તું ડૉક્ટરને ત્યાં જવાની? (ભાગ બે)
ફરીદાની બગડતી જતી તબિયતને લઈને સલીમની ચિંતા વધી ગઈ. કાકીના ધાકને લઈને ફરીદા શહેર જવાનું ટાળતી હતી પણ એમ કોઈના ધાકે કોઈનો જીવ જાય તે સલીમને મંજૂર નહોતું. ને એ કોઈ કોણ હતી? પોતાની વહાલસોઈ પત્ની જ તો હતી. એણે પોતાનાં ઘરનાંને સમજાવી લીધા અને ફરીદાને લઈને શહેર જવાની તૈયારી કરવા માંડી. એમ પણ પોતાના ઘરમાં બહારનાંની દખલ સલીમને પહેલેથી જ કઠતી. એણે ફરીદાને સમજાવી, ‘પહેલાં નજીકના શહેરમાં જઈને તપાસ તો કરાવીએ, પછી કહેશે તો મોટા શહેરમાં જઈશું પણ તારે આમ હેરાન નથી થવાનું. કાકીની ચિંતા છોડ. હું એમને જવાબ આપીશ.’ ગામના ડૉક્ટરને બતાવવાનું ટાળી સલીમ, ફરીદા સાથે પહોંચી ગયો શહેરના જાણીતા ડૉક્ટરને ત્યાં. ફરીદા બને ત્યાં સુધી પોતાની તકલીફનો બીજાને અણસાર પણ ન આવે એનું ધ્યાન રાખતી, છતાંય એના દૈનિક કાર્યોની ઘટેલી ઝડપ ને ઊંડા શ્વાસ લેવાની નિષ્ફળ કોશિશો આખરે ક્યાં સુધી સલીમથી છૂપી રહેતી? ચિંતા, દુ:ખ ને લાચારીના ગુસ્સા પર કાબૂ રાખી સલીમે સ્વસ્થતા ધારણ કરીને ફરીદાને સારી કરવાને જ લક્ષ્ય બનાવ્યું.
ફરીદાને પિયરથી પૈસાની મદદની કોઈ ઉમ્મીદ નહોતી અને સલીમના પૈસા પોતાની પાછળ ખર્ચાય તેનું ભારે દુ:ખ હતું. જોકે હવે સલીમ એની કોઈ વાત સાંભળવાનો નહોતો. ડૉક્ટરે બધી વિગત જાણી ને ફરીદાને તપાસીને તાત્કાલિક ઓપરેશન કરીને ગાંઠ કાઢવી પડશે એમ જણાવ્યું. ગળા પરની ગાંઠ હતી, કૅન્સર હોય પણ ને ના પણ હોય. ટેસ્ટ કરવા માટે મુંબઈ મોકલવું પડશે ને થોડા દિવસમાં બાયોપ્સીનો રિપોર્ટ આવે પછી ખબર પડે કે આગળ શું કરવું. ડૉક્ટરની વાત સાંભળીને એક ઘડી તો સલીમના પગ નીચેથી ધરતી ખસી ગઈ. ફરીદાને કૅન્સર? હજી તો એની ઉંમર જ શું છે? ને હજી તો અમે જિંદગીની શરૂઆત જ કરી ત્યાં કૅન્સર? આટલો જ સાથ? ના, ના. કૅન્સર નહીં જ હોય.
‘ડૉક્ટર ગાંઠ તો ઓપરેશનથી નીકળી જાય પછી પણ કેન્સર હોય?’
‘જુઓ, અત્યારથી કંઈ કહેવાય નહીં. ગાંઠ કાઢી નાંખીએ પણ કૅન્સર હોય અને બીજે ફેલાયું હોય તો તેની ટ્રીટમેન્ટ કરવાનું સહેલું રહે. આગળ વધતું અટકે, ને એ જરૂરી નથી કે કૅન્સર એટલે પેશન્ટ મરી જ જાય. સમય પર બરાબર ટ્રીટમેન્ટ થઈ જાય તો બચી જાય. મારી તો સલાહ છે, કે તમે શહેર આવ્યા જ છો તો ઓપરેશન કરાવી જ લો. સમય બગાડવાનો અર્થ નથી.’
સલીમે તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને ફરીદાને હૉસ્પિટલમાં દાખલ કરી દીધી. ઘરે બધી વિગત જણાવી દીધી ને વાત ખાનગી રાખવા જણાવી, જેથી કાકીની દખલગીરી કે હેરાનગતિ શરૂ ન થઈ જાય. ફરીદાનો સ્વભાવ જાણતા સલીમે રિપોર્ટ આવ્યા વગર ફરીદાને કંઈ ન જણાવવાનું નક્કી કર્યું. પોતે પણ પોતાના મનને સમજાવતો રહ્યો, ‘રિપોર્ટ આવ્યા વગર શા માટે ખોટી ચિંતા કરું? ડૉક્ટરે તો ચોખ્ખું કહ્યું જ છે કે, કૅન્સર ના પણ હોય. તો પછી હું ‘ના’ને જ પકડી રાખું ને? એના કરતાં ફરીદાને ના સાચવું? એને ખુશ ના રાખું?’ ને સલીમે બધી ચિંતા બાજુએ મૂકી ફરીદાની સાથે વાતોમાં સમય પસાર કરવા માંડ્યો.
ઘરે પાછા ફર્યા બાદ, ઘરનાં કોઈકની જીભ લસરતાં કૅન્સરની વાત ધીરે ધીરે પૂરા ગામમાં ફેલાઈ ગઈ ને વાત આખરે ફરીદા પાસે પણ આવી જ ગઈ. ફરીદાની આંખે અંધારું છવાઈ ગયું. ‘હાય અલ્લાહ! મને કૅન્સર? આ શું થઈ ગયું? બિચારો સલીમ! મને કેટલો પ્યાર કરે છે! હવે એનું ને મારા દીકરાનું કોણ?’ તદ્દન ભાંગી પડેલી ફરીદાનું તો મગજ બહેર મારી ગયું અને અધુરામાં પૂરું, ગામની સ્ત્રીઓ રોજ ખબર કાઢવાને બહાને ફરીદાને અને ઘરનાંને ગભરાવવા આવવા માંડી. ‘કૅન્સરમાં તો બચાય જ નહીં પણ જો તું ફલાણી જગ્યાના ફકીર કે ઢીંકણી જગ્યાના મૌલવીસાહેબે આપેલું તાવિજ બાંધી દે તો તું બચી જાય.’ ઘરનાંને તો ખરી મુસીબત થઈ ગઈ. કોઈને ના પણ ન કહેવાય કે કોઈને આવતાં અટકાવાય પણ નહીં. સલીમ બધાંના ગયા પછી જેમતેમ ફરીદાને સ્વસ્થ કરતો ત્યાં ફરીદાનું પોતાનું મગજ ફરીથી કામે લાગી જતું. સતત મરવાના વિચારો ફરીદાને શરીરની સાથે મનથી પણ વધુ ને વધુ નબળી બનાવી રહ્યા હતા. આમાં ‘ખરો’ પ્રેમ બતાવવાનો મોકો કાકીને મળી ગયો.
રોજ ખબર કાઢવાને બહાને કાકી તો, ફરીદાને અમુકતમુક પાણી પાઈ જતાં ને બે–ચાર માદળિયા કશેકથી લાવેલાં તે એક દિવસ બાંધી ગયાં. સલીમ ને ફરીદાએ ચૂપ રહેવાનું જ મુનાસિબ સમજ્યું. જેમ તેમ એક એક પળ વિતાવતાં આખરે રિપોર્ટનો દિવસ આવી પહોંચ્યો ને કૅન્સરનો ડર સાચો પડ્યો. હવે નિર્ણયની ઘડી આવી પહોંચી હતી. બંને ઘરનાં સગાંવહાલાં સૌ ભેગાં થઈ ગયેલાં. જાણે ફરીદાની આખરી વિદાયની ઘડી! પણ સલીમની ગજબની હિંમતે ફરીદાને મુંબઈ જવા તૈયાર કરી ને બંને ઉપડ્યાં મુંબઈની હૉસ્પિટલમાં કૅન્સરને બાય બાય કરવા. ફરીદાએ સલીમની જાણબહાર પોતાનાં ઘરેણાંનું બૉક્સ સાથે લઈ લીધું હતું. આ ક્યારે કામ આવશે? વડીલોને પ્રણામ કરી ફરીદાએ મુંબઈ પહોંચતાં વેંત સલીમના હાથમાં પેલું બૉક્સ મૂકી દીધું. ‘પૈસાની ચિંતા નહીં કરતો.’ સલીમે ફરીદાના માથે હાથ ફેરવી એનું માથું ચૂમ્યું, ‘બધું સારું જ થશે, ચિંતા નહીં કર. તું ખુશ રહેશે ને તો જલદી સારી થઈ જશે સમજી? બધી ફિકર બાજુએ મૂકીને સારા વિચારોમાં મન લગાવજે. મારા ને દીકરાના ખાતિર પણ તને કંઈ નહીં થાય જોઈ લેજે.’ ફરીદામાં જીવન જીવવાનું જોશ આવી ગયું અને હૉસ્પિટલની સારવારમાં એણે પૂરા દિલથી સાથ આપ્યો.
સમયસરની સારવાર મળતાં ફરીદા બચી ગઈ અને બચી ગયો એનો નાનકડો પરિવાર. સલીમના પ્યારની ને એની હિંમતની જીત થઈ ને બંને હેમખેમ ઘરે પાછા ફર્યાં. પછી શું થયું? ફરીદા ફરી એજ ઘરેડમાં ગોઠવાઈ ગઈ? ફરી એ જ ઘરકામ ને ફરી એ જ ગામના લોકોની અવરજવર કે નાની મોટી હેરાનગતિ ને કાકીનો ત્રાસ સહન કરવાની મજબૂરી?
ના, સલીમની હિંમતે ને નવા જીવને ફરીદાના વિચારોમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું હતું. સ્વસ્થ થઈને એણે કમ્પ્યુટર શીખી લીધું. દસમું પાસ તો હતી જ. એણે આગળ ભણવાનું નક્કી કર્યું. ઘરે બેઠાં હવે તો જે ભણવું હોય તે ભણાય તે એ જાણતી હતી. જે કોર્સ ગામમાં શક્ય હતા તે કર્યા. ડી એડ અને મોન્ટેસરીના કોર્સ કરવા સાથે એણે ઘરગથ્થુ સીવણનું કામ પણ ચાલુ રાખ્યું ને નાની મોટી બચતમાંથી ઘરમાં જોઈતી વસ્તુઓ વસાવવા માંડી. આ બધામાંથી વાંચવાના શોખને એણે બાજુએ નહોતો મૂક્યો, જેને કારણે એને સ્વસ્થ અને આનંદિત રહેવામાં સાથ મળતો હતો. ફરીદાના જીવનની ગાડી પાટા પર ચડી જતાં જોઈ સૌથી વધુ ખુશી તો સલીમને જ થઈ હશે ને? હવે ફરીદા ઈચ્છે છે, કે ગામની છોકરીઓને પણ ઘેરબેઠાં ભણવા માટે અને પોતાના પગ પર ઊભા રહેવા કે પોતાની કોઈ આવક ઊભી કરવામાં બનતી મદદ કરે. સલામ ફરીદા!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર