વિધવાસહાય– બે
સવિતા સાથે વાત થયા પછી તો પ્રભા અકળાઈ ગઈ. હમણાં ને હમણાં બધી જરૂરિયાતમંદ બહેનોને ભેગી કરીને પોસ્ટઓફિસે પહોંચી જાઉં, ને પેલા કહેવાતા સાહેબ ને પોસ્ટમેનને ઉઘાડા પાડી દઉં. ‘સમજે છે શું એમના મનમાં? ગરીબોના પૈસા ખાઈને એ લોકો સુખી રહેશે? અહીં ગામડામાં કોઈને ખબર નહીં પડે એવું સમજી બેઠા છે? એ લોકોને કોઈ બોલશે નહીં એમ? અરે, એમને ક્યાં ખબર છે કે, ક્યારેક ને ક્યારેક તો આ પોલ ખૂલવાની જ છે. કોઈક તો એવું હશે જે આ ગરીબોનો હાથ પકડશે ને કહેશે, કે ‘ચાલો હવે, બિસ્તરા પોટલાં બાંધો. તમારા અહીંથી જવાના ને ખાવાના દિવસો હવે પૂરા થયા, બસ.’ જોકે, આ કામમાં ઉતાવળ કર્યે ચાલવાનું નહોતું. શાંતિથી વિચારીને રસ્તો પણ કાઢવાનો હતો અને પેલા ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવાની સાથે એમને સજા પણ કરાવવાની હતી. સજા કરવા માટે કાયદો હાથમાં લેવા કરતાં કાયદાના રખેવાળોને જ આ કેસ સોંપી દઉં તો કેમ રહે?
પ્રભાએ કલેક્ટરને કાગળ લખવાની તૈયારી કરવા માંડી. સાથે સાથે આ ગામના લાગતાવળગતા અધિકારીઓને પણ કાગળ લખી જ દઉં, એમ વિચારી એણે ગામના મામલતદારને પણ પત્ર લખવા માંડ્યો. જો પ્રજાને સહાય કરવાની સરકારની જવાબદારી છે, તો પછી એ સહાય બરાબર બધે પહોંચે છે કે નહીં, તે જોવાની પણ સરકારની જ જવાબદારી છે. જ્યારે ભ્રષ્ટાચારની પૂરેપૂરી શક્યતાને સૌ જાણતાં હોય, ત્યારે તો મદદ કરીને છૂટી જાય તે કેમ ચાલે? ભણેલાંગણેલાં લોકો અવાજ ઉઠાવી શકે પણ આવા ગરીબ, બેસહારા ને અભણ લોકોને શી ખબર પડે આવી વાતોમાં? એ લોકોને તો જે મળ્યું તે સાચું ને એમાં જ સંતોષ!
પ્રભાએ પોતાના ગામની અને બીજાં ગામની બહેનોને પણ ભેગી કરીને પૂછી લીધું અને ખાતરી કરી લીધી, કે એમના પૈસા ચાંઉ થઈ જાય છે. વખત આવ્યે અધિકારીઓ સામે હાજર રહેવાની ખાતરી પણ બધી બહેનોએ આપી. કેમ ન આપે? વરસો પછી તો એમને સાચી વાતની ખબર પડી હતી ને આજે વરસો પછી તો કોઈ એમના પક્ષે ઊભું રહેનારું મળ્યું હતું. ‘બેન, તમે જ્યારે બોલાવો ત્યારે અમે આવી જઈશું. આજ સુધી અમે કંઈ જાણતાં જ નહોતાં ને અમને કેટલા મળે છે તે પૂછવાની પણ કોઈને જરૂર નહોતી લાગી. હા, કોઈ વાર બાજુના ગામની બહેનો કહેતી કે એમને વધારે પૈસા મળે છે, ત્યારે વિચાર આવતો કે અમને કેમ ઓછા મળે છે? પણ અમારા ગામના સાહેબને પૂછવાની હિંમત ચાલતી નહીં. બેન, તમે બહુ સારું કર્યું અમને જણાવ્યું તે. અમે ચોક્કસ આવશું.’
પ્રભાને શાંતિ થઈ, કે ચાલો આ લડતમાં બધાં એની સાથે જ છે. હવે આગળ વધવામાં મોડું નથી કરવું. વ્યવસ્થિત વાત કરી શકે એવી પાંચેક બહેનોને લઈને પ્રભા તો ઉપડી મામલતદાર સાહેબને મળવા. ખરેખર તો એ લોકો પ્રજાના સેવક જ ગણાય, પણ બધાંને ટેવ પડી ગયેલી ‘સાહેબ’ બોલવાની ને એ અધિકારીઓને ‘સાહેબ’ સાંભળવાની! પ્રભાએ એમને વિગતે બધી વાત સમજાવતાં પેલો પત્ર પણ સોંપી કહ્યું, ‘આવતા અઠવાડિયે જ નવા મહિનાના પૈસા મળવાના છે. મારી વિનંતી છે, કે આપ જાતતપાસ કરીને આ વાતની ખાતરી કરો. જેટલી જલદી આ પોલ પકડાશે તેટલી જલદી આ લોકોને પૂરેપૂરી સહાય મળતી થશે. ભાઈ, તમને આ ગરીબ માતાઓની–બહેનોની દુઆ લાગશે.’
મામલતદાર પણ પોતાના વિસ્તારમાં ચાલતાં આટલા મોટા કૌભાંડથી ચોંકી ગયા. પોતાની જાત પર એમને શરમ આવી. પ્રજા પ્રત્યેની પોતાની ફરજ ચૂક્યાના દુ:ખનું વળતર આપવા એમણે આ ફરિયાદ પર તાત્કાલિક અમલ કરવાનું નક્કી કર્યું. ‘બહેન, મારી આંખ ખોલવા બદલ તમારો ઘણો જ આભાર. નાનકડા ગામમાં તો આવું બધું નહીં જ ચાલતું હોય, એવા ભ્રમમાં રહીને મેં આ બહેનોનો બહુ મોટો અપરાધ કર્યો છે, પણ હવે નહીં. હું આજે જ આ વાતની તપાસ ચાલુ કરું છું અને કૌભાંડીઓને સજા મળે એની કાર્યવાહીમાં મંડી પડું છું. તમે સૌ બેફિકર થઈને જાઓ. હવે તમારી ચિંતા મેં મારી ચિંતા સમજીને, તમારો સઘળો ભાર મારા ખભે લઈ લીધો છે. ફરી એક વાર આભાર સૌનો, અને બહુ જ થોડા દિવસોમાં તમે આ લોકોને જેલના સળિયા પાછળ જોશો એની હું તમને ખાતરી આપું છું.’
બીજી બાજુ, કલેક્ટર ઓફિસમાં પણ ફરિયાદ પહોંચતાં કલેક્ટરે આવડા મોટા કૌભાંડની તપાસ સત્વરે ચાલુ કરવા મામલતદારને આદેશ આપ્યો. તપાસનાં ચક્રો ગતિમાન થયાં અને આખરે એ દિવસ આવી પહોંચ્યો, જ્યારે ગામની જરૂરિયાતમંદ બહેનોને વિધવાસહાયના પૈસા મળવાના હતા.
પોસ્ટઓફિસમાં તો રોજની જ ચહલપહલ હતી. બધી બહેનો સવારથી પૈસાની આશામાં પોતાનું ઘરકામ પતાવીને, કે મોટા ભાગની બહેનો તો પોતાની એક દિવસની રોજી ગુમાવીને અને અમુક તો શરીરે લાચાર બહેનો જેમતેમ કરીને પણ ઓફિસના ઓટલે આવીને ગોઠવાઈ ગયેલી. ભયંકર ગરમીના દિવસો અને પીવાના પાણીની પણ કોઈ સગવડ નહીં. થોડી થોડી વારે ડોકાતી રહેતી પોસ્ટમેનની અમસ્તી જ દાદાગીરી અને મલાઈ મળવાની ખુશી કોઈથી અજાણ નહોતી પણ તે દિવસ જ અલગ હતો! અંદરખાને બધી બહેનો પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશામાં, કોઈ ચમત્કાર થવાની રાહમાં ઘડી ઘડી રસ્તા પર નજરો દોડાવતી હતી.
