મારે જ કેમ સહન કરવાનું?
મનમાં ધારેલો જ જવાબ મળવાની ખાતરી હોવા છતાં અચકાતાં અચકાતાં કાનને સંગિનીને દબાયેલા સ્વરે પૂછ્યું, ‘બેટા, છોકરો ગમ્યો?’
‘ગમ્યો? મમ્મી, તું આને ગમ્યો કહે છે? આને કોઈ કઈ રીતે ગમાડી શકે? તે પણ જ્યારે મેરેજ માટે છોકરો જોવાનો હોય ત્યારે? લઈ આવ કોઈ છોકરી, જે આ છોકરાને પસંદ કરે. મેં પહેલાં પણ ના પાડેલી ને આજે પણ ના પાડું છું, મને આ છોકરો નથી પસંદ તો નથી પસંદ. ના પાડી દે તારી પ્રિય નણંદબાને ને તારા વરને. મારાં મેરેજ હું મારી મરજીથી કરીશ ને હવે તમે જો કોઈ છોકરો લાવશો તો પહેલાં હું પસંદ કરીશ ને તો જ તમારે હા પાડવાની. મને પૂછ્યા વગર નહીં. આને મળવાની પણ મેં ના પાડેલી ને? કેમ ગોઠવ્યું આ બધું નાટક? એ જ બધી ફની સિચ્યુએશન હાથે કરીને ઊભી કરવાની ને પછી રડવાનું! નોનસેન્સ. હવે જો કોઈને લાવશો ને તો હું ઘર છોડીને ભાગી જઈશ.’ સંગિની ગુસ્સામાં રૂમ છોડીને જતી રહી.
કાનન માથે હાથ દઈને બેસી પડી. આ દસમો છોકરો હતો. બધા એક એકથી ચડિયાતા જ આવતા હતા. માન્યું કે, સંગિની રૂપાળી નહોતી. સહેજ શ્યામ નહીં પણ ખાસ્સી કાળી જ કહેવાય એવી ને પાછી વધારે પડતી તંદુરસ્ત. સ્વભાવે હસમુખી, મળતાવડી ને ભણવામાં અવ્વલ હતી ને એને લીધે જ મહિને સરસ ઈનકમ આપતી જૉબ પણ કરતી. તેથી શું? એના માટે કોઈ રાજકુમાર તૈયાર થઈ જવાનો હતો? ના, બિલકુલ નહીં. જ્યાં આજે પણ દેખાવને જ મહત્ત્વ અપાતું હોય ત્યાં લગ્નના બજારમાં એનો ભાવ તળિયે જાય એમાં ક્યાં કોઈ નવાઈ હતી? હવે તો વૉટ્સ એપ પર એના ફોટા મોકલાતા ને કોઈ જવાબ વગર ફોનમાં જ પડી રહેતા. માબાપની ચિંતા વધતી જતી હતી જે એમને સ્વાભાવિક લાગતું ને સંગિનીને એમના સ્વભાવ પર ને એમની લાચારી પર ગુસ્સો આવતો, ‘કહેવાના જ મોડર્ન છે બાકી અસ્સલ જૂના જમાનાના જડ માબાપ છે. છોકરીને ઘરે કેમ બેસાડાય? ને અમુક ઉંમરે પરણાવી જ દેવાની ને અમે નહીં હોઈએ તો તારું કોણ? જેવા તદ્દન ફાલતુ સવાલોના ઘેરામાં પોતે તો સડે સાથે મારું પણ લોહી પી જાય.’ સંગિની નોકરી કરતી હતી તો સારું હતું નહીં તો ઘરમાં બેસીને કદાચ એ પણ માબાપની વાતોમાં આવીને ગમે તેને પરણી જાત અથવા નક્કી કોઈક પગલું ભરી બેસત.
કોઈ વાર પપ્પાની જોર જબરદસ્તી તો કોઈ વાર માના આંસુભર્યા દયામણા ચહેરાને વશ થઈને સંગિની છોકરાના ફોટા જોતી ને એકાદને મળવાની હા કહી દેતી. જોકે, બધેથી ના જ થતી ને તેની હવે તો સૌને આદત પણ પડતી જતી હતી. સગાંવહાલાં કે મિત્રો પણ હવે કશે ગોઠવાતું ન હોય એવા છોકરાઓના જ ફોટા મોકલતા. ભલા બત્રીસ વર્ષની ને પાછી કાળી છોકરીને કોણ પસંદ કરવાનું હતું? સંગિનીએ તો ધીરે ધીરે ઘરમાં રહેવાનું ને વાતચીત કરવાનું પણ ઓછું કરી નાંખેલું. એ ભલી ને એનું કામ ભલું. દિવસો એમ જ પસાર થઈ જાત પણ કાનનને આ બધા ટેન્શનમાં એક રાતે પેરેલિસિસનો એટેક આવ્યો. જોકે, તાત્કાલિક સારવારે અઠવાડિયામાં એ બેઠી તો થઈ ગઈ પણ સંગિનીનાં મનને લકવો મારી ગયો! એનાં લગ્ન પેલા છોકરા સાથે, ફોઈ ને પપ્પાએ મળીને ગોઠવી દીધાં. થોડા જ દિવસમાં સાદાઈથી લગ્ન પણ થઈ ગયાં અને સંગિની સાસરે વિદાય થઈ.
સંગિનીનો વર ભણેલો હતો, મોટી કંપનીમાં મેનેજર હતો, ઘરમાં માબાપ સિવાય બીજું કોઈ નહોતું. હા, ચાલીસ વર્ષનો હતો એટલે થોડો પેટુ હતો, માથે વાળ નહોતા ને જાડા ચશ્માંમાંથી એક આંખ ત્રાંસી દેખાતી હતી. છોકરા પક્ષે આવું બધું તો ચાલી જાય. કમાતો સારું હતો ને? સલામત ભવિષ્ય ને નાનું સુખી કુટુંબ હોય પછી બીજું શું જોઈએ? હાલમાં જોકે, કંપનીમાં મંદીને લીધે બે–ત્રણ મહિના માટે એણે ઘરમાં જ બેસવાનું હતું પણ એ તો કંપનીવાળા ફરી બોલાવી જ લેશે એવી વાતો લગ્ન વખતે જ થઈ ગયેલી. સંગિનીની સદ્ધર જૉબ હતી એટલે વાંધો નહોતો.
હા, વાંધો તો નહોતો જ પણ કોને વાંધો નહોતો? સાસરામાં કોઈને વાંધો જ નહોતો કે સંગિની જૉબ કરે. માબાપને તો માથા પરથી બોજ ઉતર્યો એટલે શાનો વાંધો હોય? સંગિનીને પોતાની જૉબનો તો શો વાંધો હોય? પોતાના પગ પર વટથી ઊભી હતી પણ એને તો આ મનમેળ વગરના લગ્ન સામે જ વાંધો હતો. વિચારેલું કે, બધું ઠીક હશે ને છોકરો ભલે દેખાવે નહીં સારો હોય પણ સ્વભાવે તો સારો જ હશે ને એનાં માબાપ પણ સંસ્કારી હશે. બધા મનોરથ એક જ પળમાં હવામાં ઊડી ગયા જ્યારે પહેલે જ દિવસે સાસુ ને સસરાએ ગિરવી રાખેલા ઘરના કાગળિયા બતાવ્યા ને સંગિનીના પગારને પોતાના હાથમાં મૂકવાની શરત રાખી. એક ભણેલીગણેલી, હોશિયાર છોકરી ફક્ત દેખાવને કારણે નરકમાં ફસાઈ ગઈ. માબાપની લાચારીનો સાસરાવાળાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો ને સંગિની સંસારચક્રમાં આંખ બંધ કરી ગોળ ગોળ ફરવા માંડી.
એક મહિનામાં તો સંગિનીના ચહેરા પરનું નૂર ગાયબ થઈ ગયું. એ જૉબ પર જઈને થોડી રાહત મેળવતી પણ સાંજે ઘરે પાછા ફરવાના વિચારે ભાંગી પડતી. પિયર જેવું તો કંઈ રહ્યું જ નહોતું. ફોન પર અમસ્તી જ વાતો થતી રહેતી ને માબાપ ખુશ થતાં કે, બેટી મજામાં છે. સંગિનીને આ ફરેબી દુનિયામાં જો એક માત્ર સહારો હતો તો તે હતો, રાશિનો. ઓફિસમાં રાશિ એની એક માત્ર ખાસ સહેલી હતી જેની સાથે એ બધી વાતો શેર કરતી. રાશિ તો રોજ એકની એક વાતો સાંભળતી ને રોજ સંગિનીને સમજાવતી.
‘સંગુ, તું આજે ને આજે ડાઈવોર્સ લઈ લે. આવી રીતે જિંદગી પૂરી કરવાનો કોઈ મતલબ નથી. તારાં માબાપને હું સમજાવીશ કે, ‘જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો ને તમે લોકો હજી દીકરીનો ભોગ લેવાની માનસિકતા રાખો છો? દીકરી તમારા પર બોજ નથી ને તમને નડતી નથી, તમે નહીં રહો ત્યારે પણ એકલી રહી શકે એટલી હોશિયાર છે તો પછી તમારી એવી તે કઈ મજબૂરી છે કે, આમ સગી દીકરીને નરકમાં સબડવા છોડી દીધી? સાસરું તો દેવામાં ડૂબેલું છે ને એ લોકો જયારે માણસાઈ નામના શબ્દને ઓળખતાં જ નથી ત્યારે એમની પાસેથી દયાની આશા કઈ રીતે રખાય?’ તું ચિંતા નહીં કર. હું કહું તેમ કર. ચાલ આજે જ આપણે ડાઈવોર્સના પેપર્સ તૈયાર કરાવી લઈએ.’
રાશિના શબ્દોએ સંગિનીમાં પ્રાણ પૂર્યા ને સાંજે સંગિનીએ સાસરાને બદલે પિયરની વાટ પકડી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર