણું. જા સમજાવ તારી વહુને.’
નીલ મમ્મીની વાત સાંભળી ચૂપ થઈ ગયો. હજી લગ્નને છ જ મહિના થયા છે ને મમ્મીને બાળક જોઈએ છે? રાશિની વાત ખોટી તો નથી. હજી અમે જ ક્યાં શાંતિથી એક-બીજાને ઓળખ્યાં છે, એકબીજા સાથે રહ્યાં છે, કે વચ્ચે બાળકનું વિચારીએ? મમ્મી પણ કયા જમાનાની વાત કરે છે? હવે તો ત્રણ કે પાંચ વર્ષ સુધી પણ બાળક ન થાય તો કોઈ ચિંતા નથી કરતું અને અમારી ઉંમર પણ ક્યાં એટલી વધારે છે કે, મમ્મી આટલી જીદ કરે છે। રાશિ સાથે વાત કરવી પડશે. મમ્મીને ના કહેવાનું કંઈક વિચારવું પડશે.
રાશિ સાથે કઈ રીતે વાત કરવી તે વિચારતા નીલે રૂમમાં પ્રવેશતાં જ રાશિ સામે જોયું. પણ રાશિ એની મસ્તીમાં ગીત ગણગણતી એના લેપટૉપ પર ઑફિસનું કામ કરતી. હાશ! ટેન્શન નથી, ચાલ મનવા, વાત કરી જ નાખ.’
‘રાશિ... શું કરે છે?’
‘બસ, કંઈ નહીં, આ જરા ઑફિસનું કામ પતાવી દઉં. ચા પીશે કે મમ્મીના હાથની પીને આવ્યો?’
ઓહ! ત્યારે રાશિને ખ્યાલ આવી ગયો કે, હું મમ્મીને મળીને આવ્યો છું!
‘ના, ચાની ઈચ્છા નથી પણ મમ્મીની વાત પર તારો વિચાર જાણવો છે.’
‘મારો પછી પહેલાં તારો વિચાર જણાવ. શું તું ઈચ્છે છે કે, એક વર્ષમાં આપણને બાળક થઈ જાય? આપણે મા-બાપ બની જઈએ? તારી ને મારી નોકરીનું શું? હજી તો નવી-નવી નોકરી છે બંનેની. ઘરના હપતા ભરવાના, લગ્નના ખર્ચા ચૂકવવાના બાકી છે ને ભવિષ્યની બચત વિશે કંઈ વિચારીશું કે, બાળક મોટું કરવાના કામે લાગી જઈશું? બાળકની કોઈ ના નથી, પણ હમણાં તો નહીં જ. મમ્મીને ચોખ્ખી ના કહી દેજે ને સારી રીતે સમજાવી દેજે કે, બાળકની જવાબદારી અમારી છે, એટલે અમારી મરજી થશે ત્યારે જ બાળક આવશે. ને હવે પછી આ વાત પર કોઈ ચર્ચા પણ નહીં કરે કે કોઈ સવાલ-જવાબ પણ નહીં કરે. આ બાબતે હું બહુ સ્પષ્ટ છું. તું સહમત છે ને મારી વાતમાં?’
‘હાસ્તો, સો ટકા સહમત, મમ્મીની ચિંતા નહીં કર. એમને હું સંભાળી લઈશ અને વખત આવ્યે એમને એક રૂપકડા બાળકની ભેટ પર ધરી દઈશ. હું જ મમ્મીને પ્રોમીસ કરીશ કે, મમ્મી અમને તમારી ભાવનાઓની કદર છે અને તમને તમારા વ્યાજ સાથે રમવા મળે એ તમારો હક પણ છે, પરંતુ હમણા તાત્કાલિક એ શક્ય નથી. આખરે મમ્મી પણ આપણા મા છે, એ આપણી અવઢવ નહીં સમજે તો બીજું કોણ સમજવાનું?’ રાશિએ નિરાંતનો શ્વાસ લીધો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર