તું ડૉક્ટરને ત્યાં જવાની?
‘તું ડૉક્ટરને ત્યાં જવાની?’
‘હા આન્ટી, બહુ દિવસથી મને રોજ તાવ આવે છે ને ખાવાનું પણ નથી ભાવતું. ઊંઘ ઊડી જાય, બેચેની થાય ને બહુ રડવું આવે છે. મને મમ્મીની પણ બહુ યાદ આવે છે. સલીમ કહે છે કે, ડૉક્ટરકાકાને ત્યાં જઈ આવ, નહીં તો શહેરમાં કોઈ સારા ડૉક્ટરને બતાવીએ. એણે તો કેવું આન્ટી, કે સાજીદને પણ સાચવવાનો ને દુકાન પણ સાચવવાની.’ કહેતાં ફરીદા રડી પડી.
‘તો હું તારી માની જગાએ છું ને? તારે મને કહેવું જોઈએ ને? લે આ દવા લઈ લે. ડૉક્ટરને ત્યાં જવાની કોઈ જરૂર નથી. તને ખબર છે ને, કે આપણા ગામમાં કોઈ લેડી ડૉક્ટર નથી ને મરદોની સામે જવાની ઈસ્લામમાં મનાઈ છે. તારી માને પણ હું જ દવા આપતી તને ખબર છે ને? ચાલ તો પછી, ચૂપચાપ આ દવા લઈ લે. આ બધું તો વારસામાં જ આવે. તને પણ તારી માની જેમ જ ડિપ્રેશનનો રોગ છે, બીજું કંઈ નથી, સમજી? હું દવા આપું તે રોજ લેતી રહેજે એટલે સારું થઈ જશે. આ આપણા પાક મક્કાનું પાણી છે તે પણ થોડું ઉમેરજે એટલે જલદી સારી થશે. ચાલ બેટા, હવે ગભરાતી નહીં ને કંઈ થાય તો મને બોલાવજે.’
ઊઠતી વખતે મરિયમે સાવ ખોટા વહાલથી ફરીદાના માથે હાથ ફેરવ્યો અને ઝમઝમની બે બાટલી ટેબલ પર મૂકી રૂમની બહાર નીકળી ગઈ. હાશ! આજે તો આ ગાંડી માની ગઈ છે. હવે એને દર બે ચાર દિવસે આવા એટેક આવતા રહેશે એટલે મારે એનું બરાબર ધ્યાન રાખવું પડશે. ક્યાંક સારી થઈ ગઈ તો મારી જ સામે થશે ને પછી મિલકતમાં ભાગ માગશે. હંહ! આવી મોટી ડૉક્ટરને ત્યાં જવાવાળી. મરિયમે મોં મચકોડી મોંમાંથી માવાના થૂંકની પિચકારી મારી.
ફરીદાની મા સકીના, પરણીને આવી ત્યારથી મરિયમના ધાકમાં રહેવા ટેવાઈ ગયેલી. ઘરમાં હવા જ એવી ઊભી કરાયેલી, કે મરિયમને પૂછ્યા વગર આ ઘરમાં કોઈ પાણી પણ નથી પીતું. સાસુ–સસરા સાથે લડી ઝઘડીને છ જ મહિનામાં જુદી રહી ગયેલી મરિયમે પતિ ને દિયરને પોતાના વશમાં જ રાખેલા, એટલે બહુ સ્વાભાવિક છે કે દેરાણીએ પણ એના તાબામાં જ રહેવું પડે. આમેય સકીના નરમ સ્વભાવની ને કહ્યાગરી, પછી તો મરિયમને ફાવતું જ પડી ગયેલું. ઘરકામ કરાવવાથી માંડીને પોતાની સેવા કરવાનો લાભ પણ એ સકીનાને આપતી રહેતી. સાસુ ને સસરાના ગયા પછી તો ઘરનો ને મિલકતનો કબજો પણ મરિયમે પોતાના હાથમાં જ લઈ લીધો. હવે મિલકતમાં જો આડખીલી બની શકે તો દિયર, દેરાણી કે એમની બે દીકરીઓ. મરિયમને ગળા સુધીની ખાતરી હતી કે, દિયર–દેરાણીના તો જાન માગી લે તો પણ મોટાભાઈના કદમોમાં ધરી દે એવા છે. નાની છોકરી પણ માબાપ પર ગઈ છે. બસ, જો કોઈ નડે તો મોટી છોકરી નડી શકે. ભણવામાં તો હોશિયાર જ છે પણ બહુ ચબરાક ને ચાંપલી છે. એને બધું જ જાણવાનું જોઈએ. એને મારે પહેલેથી જ શાંત કરવી પડશે નહીં તો ગમે ત્યારે એ કોરટ કચેરી કરતાંય નહીં અચકાય. સૌથી પહેલાં તો, એને ભણવા માટે બહાર જ નથી મોકલવાની, કે એ ઉડવા માંડે. અહીં રહેશે તો મારી નજર નીચે તો રહેશે.
મરિયમે પોતાના દીકરાને અને દીકરીને હૉસ્ટેલમાં ભણવા મૂકી દીધેલા, એમ કહીને કે અહીં ગામમાં સારું ભણવાનું નથી. જ્યારે દિયરની બંને દીકરીઓને દસમી પછી સિલાઈ મશીન અપાવી દીધેલાં. બેસીને સીવ્યા કરો હવે પોતાનાં કપડાં, લોકોનાં કપડાં અને પોતાની જિંદગી. સકીનાની સાદી સીધી માંદગીમાં પણ મરિયમે ડિપ્રેશનની દવાના ડોઝ ચાલુ કરી દીધેલા. ધીરે ધીરે સકીના અર્ધો દિવસ ઘેનમાં જ રહેવા લાગી. એનો પોતાની બોલચાલ પર ને કામકાજ પર કાબૂ રહેતો નહીં. દિયરના અને દીકરીઓના મનમાં પણ ઠસી ગયેલું, કે સકીના અર્ધપાગલ થઈ ગઈ છે. પછી તો, સકીના બધાંની દયા પર જીવવા લાગી. દીકરીઓના માથે જવાબદારી આવી પડી ને તેમાંય ફરીદા મોટી એટલે એના પર તો પૂરા ઘરની જવાબદારી. સમાજના નિયમ અનુસાર બંને દીકરીઓ ઉંમર થતાં સારું ઘર મળતાં પરણી ગઈ, જે મરિયમને તો ખૂંચ્યું જ પણ મિલકતમાંથી હિસ્સા બાદ થતાં આનંદ પણ થયો. હાશ! બલા ટળી. જોકે બંને દીકરીઓ ગામમાં જ પરણે, એવો એનો આગ્રહ કેટલો સ્વાર્થી હતો તે કોણ સમજી શક્યું હતું? નજીક રહીને માબાપની કાળજી રાખે, પોતાનાં નાનાં મોટાં કામ પણ કરતી રહે અને પોતાના તાબામાં પણ રહે. દૂર રહીને એ લોકો શું ખીચડી પકાવે કોણ જાણે?
ફરીદા એના પતિ–સલીમ અને બે વર્ષના દીકરા સાથે ખુશ હતી. સાસરામાં પણ બધાં હળી મળીને રહેતાં ને ફરીદાને કોઈ વાતે કમી નહોતી. અવારનવાર માબાપની ખબર કાઢવા પહોંચી જતી ફરીદા માની હાલત જોઈ દુ:ખી થતી પણ બધું તો એના હાથમાં ન હોય ને? આન્ટીથી બને તેટલી દૂર રહેવાની અને એમની વાતને મન પર ન લેવાનું માને સમજાવી આવતી. જોકે કુદરતે હજી ફરીદાની આકરી પરીક્ષા લેવી હોય, એમ એને એક ગંભીર બિમારીએ પરેશાન કરવા માંડી. એને શ્વાસ લેવામાં થોડી તકલીફ થવા માંડી. ખોરાક લેતાં કે પાણી પીતાં, ગળામાં કંઈક અટકતું હોય એમ ગળવામાં પણ તકલીફ ચાલુ થઈ. અવાજ ઘોઘરો થવા માંડ્યો અને ઝાડા–પેશાબમાં પણ તકલીફ શરૂ થઈ ગઈ. બોચીનો દુખાવો કાન સુધી રહેવા માંડ્યો અને વગર શરદી કે ઉધરસે એને કફ થઈ ગયો! એને બોચી પર એક ગુમડું થયું હતું. અને આ બધી નિશાની થાઈરોઈડના કૅન્સરની હતી! હવે તો શહેર ગયા વગર છૂટકો જ નહોતો. ફરીદા શહેર જશે? ટ્રીટમેન્ટ કરાવશે કે પછી આન્ટીની દવાથી સારી થઈ જશે? કોણ જાણે.
(ક્રમશ:)
(સત્ય ઘટના પર આધારિત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર