મારી મા બનશો?
છનો એલાર્મ વાગતાં જ કામ્યા ઝબકીને બેઠી થઈ ગઈ. ઓહ! રુચિરને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો. ઉતાવળમાં જમીન પર પગ મૂકતાની સાથે જ એના મોંમાંથી હળવી ચીસ નીકળી ગઈ. રોજ તો એ પગને થોડા સ્ટ્રેચ કરતી ને સૂતાં સૂતાં જ ગોળ ગોળ ફેરવીને થોડી હળવી થયા પછી જ પથારીનો ત્યાગ કરતી. પણ આજે મોડું થઈ જશેની હડબડાહટમાં એનાથી પગ જમીન પર મૂકાઈ ગયા ને પગની નસ ખેંચાતાં ચીસ નીકળી ગઈ. રુચિર સામો ઊભો હોત તો તરત જ મને પાછી પથારીમાં સૂવડાવીને મારા પગનાં આંગળાં ખેંચી આપત ને પગ પણ સરસ દાબી આપત. હવે એ બધી આશા નહીં રાખવાની. કામ્યાથી નિ:સાસો નંખાઈ ગયો.
એ જલદીથી રસોડામાં ગઈ ને એણે ગૅસ પર બે તપેલી ચડાવી દીધી. એક મા–દીકરાની સ્પેશિયલ ચાની ને બીજી ગરમ પાણીની. ગરમ પાણી પીવાની ટેવ એણે જ રુચિરને જબરદસ્તી પાડેલી. સવારમાં ગરમ પાણી પીધું હોય તો શરદી–ઉધરસને નજીક આવવાનો ચાન્સ ઓછો મળે એ વાત રુચિરને સમજાવતાં તો કામ્યાને નાકે દમ આવેલો. ચેતન ઊઠે તે પહેલાં તો મા–દીકરાનો નાસ્તો પણ પતી જતો. વર્ષોના આ નિયમમાં આજે પહેલી વાર ભંગ પડ્યો હતો, સિવાય કે બેમાંથી કોઈ બહારગામ ગયું હોય. ચેતન તો ઘણી વાર કામ્યાની મશ્કરી કરતો, ‘જો જો બહેન, તમારા દીકરાને થોડો છૂટો પણ મૂકતાં રહેજો, નહીં તો પેલી આવશે ને ત્યારે બહુ આકરું લાગશે. પછી મારી આગળ રડતાં નહીં આવતાં કે, દીકરો વહુનો થઈ ગયો કે વહુઘેલો થઈ ગયો, સમજ્યાં ?’
‘તે મારો દીકરો કંઈ માવડિયો નથી સમજ્યા ને? કાલ સવારથી તમે એની ચા મૂકો ને એને સાથે બેસાડો, મારે શું? એક જ તો દીકરો છે. બે ઘડી સાથે બેસીએ તેમાં તમને શેનું પેટમાં દુ:ખે છે? એક વાર પેલી આવશે ને, પછી એને કોઈના માટે ટાઈમ નહીં મળે તે જોઈ લેજો. હવે વધારે અદેખાઈ કરવાની રહેવા દો ને અમને શાંતિથી રહેવા દો.’ ચેતન હસતા હસતા ચૂપ થઈ જતો પણ મનમાં કામ્યાની લાગણીને એ સારી પેઠે સમજતો. એકના એક દીકરાને કામ્યા જરા વધુ પડતાં જ લાડ કરતી હતી. એ તો સારું કે, રુચિર સમજણો ને ઠરેલ હતો બાકી, આવા દીકરાઓને માવડિયા કે વંઠેલ બની જતાં ક્યાં વાર લાગે? કાલ ઊઠીને વહુ આવશે ત્યારે બહુ આકરું લાગવાનું છે. ચેતન ભાવિને નજર સામે જોઈને ચિંતીત હતો. હવેથી કામ્યાને બહુ કાળજી રાખીને રુચિરથી દૂર રહેતાં શીખવવું પડશે. નહીં તો, આવનારી તો દુ:ખી થશે જ પણ શાંત સંસારમાં રોજના લોહીઉકાળા થશે.
નાનપણમાં રુચિરને ખોળામાંથી ઉતારવાનો સમય થતાં તરત જ કામ્યાએ એની આંગળી પકડી લીધેલી. ને આંગળી છોડવાનો સમય આવતાં જ એને નજરથી બાંધી રાખેલો! ઘરમાં હોય ત્યારે તો કામ્યા સતત રુચિરની પ્રદક્ષિણા જ કર્યા કરતી. ‘આ લે તારી ચા. નાસ્તો બનાવું કે નાહીને કરશે? આ તારા ચોપડા. પેન, મોબાઈલ ને રૂમાલ પણ સાથે જ મૂક્યાં છે. તારા બૂટમાંના મોજાં મેં બદલી નાંખ્યાં છે હં, ધોવા નહીં નાંખતો. શર્ટ પણ કાઢી રાખ્યું છે ને પૅંટ હવે આજનો દિવસ પહેરીને કાલે ધોવા નાંખી દેજે. આજે કેટલા વાગ્યે છૂટશે? હું બજાર જવાની છું એટલે વહેલો આવવાનો હોય તો મને ફોન કરી દેજે. હું પછી જઈ આવીશ.’
કૉલેજ અને પછી નોકરીના સમયે સતત સંપર્ક ને સતત સવાલો ને સલાહોથી રુચિર ઘણી વાર અકળાતો, કંટાળતો ને ફોન મૂકી દેતો. પાંચ મિનિટમાં જ પપ્પાનો ફોન આવતો ને મમ્મીના રૂદન આગળ બાપ–દીકરા હાર માની લેતા. ચેતને બહુ કાળજીથી રુચિરના મગજમાં એ વાત નાંખેલી કે, સમયે સમયે આપણા સાથી બદલાતા રહે છે. મા-બાપથી શરૂ થયેલી દોસ્તીની સફરમાં સ્કૂલના મિત્રો આવે, કૉલેજના મિત્રો આવે, નોકરી–ધંધાને લગતા મિત્રો મળે ને તે સિવાય આસપાસથી પણ જાણ્યે અજાણ્યે આપણને કેટલાય મિત્રો મળતા રહે તેવા છૂટા પણ પડતા રહે. આ દોસ્તીના હરખ કે શોકમાં પડ્યા વગર જે મળ્યું ને માણ્યું તેનો ઉત્સવ કરવો ને જે ગયું કે છૂટ્યું તેનો શોક ન કરવો. કાયમ સાથ આપનારાં કુટુંબના સભ્યોને સાચવી રાખવા બનતો પ્રયત્ન કરવો પણ આપણી સાથે એ લોકો કાયમ બંધાયેલા જ રહેવા જોઈએ કે આપણા તાબામાં જ રહેવા જોઈએ એવો આગ્રહ ન રાખવો. આડકતરી રીતે ચેતન રુચિરને સમજાવવા મથતો કે, તારી પત્નીના આવવા પહેલાં તારી મા ને તારી પત્નીના સંબંધમાં કોઈ કડવાશ ઊભી ન થાય તેની માનસિક તૈયારી કરવા માંડજે.
રુચિરે ધીરે ધીરે પોતાની વસ્તુઓ જાતે જ તૈયાર કરવા માંડી પણ કામ્યાની નજર બહાર એ કેટલા દિવસ રહે? ‘જા, તું તારું કામ કર. એ બધું તારું કામ નથી. હું મૂકું છું ને રોજ? મને તો તું તદ્દન નવરી કરી નાંખવાનો.’
‘મમ્મી, હવે હું નાનો નથી. બહારનાં કોઈ જોશે તો મારી મશ્કરી કરશે.’
‘બહારનાં કોણ? તારી સગી આવશે તે ને? મને બધી ખબર છે, બહારનું કોણ છે તે. લે મૂકી દીધું, બસ? હવે બહુ મોટો થઈ ગયો ને હવે તો વહુ આવવાની એટલે માની શું જરૂર? મને બધી ખબર છે. કંઈ નહીં, હું તો એકલી રહેવા ટેવાયેલી છું. મારે કોઈની જરૂર નથી.’ ત્રાગું કરીને રડતી રડતી કામ્યા રૂમમાં જતી રહી. રુચિર માથે હાથ દઈ બેસી પડ્યો. મા અમારી સાથે આટલું ત્રાગું કરે છે તો સારાહ આવશે ત્યારે શું થશે? રુચિરને થયું કે સારાહને ના કહી દઉં. મા તો કોઈ રીતે માનશે નહીં. ઉલટાની એની સ્નેહગાંઠ તો વધુ ને વધુ મજબૂત થતી જાય છે. એની આંખ ઉપર મારા પ્રેમના પડદા કરતાં વહુના ડરનો પડદો આવી ગયો છે. હવે શું કરું? આ બધી વાત તો સારાહને કહેતાં પણ રુચિરને સંકોચ થતો હતો.
ચેતને સારાહને જોઈ હતી ને એની સાથેની વાતોમાં એને સંતોષ પણ થયો હતો કે સારાહ જ અમારા ઘર માટે, રુચિર માટે ને ખાસ તો કામ્યા માટે યોગ્ય છે. ચેતને એક દિવસ સારાહને કામ્યાને મળવા આમંત્રણ આપ્યું. ને સારાહે પહેલી વાર સાસરે પગ મૂક્યો. કામ્યાને એક નજરમાં જ સારાહ ગમી ગઈ પણ પેલો ડર એના મનમાં ક્યારે આવીને ગોઠવાઈ ગયો તે એને જ ના સમજાયું. વાતવાતમાં બે ત્રણ વખત એનાથી બોલાઈ ગયું કે, ‘રુચિર વગર તો મને એક ઘડી ન ચાલે. રુચિરને મારા હાથનું આ બહુ ભાવે ને પેલું બહુ ભાવે. રુચિર કોઈ દિવસ મને કહ્યા વગર કશે ન જાય ને રુચિર આમ ને રુચિર તેમ...’ જેવી ઘણી બધી વાતો સાંભળતાં સારાહ મનમાં મલકતી રહી. બીજી બાજુ, ચિંતન ને રુચિર મનમાં ફફડતા રહ્યા કે સારાહ હમણાં રડી પડશે અથવા નારાજ થઈ જશે.
કામ્યાની વાત પૂરી થતાં સારાહ કામ્યાની નજીક જઈને બેઠી. કામ્યાનો હાથ હાથમાં લઈ બોલી, ‘તમને મમ્મી કહી શકું ?’
સારાહે આટલું બોલીને પચાસ ટકા મેદાન તો ત્યાં જ મારી લીધું. કામ્યાએ સારાહને હા કહેતાં એનો હાથ પસવાર્યો.
‘મમ્મી, તમે બિલકુલ ચિંતા ના કરશો. રુચિર તમારો જ છે ને તમારો જ રહેશે. મને ફક્ત એટલું જ કહેજો કે, હું તમારા પ્રેમમાં રુચિરની ભાગીદાર બની શકું? શું મને પણ તમારો એટલો જ પ્રેમ મળશે, જેટલો તમે રુચિરને આપો છો? તમારી દીકરી નથી તો તમે મને દીકરી નહીં ગણો?’
કામ્યા તો પહેલી વાર થયેલા આવા લાગણીના હુમલાને ખાળી ન શકી ને સારાહને પડખામાં લઈ આંખમાં ધસી આવેલા પૂરને ખાળતાં બોલી, ‘તું આજથી મારી દીકરી બસ?’
ચિંતને ને રુચિરે નિરાંતનો શ્વાસ લીધો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર