ડહાપણ
જ્યારથી રુખી હજાર રૂપિયા ઉપાડના લઈ ગઈ છે, ત્યારથી મારા મનને ચેન નથી. એવું નથી, કે મને રુખી પર વિશ્વાસ નથી. એ પૈસા પાછા નહીં વાળે, કે પછી એ છાસવારે પૈસા માગે છે એવુંય નથી. એ કામચોર પણ નથી ને કામ વગર રજા પણ નથી લેતી. થોડા દિવસમાં બધા પૈસા પાછા પણ વાળી જ દેશે. તો પછી? વાંધો ક્યાં છે? એવું તે શું છે, કે રુખીના ઉપાડથી હું બેચેન બની ગઈ છું?
મૂળ વાંધો, મને એ લોકોના એવા રીતરિવાજોને મારી મચડીને પકડી રાખવા પર છે, જેની પાછળ ખર્ચો થાય છે. જે રિવાજોને પોષવા લાલચુ બ્રાહ્મણોનાં પેટ ભરાય છે, એમને દક્ષિણા અપાય છે, એમની ચરણરજ લેવાય છે અને એમને લાંબા થઈને પગે પડીને આશીર્વાદ પણ લેવાય છે! તેમાંય આ રુખી જેવાં અભણ ને ગરીબ બિચારાં, પોતાના પગારમાંથી બચાવેલા પૈસાને આમ ઉડાડે તે જ મારાથી સહન નથી થતું. ઘરમાં જે ભક્તિ કે પૂજા કરવી હોય તે કરીને ભગવાનને પગે લાગી લો, કે બધું આવી ગયું એમાં. પણ, મોટો વાંધો જ ત્યાં છે, કે રુખીને એક શબ્દ કહી શકાતો નથી. એક વાર સમજાવવાની કોશિશ કરેલી, તો રુખી હેબતાઈ ગયેલી.
‘ના બેન, અમારા પર ભગવાનનો કોપ ઉતરે, કોઈને બો ભારી માંદગી આવી જાય નીં તો કોઈ મરી જાય.’
મારા હાથ તો આટલું સાંભળતાં જ હેઠા પડી ગયેલા. આને હવે કેવી રીતે સમજાવવી? એના દીકરાની વરસી છે. પચીસ–ત્રીસ લોકોને એ જમાડવાની છે ને બ્રાહ્મણને પણ બોલાવ્યો છે. મને તો તરત જ વિચાર આવ્યો, આ લોકો ઘરનાં જ જમી લે ને સાદી જ પૂજામાં ટૂંકમાં ના પતાવી શકે? પણ ના, હજાર રૂપિયા મારી પાસે લીધા ને બીજા એકાદ બે હજાર તો એ આરામથી ખરચી કાઢશે. મેં જીવ બાળવામાં થોડો ટાઈમ કાઢ્યો ને પછી કામે લાગી પણ રુખી દિમાગમાંથી કેમ જાય?
ત્રીજી સવારે રુખી કચરો વાળતી હતી, કે મેં એને મારી બેચેનીનો અંત લાવવા ઊભી રાખી.
‘રુખી, બધું થઈ ગયું સારી રીતે?’
‘હા બેન, બધું હારી રીતે પતી ગયું.’ રુખીના ચહેરા પર સંતોષની છાયા ફરી વળી.
‘કેટલા લોકોને જમાડ્યા?’
‘પડોહનાં ને હગાવાલા મળીને તીસેક જણ થયેલા.’ કંઈક કર્યાનો આનંદ ઝળક્યો.
‘મહારાજને જમાડીને કેટલા પૈસા આપ્યા?’ મારા અવાજમાં રહેલા ઉપહાસને એ બિચારી ક્યાંથી ઓળખે?
‘બે જણને જમાડીને, થોડુ થોડુ હીધુ બાંધી આઈપુ ને પાનસો રૂપિયા આઈપા.’ રુખીએ તો હોંશે હોંશે બધું ગણાવ્યું પણ સાંભળીને મારું તો માથું જ ફરી ગયું. કંઈ નહીં તો, મહારાજે તો માણસ જોઈને દક્ષિણા લેવી જોઈએ! મને રુખી પર દયા પણ આવતી હતી ને ગુસ્સો પણ. શું થાય? લાચારી સિવાય કંઈ નહીં. રુખીને આ બધું નૉર્મલ લાગતું હોવાથી એ ફરી વાળવા જતી રહી.
‘રુખી, અહીં આવ તો.’ રુખીને વાતમાં નાંખીને ધીરે રહીને બધું સમજાવવાના ઈરાદે મેં એને ફરી બોલાવી.
‘હા બેન, હું કેઓ?’
‘આ તારો એક જ છોકરો હતો કે?’
‘હા બેન, એક છોકરો ને બે છોકરી.’
‘કેટલા વરહ થીયા એને ગુજરી ગયાને?’
‘આ પંદરમું વરહ ચાલે?’
‘ઓહો! પંદર વરહ? તો ત્યારે એ કેટલા વરહનો ઉતો?’
‘બેન, એમ તો એ બાર વરહનો જ ઉતો. આજે હત્તાવીનો ઓતે.’
‘માંદો હતો?’ હું વાતમાં ખેંચાતી ગઈ.
‘ના રે, માંદો બાંદો કઈ નીં બેન. એ તો એના દોસ્તારે હાથે ફરવા ગયેલો. તાં જ કોણ જાણે હું થઈ ગીયુ. અમને તો બીજે દાડે ખબર પડી, અમારા પડોહના પોઈરાએ આવીને કે’યુ ત્યારે, કે રેલવેના પાટે તમારો પોઈરો પડેલો છે. અમે તો વે’લા વે’લા ગીયા ને એનું પોસમોટમ થીયુ પછી ઘેરે લાવેલા. કોણ જાણે હું થઈ ગયલુ, કંઈ હો ખબર નીં પડેલી બેન.’ રુખીની આંખમાંથી વહેતી ધારાને રોકવા મારી પાસે શબ્દો નહોતા. મેં એને બરડે હાથ ફેરવ્યો. મારી આંખો પણ ભીની હતી.
જરા સ્વસ્થ થતાં એ બોલી, ‘બસ, ત્યારથી જ એના આત્માની સાંતિ હારુ વરહમાં એક વાર આમ બામણ જમાડીને હગાવાલાને હો જમાડી લેઉં. મને હો લાગે કે મારો દીકરો હરગમાં સુખી ઓહે.’
મારે બોલવાનું કંઈ રહ્યું જ નહીં. શું બોલું? એમ કહું, કે ‘આ બધું કંઈ માનવાનું નહીં. સ્વર્ગ નરક જેવું કંઈ નથી. તું નકામી પૈસા નહીં બગાડ દર વરસે. એના કરતાં તારી છોકરીઓને એટલા પૈસા આપજે, તો કામ આવે એ લોકોને. મરનાર તો પાછો નહીં આવે પણ જે તારી સાથે છે તેમને જો.’
ના, મારાથી એક પણ અક્ષર બોલાયો નહીં. રુખીનાં આંસુએ મને હચમચાવી કાઢી. મારું ડહાપણ મારી પાસે જ રાખી મેં રુખીને કહ્યું, ‘રુખી, તું જે કરે છે ને તે બરાબર જ કરે છે. એનાથી તારા છોકરાના આત્માને ચોક્કસ જ બહુ શાંતિ મળતી હશે. મારી પણ પ્રાર્થના છે, કે તારો છોકરો જ્યાં હોય ત્યાં ખુશ રહે.’ અમારા બંનેની આંખમાં સંતોષની ઝલક હતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર