વિધવાસહાય

24 Aug, 2016
12:00 AM

કલ્પના દેસાઈ

PC: khabarchhe.com

બેન બધું કામ પતી ગયું છે, હું જરા પોસ્ટઓફિસમાં જઈ આવું.’

કેમ, તારો ફોન ક્યાં ગયો? બગડી ગયો? ને પોસ્ટઓફિસમાં શું કામ પડ્યું? કોઈનો કાગળ આવવાનો છે? તારો વળી કોનો કાગળ આવવાનો?’ સવિતાની સામે પ્રભાના સવાલો ચાલુ થઈ ગયા.

ના બેન, કાગળ તો કોનો આવવાનો? ને મને ક્યાં વાંચતાં આવડે છે? વર હતો, તે તો મને છોડીને આજે દસ વરસથી ઉપર જતો રહ્યો છે ને એક છોકરી છે તેના ફોન આવ્યા કરે છે. આ તો સરકારે વિધવાસહાય ચાલુ કરી છે, તે લેવા જાઉં છું.’

એમ? બહુ સરસ. તે કેટલા રૂપિયા આપે છે સરકાર તને?’

પહેલાં પાંચસો આપતા તે હવે કંઈ આઠસો કર્યા છે. બેન, હમણાં આવું. બધું કામ પતી ગયું છે.’

વાહ! કહેવું પડે. એમ તો સરકાર ગરીબ વિધવાઓને સહાય કરે છે ખરી. ચાલો, આઠસો તો આઠસો. સવિતાને મન તો આઠસો એટલેય બહુ મોટી રકમ. આમેય પગાર મળે ને ખાવાપીવાની ફિકર નહીં, એટલે એમાંથી તો એ પાછી અડધા પૈસા બેંકમાં મૂકે ને બાકીના જરૂર પડે તો સાચવીને વાપરે. એની દીકરી તો એના ઘરે સુખી છે એટલી સવિતાને નિરાંત છે. આવી સરકારી સહાય તો એકલી રહેતી આવી સ્ત્રીઓને ઘણી કામ લાગે. એ લોકોમાં પણ છોકરાઓ દૂર મજૂરીએ કે નોકરીએ ગયા હોય અથવા કોઈ જ ન હોય તો સરકાર માબાપની ગરજ સારે છે ખરી. પ્રભાને તો એ જાણીને જ નવાઈ લાગી, કે સરકાર આ લોકો માટે કેટલું કામ કરે છે! કાયમની મફત તબીબી સારવાર તો ખરી જ પણ તે સિવાય, જાતજાતના કાર્ડ આપેલા એટલે મોટી માંદગીમાં કે ઓપરેશનમાં પણ સરકારી સહાય મળી રહે એવી અમુક ચોક્કસ રકમની વાર્ષિક મદદ મળે. હૉસ્પિટલમાં મફત રહેવાનું અને સાથે એક જણના રહેવાની પણ સગવડ. પ્રભા આગળ સવિતાએ જ્યારે લાંબું લિસ્ટ ગણાવ્યું ત્યારે પ્રભાને પણ થયું કે, ગરીબોના બેલી છે ખરા.

પ્રભાએ સવિતા પાસે કુતૂહલવશ, પૈસા જમા થાય તેની પાસબુક જોવા માગી. પાસબુક જોતાં જ એની નજર ખોલેલા પાના પર જ સ્થિર થઈ ગઈ. એણે ઝડપથી બધા પાનાં આગળપાછળ ફેરવીને જોઈ લીધાં. છેલ્લા બે વરસથી, દર મહિને હજાર રૂપિયા મળ્યાની પહોંચમાં સવિતાના અંગૂઠાનાં નિશાન હતાં! સવિતા તો દર મહિને આઠસો મળે એમ કહેતી હતી! એનો મતલબ કે...હંઅઅ, આ પોસ્ટઓફિસવાળાની ચાલ! ગરીબ ને અભણ સ્ત્રીઓને છેતરીને દર મહિને બસો રૂપિયા પોતાના ખાતામાં વહેંચી લેવાનું કૌભાંડ ચાલે છે! વાહ, કહેવું પડે.

સવિતા, દર મહિને પોસ્ટઓફિસમાં આપણા ગામની, કેટલી બહેનો તારી સાથે પૈસા લેવા આવે છે?’

બહુ આવે બેન.’

હા, પણ આશરે કેટલીક આવતી હશે?’

નહીં નહીં તોય, પાંચસો–સાતસો હશે.’

હેં! શું વાત કરે છે? ને આજુબાજુના ગામડાંની કેટલી બહેનો આવે?’

એ લોકો પહેલાં આવતી હતી પણ હવે દરેક ગામની પોસ્ટઓફિસમાં જે તે ગામના લોકોને પૈસા મળી જાય એટલે એ લોકો નથી આવતી. બેન, પણ એ બધા ગામના ટપાલી ને ઓફિસના સાહેબ મળીને, અડધા મહિના તો કોઈને પૈસા જ નથી આપતા ને આપે તો પણ અડધા જ આપે છે. મને બજારમાં બે ત્રણ બેન મળેલી ને તે કહેતી હતી. આપણે ત્યાં સારુ છે કે, તાલુકો છે ને, એટલે પૂરા પૈસા આપતા છે.’

સવિતા, તને ખબર નથી ત્યારે. તમને લોકોને પણ પૂરા પૈસા ક્યાં મળે છે? તમારામાં કોઈ ભણેલું નથી? ચોપડીમાં જુઓ તો ખરાં કે, કેટલા મળ્યા? બધાં જ અંગૂઠાવાળા છે?’

ના બેન, બે ત્રણ જણ છે એ લોકોને કંઈ હજાર આપતા છે. અમને કહે કે, તમે ભણેલા નથી એટલે આઠસો મળે.’

પહેલાં પાંચસો પૂરા મળતા હતા? કે બસો–ત્રણસો?’

કોઈ વાર ત્રણસો ને કોઈ વાર ચારસો. અમને બીજા ગામથી ખબર પડેલી કે, કોઈ કોઈ ગામમાં તો એટલા પણ નહોતા આપ્યા ને કોઈ ગામમાં પૂરા આપેલા.’

સારું જા. અરે, ઊભી રહે. બૅંકમાં પૈસા જમા કરાવવા જાય તો કોઈ કંઈ માગે છે?’

હા, પેલો પ્યૂન છે તે સાહેબને આપવા પડે, કહીને બધા પાસે પચાસ રૂપિયા લઈ લે છે.’

હંમ, ભલે. તારે જવું હોય તો જા.’

પ્રભાનું મગજ ચકરાવે ચડ્યું. ભ્રષ્ટાચાર ને કૌભાંડ ક્યાં નથી? પોતે તો આટલાં વરસ ખોટા ભ્રમમાં જ રહી ને, કે ગામડાં તો હજીય ગોકુળિયા ગામડાં જ છે. ને ગામડાંનાં લોકો તો ભોળાં ને નિર્દોષ ને ફલાણું ને ઢીકણું. ઓહ! બહારની દુનિયામાં ફેલાયેલા મોટા મોટા કૌભાંડોની વાતો પર જીવ બાળવા કરતાં ને કૌભાંડીઓની ચર્ચા કરવામાં કે એમને ભાંડવામાં ટાઈમ બગાડવા કરતાં, આસપાસ ફેલાયેલાં જાળાંને જ પહેલાં દૂર કરવા જેવાં છે. તો જ બહારની દુનિયા કંઈક ચોખ્ખી નજરે પડશે. ગામડાંની આ પ્રજા તો આજે પણ ભોળી જ છે. બદમાશ છે અહીંના જ થઈને અહીં નોકરી કરવાવાળા ને બહારગામથી આવેલા કેટલાક, હરામનું ખાવાની દાનતવાળા. ખાધું તો પણ કોનું? અભણ ગરીબોનું? જેમને નથી અક્કલ, કે નથી જેમનો અવાજ.

હવે શું કરું? મારે શું કરવું જોઈએ? બધી બહેનોને ભેગી કરું? એમની પાસેથી એમની વાતો જાણું ને એમની સલાહ લઉં? જોકે, એ બિચારીઓ મને શું સલાહ આપવાની? જેમનો કોઈ અવાજ જ નથી કે જેમને સાચા–ખોટાનું કંઈ ભાન જ નથી, એમને શું ખબર કે અન્યાય સામે અવાજ ઉઠાવવો એટલે શું? એમને તો મજૂરી સિવાયના આ પૈસા વધારાના જ લાગતા હશે ને? એટલે જે મળે તેમાં જ ખુશ રહેતી હશે ને? ધારો કે, બધી એક થાય તો પણ પોસ્ટઓફિસના સ્ટાફના ધાકને લીધે કોઈ કંઈ બોલશે જ નહીં. અને બૅંક? બૅંકની સામે કોણ ઊભું થશે? શું ખબર, કે પ્યુનના નામે સાહેબને જ પૈસા પહોંચતાં નહીં હોય? દર મહિને પચાસથી માંડીને બસો ત્રણસો સુધીની કટકી એક જણ પાસેથી મળે અને એવી ચાર પાંચ હજાર બહેનોના પૈસા ભેગા થાય તો, ઓહોહો! પ્રભાના મગજની નસો તંગ થવા લાગી. દેશનો ભ્રષ્ટાચાર જેને દૂર કરવો હશે તે કરશે. હું મારાથી જ શરૂઆત કરું. જો આજે નહીં બોલું, તો મારાથી ક્યારેય નહીં બોલાય.

પ્રભાએ જિલ્લા કલેક્ટરને કાગળ લખવાની તૈયારી કરવા માંડી.

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.