આખરે મલાઈ ખાવાની શરૂઆતના ભાગ રૂપે પોસ્ટમેને વારાફરતી બધી બહેનોના નામ બોલવા માંડ્યા, અને બધાંની પાસબુકમાં અંગૂઠા મરાવી પૈસાની વહેંચણી કરવા માંડી. આ તો વહેંચણી ક્યાં હતી? કોઈના ભાગ્યમાંથી સેરવી લીધેલી કટકી હતી, ચોરી હતી ને પોતાના ભાગીદારો સાથે અરસપરસની સમજૂતી હતી. કોઈના હક પર તરાપ હતી ને એકબીજાના પાપમાં ભાગીદારી હતી. લગભગ પંદર–વીસ બહેનોને પૈસા વહેંચાયા બાદ, ખુદ મામલતદાર એમની સાથે ગામના પોલીસ અધિકારીને લઈને પોસ્ટઓફિસમાં દાખલ થયા. એક ઘડી તો પોસ્ટમાસ્ટર અને ઓફિસના કર્મચારીઓના દિલના ધબકારા અટકી ગયા, પણ બંને અધિકારીઓના હાવભાવ જોઈને સૌને થોડી રાહત થઈ. ‘બહુ દિવસે બધી ઓફિસોની મુલાકાત લેવાનું શરૂ કર્યું હોવાથી, સાહેબ સાથે અમે બધે રાઉન્ડ પર નીકળ્યા છીએ. કેમ ચાલે છે કામકાજ? કોઈ તકલીફ નથી ને?’
‘ના, ના સાહેબ. બધું બરાબર છે ને ગામના લોકોનો સહકાર પણ સારો છે.’ પોસ્ટમાસ્ટરે વેવલા થતાં કહ્યું.
‘આ બધી બહેનો કેમ ભેગી થઈ છે? કોઈ પ્રોબ્લેમ છે?’
‘ના સાહેબ, કોઈ પ્રોબ્લેમ નથી. સરકાર તરફથી દર મહિને વિધવા સહાય મળે છે, તે લેવા બધી બહેનો આવી છે.’
‘દર મહિને કેટલા મળે છે?’ મામલતદારે અજાણ બનતાં પૂછયું.
‘સાહેબ, દરેકને હજાર રૂપિયા મળે છે. એમાં જો કોઈને એમના છોકરા સાચવતા હોય તો થોડા ઓછા મળે.’
‘દરેકને પૂરા પૈસા એક જ સમયે મળી રહે છે કે હપ્તેથી અપાય છે?’
‘સાહેબ, દર મહિને એક જ દિવસે બધાને હજાર રૂપિયા મળી જ જાય.’
‘લાવો તમારા ચોપડા બતાવો જોઉં અને બહેનો, જેમને પૈસા મળ્યા તે સૌ અંદર આવો.’
છેલ્લું વાક્ય સાંભળતાં જ, પોસ્ટમાસ્ટર સહિત ઓફિસના સઘળા કર્મચારીઓના ચહેરાનો રંગ ઊડી ગયો. બધી બહેનોને જ્યાં આવડા મોટા સરકારી અધિકારીનો જ સાથ મળ્યો હોય, તો પછી પોસ્ટમાસ્ટરની પોલ ઉઘાડવામાં કોની બીક લાગવાની? સૌએ મામલતદાર સમક્ષ આટલા મહિનાના બધા ગોટાળા ઉઘાડા પાડી દીધા. મામલતદાર ને પોલીસ અધિકારી માટે ચા–નાસ્તાનું મનમાં વિચારી રહેલા પોસ્ટમાસ્ટરની મલાઈની આખી તપેલી જ ઊંધી વળી ગઈ.
થોડા હજારની લાલચમાં કૌભાંડીઓની કાયમ માટે નોકરી ગઈ, હજારોનો દંડ થયો, બદનામી થઈ અને અમુક વરસ જેલની સજા થઈ તે નફામાં. આ સજા તો આટલા મહિનાનો નફો જ ગણાય ને? પ્રભાના હિંમતભરેલા એક જ પગલાએ, અનેક બહેનોના ચહેરા પર સંતોષ ને ખુશીના ભાવ લાવવાની સાથે જ, એમના દિલોમાં અન્યાય સામે લડવાની પ્રેરણાનું બીજ પણ રોપી દીધું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર