કોની શરમ રાખવી?
માધવીએ હેતને સ્કૂલે જવા તૈયાર કરી અને પોતે તૈયાર થવા બેડરૂમમાં ગઈ. સોમ તો સવારે જ વહેલો ઓફિસ જવા નીકળી ગયેલો. અરીસા સામે કપડાં બદલતાં માધવીએ જોયું તો, ખભા પરનું ને વાંસા પરનું લાલ ચકામું સ્પષ્ટ દેખાતું હતું. એણે ખુલ્લા ગળાનું બ્લાઉઝ પાછું મૂકી દીધું. કબાટમાંથી બીજી સાડી કાઢી ને સાથે બંધ ગળાનું બ્લાઉઝ શોધી પહેરી લીધું. હાશ! હવે કંઈ દેખાતું નથી. આમેય રોજ રોજ બધું સંતાડતાં રહેવાની આદત પડી ગઈ છે. હવે તો આવા ચકામાંઓની પણ નવાઈ નથી રહી. તોય આંગળી તો એ બંને ચકામાં પર ફરી જ ગઈ ને સાથે એક સિસકારો પણ નીકળી ગયો. શરીરમાં ધીમી ધ્રુજારી ફરી વળી. આજે તો સવારમાં જ? એ વાત સાવ નાની હતી કે બહુ મોટી હતી? માધવીની આંખમાં આંસુ તગતગી રહ્યાં.
સોમને તો દર વખતે દરેક વાત મોટી જ લાગતી ને માધવીને કાયમ નાની. ખરેખર જ નાની વાત હતી. સોમ સવારે વહેલો ઓફિસ જવાનો હતો અને બાથરૂમમાં ટુવાલ નહોતો! બસ, એને તો બહાનું મળી ગયું. રસોડામાં ચા બનાવતી માધવીનો હાથ ખેંચી સોમ એને બેડરૂમમાં ઘસડી લાવ્યો અને ગુસ્સામાં ગમે તેમ બોલતાં એને બે ચાર તમાચા ઠોકી, રૂમની બહાર ધમધમ કરતો નીકળી ગયો. કબાટ સાથે ઠોકાતાં માધવીને ખભે અને વાંસે લાલ ચકામાં થઈ ગયાં. સોમ તો એનું રોજનું કામ પતાવીને ખાધા પીધા વગર ઘરની બહાર નીકળી ગયો.
એક મોટી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર સોમને ઊંચી લાઈફસ્ટાઈલ પરવડી શકે એટલો સારો પગાર હતો. તો માધવી પણ ક્યાં કમ હતી? શહેરની મોટામાં મોટી સ્કૂલની પ્રિન્સિપાલ અને હજારો વિદ્યાર્થિનીઓની પ્રિય મા. કડપ સાથે પ્રેમ રાખતી માધવી પોતાની હેત સાથે પણ એવો જ વહેવાર કરતી. સ્કૂલમાં એ હેતની મા નહોતી, પ્રિન્સિપાલ જ હતી. બસ, એના જીવનમાં કમી હતી તો સોમના પ્રેમની. સોમ તરફથી છેલ્લાં દસ વરસમાં જેટલો તિરસ્કાર અને માર મળ્યો છે ઓહ! નરક પણ આના કરતાં કદાચ સારું હશે, માધવીને થતું.
પહેલી વાર એને સોમનો પરચો મળેલો પોતાના પ્રિન્સિપાલ બનવાની ખુશીના દિવસે. સાંજે મીઠાઈનું બૉક્સ, ફૂલોના હાર અને બૂકે લઈને એ ઘરમાં પ્રવેશી. પોતાની રાહ જોઈ રહેલા સોમને હાર પહેરાવવા હસતી એની સામે જઈને ઊભી રહી, કે અણધારેલો સણસણતો તમાચો ગાલ પર પડ્યો. ‘તું તો હવે સાહેબ બની ગઈ કેમ? વાહ! હવે તો તારો પગાર પણ વધ્યો જ હશે. તું તો હવે હવામાં ઊડવાની, તો પછી મારા તો ભાવ જ કોણ પૂછશે? ખબરદાર! મારી આગળ તો તારી સાહેબગીરી બતાવતી જ નહીં કોઈ દિવસ. જા ચા બનાવી લાવ ને ગરમ નાસ્તો પણ. સવારનો ભૂખ્યો જ છું.’ પગ પછાડતો સોમ બેડરૂમમાં જતો રહ્યો. હેબતાઈ ગયેલી હેત તો બાથરૂમમાં જ ભરાઈ ગયેલી અને માધવીનું મન ચગડોળમાં ઘરરર...ઘરરર...
પ્રિન્સિપાલ બનવાની બધ્ધી ખુશી, ઉજવણી અને રોમાંચનો પરપોટો ફૂટી ગયો. માધવીને સમજાયું જ નહીં કે સોમનો પણ સારામાં સારો પગાર હોવા છતાં આ ઈર્ષા કેમ? જ્યારે સ્કૂલમાંથી ઑર્ડર આવેલો ત્યારે પણ સોમનો કોઈ રિસ્પૉન્સ જ નહોતો તે યાદ આવ્યું. ઓહ! ત્યારનું મનમાં ઝેર ઘૂંટાય છે? ધીરે ધીરે માધવીના માર ખાવાના દિવસોનો ગાળો ટૂંકો થતો આખરે રોજમાં બદલાઈ ગયો. હવે તો નાના કે મોટા કોઈ પણ બહાને સોમ જો માધવીને ગાળો ન આપે કે ધોલધપાટ ન કરે, ત્યાં સુધી એને ચેન પડતું નહીં. ઘણી વાર માધવી ચોખવટ કરવા જતી કે સમજાવવા જતી તો વધારાની ગાળો ખાવી પડતી અને એકાદ બે વધારાના લાફા તો ખરા જ. હવે માધવી ચુપચાપ માર સહન કરવાની આદત પાડી ચૂકેલી, ફક્ત ને ફક્ત હેતને ખાતર. બંધ બારણે થતી બૂમાબૂમ, મારપીટના અવાજો ને આક્રંદ હેતને મુંગી બનાવવા પૂરતાં હતાં. સોમની હાજરીમાં હેત રૂમમાં જ ભરાઈ રહેતી. સોમના જતાં જ, રડતી મમ્મીના શરીરે હાથ ફેરવીને આશ્વાસન આપવા સિવાય એનાથી બીજું કંઈ થતું નહીં. મમ્મીને વધારે દુ:ખ થાય એ સમજતી હેત ક્યારેય કોઈ વાત કાઢતી જ નહીં. આમ જ બે જિંદગી એક સાથે બરબાદ થઈ રહી હતી.
સોમને સારી રીતે ઓળખી ગયેલી માધવીએ પોતાની સિદ્ધિઓને કે ખુશીઓને પોતાના પૂરતી જ સિમિત રાખી, છતાંય પેપરમાં અવારનવાર આવતા એના કે એની સ્કૂલના ફોટા સોમને ઉશ્કેરવા પૂરતા હતા. ફોટા આવતા તે રાતે માધવીને દર્દના માર્યાં ઊંઘ ન આવતી. સતત એ જ વિચાર ઘૂમરાતો, એક વાર હેત મોટી થઈ જાય ને પરણી જાય પછી ઘર છોડીને કોઈ આશ્રમમાં જતી રહીશ. બીજી સવારે નરક છોડી એ પોતાના ઘર કમ સ્વર્ગમાં, બધા કરતાં અડધો કલાક વહેલી જ હેત સાથે પ્રવેશી જતી, તે ઠેઠ સાંજ સુધી માધવી અને હેત સ્વપ્નનગરીમાં રહેતાં. ઘેર જવાનું બન્નેને બિલકુલ મન ન થતું પણ મજબૂરી હતી સમાજનાં બંધનની. લોકો શું કહેશે?
જોકે આવી વાતો બહુ સમય સમાજથી છાની રહીન શકી. પાડોશીઓમાં, દૂધવાળાથી માંડીને કામવાળી ને કુરિયરવાળાથી માંડીને ધોબી સુધી બધાંની આંખોમાં સોમ પ્રત્યે આક્રોશ હતો. સૌને ખબર હતી અને તોય બધાં જ લાચાર હતાં! સ્કૂલમાં તો આ વાત કોઈને ખબર જ ન હોય એ કેમ બને? બધી ટીચર્સ ભેગી મળતી ત્યારે માધવીની વાત તો અચૂક ચર્ચાતી. નાની મોટી તકલીફો તો સૌનાં જીવનમાં હતી પણ આવો ત્રાસ? આવો જુલમ? દુશ્મનને પણ ના ઇચ્છે કોઈ.
એક દિવસ રિસેસમાં કેતકીએ માધવીની વાતનો ફેંસલો કરવાનો પ્રસ્તાવ બધા આગળ મૂક્યો. શરૂઆતમાં સૌ અચકાયા, પણ ધીરે ધીરે નક્કી થયું કે માધવીને કોઈ પણ હિસાબે આ ત્રાસમાંથી આપણે છોડાવવી.
‘મૅમ, અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ.’
‘હા, હા આવો. બોલો શી વાત છે?’ માધવીના સ્વરમાં હંમેશની લાગણી ડોકાઈ. બધાં સાથે જ છે, નક્કી રજા કે પિક્નિકની વાત હશે.
‘મેમ, થોડી પર્સનલ છે.’
‘કોની પર્સનલ? તમે બધાં જ તો સાથે આવ્યાં છો!’ માધવી હસી પડી.
અચકાતાં કેતકી બોલી, ‘મૅમ તમારી.’
માધવી ચમકી. એ ના કહેવા જ જતી હતી પણ બધાં સાથે જ બોલી ઊઠ્યાં, ‘મૅમ પ્લીઝ, ના નહીં કહેતાં. અમને બધી જ ખબર છે પણ હવે તમને અને હેતને વધારે દુ:ખી થતાં અમારાંથી નથી જોવાતું. કોઈ જ કારણ વગર, તમારે કોઈ જ ત્રાસ આજ પછી સહન નથી કરવાનો. હવે તો કાયદા બદલાયા છે, પોલીસની પણ મદદ મળે છે અને મૂળ વાત તો તમે કમાઓ છો. તમારે કોઈ પાસે હાથ લાંબો કરવાની પણ જરૂર નથી. અમે બધાં જ તમારી સાથે છીએ. તમે ડાઈવોર્સ લઈ લો અને શાંતિથી દીકરી સાથે રહો.’
બે ઘડી તો માધવીની આંખો છલકાતી રહી. સ્વસ્થ થતાં બોલી, ‘મને હેતની ચિંતા ના હોત તો મેં ક્યારનુંય ઘર છોડી દીધું હોત. મને સમાજની બીક છે. હું હેતનાં લગ્ન સુધી રાહ જોઈશ નહીં તો એને કોણ પરણશે? આપણી તો પાછી ગર્લ્સ સ્કૂલ. મારા છૂટા થતાં જ, બીજે જ દિવસે માબાપનો સ્કૂલ પર હલ્લો થશે, ‘જ્યાં પ્રિન્સિપાલ જ આવા હોય ત્યાં અમારી છોકરીઓ પર શું સંસ્કાર પડશે?’
‘આ બધા વિચારે હું અચકાઉં છું.’
‘મૅમ, તમે કોઈની ચિંતા ના કરો. અમે બધું વિચારીને જ આવ્યાં છીએ. કોના ઘરમાં નાની મોટી ખટપટ નથી થતી? જે વિરોધ કરવા આવશે તે બધા બહુ શાહુકાર હશે? બધી વાતો જવા દો. અમારા બધાંનો તમને દરેક બાબતે સાથ છે અને તમારી બધી લડાઈ અમે લડવા તૈયાર છીએ. પ્લીઝ, હવે તમે ના નહીં કહેતાં અને આજે જ તમે સામાન લઈને તમારા સ્કૂલના બંગલામાં વટથી રહેતાં થઈ જાઓ. આપણે કાલે નોટિસની પણ તૈયારી કરશું. બધું કાયદેસર જ કરવાનું છે. એ જાલિમને એના જુલમની સજા પણ મળવી જ જોઈએ. પ્લીઝ મૅમ હવે કોઈ વિચાર નહીં કરો.’
માધવી શું બોલે? એની જેલની સાંકળ અચાનક જ કોઈએ તોડી નાંખી હતી. મુક્તિના અહેસાસને માણતાં પહેલાં બે ઘડી તો એ અવાક્ થઈ ગઈ. આજુબાજુ ઊભેલી દરેક ટીચરનો અદૃશ્ય હાથ જાણે એના માથે ફરતો હતો. માધવીના મોં પર બહુ વરસે આઝાદીના સ્મિતની લકીરો ખેંચાઈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર